
વિન્ડોઝ-૧૧ આખરે સામાન્ય યૂઝર્સને મળવાનું શરૂ થઈ ગયું છે. માઇક્રોસોફ્ટ કંપનીની આ ઓપરેટિંગ સિસ્ટમમાં લાંબા સમય પછી ખાસ્સા મોટા ફેરફારો આવ્યા છે. વિન્ડોઝનું આ નવું વર્ઝન કમ્પ્યૂટરને બિલકુલ નવો લૂક આપે છે, મલ્ટિટાસ્કિંગની નવી સગવડો આપે છે અને અમુક શરતોને આધિન એન્ડ્રોઇડ એપ્સ પીસી પર ચલાવવાની પણ તક આપે છે!
જો તમે નજીકના ભૂતકાળમાં નવું લેપટોપ ખરીદ્યું હશે અને તેમાં વિન્ડોઝ-૧૦નું જેન્યુઇન વર્ઝન સામેલ હશે તો તમે સહેલાઈથી વિન્ડોઝ-૧૧માં અપગ્રેડ થઈ શકશો. વિન્ડોઝના અન્ય અપડેટ્સ તમે જે રીતે ઇન્સ્ટોલ કરતા હશો કંઈક એ જ રીતે આ પ્રોસેસ કરવાની છે. વિન્ડોઝ-૧૦ના સર્ચ બોક્સમાં ‘વિન્ડોઝ અપડેટ સેેટિંગ્સ’ સર્ચ કરીને તેનું પેજ ઓપન કરી લેશો એટલે તમને વિન્ડોઝ-૧૧ મળે તેમ છે કે નહીં તે ખબર પડી જશે.
અલબત્ત જો તમે તમારા લેપટોપમાં અમુક ખાસ પ્રોગ્રામ્સનો ઉપયોગ કરતા હો તો તે વિન્ડોઝ-૧૧ કમ્પિટિબલ છે કે નહીં તે તપાસ્યા પછી જ વિન્ડોઝનું વર્ઝન અપડેટ કરવાનો નિર્ણય કરશો.
લેપટોપને બેટરી પર રાખવાને બદલે પાવર પ્લગ્ડઇન કરીને નવું વર્ઝન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું હિતાવહ છે.
તમે ઇચ્છો તો વિન્ડોઝ-૧૦માં જ રોજિંદી રીતે કામ આગળ ધપાવી શકો છો. કંપની છેક ૨૦૨૫ સુધી વિન્ડોઝ-૧૦ને સપોર્ટ કરવાની છે અને ત્યાં સુધી આપણને તેના અપડેટ્સ મળતા રહેવાના છે. જો તમે તમારા લેપટોપમાં રોજિંદા પ્રોગ્રામ્સનો ઉપયોગ કરતા હો અને તે વિન્ડોઝ-૧૧માં ચાલવાની ખાતરી હોય તો વિન્ડોઝ-૧૧ ચોક્કસપણે ઘણી નવી ખૂબીઓનો લાભ આપે છે.

તમે જ્યારે પણ વર્ઝન અપગ્રેડ કરવાનો નિર્ણય કરો ત્યારે પૂરતો સમય લઇને આ કામ કરવા જેવું છે. લેપટોપને બેટરી પર રાખવાને બદલે પાવર પ્લગ્ડઇન કરીને નવું વર્ઝન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું હિતાવહ છે.
આખી પ્રક્રિયા દરમિયાન કમ્પ્યૂટર વારંવાર રીસ્ટાર્ટ પણ થશે પરંતુ એ પછી વિન્ડોઝનું નવું વર્ઝન સામે આવશે ત્યારે એમાં કામ કરવાની મજા જુદી જ હશે! વિન્ડોઝ-૧૧ની નવી ખૂબીઓની વાત આપણે આગળ ઉપર કરતા રહીશું.

