(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારા બિઝનેસના ડિજિટલ માર્કેટિંગ માટે જાતે ક્રિએટ કરો આકર્ષક ઇમેજીસ!

તમારા નાના બિઝનેસ માટે ડિઝાઇનર હાયર કરવા પરવડે તેમ ન હોય, તો એ કામ જાતે કરી શકો છો, મફતમાં.

તમારો બિઝનેસ કોઈ પણ પ્રકારનો હોય, તેનું સોશિયલ મીડિયા પર માર્કેટિંગ હવે અનિવાર્ય બની ગયું છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મેસેન્જર, ટ્વીટર અને જો તમે પિન્ટરેસ્ટ પર પણ એક્ટિવ હો તો એવું બનતું હશે કે આ બધા સોશિયલ પ્લેટફોર્મ્સ પર અન્ય લોકોની પોસ્ટ્સ અને ક્રિએટિવ ઇમેજીસ જોઈને તમને વિચાર આવી જતો હશે કે આવી રીતે આપણી પ્રોડક્ટ કે સર્વિસનું પણ પ્રમોશન થવું જોઈએ!

સોશિયલ મીડિયા પર માત્ર ટેક્સ્ટ મેસેજને બદલે ઇમેજ અને વીડિયો ચોક્કસપણ લોકોનું વધુ ધ્યાન ખેંચે છે. એટલું ખરું કે વોટ્સએપમાં રોજેરોજ અનેક ઇમેજનો મારો થતો હોવાથી હવે મોટા ભાગના લોકો તેમાં ઇમેજ અને વીડિયો આપોઆપ ડાઉનલોડ ન થાય, માત્ર પોતે ઇચ્છે અને ક્લિક કરે એ જ ઇમેજ/વીડિયો ડાઉનલોડ થાય એવું સેટિંગ કરતા હોય છે. આથી, તમારે વોટ્સએપમાં તમારા મેસેજિસ  હંમેશા ક્રિએટિવ અને સ્પેશિયલ હોય છે એવી છાપ કેળવવી પડશે, જેથી લોકો તમારી ઇમેજ ડાઉનલોડ કરી ઓપન કરવા માટે પ્રેરાય. અન્ય સોશિયલ મીડિયા પર આવો અંતરાય નથી.

સોશિયલ મીડિયા પર આકર્ષક ઇમેજનો દબદબો છે. સારી ઇમેજની મદદથી, તમે પોટેન્શિયલ બાયરનું ધ્યાન તરત ખેંચી શકો. પ્રોફેશનલ ડિઝાઇનર્સ આ કામ વધુ સારી રીતે કરી શકે, પણ તેમની ગેરહાજરીમાં જાતે પણ શકી શકાય તેવાં ટૂલ્સ છે.

વોટ્સએપ હોય કે ફેસબુક, તમારા મેસેજમાં ઇમેજ ઉમેરતાં જ તેના પર રીએક્શનનું પ્રમાણ લગભગ બમણું થઈ જવાની ગેરંટી. કમ સે કમ, લોકોનું ધ્યાન તો વધુ ખેંચાવાનું જ. શરત એટલી કે ઇમેજ ખરેખર આઇકેચિંગ હોવી જોઈએ. ઇન્સ્ટાગ્રામ કે પિન્ટરેસ્ટમાં તો ઇમેજ પહેલી જોઈએ.

પરંતુ આપણું કામકામ હજી નાનું હોય ત્યારે આપણને કોઈ ફ્રીલાન્સ ડિઝાઇનર કે એજન્સી હાયર કરવાનું પરવડે નહીં! સદનસીબે ઇન્ટરનેટ પર એવાં કેટલાંય ટૂલ્સ છે, જે ડિઝાઇનિંગની ખાસ આવડત ન હોય તો પણ સોશિયલ મીડિયા પર ચોક્કસ દોડે તેવાં ક્રિએટિવ ફટાફટ બનાવવાની સગવડ આપે છે.

અહીંથી આગળ આવાં ટૂલ્સ કેવી રીતે પસંદ કરવાં તેની વાત કરી છે અને ચાર, એકબીજાથી ખાસ્સાં અલગ ટૂલ્સની   સરખામણી પણ કરી છે. તો હવે તમારી પ્રોડક્ટના ફક્ત સાદા ફોટો શેર કરવાનું છોડો, થોડા વધુ ક્રિએટિવ થાઓ અને પછી જુઓ સેલ કેવું વધે છે!

બિઝનેસ નાનો હોય ત્યારે ટીમ પણ નાની હોય. ઘણા કિસ્સામાં વન-મેન-આર્મી જ બિઝનેસ સંભાળતી હોય. આવી સ્થિતિમાં નવું કામ શોધવું, ઓર્ડર મેળવવા, તે માટે જરૂરી બધું કામ કરવું, ફિઝિકલ પ્રોડક્ટ હોય તો તે ડિસ્પેચ કરવી, પેમેન્ટ મેળવવું, આવક-જાવકના હિસાબકિતાબ રાખવા… આ બધામાં સૌથી મહત્ત્વના કામ – બિઝનેસના પ્રમોશન તરફ પૂરતું ધ્યાન આપી શકાતું નથી.

ડિજિટલ માર્કેટિંગ અને તેમાં ચોક્કસપણે સારી રીતે ડિઝાઇન થયેલી ઇમેજનું મહત્ત્વ આપણે બરાબર સમજતા હોઈએ તો પણ ડિઝાઇનિંગની આવડત કે એ માટે જરૂરી સોફ્ટવેર કે ટૂલ્સના અભાવે આપણે તેના પર ફોકસ કરી શકીએ નહીં.

અહીં તમારું કામ આસાન બનાવે અને ખાસ્સી સહેલાઈથી ઇમેજ ક્રિએટ કરી શકાય એવાં ટૂલ્સની વાત કરી છે. આ સિવાય તમે જાતે પણ, આ પ્રકારનાં ઘણાં ટૂલ્સ શોધી શકશો.

ફક્ત આ ટૂલ પસંદ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી, કયા પ્રશ્નો વિચારવા અને કોને કેટલું મહત્ત્વ આપવું વગેરે પહેલાં જાણી લો અને પછી આગળ આપેલાં ચારેય ટૂલ વારાફરતી તપાસી લો!

આવું ટૂલ કે સર્વિસ પસંદ કરતી વખતે કઈ કઈ બાબતો તપાસવી તે જાણો

(1) ટૂલ કેટલું રીસ્પોન્સિવ છે?

આ પ્રકારનાં મોટા ભાગનાં ટૂલ વેબ ટૂલ્સ હોય છે એટલે કે તેને ડાઉનલોડ કરી શકાતાં નથી, માત્ર ઓનલાઇન ઉપયોગ કરી શકાય. આથી નબળા કનેક્શનમાં પણ તે સારું કામ આપે તે જરૂરી છે.

(2) મોબાઇલ એપ્સ ઉપલબ્ધ છે?

મોટા ભાગનાં ડિઝાઇન ટૂલનો ઉપયોગ પીસી કે લેપટોપ પર સહેલો બને છે, પણ તમારી પાસે એ સુવિધા ન હોય તો અમુક ટૂલ્સ મોબાઇલ એપ સ્વરૂપે પણ ઉપલબ્ધ હોય છે. એ પણ તપાસો.

(3) ઉપયોગ કેટલો સહેલો છે?

ટૂલ ડિઝાઇનર માટે નહીં, તમારી માટે ડિઝાઇન થયેલું હોવું જોઈએ, જેનું મુખ્ય કામ ડિઝાઇનિંગ નથી. એનો ઉપયોગ શીખવા માટે કે કરવા માટે તમારે ઝાઝો સમય ફાળવવો પડે તો એ સરવાળે મોઘું પડે!

(4) વધુ પડતાં ફીચર્સ છે?

ઘણાં ટૂલ્સ હોય જબરજસ્ત, પણ એમાં તમારી જરૂિરયાત કરતાં વધુ ફીચર્સ હોય. હેતુ માત્ર સોશિયલ મીડિયા માટે, ફટાફટ સરસ ઇમેજ ક્રિએટ કરવાનો હોય તો વધુ ફીચર્સ ઉલટાનાં નડશે.

(5) લાંબા ગાળે, વિવિધ ઉપયોગ શક્ય છે?

એ પણ વિચારો કે લાંબા ગાળે તમે સોશિયલ મીડિયા ઉપરાંત ઈ-મેઇલ માર્કેટિંગ, પ્રિન્ટેડ બ્રોશર વગેરે પણ ડિઝાઇન કરવા માગતા હો, તો કયું ટૂલ તમને લાંબા ગાળા મદદરૂપ થશે?

(6) પેઇડ પ્લાન્સ પણ તપાસો

આ પ્રકારનાં ટૂલ્સમાં ફ્રી અને પેઇડ બંને પ્લાન્સ હોવાના. ફ્રી પ્લાનથી શરૂઆત કરશો, એ પછી એક સમયે પેઇડ પ્લાનમાં ઝંપવાવવાનો વિચાર આવશે. ત્યારે જે વધુ ફાયદાકારક હોય તે પહેલેથી પસંદ કરો.

તમે પહેલી જ વાર, કોઈ ઓનલાઇન ટૂલની મદદથી સોશિયલ સાઇટ્સ માટે ઇમેજ ક્રિએટ કરવાની વિચારી રહ્યા છો? આ સાઇટ તમારે માટે સૌથી સહેલો રસ્તો બની શકે છે. તમે સાઇટ પર પહોંચશો એટલે ૪-૫ સ્ટેપમાં શું કરવાનું છે એ સમજાવવામાં આવશે, પછી સીધા જ ડિઝાઇન બોર્ડ પર પહોંચશો!

ચાહો તે ઇમેજ સર્ચ કરો અથવા તમારી પોતાની ઇમેજ અપલોડ કરો, તેના પર જોઈતું લખાણ લખો, ઇચ્છો તો ફોન્ટ બદલો અને તમારી ઇમેજ શેરિંગ અથવા ડાઉનલોડ કરવા માટે તૈયાર. બિઝનેસ માટે નહીં, ફક્ત હોબી માટે તમે સરસ ક્વોટ્સ બનાવીને શેર કરી શકો છો. પરંતુ ઇમેજ અને ટેક્સ્ટથી વિશેષ આમાં કશું જ ડિઝાઇનિંગ નથી. અહીંથી શરૂઆત કર્યા પછી તમે આગળ આપેલી અન્ય સર્વિસ પણ તપાસશો એટલે તરત ખ્યાલ આવશે કે આ ટૂલ કેમ તદ્દન પ્રાથમિક છે. વાસ્તવમાં આ ટૂલ ‘બફર’ નામની સર્વિસના પ્રમોશન માટે છે.

સિરિયસ ડિજિટલ માર્કેટિંગને બદલે માત્ર પોતાની મનગમતી ઇમેજ સાથે ક્વોટેશન્સ શેર કરવાની તમને હોબી હોય તો આ સર્વિસ તમને કામ લાગશે.

આ સર્વિસ વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર ચોક્કસ પ્લાન મુજબ પોસ્ટ્સ મૂકવાની સગવડ આપે છે.  તેના ફ્રી વર્ઝનમાં તમે ૩ સોશિયલ ચેનલ પસંદ કરી શકો અને તેમાં એક પછી એક, તમારા શિડ્યુલ મુજબ પોસ્ટ થાય એ રીતે વધુમાં વધુ ૧૦ પોસ્ટની ક્યૂ તૈયાર કરી શકો છો. આ પ્રકારની બીજી સર્વિસ પણ હોય છે. પાબ્લો માત્ર સાદી ટેક્સ્ટ સાથે ઇમેજ ક્રિએટ કરી આપે છે.

જુઓઃ https://pablo.buffer.com

માંડ એક દાયકા પહેલાં, ગ્રાફિક ડિઝાઇનિંગ માત્ર કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરેલા સોફ્ટવેરથી જ થઈ શકતું. એડોબ ઇલસ્ટ્રેટર અને કોરલ ડ્રો જેવા પ્રોગ્રામ્સનો દબદબો હતો. પછી, ૨૦૧૩માં ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સના આખી દુનિયાના કેપિટલ સમી, અમેરિકાની સિલિકોન વેલીથી જોજનો દૂર, ઓસ્ટ્રેલિયામાં એક મહિલાએ ‘કેનવા’ નાનું ડિઝાઇન સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેની ખાસિયત એ હતી કે તેમાં ઇલસ્ટ્રેટર કે કોરલ ડ્રો જેવી જ ડિઝાઇન્સ, ઓનલાઇન તૈયાર થઈ શકે છે, ખાસ કોઈ આવડત વિના. તેનું ફ્રીમિયમ મોડેલ જબરુ ચાલ્યું અને મીડિયા ઇમેજ ક્રિએશન માટે ‘કેનવા’ બહુ જાણીતું નામ બની ગયું.

ડિજિટલ પ્રમોશનની શરૂઆત કરતા હો કે પછી તેમાં ખાસ્સા આગળ વધ્યા હો, કેનવા તમને ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે છે.

તમે તેના ફ્રી એકાઉન્ટમાં પણ અઢી લાખ ફ્રી ટેમ્પ્લેટ્સ અને હજારો ગ્રાફિક્સ, ફોટોઝનો ઉપયોગ કરી શકશો. વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક પોસ્ટ, કવર, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, યુટ્યૂબ ઇમેજ, પોસ્ટર, લોગો,  વીડિયો, પ્રેઝન્ટેશન વગેરે, બધું ડ્રેગ એન્ડ ડ્રોપ એડિટરની મદદથી ડિઝાઇન કરી શકશો. પહેલાં કોરો કેનવાસ મળે, જે જોઈએ એ એલિમેન્ટ બાજુની પેનલમાંથી ખેંચી લાવો, ટેક્સ્ટ એડિટ કરો એટલે ડિઝાઇન તૈયાર! કેનવાની મોબાઇલ એપ પણ છે. ડિઝાઇન તૈયાર થયા પછી તમે તેને ડાઉનલોડ કરી શકો અથવા ડાયરેક્ટ સોશિયલ સાઇટ્સ પર શેર કરી શકો.

કેનવામાં ટેમ્પ્લેટ-ડ્રીવન એપ્રોચ છે, બધું જ રેડી છે – ખેંચી લાવો, એડિટ કરો, શેરિંગ માટે રેડી. એમાં કંઈ ખૂટતું લાગે તો પછી આ સાઇટ પર નજર દોડાવવી પડે. કેનવા લોકપ્રિય થયા પછી, ૨૦૧૬માં ‘ડિઝાઇનર’ નામની આ સર્વિસ લોન્ચ થઈ. એમાં પણ બધું જ ઓનલાઇન થઈ શકે છે.

કેનવાની જેમ, ડિઝાઇનરમાં પણ, ફ્રી પ્લાનમાં પણ, હજારો ટેમ્પ્લેટ્સ અને અઢળક ફ્રી ઇમેજિસ ને આઇકોન્સ તો છે જ, એથી આગળ વધીને તમારી રીતે ડિઝાઇનમાં ધાર્યા ફેરફાર કરવાનાં ટૂલ્સ પણ મળશે.

ચાહો તો તમારી ડિઝાઇનમાં પીડીએફ ઇમ્પોર્ટ કરીને તેને પણ એડિટ કરી શકો. તમારા કંપનીના લોગો, ફિક્સ્ડ ડિઝાઇન્સ વગેરેની પર્સનલ લાઇબ્રેરી પણ બનાવી શકાય. પીસી, મેક, એન્ડ્રોઇડ, આઇઓએસ વગેરે બધામાં ઉપયોગ કરી શકાય છે.

કેનવામાં ઘણું બધું છે, છતાં જે કંઈ ખૂટે છે, લગભગ એ બધું જ ડિઝાઇનર સર્વિસમાં મળી શકે છે. શીખતાં કદાચ થોડી વાર લાગી શકે.

કેનવાની સરખામણીમાં આ સર્વિસનો પેઇડ પ્લાન થોડો સસ્તો છે. તેમાં પાંચ લોકોની ટીમ મહિને રૂા. ૩૭૫ જેટલી ફી (કેનવામાં રૂ. ૪૯૯)   ચૂકવી પેઇડ મેમ્બરશીપના લાભ લઈ શકે છે.

તમે પોતાના બિઝનેસના પ્રમોશનનો વિચાર કરી રહ્યા હો કે પછી ડિજિટલ માર્કેટિંગની એજન્સી શરૂ કરવાનું વિચારતા હો, કેનવા અને ડિઝાઇનર બંનેમાંથી એક પર તમે પસંદગી ઢોળી શકો છો.

આ લેખમાં આ પહેલાં જે ત્રણ સર્વિસની વાત કરી છે તેમાં પહેલી તો માત્ર ઓનલાઇન ઇમેજ ક્રિએશનનો સ્વાદ ચાખવા પૂરતી છે. ડિજિટલ માર્કેટિંગ બાબતે તમે સિરિયસ તો કેનવા અને ડિઝાઇનર તમારી બધી જ જરૂરી પૂરી કરશે, પણ તમે એથી પણ દૂરનું વિચારી રહ્યા હો તો એડોબ સ્પાર્ક નામની સર્વિસ તરફ નજર દોડાવી જુઓ.

઼િડઝાઇનિંગ અને પબ્લિશિંગની દુનિયામાં એડોબનો દબદબો છે, તેનાં સોફ્ટવેર પ્રોફેશનલ્સની પહેલી પસંદ છે, એ જોતાં એડોબ બિગિનર્સ માટે પણ ફ્રી ટૂલ આપે એમાં નવાઈ નથી.

અલબત્ત, એડોબની ખાસિયત મુજબ અન્ય સર્વિસની સરખામણીમાં એડોબ સ્પાર્કમાં ફ્રીમાં બહુ સગવડો મળશે નહીં. કેનવા અને ડિઝાઇનર જેટલી તો બિલકુલ નહીં.

તમે ફક્ત પોતાના માટે નહીં, અન્યોના બિઝનેસ માટે પણ ડ઼િજિટલ પ્રમોશનનો વિચાર કરી રહ્યા હો તો એડોબનાં સોલ્યુશન્સ કામનાં છે.

પરંતુ એટલું ચોક્કસ કે તમારો બિઝનેસ જોરશોરથી આગળ વધી રહ્યો હોય, તમને નજીકના ભવિષ્યમાં ફ્રી ઓનલાઇન ટૂલ્સથી સંતોષ રહેવાનો ન હોય, તમે તમારી  ટીમ વિસ્તારી રહ્યા હો, તમે એડોબના અન્ય ક્રિએટિવ ટૂલ્સનું સબસ્ક્રિપ્શન ભરવાનું વિચારી રહ્યા હો, તો એડોબ સ્પાર્કમાં ઝંપલાવી શકાય, કેમ કે તે કંપનીનાં અન્ય ટૂલ્સ સાથે સારી રીતે ઇન્ટીગ્રેટેડ છે.

જુઓઃ https://spark.adobe.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!