
એક તરફ માઇક્રોસોફ્ટે તેના એકાઉન્ટમાંથી પાસવર્ડની બાદબાકી કરી છે અને બીજી તરફ, વોટ્સએપમાં પાસવર્ડ ઉમેરાયા છે! આમ તો અત્યાર સુધી વોટ્સએપ મુખ્યત્વે ફોન આધારિત એપ હોવાથી, ફોનમાં તેને ઇનસ્ટોલ કર્યા પછી આપણે ફક્ત એપ ઓપન કરવાની રહે, કોઈ પાસવર્ડ આપીને લોગ-ઇન થવાનું હોતું નથી. પરંતુ વિવિધ કારણોસર વોટ્સએપમાં પાસવર્ડ ઉમેરાયા છે. તમે તેનો કદાચ ઉપયોગ કરતા નહીં હો, પણ જાણવું જરૂરી છે.
વોટ્સએપમાં પણ ટુ-સ્ટેપ વેરિફિકેશન
હા, વોટ્સએપમાં પણ ટુ-સ્ટેપ વેરિફિકેશન છે. ફક્ત તેનો ઉપયોગ મર્યાદિત છે. તમે નવા ફોનમાં, પોતાના નંબરથી વોટ્સએપનો ઉપયોગ ફરી શરૂ કરો ત્યારે આ પિન આપો તો જ આગળ વધી શકાશે. બીજી કોઈ વ્યક્તિ આપણી જાણ બહાર વોટ્સએપમાં આપણા નંબરથી રજિસ્ટ્રેશન ન કરી શકે એ માટે આ સગવડ કામની છે. તેનો લાભ લેવા વોટ્સએપના સેટિંગ્સમાં, એકાઉન્ટમાં, ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરી, છ અંકનો પિન સેટ કરી શકાશે. વોટ્સએપ ક્યારેક ક્યારેક તમને આ પિન પૂછશે, જેથી તમે તે ભૂલી ન જાઓ. વધારાની સુવિધા માટે, તેમાં ઈ-મેઇલ ઉમેરી શકાય છે, જેથી પિન ભૂલી જાઓ તો તેમાં જોઈતી મદદ મળી શકે. એ યાદ રાખશો કે તમે ફોન લોક્ડ ન રાખતા હો, તો આ નવા તાળાનો કોઈ અર્થ નથી. તેના કારણે અન્ય વ્યક્તિને તમારા ફોનમાં ઘૂસતાં રોકી શકાશે નહીં.
બેકઅપમાં પણ પાસવર્ડ
આ વર્ષની શરૂઆતમાં ભારત સરકાર અને સોશિયલ મીડિયા સાઇટ્સે એકમેક સામે શિંગડાં ભરાવ્યાં હતાં એ તમને યાદ હશે. યૂઝર તરીકે આપણે એ મુદ્દો ભૂલીને પોતપોતાના ફેવરિટ સોશિયલ પ્લેટફોર્મ પર ફરી પરોવાઈ ગયા છીએ પરંતુ સરકાર કે સોશિયલ સાઇટ્સમાંથી કોઈ એ ખેંચતાણ સહેલાઈથી ભૂલી શકે તેમ નથી.
ભારત સરકારે સોશિયલ મીડિયા સાઇટ્સ માટે તેના યૂઝર્સના મેસેજ ટ્રેક કરવાનું ફરજિયાત બનાવ્યું છે, જેથી જ્યારે કોઈ પણ સોશિયલ સાઇટ પર, કોઈ પણ રીતે વાંધાજનક કે કાયદાની વિરુદ્ધ હોય તેવી પોસ્ટ શેર થાય ત્યારે તે પહેલી વાર કોણે શેર કરી એ તપાસી શકાય. ભારતના નવા નિયમોમાં બીજી ઘણી બધી જોગવાઈઓ છે, પણ મૂળ મુદ્દો એ છે કે વાંધાજનક પોસ્ટ દૂર કરવી અને તેના મૂળ સુધી પહોંચવું.
ફેસબુક કે ટવીટર જેવી જે સર્વિસ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સગવડ આપતી નથી તેમને માટે આ નિયમનું પાલન બહુ મુશ્કેલ નથી, કેમ કે તે પોતાના દરેક યૂઝરની દરેક પોસ્ટ પર આમ પણ બાજ નજર રાખતી હોય છે. પરંતુ વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ માટે ભારતના નવા નિયમોનું પાલન લગભગ અશક્ય છે.
વોટ્સએપના ડેટાનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લેવામાં આવે તો તે સંપૂર્ણ ખાનગી રહેતો નથી. હવે તેને પણ પાસવર્ડનું અલગ તાળું
‘લગભગ’ લખવાનું કારણ છે. ખાસ કરીને વોટ્સએપની વાત કરીએ તો તે તેના પ્લેટફોર્મ પર મેસેજિસ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સગવડ આપે છે, પરંતુ તેના બેકઅપમાં આવી સગવડ નહોતી.
આનો અર્થ એ થયો કે જ્યારે મેસેજ આપણી પોતાની વોટ્સએપ એપમાં, મેસેજ જેમને મોકલ્યો હોય તેમની વોટ્સએપ એપમાં તથા એ બંને છેડા વચ્ચેના રસ્તામાં ક્યાંય પણ હોય ત્યાં સુધી એ મેસેજ બંને છેડાની વ્યક્તિ સિવાય વચ્ચે કોઈ જોઈ શકે નહીં. વોટ્સએપ પણ નહીં. વોટ્સએપે અત્યાર સુધી આ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને તેની સર્વિસનું સૌથી મોટું જમા પાસું ગણાવ્યું છે.
પરંતુ જ્યારે વાત વોટ્સઅપના ડેટાના બેકઅપની હોય, ખાસ કરીને ગૂગલ ડ્રાઇવ કે આઇક્લાઉડ સર્વિસના બેકઅપની હોય ત્યાં ત્યાં વોટ્સએપનું અલીગઢી તાળું કામ લાગતું નથી. આ કારણે અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે કોઈ પણ સરકારને વોટ્સએપની પોસ્ટના મૂળ સુધી પહોંચવું હોય તો તે ગૂગલ ડ્રાઇવ કે આઇક્લાઉડ સર્વિસ પર દબાણ લાવીને તેમાંનો વોટ્સએપ ડેટા તપાસી શકે.
સરકાર સામેની લડાઈમાં હવે વોટ્સએપ આ સ્થિતિ પણ બદલી રહી છે. હવે તે આપણા બેકઅપને પણ તાળું મારવાની સગવડ આપશે. વોટ્સએપે ગયા મહિને આ જાહેરાત કરી છે પરંતુ આ સગવડ આપણા સુધી પહોંચતાં સુધીમાં થોડું મોડું થઈ શકે છે.
બેકઅપનો પાસવર્ડ કેવી રીતે મળશે?
જ્યારે આપણે વોટ્સએપના સેટિંગ્સમાં જઈ, ચેટનો બેકઅપ લઇશું ત્યારે વોટ્સએપ આપણા બેકઅપને એન્ક્રિપ્ટ કરશે અને તેને ડીક્રિપ્ટ કરવા માટે રેન્ડમલી જનરેટ કરેલી ૬૪ ડિજિટની એક કી આપશે (બીજા શબ્દોમાં આ આપણો ૬૪ અંકનો પાસવર્ડ બનશે!). વોટ્સએપે આપણા બેકઅપ ડેટાને મારેલા તાળાની આ ચાવી સાચવવા માટે બે વિકલ્પ આપશે.
- પહેલો વિકલ્પ એ છે કે આ ચાવી આપણે પોતે સાચવીએ (સિગ્નલ આ રીતે બેકઅપને એન્ક્રિપ્ટ કરે છે).
- બીજો વિકલ્પ, આપણી ચાવી વોટ્સએપને પોતાને સાચવવા માટે આપવાનો છે.
આ બંને રીતમાં આપણો પાસવર્ડ માત્ર આપણે જાણી શકીશું. તે વોટ્સએપ, ફેસબુક, ગૂગલ કે એપલ ચારેય કંપનીમાંથી કોઈ જાણી શકશે નહીં. પરિણામે સરકારી તપાસ સંસ્થાઓ પણ આ ડેટા સુધી પહોંચી શકશે નહીં.
આ ફીચર આપણને મળી જાય તે પછી, જ્યારે આપણે પોતાના વોટ્સએપ ડેટાનો ગૂગલ ડ્રાઇવ કે આઇક્લાઉડમાં બેકઅપ લઈશું ત્યારે વોટ્સએપ આપણને કહેશે કે આપણે આ બેકઅપને પાસવર્ડ પ્રોટેકશન આપી શકીએ છીએ. અલબત્ત અહીં વોટ્સએપ આપણને ચેતવશે કે જો આપણે પોતાનો ફોન ગુમાવીએ કે પાસવર્ડ ભૂલી જઇએ તો એન્ક્રિપ્ટ કરેલો બેકઅપ ડેટા ફરી ક્યારેય રીસ્ટોર થઈ શકશે નહીં. આપણે એ માટે સંમત હોઇએ તો વોટ્સએપના બેકઅપ ડેટાને એન્ક્રિપ્ટ કરવા માટે આગળ વધી શકીએ છીએ.
આમ એક રીતે જુઓ તો વોટ્સએપમાં હજી સુધી પાસવર્ડની ઝંઝટ નહોતી, પણ હવે ઉમેરાઈ છે – જો આપણે વોટ્સએપમાં એવા, જબરા ખાનગી મેસેજની આપલે કરતા હોઈએ તો, બાકી નહીં!


