
આ કલ્પના ડરામણી છે, છતાં કરી જુઓ – આ મિનિટે તમારો સ્માર્ટફોન ક્યાંક પડી જાય કે ઓવરચાર્જ થઈને સળગી ઊઠે તો? આપણને ફોન ગુમાવવાની બહુ ચિંતા ન હોય, પણ એમાંનો ડેટા મહામૂલો છે. એવું જ લેપટોપનું છે, મૂળ સાધન કરતાં એમાંનો ડેટા વધુ કિંમતી હોય છે!.
તમે તમારો તમામ મહત્ત્વનો ડેટા એવી રીતે સાચવો છો, જેથી એ કોઈ એક સાધન પર આધારિત ન હોય? જો ફોન તમે બરાબર લોક્ડ રાખતા હોય તો એ બીજા કોઈના હાથમાં આવે તો પણ બહુ ચિંતાની જરૂર નથી કેમ કે આઇફોન હોય કે એન્ડ્રોઇડ, મૂળ માલિક સિવાય બીજા કોઈ માટે તેમાં ઘૂસવું હવે ખાસ્સું મુશ્કેલ બન્યું છે. એટલે ફોન ગુમાવીએ તો ચિંતા માત્ર એ વાતની હોય કે હવે આપણને ફોનમાંનો ડેટા પાછો નહીં મળે.
આ મિનિટે તમારો ફોન ક્યાંક પડી જાય, સળગી ઊઠે કે ચોરાઈ જાય, તોય તમારા પેટનું પાણી ન હલે એવાં સેટિંગ તમે કર્યાં છે?
આ જ મુદ્દો બીજી રીતે પણ વિચારવા જેવો છે. તમે ફોન ગુમાવો નહીં, પણ બીજો ફોન ખરીદો ત્યારે પણ નવા ફોનમાં ડેટા શિફ્ટ કરવાનું કામ બને એટલું સહેલું થવું જોઈએ. આથી કાર્ડ બદલીએ, જૂના એકાઉન્ટથી સાઇન-ઇન થઈએ એટલે લગભગ બધું કામ આપોઆપ થવું જોઈએ!
હાઇ-એન્ડ ફોનમાં હવે ભલે ૫૧૨ જીબી જેટલી તોતિંગ સ્ટોરેજ મળતી હોય, તમે બધું ક્લાઉડમાં સેવ કરતા રહેશો તો ફોન ગુમાવો કે બદલો, ડેટાની ચિંતા નહીં રહે.
જો આ બધી બાબતોનો તમે બરાબર લાભ લેતા હો, તો તમારે 128થી 512 જીબી સુધીની તોતિંગ સ્ટોરેજની જરૂર નહીં પડે!
એટલે આપણી ફાઇલ્સ, ઇમેજીસ, વીડિયો, મેઇલ્સ, એસએમએસ, સોંગ્સ, કેલેન્ડરમાંની વિગતો, વોટ્સએપના મેસેજ વગેરે તમામ પ્રકારનો ડેટા પૂરેપૂરો આપણા હાથમાં જ રહે, સલામત રહે અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે તેને સહેલાઈથી બીજા ડિવાઇસમાં એક્સેસ કે શિફ્ટ કરી શકીએ એવી રીતે તેને સાચવવો જોઈએ.
ફોનમાંની દરેક બાબતોનો સહેલાઈથી, આપોઆપ ક્લાઉડમાં બેકએપ લેવાય એવી સગવડોનો પૂરતો લાભ લેવો હવે અનિવાર્ય છે.
અહીં એવી કેટલીક બાબતોની વાત કરી છે, જે તમારા તમામ પ્રકારના ડેટાનો યોગ્ય રીતે બેકઅપ રાખવામાં ઉપયોગી થશે.
પહેલાં પાયાની વાત કરીએ. સ્માર્ટફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે એટલે જ તેમાંના તમામ પ્રકારના ડેટાને ક્લાઉડ સાથે સિન્ક્ડ રાખવો સહેલો છે. આ રીતે, કોઈ એપનો ભલે સ્માર્ટફોનમાં ઉપયોગ કરતા હોઈએ, તેમાંનો ડેટા એ એપના આપણા એકાઉન્ટમાં સેવ થાય છે અને પછી સ્માર્ટફોનમાં તે સિન્ક્ડ રહે છે.

એટલે જ આપણે અલગ અલગ સાધનમાં, જે તે સર્વિસ કે એપમાં આપણા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થઈએ તો બધે એક સરખો અનુભવ અને એક સરખો ડેટા મેળવી શકીએ છીએ. સિન્ક્ડ એ ક્લાઉડ સ્ટોરેજ અને બેકઅપની પાયાની વાત છે. એ સમજાઈ જાય પછી તમામ પ્રકારની સર્વિસમાંનો આપણો ડેટા ક્લાઉડમાં રાખવો સહેલો જઈ જશે.
જો અહીંથી આગળ દર્શાવેલી રીતે, તમે ફોનમાંનો લગભગ બધો ડેટા ક્લાઉડમાં સાચવતા હશો તો, ફોન ખોવાય કે ચોરાય ત્યારે બહુ ચિંતા કરવાની રહેશે નહીં. એવી સ્થિતિમાં આપણે અન્ય સાધનમાં ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ સર્વિસની મદદ લઈને ફોન ક્યાં છે તે મેપ પર જોઈ શકીશું અને એ ગુમાવેલા ફોનમાંનો બધો ડેટા ભૂંસી શકીશું.

તમે ફોન લોક્ડ રાખ્યો હશે તો ચોર પણ ફોનને ફેક્ટરી રીસેટ કર્યા વિના તેનો ઉપયોગ કરી શકશે નહીં (એ પણ હવે મુશ્કેલ છે), એટલે આપણો ડેટા બીજાના હાથમાં જવાની ચિંતા નથી. આ બધી સ્થિતિમાં, આપણો ડેટા આપણને પાછો તો જ મળે, જો આપણે તેનો યોગ્ય રીતે ક્લાઉડમાં બેકઅપ રાખ્યો હોય. એ માટે આગળ વાંચો!
હવે આપણા મૂળ મુદ્દા પર આવીએ. આપણે નવા, કોરાકટ ફોનનો પહેલી વાર ઉપયોગ કરીએ ત્યારે તેમાં ગૂગલ/એપલ એકાઉન્ટથી સાઇન-ઇન થઈએ છીએ. જે તે ફોનમાંની લગભગ બધી જ મહત્ત્વની બાબતો, આપણા આ એકાઉન્ટમાં, ક્લાઉડમાં સચવાતી જાય છે.

ફોનમાં આપણે કરેલાં સેટિંગ્સ, સેવ કરેલાં વાઇ-ફાઇ નેટવર્ક, પાસવર્ડ, ડિસ્પ્લે પ્રેફરન્સ, ત્યાં સુધી કે ફોનમાં સેટ કરેલ વોલપેપરની વિગત સુદ્ધાં તમારા ગૂગલ/એપલ એકાઉન્ટમાં સચવાય છે. એ માટે સેટિંગ્સમાં, સિસ્ટમમાં, બેકઅપનો વિકલ્પ ઓન કરી દો. પછી નવા ફોનમાં, જૂના ફોનના ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થશો એટલે તરત વોલપેપર સહિત બધું યથાવત મળી જશે!
ફોનમાં સ્પેસની ખાસ ચિંતા ન હોય તો આપણે તેમાં પાર વગરની એપ્સ ઉમેરતાં ખચકાતા નથી. જો તમે સલામતી માટે સાવધાન હો તો માત્ર ઓફિશિયલ એપ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરતા હશો.

આથી, પ્લે સ્ટોરમાં આપણે જે એકાઉન્ટથી સાઇન-ઇન હોઈએ તે એકાઉન્ટમાં, આપણે ઇન્સ્ટોલ કરેલી બધી જ એપ્સની વિગતો સચવાયેલી રહે છે. આથી નવા ફોનમાં ફરી એ જ એકાઉન્ટથી સાઇન-ઇન થાઓ તો બધી જ એપ એક સાથે રિસ્ટોર કરવાનો વિકલ્પ મળે છે. કોઈ કારણસર ન મળે, તો પ્લે સ્ટોરમાં જઈને તમે તમારી તમામ એપ્સ તપાસી શકો છો. લગભગ બધી સારી રીતે ડેવલપ થયેલી એપમાંના ડેટાનો પણ આ રીતે બેકઅપ લેવાની સગવડ હવે મળે છે.
ફોનમાંના કોન્ટેક્ટ્સ તથા ઈ-મેઇલ્સ, કેલેન્ડર, ડ્રાઇવ વગેરે એપ્સ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ગૂગલની જીમેઇલ, કેલેન્ડર, ડ્રાઇવ વગેરે એપમાંનો આપણો બધો જ ડેટા તેના ક્લાઉડમાંના સર્વરમાં જ સેવ થતો હોય છે, એટલે કોઈ પણ ફોન કે ડિવાઇસમાંથી આપણે તેને એક્સેસ કરી શકીએ છીએ.

આપણે પોતે તેનો બેકઅપ લેવાની કોઈ જરૂર નથી. હા, કોન્ટેક્ટ્સની વાત જરા જુદી છે. ફોનમાં કોન્ટેક્ટ્સ જુદી જુદી રીતે કે જગ્યાએ સેવ કરી શકાતા હોય છે (જેમ કે સિમ કાર્ડમાં). હંમેશા નવા કોન્ટેક્ટ્સ ગૂગલ એકાઉન્ટમાં સેવ કરો અને અન્ય જગ્યાએ સેવ થયેલા કોન્ટેક્ટ્સ ગૂગલ એકાઉન્ટમાં એક્સપોર્ટ કરી લેશો તો પછી એ વાતની ચિંતા નહીં રહે.
તમારા વોટ્સએપ એકાઉન્ટમાં મહત્ત્વના મેસેજિસ પણ આવતા હો તો તેનો યોગ્ય બેકઅપ પણ જરૂરી છે. ખાસ તો એટલા માટે કે આ ડેટા આપણા ફોનમાં જ હોય છે, એપના ક્લાઉડ સર્વરમાં તે મર્યાદિત સમય માટે જ રહે છે.

સામાન્ય રીતે, દરરોજ અડધી રાત્રે આપણી વોટ્સએપ એપમાંના ડેટાનો ફોનમાં જ બેકઅપ લેવાય છે. એ ઉપરાંત, આપણે તેનો રોજેરોજ ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લેવાય એવું સેટિંગ કરી શકીએ છે. ફોન બદલતી વખતે, મેન્યુઅલી પણ બેકઅપ લઈ શકાય છે. એ પછી, નવા ફોનમાં વોટ્સએપ ફરી ઇન્સ્ટોલ કરી, જૂનો નંબર આપીશું ત્યારે બેકઅપ રિસ્ટોર કરવાનો વિકલ્પ મળશે, ત્યારે ભૂલ કરીશું તો બધો ડેટા ગુમાવવો પડશે!
આપણા ફોનમાં આપણા ફોટોઝ-વીડિયોનો જબરજસ્ત ભરાવો થતો જતો હોય છે. ઇમોશનલી, આ ડેટા પણ અમૂલ્ય છે. ફોનથી ફોટો/વીડિયો લઈને તેેને એફબી, ઇન્સ્ટા પર શેર કરી દીધા હોય તો ત્યાંથી ફરી મળી જાય, પણ માત્ર ફોનમાં હોય અને ફોન ગુમાવીએ તો?

એટલે જ ગૂગલની ફોટોઝ સર્વિસ (હજી સાવ પેઇડ નથી)ની મદદથી આપણે લીધેલા તમામ ફોટો/વીડિયોનો ગૂગલ એકાઉન્ટમાં ઓટોમેટિક બેકઅપ લેવાય તેવું સેટિંગ કરી લો. મોબાઇલ ડેટા મોંઘો ન પડતો હોય તો વાઇ-ફાઇ ઉપરાંત મોબાઇલ ડેટા કનેક્શન પર પણ ઓટોમેટિક બેકઅપ ઓન રાખી શકાય. એ રીતે, તમે ક્યારેય તમારા ફેવરિટ ફોટો હંમેશ માટે ગુમાવી બેસશો નહીં.
અગાઉ ફોનમાંના એસએમએસ સાચવવાની જવાબદારી આપણા શિરે હતી. એક તો આવા મેસેજની સંખ્યા બહુ મોટી હોય, તેને આમ પણ મેનેજ કરવા મુશ્કેલ હોય, ત્યાં તેનો બેકઅપ રાખવાની ચિંતા કેમ વહોરવી?

હવે ગૂગલના એકાઉન્ટમાં આપણા એસએમએસનો પણ બેકઅપ લેવાતો હોય છે (૨૫ એમબીની મર્યાદા છે, પણ પૂરતી છે). તેમાં એમએમએસ સામેલ હોતા નથી. આથી અગાઉ આપણે જેની વિગતવાર વાત કરી હતી તે માઇક્રોસોફ્ટની એસએમએસ ઓર્ગેનાઇઝર એપનો ઉપયોગ કરો તો તેમાં, વોટ્સએપની જેમ તમામ મેસેજનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લેવાની સગવડ મળશે. નવા ફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરતાં, બધા મેસેજ રિસ્ટોર કરી શકાશે.
ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગેરે એપમાંનો આપણો ડેટા જે તે સર્વિસના ક્લાઉડ સર્વર્સમાં જ સ્ટોર થતો હોય છે એટલે તેનો ફોનમાં બેકઅપ લેવાની કોઈ જરૂર કે શક્યતા નથી, પરંતુ ઇન્ટરનેટ પરથી કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ પ્રકારની ફાઇલ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી હોય કે સ્કેન કરી હોય તો તેનો બેકઅપ લેવો જરૂરી છે (એ મોટા ભાગે ધ્યાન બહાર જાય છે!).

આવી ફાઇલ્સને ફોનમાં સેવ કરવાને બદલે ગૂગલ ડ્રાઇવ જેવી ક્લાઉડ સર્વિસમાં સ્ટોર કરવાની ટેવ કેળવવા જેવી છે. ફોનમાંની ફાઇલ્સ એપ કે ગૂગલની ફાઇલ્સ એપની મદદથી આવી ફાઇલ્સ શોધી તેને ડ્રાઇવમાં ટ્રાન્સફરી લેશો પછી તે ગુમાવવાની ચિંતા રહેશે નહીં. એસડી કાર્ડ રાખો જ નહીં એ બહેતર છે!
આ સૌથી મહત્ત્વની વાત છે – તમે તમારા વિવિધ ઓનલાઇન એકાઉન્ટ્સની સલામતી માટે સજાગ હશો તો તે દરેક માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશનનો ઉપયોગ કરતા હશો. આવી દરેક સર્વિસ બીજા સ્ટેપના વેરિફિકેશન માટે વિવિધ રસ્તા આપતી હોય છે, જેમાંના એક રસ્તો ઓથેન્ટિકેટર એપનો છે.

તમે એનો ઉપયોગ કરતા હો, તો અચૂક યાદ રાખશો કે બીજા સ્ટેપનું વેરિફિકેશન મેળવવા માટે ઓથેન્ટિકેટર એપ ઉપરાંત, બીજા રસ્તા પણ હોય (જેમ કે વોઇસ કોલ, બીજો નંબર કે બેકઅપ વન ટાઇમ કોડ્સ). જો ઓથેન્ટિકેટર એપ એક માત્ર રસ્તો હશે અને તેની એક્સેસ ગુમાવી દેશો તો પછી જુદાં જુદાં ઘણાં એકાઉન્ટમાં ફરી લોગ-ઇન કરવું બહુ મુશ્કેલ બનશે.
આ વાત કમ્પ્યૂટરને વધુ લાગુ પડે છે, પણ ભારત અને દુનિયાભરના અનેક બિઝનેસ અને નાના વેપારીઓ પણ અવારનવાર રેન્સમવેરનો ભોગ બનતા હોય છે. ક્યારેક વ્યક્તિગત લોકો પણ તેની ઝપટમાં આવી જાય છે. આ પ્રકારના હુમલામાં હેકર આપણા કમ્પ્યૂટરમાં માલવેર ઘુસાડી, બધા ડેટાને લોક કરી નાખે છે અને તેની ચાવી આપવાના બદલામાં ખંડણી માગે છે.
આ રીતે રેન્સમવેરથી આપણા કમ્પ્યૂટર પર હુમલો કરતા હેકર્સને આપણા ડેટામાં કોઈ રસ હોતો નથી, પરંતુ પોતાનો ડેટા આપણે માટે મહામૂલો છે એ વાત તેઓ જાણે છે અને તેની જ તેઓ ખંડણી વસૂલે છે.
રેન્સમવેરના એટેકર્સ ત્યારે જ સફળ થાય જ્યારે આપણો ડેટા આપણે માટે કિંમતી ન હોય. કમ્પ્યૂટરમાંનો ડેટા ત્યારે જ કિંમતી હોય જ્યારે તેનો કોઈ બેકઅપ ન હોય.
આથી કમ્પ્યૂટરમાંના તમારા તમામ ડેટાનો નિયમિત યોગ્ય રીતે, આપણા નેટવર્કથી બહાર, ઓછામાં ઓછી બે જગ્યાએ બેકઅપ લેવાની ટેવ રાખો તો તમારું કમ્પ્યૂટર રેન્સમવેરનો ભોગ બને તો પણ તમારા પેટનું પાણી ન હલે.
આવા કિસ્સામાં તમારે ફક્ત કમ્પ્યૂટર પૂરેપૂરું ફોર્મેટ કરાવવું પડે અને બીજી જે જોઈ જગ્યાએ સલામત રીતે બેકઅપ રાખ્યો હોય તેમાંનો ડેટા કમ્પ્યૂટરમાં રીસ્ટોર કરીને કામ આગળ ધપાવવાનું થાય!

