કમ્પ્યૂટરની સિસ્ટમ લાખો ચહેરામાંથી એક ચહેરાને બરાબર ઓળખી લે, સ્માર્ટફોન અવાજ પારખી લે કે ફિંગરપ્રિન્ટને આધારે ઓળખ સાબિત થાય અને આપણે લેપટોપ કે સ્માર્ટફોનમાં લોગ-ઇન થઈ શકીએ, આંખની કીકીમાંની ચોક્કસ પેટર્નને આધારે આપણી ઓળખ સાબિત થઈ શકે… આ બધી જાતભાતની બાયોમેટ્રિક્સ રેકગ્નિશન ટેકનોલોજીનો હવે રોજબરોજના જીવનમાં ઉપયોગ સામાન્ય થઈ ગયો છે.
હવે સંશોધકો એક નવા પ્રકારની રેકગ્નિશન ટેક્નોલોજી વિકસાવવા તરફ નજર દોડાવી રહ્યા છે – અક્ષરો ઓળખવાની ટેક્નોલોજી. અલબત્ત, એ પણ નવી તો નથી જ, ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (ઓસીઆર) ટેક્નોલોજીથી કમ્પ્યૂટર સિસ્ટમ ટેક્સ્ટ કે ઇમેજમાંના લખાણને પારખીને એડિટ થઈ શકે તેવી ટેક્સ્ટમાં ફેરવી શકે છે. હવે નિષ્ણાતો તેના નવા ઉપયોગ માટે પ્રયત્નશીલ છે.

તમે કોઈ ટેકસ્ટ વાંચતા હો ત્યારે કોઈ ચોક્કસ શબ્દના ઉચ્ચાર વિશે મનમાં ગડમથલ છે? કોઈ વાક્ય બરાબર સમજાતું નથી એટલે તેનો તમને આવડતી ભાષામાં અનુવાદ કરવો છે? કોઈ ચોક્કસ વાક્યપ્રયોગનો અર્થ સમજાતો નથી એટલે તેના વિશે વધુ જાણવું છે? આ બધું આજની ટેકનોલોજીથી સહેલાઈથી શક્ય છે.
પરંતુ તેમાં એક શરત છે.
આપણે વેબબ્રાઉઝરમાં કે સ્માર્ટફોનમાં કંઈ પણ વાંચી રહ્યા હોઇએ ત્યારે આગળ લખેલામાંથી કોઈ પણ સવાલ મનમાં જાગે તો એક બે ક્લિકથી આપણે તેના ઉત્તર મેળવી શકીએ છીએ. પરંતુ એ માટે આપણે પોતે ઇન્ટરનેટ પર કંઈક વાંચતા હોવા જોઇએ.
હવે એ વિચારો કે આપણે કાગળ પર કંઈક વાંચી રહ્યા હોઇએ ત્યારે ઉપર લખેલામાંથી કોઈ સવાલ થાય તો?
જવાબ મેળવવા માટે આપણે પીસી, લેપટોપ કે સ્માર્ટફોન પર જવું પડે અને ત્યાં અલગથી સર્ચ કરવું પડે. જેમને દૃષ્ટિની કોઈ તકલીફ નથી એમને માટે આ કામ બહુ મુશ્કેલ નથી. પરંતુ આંખે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓ માટે કાગળ પરનું લખાણ વાંચવું જ મુશ્કેલ અને એ વિશે વધુ જાણવા માટે લેપટોપ કે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ પર સર્ચ કરવું વધુ મુશ્કેલ બની શકે.
આના ઉપાય તરીકે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના સંશોધકો ‘ટચ-હિયર ટેકસ્ટ રેકગ્નિશન ડિક્શનરી’ વિકસાવી રહ્યા છે. આ ટેકનોલોજીમાં આંગળીના ટેરવા પર સેન્સર્સ લગાવવામાં આવે છે. એ પછી કાગળ પરના કોઈ ચોક્કસ શબ્દ કે વાક્ય પર આંગળીનું ટેરવું ફેરવવામાં આવે એ સાથે પેલાં સેન્સર એક્ટિવ થાય છે. ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નિશન સિસ્ટમથી એ સેન્સર કાગળ પરના શબ્દ કે વાક્યને પારખી લે છે અને પછી, તેની સાથે કનેક્ટેડ ડિવાઇસમાંની ડિક્શનરીમાંથી તેના અર્થ કે વધુ માહિતી સીધી જ આપણા કાનમાં પહોંચાડે છે!

