આગળ શું વાંચશો?
- વોટ્સએપમાં આવતા વોઇસ મેસેજ હવે ટેક્સ્ટ સ્વરૂપે વાંચવા મળે તેવી શક્યતા
- ટવીટરમાં પ્રાઇવસી બાબતે વધુ કંટ્રોલ આપતાં ફીચર્સ આવી રહ્યાં છે
- વોટ્સએપમાં સલામતી રૂપે લિંક પેજના વધુ મોટા પ્રીવ્યૂ જોવા મળશે
વોટ્સએપ પર મેસેજ મોકલતી વખતે, તેને ટાઇપ કરવાનો તમને કંટાળો આવે છે? ઘણા લોકોને આવતો હોય છે અને તેઓ એના ઉપાય તરીકે વોટ્સએપના વોઇસ મેસેજ ફીચરનો લાભ લેતા હોય છે. પરંતુ જેમને આ મેસેજ મળે તેમને માટે વાત થોડી અગવડભરી બને – ખાસ તો, તેમની પાસે હેડફોન ન હોય કે મીટિંગમાં બેઠા હોય ત્યારે બધાની વચ્ચે વોટ્સએપનો વોઇસ મેસેજ સાંભળી શકાય નહીં! વોઇસ મેસેજ ખાસ્સો લાંબો હોય અને તેના મુદ્દા સમજવા જરૂરી હોય ત્યારે પણ વોઇસ મેસેજ વારંવાર સાંભળવાની અગવડ વેઠવી પડે.

આના ઉપાય તરીકે, ‘વોઇસ ટ્રાન્સક્રિપ્શન’ની નવી સગવડ મળે તેવી શક્યતા છે. આ ફીચર અનુસાર વોટ્સએપમાં આપણને કોઈ વ્યક્તિ તરફથી ઓડિયો સ્વરૂપે મેસેજ મળે એ મેસેજને આપણે ઇચ્છીએ તો ટેકસ્ટમાં ફેરવી શકીશું. એ પછી, વીડિયોની ટ્રાન્સસ્ક્રીપ્ટની જેમ વોઇસ મેસેજ ટેક્સ્ટ સ્વરૂપે વાંચી શકાશે અને તેના જુદા જુદા તબક્કે સીધા પહોંચી પણ શકાશે!
સગવડ કામની છે, પણ અહીં વાત થોડી ગૂંચવણભરી બને છે. ઓડિયો મેસેજને ટેકસ્ટમાં ફેરવવા માટે તેને આપણા વોટ્સએપ એકાઉન્ટમાંથી કોઈ અન્ય જગ્યાએ મોકલવા પડે. એમ કરવા જતાં અત્યારે મેસેજ એન્ડ-ટુ-એન્ક્રિપ્ટેડ અને ખાનગી હોવાનો જે દાવો થાય છે તે એ ચોક્કસ મેસેજ પૂરતો ખોટો ઠરે. વોટ્સએપે આમાંથી વચલો રસ્તો શોધ્યો છે. હાલમાં આ ફીચર એપલની આઇઓએસ એપમાં ટેસ્ટ થઈ રહ્યું છે. એ અનુસાર આપણને કોઈ ઓડિયો મેસેજ મળશે ત્યારે વોટ્સએપ તરફથી એવું સૂચન કરવામાં આવશે કે તમે ઇચ્છો તો આ મેસેજને ઓડિયોમાંથી ટેકસ્ટમાં ફેરવી શકાય છે. એ સાથે વોટ્સએપ સ્પષ્ટતા કરશે કે એ મેસેજ એપલ કંપનીના સર્વરમાં મોકલવામાં આવશે અને ત્યાંથી ટેકસ્ટ ફોર્મમાં ફેરવાઇને આપણને પરત મોકલવામાં આવશે.

એટલે કે ઓડિયો મેસેજને ટેકસ્ટમાં ફેરવવાની પ્રક્રિયામાં વોટ્સએપની કે ફેસબુક કંપનીની કોઈ ભૂમિકા રહેશે નહીં. વહેલા મોડું આ ફીચર એન્ડ્રોઇડ એપમાં પણ રજૂ થશે તેમાં ગૂગલના સર્વર પર આપણને આવેલો વોઇસ મેસેજ મોકલવામાં આવશે. વોટ્સએપે એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ ફીચર જ્યારે આવશે ત્યારે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનું ધ્યાન તો રાખવામાં આવશે જ, એ શક્ય નહીં હોય તો આ ફીચર આવશે નહીં!
દરમિયાન વોટ્સએપના બીજા એક ફીચરની પણ વાત કરી લઈએ. વોટ્સએપ પર હાલમાં સાત દિવસ પછી મેસેજ આપોઆપ ગાયબ થાય એ રીતે મેસેજ મોકલવાની સગવડ મળી છે. હવે પૂરા ૯૦ દિવસના લાંબા ગાળા પછી મેસેજ ગાયબ થાય એવું ફીચર પણ આવી રહ્યું છે. તમે જાણતા જ હશો કે હવે વોટ્સએપ પર માત્ર એકવાર જોઈ શકાય એ રીતે મેસેજ મોકલી શકાય છે. જોકે ૯૦ દિવસવાળું ફીચર આપણને ક્યારેય મળશે એ હજી સ્પષ્ટ નથી. વોટ્સએપ પર ઘણી વાર નવું ફીચર ટેસ્ટ થવાનું શરૂ થાય એ પછી આપણાં સુધી પહોંચે એ બંને વચ્ચે અઠવાડિયા તો ઠીક મહિનાઓ પણ વીતી જતા હોય છે.
ટ્વીટર પર ‘સોશિયલ પ્રાઇવસી’ નામે નવાં પ્રાઇવસી ટૂલ્સ આવી રહ્યાં છે. આ ટૂલ્સની મદદથી ટ્વીટર પર આપણને પોતાની ટ્વીટ્સ અને ફોલોઅર લિસ્ટ પર વધુ કંટ્રોલ મળશે.
ટ્વીટર પર હાલમાં યૂઝરને ઘણી બાબતો પર કંટ્રોલ મળતો ન હોવાથી ઘણા લોકો ટ્વીટર પર એક્ટિવ થતાં ખચકાતા હોય છે એ ધ્યાનમાં રાખીને ટ્વીટર આ નવાં ફીચર્સ લાવી રહી છે.

નવાં ટૂલ્સમાં સૌથી મોટો ફાયદો એ થશે કે આપણી પોતાની જૂની ટ્વીટ હાઇડ કરી શકીશું તેમજ ફોલોઅર લિસ્ટને એડિટ પણ કરી શકીશું. અત્યારે ટ્વીટર પર જૂની પોસ્ટ ડીલિટ કરવાની સગવડ તો છે પરંતુ એ માટે જૂની સંખ્યાબંધ ટ્વીટ્સમાં ખાંખાંખોળા કરીને વણજોઇતી ટ્વીટ ડીલિટ કરવાની કસરત કરવી પડે છે.
તેને બદલે અમુક નિશ્ચિત સમયથી વધુ જૂની ટ્વીટ્સ આપોઆપ આર્કાઈવ થઈ જાય અને અન્ય લોકોને જોવા મળે નહીં તેવું સેટિંગ કરી શકાશે.
કંપની આ માટે ૩૦, ૬૦, ૯૦ દિવસ અથવા એક વર્ષથી વધુ જૂની ટ્વીટ્સ આર્કાઇવ કરવાનો વિકલ્પ આપવા વિશે વિચારી રહી છે.
એ જ રીતે હાલમાં ટ્વીટર પર ફોલોઅરને બ્લોક કરવાની સગવડ છે તેના બદલે અમુક નિશ્ચિત ફોલોઅરને સીધેસીધા રીમૂવ કરવાની પણ સગવડ મળશે.
વોટ્સએપ પર સામાન્ય ટેકસ્ટ મેસેજમાં લિંક શેરિંગનું પ્રમાણ પણ બહુ મોટું હોય છે. આપણને કોઈ વ્યક્તિ તરફથી કે ગ્રૂપમાં આવી લિંક મળે ત્યારે એ લિંક પરથી જે વેબપેજ પર પહોંચાય તેનો પ્રીવ્યૂ આપણે જોઈ શકતા હોઇએ છીએ.

અત્યાર સુધી આ પ્રીવ્યૂ પ્રમાણમાં ઘણો નાનો રહેતો હતો પરંતુ હવે વોટ્સએપ આવા પ્રીવ્યૂને વધુ મોટા સ્વરૂપે બતાવશે.
જો તમે વોટ્સએપના બિટા ટેસ્ટર હો એટલે કે તેનાં નવાં ફીચરના લાભ તમને પહેલાં મળતા હશે તો આવું લાર્જ લિંક પ્રીવ્યૂનું ફીચર તમને મળવાનું શરૂ થઈ ગયું હશે. તમે કોઈ પણ વેબસાઇટ કે વેબપેજની લિંક અન્યો સાથે શેર કરીને તેનું ટેસ્ટિંગ કરી શકો છો.
વોટ્સએપ પર સારી અને સાચી વેબલિંક્સના શેરિંગ ઉપરાંત જોખમી લિંક્સનું શેરિંગ પણ બહુ થતું હોય છે તે સ્થિતિમાં તેનો મોટો પ્રીવ્યૂ લોકોને જુદા જુદા પ્રકારના છટકામાં ફસાતા બચાવશે એવી આશા રાખી શકીએ.
