ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

આજના દિવસે વિશ્વનું પહેલું, પ્રાથમિક વેબ સર્ચ એન્જિન લોન્ચ થયું હતું. સર્ચ એન્જિનનું નામ પડતાં પહેલું નામ ગૂગલ આવે. પરંતુ આ સર્ચ એન્જિન યુનિવર્સિટી ઓફ જિનિવાએ વિકસાવેલું હતું. ત્રણેક વર્ષ પછી બીજાં વધુ આધુનિક સર્ચ એન્જિન તૈયાર થવા લાગ્યાં.

ઇન્ટરનેટ પર ચીજવસ્તુઓ વેચવાનો ધંધો અત્યારે તો પૂરબહારમાં ખીલ્યો છે, પરંતુ એક સમયે ઇન્ટરનેટ પર ચીજવસ્તુઓની જાહેર લીલામી પણ ખાસ્સી ચાલી હતી. જે વ્યક્તિ વધુ બોલી લગાવે તે વસ્તુ લઈ જાય. આજના દિવસે આવી એક સાઇટ ‘ઈબે’ લોન્ચ થઈ હતી. ઈબે પર પહેલી વેચાયેલી વસ્તુ એક તૂટેલું લેસર પોઇન્ટર હતું!

આજના દિવસે આઇબીએમ કંપનીએ આઇબીએમ ૩૫૦ ડિસ્ક સ્ટોરેજ યુનિક મોડેલ-૧ નામના એક સાધનની જાહેરાત કરી. મેગ્નેટિક ડિસ્ક સ્ટોરેજ ટેકનોલોજીનો ઉપયોગ કરનાર આ પહેલું કમર્શિયલ સ્ટોરેજ યુનિટ હતું. આ જ ટેકનોલોજીએ આગળ જતાં આજની હાર્ડ ડિસ્ક ડ્રાઇવ્સનો પાયો તૈયાર કરી આપ્યો. લગભગ એક ટન વજનના આ યુનિટમાં ૪ થી ૫ એમબી ડેટા સ્ટોર થઈ શકતો હતો!

આજના દિવસે લેરી પેજ અને સર્ગેઈ બ્રિન નામના બે મિત્રોએ એક ખાનગી કંપનીને ઇનકોર્પોરેટ કરી. છ વર્ષ પછી એ જ કંપની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની હતી અને આગળ જતાં ગૂગલ તરીકે ટેકનોલોજીની દુનિયા પર રાજ કરવાની હતી!

આજના દિવસે એક યુનિવર્સિટીમાં આઇબીએમ કંપનીના સ્ટ્રેચ નામના છેલ્લા મેઇનફ્રેમ પ્રકારના કમ્પ્યૂટરનો ઉપયોગ બંધ થયો. આ પ્રકારના કમ્પ્યૂટરમાં પહેલી વાર વેક્યૂમ ટ્યૂબને બદલે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. જેને ડિઝાઇન કરવામાં અગાઉના કમ્પ્યૂટરનો ઉપયોગ થયો હોય એવું પણ એ પહેલું કમ્પ્યૂટર હતું. એક જમાનામાં તેને વિશ્વના સૌથી ઝડપી કમ્પ્યૂટરનું બિરૂદ મળ્યું હતું.

આજના દિવસે એપલે તેની અત્યંત લોકપ્રિય પ્રોડક્ટ ‘આઇપોડ મિનિ’ને સ્થાને ‘આઇપોડ નેનો’ નામે નવી પ્રોડક્ટ લોન્ચ કરી. ઓલરેડી સકસેસફૂલ પ્રોડક્ટ બદલવાની કેમ જરૂર હતી એનો જવાબ ટૂંક સમયમાં સૌને મળી ગયો. આઇપોડ નેનોમાં હાર્ડ ડ્રાઇવને બલે ફ્લેશ સ્ટોરેજનો ઉપયોગ થયો તેને કારણે આઇપોડ વધુ નાનો થયો અને બેટરી લાઇફ પણ વધી. યૂઝર્સને આ ફેરફાર એટલો ગમ્યો કે પહેલા ૧૭ દિવસમાં તેનાં ૧૦ લાખથી વધુ યુનિટ્સ વેચાયાં. આગળ જતાં એપલે આઇફોન, આઇપેડ વગેરે બધામાં ફ્લેશ સ્ટોરેજનો ઉપયોગ શરૂ કર્યો.

ડિજિટલ મ્યુઝિક અને પાઇરસી લગભગ અભિન્ન બની ગયાં છે. ખાસ કરીને એમપી૩ના જમાનામાં લોકો છડેચોક ગીતોની આપલે કરતા અને એ ગેરકાયદે હોવાનો તેમને અણસાર સુદ્ધાં ન હોય એ રીતે લોકો વર્તતા. જોકે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીએ તેનો સામનો કરવાની ઘણી કોશિશ કરી, પણ થયું એવું કે આ પ્રયાસોનાં ઊંધાં પરિણામ આવ્યાં. જેમ કે આજના દિવસે, રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઓફ અમેરિકાએ એક સાથે ૨૬૧ લોકો સામે કેસ માંડ્યો. એ લોકો પર ઇન્ટરનેટ પર પીઅર-ટુ-પીઅર નેટવર્ક્સ (આજના જમાનામાં સોશિયલ સાઇટ્સ) પર મ્યુઝિક શેર કરવાનો આરોપ હતો.
એ પછી તો એસોસિએશને કુલ ત્રીસેક હજાર લોકો સામે આ જ બાબતના કેસમાં આવરી લીધા. આ લોકોમાં ૧૨ વર્ષની એક કિશોરી પણ હતી. તેના પર એક હજાર જેટલાં કોપીરાઇડેટ સોંગ્સની આપલે કરવાનો આરોપ હતો. તેની જેમ ૭૧ વર્ષના એક દાદા સામે પણ કેસ મંડાયો. પરિણામે લોકરોષ જાગ્યો અને ઇન્ડસ્ટ્રી એસોસિએશન પર જ માછલાં ધોવાયાં!

અત્યારે ઇલેક્ટ્રોનિક્સની આખી દુનિયા જેના પર ઊભી થઈ છે તે ઇન્ટીગ્રેડેટ સર્કિટ (આઇસી) આખરે તો એક વેફર જેવી પાતળી સિલિકોન ચિપ હોય છે. સ્માર્ટફોન્સ, કમ્પ્યૂટર્સ, નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ અને લગભગ તમામ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ આ આઇસીના જોરે ચાલે છે. તેનો પાયો છેક ૧૯૫૮માં નંખાયો હતો. જેક કિલ્બી નામના એક ઇલેક્ટ્રિકલ એન્જિનીયરે આજના દિવસે પહેલી વાર ઇન્ટીગ્રેડેટ સર્કિટનો ડેમો રજૂ કર્યો હતો.

વર્ષ ૨૦૨૦માં તેમને ફિઝિક્સનું નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું. એક સમયે સામાન્ય ગણતરી કરી શકે તેવા સાધન માટેની સર્કિટ્સ આખા રૂમ રોકી લે એટલી મોટી રહેતી હતી, પણ સમય જતાં તેનું કદ નાનું થતું ગયું. આજે આંગળીના ટેરવે ટકાવી શકાય એટલી નાની અમથી ચિપમાં ખરેખર અસંખ્ય માઇક્રોસ્કોપિક પાર્ટ્સ સમાવી શકાય છે.

એપલ કંપનીનું નામ તેના પ્રારંભિક તબક્કામાં એપલ-૨ સિરિઝના પર્સનલ કમ્પ્યૂટર્સથી ગાજતું થયું હતું. આજની તારીખે એપલે એપલ IIGS નામનું એપલ-૨ સિરિઝનું પર્સનલ કમ્પ્યૂટર લોન્ચ કર્યું. આ કમ્પ્યૂટર મલ્ટિમીડિયા હાર્ડવેર અને બહેતર ઓડિયોની સુવિધા ધરાવતું હતું (એટલે જ નામમાં ગ્રાફિક અને સાઉન્ડ માટે જી અને એસ ઉમેરાયા). આ કમ્પ્યૂટર ટેકનોલોજીની દૃષ્ટિએ મેકિન્ટોશ અને આઇબીએમ પીસી કરતાં ચઢિયાતું હતું. જોકે એપલે મેકિન્ટોશ પર વધુ ધ્યાન આપવાનું નક્કી કરતાં આ કમ્પ્યૂટર એપલ-૨ સિરિઝનું છેલ્લું કમ્પ્યૂટર બન્યું.

એપલ કંપની સ્થાપ્યા પછી, તેને સફળતાના માર્ગે લઈ જવા માટે જોહ્ન સ્કલી નામના એ સમયના પેપ્સિકોના સફળ સીઇઓને આગ્રહપૂર્વક એપલના સીઇઓ બનાવ્યા પછી, સ્ટીવ જોબ્સને તેની સાથે જ મતભેદો ઊભા થયા. છેવટે આજે સ્ટીવે પોતે ઊભી કરેલી એપલમાંથી રાજીનામું આપવું પડ્યું. એ પછી સ્ટીવે ‘નેક્સ્ટ’ નામની કંપની સ્થાપી અને ‘પિકસર’ નામની એનિમેટેડ મૂવી બનાવતી કંપની ખરીદી લીધી. સ્ટીવે શરૂઆતમાં પિકસર કંપનીમાં પાવરફૂલ હાર્ડવેર બનાવવા પર ધ્યાન આપ્યું. પરંતુ ત્યાર પછી એનિમેટેડ મૂવીઝ પર ફોકસ કર્યું. એપલે જેમ વિવિધ ક્ષેત્રમાં ગેમ ચેન્જર પ્રોડક્ટ્સ આપી, એમ અહીં પણ કમ્પ્યૂટર ગ્રાફિક્સથી બનતી ફિલ્મથી પિકસર કંપનીએ મૂવી ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવી દીધો.
સ્ટીવ જોબ્સની એપલમાંથી વિદાય પછી એપલનો બિઝનેસ સતત ગગડતો ચાલ્યો. છેવટે એપલ કંપનીના મેનેજમેન્ટે ફરી સ્ટીવ જોબ્સને એપલની કમાન સોંપવાનો નિર્ણય કર્યો. એપલ છોડ્યાના ૧૨ વર્ષ પછી સ્ટીવ જોબ્સ ફરી એપલના સીઇઓ બન્યા. અગાઉ તેમણે સ્થાપેલી નેકસ્ટ કંપનીની મોટા ભાગની ટેકનોલોજીના ઉપયોગથી એપલે મેક ઓએસ બનાવી, જેણે આગળ જતાં આઇફોન અને આઇપેડની ઓપરેટિંગ સિસ્ટમ તરીકે આખી દુનિયા સર કરી!

સ્ટીવ જોબ્સની આગેવાનીમાં નેકસ્ટ કમ્પ્યૂટર કંપનીએ આજના દિવસે ‘નેકસ્ટસ્ટેપ’ નામની ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી. સ્ટીવ જોબ્સની દરેક શોધની જેમ આ ઓપરેટિંગ સિસ્ટમ પણ તેના સમય કરતાં વર્ષો આગળ હોવાનું કહેવાય છે. આ ઓપરેટિંગ સિસ્ટમમાં એવાં ફીચર્સ હતાં જે એ સમયની અન્ય કોઈ પણ સિસ્ટમમાં પછીનાં ૧૦ વર્ષ સુધી જોવા મળ્યાં નહીં. વર્લ્ડ વાઇડ વેબના સર્જનમાં પણ નેકસ્ટસ્ટેપ ઓએસનો ફાળો હોવાનું કહેવાય છે. એપલ કંપનીએ ૧૯૯૭માં નેકસ્ટ કમ્પ્યૂટર કંપની ખરીદી લીધી.

કમ્પ્યૂટરના જૂના જોગીઓ આજે પણ જેને પ્રેમપૂર્વક યાદ કરે છે એ ફોર્ટ્રાન પ્રોગ્રામ આજના દિવસે પહેલી વાર લોન્ચ થયો. આઇબીએમ ૭૦૪ મેઇનફ્રેમ કમ્પ્યૂટરના પ્રોગ્રામિંગ માટે આઇબીએમના સાયન્ટિસ્ટ્સે આ પ્રોગ્રામ ડેવલપ કર્યો હતો. સાયન્ટિફિક અને એન્જિનીયરિંગ એપ્લિકેશન્સના ડેવલપમેન્ટમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ફોર્ટ્રાનનો દબદબો રહ્યો.

આજના દિવસે અમેરિકાની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઠરાવ્યું કે કમ્પ્યૂટર કોડને પણ કોપીરાઇટ કાયદા હેઠળ રક્ષણ મળે છે. વાસ્તવમાં ઇન્ટેલ કોર્પોરેશન અને એનઇસી કોર્પોરેશન એ બે કંપની વચ્ચે એક્સ૮૬ પ્રોસેસરનું ઉત્પાદન કોણ કરી શકે એ મામલે કાનૂની જંગ ચાલતો હતો. ચુકાદો એ આવ્યો કે ઇન્ટેલને તેના પ્રોસેસર્સના કોડ માટે કોપીરાઇટનું પ્રોટેકશન હતું. જોકે આ ચુકાદો દૂધમાં અને દહીંમાં પગ રાખવા બરાબર હતો. કેમ કે તેમાં ઠરાવવામાં આવ્યું કે રિવર્સ એન્જિનીયરિંગ કોડિંગ પણ કાયદેસર ગણાય અને તેથી એનઇસી કોર્પોરેશને તેના પોતાના એકસ૮૬ પ્રોસેસર બનાવીને ઇન્ટેલના કોપીરાઇટનો ભંગ કર્યો નહોતો!

અત્યારે આપણા સૌના જીવનનો આધાર બની ગયેલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માંડ ૧૨ વર્ષ પહેલાં જન્મ્યા હતા એવું માનવું પણ અત્યારે મુશ્કેલ છે. આજની તારીખે ગૂગલ અને અમેરિકાની ટી-મોબાઇલ કંપનીએ ‘ટી-મોબાઇલ જી૧’ નામે વિશ્વનો પહેલો એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોન લોન્ચ કર્યો. એ ફોન ‘એચટીસી ડ્રીમ’ નામે પણ ઓળખાતો હતો.
આજનાં સ્પેસિફિકેશન સાથે તેની સરખામણી કરવી હોય તો જાણી લો કે દેખીતી રીતે તેમાં એન્ડ્રોઇડનું પહેલું વર્ઝન હતું, ૨૫૬ એમબી ઇન્ટરનલ સ્ટોરેજ હતી અને ૧૯૨ એમબીની રેમ હતી! અલબત્ત સ્ટોરેજ વધારાના માઇક્રો એસડી કાર્ડથી ૧૬ જીબી સુધી વિસ્તારી શકાતી હતી. આ ફોન ૧૧૫૦ એમએએચની બેટરી ધરાવતો હતો. ગૂગલે એ સમયની સિમ્બાયન, બ્લેકબેરી અને આઇફોન જેવી ઓપરેટિંગ સિસ્ટમના સામના માટે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી હતી.

‘કમ્પ્યૂસર્વ’ નામની કંપનીએ પહેલી કન્ઝ્યુમર ફોકસ્ડ ઓનલાઇન ઇન્ફર્મેશન સર્વિસ લોન્ચ કરી જેને તેણે ‘માઇક્રોનેટ’ નામ આપ્યું. આપણે માટે મુદ્દાની વાત એ આ સર્વિસને કારણે ઈ-મેઇલ જેવી સર્વિસ શક્ય બની. ૧૯૮૯માં કમ્પ્યૂસર્વ કંપનીએ પોતાની માલિકીની ઈ-મેઇલ સિસ્ટમને ઇન્ટરનેટની અન્ય ઈ-મેઇલ સિસ્ટમ સાથે સાંકળી લીધી. જોકે એ પછી કંપની અન્ય ઇન્ટરનેટ કંપનીઝ સાથેની સ્પર્ધામાં ટકી શકી નહીં.

કમ્પ્યૂટર સાથે સરેરાશ નાતો ધરાવતા આપણા જેવા લોકો વિન્ડોઝ અને બહુ બહુ તો લિનક્સ જેવી ઓપરેટિંગ સિસ્ટમને ઓળખીએ છીએ, પણ ઓપરેટિંગ સિસ્ટમ્સના ઘણા ફાંટા છે. મુખ્ય બે ફાંટા છે – એક, અમુક-તમુક કંપનીની માલિકીની ઓએસ અને બીજી ફ્રી ઓએસ. આજના દિવસે, રિચર્ડ સ્ટોલમેન નામના એક કમ્પ્યૂટર નિષ્ણાતે એ જમાનાની જાણીતી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ જેવી જ, પણ યુનિક્સ-કમ્પેટિબલ સોફ્ટવેર સિસ્ટમ લખવાની જાહેરાત કરી, જેને નામ આપ્યું જીએનયુ (જીએનયુ નોટ યુનિક્સ) અને સૌને એ તદ્દન મફત આપવાની જાહેરાત કરી. એ સાથે ઓપન સોર્સ અને ફ્રી સોફ્ટવેરને ખાસ્સો વેગ મળ્યો. રિચર્ડે આગળ જતાં, ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનની પણ રચના કરી.

એપલમાં સ્ટીવ જોબ્સની રીએન્ટ્રી પછી માંડ બે અઠવાડિયાના સમયમાં એપલે તેનું ‘થિંક ડિફરન્ટ’ કેમ્પેઇન લોન્ચ કર્યું. ૧૯૯૦ના દાયકામાં એપલ કંપની તદ્દન તળિયે પહોંચી હતી તેમાંથી ફરી બેઠી થઈને જગતની સૌથી મૂલ્યવાન કંપની બની એ આખી સફરનું આ એક કેમ્પેઇન જાણે પ્રતીક બન્યું. આ કેમ્પેઇનમાં કહેવામાં આવ્યું હતું કે ‘‘જે લોકો પાગલની જેમ, પોતે દુનિયા બદલી શકે છે એવું માને છે, એ જ લોકો ખરેખર દુનિયા બદલી શકે છે.
કેટલાક લોકો ભલે એમને ‘ક્રેઝી વન્સ’ ગણે, અમે તેમને જિનિયસ માનીએ છીએ.’’ મોટા ભાગના લોકો માને છે કે આ કેમ્પેઇનની ટેક્સ્ટ ખુદ સ્ટીવ જોબ્સે લખી હતી (સ્ટીવ જોબ્સની બાયોપિક જેવી ૨૦૧૩ની ‘જોબ્સ’ મૂવીમાં એવું જ બતાવવામાં આવ્યું હતું) પરંતુ જાણકારો કહે છે કે આ ટેક્સ્ટની પ્રેરણા સ્ટીવની હશે, પરંતુ શબ્દો એપલની એડ એજન્સીના કોપીરાઇટર્સે લખ્યા હતા. હકીકત ગમે તે હોય, આ એક એડથી એપલની પ્રોડક્ટસ ‘કંઈક અલગ’ લોકો માટે છે એવી ઓળખ ઊભી થઈ, જે હજી સુધી જળવાઈ રહી છે!

માઇક્રોસોફ્ટ કંપનીએ આજના દિવસે તેની પહેલી સોફ્ટવેર એપ્લિકેશન માઇક્રોસોફ્ટ વર્ડ ૧.૦ લોન્ચ કરી. એમએસ ડોસ પર ચાલતી સિસ્ટમ્સમાં વર્ડ એવો પહેલો વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ હતો, જેમાં કમ્પ્યૂટર માઉસનો ધરખમ ઉપયોગ શક્ય બન્યો. આ જ વર્ષે શરૂઆતમાં માઇક્રોસોફ્ટે આઇબીએમના પીસી માટે કમ્પ્યૂટર માઉસ લોન્ચ કર્યું હતું. એ સમયે માઇક્રોસોફ્ટે એક મેગેઝિનની દરેક કોપી સાથે ફ્લોપીમાં વર્ડ પ્રોગ્રામનું મફત વર્ઝન આપ્યું. કોઈ મેગેઝિન સાથે ફ્લોપી ડિસ્ક પણ આપવામાં આવે તે પ્રથાની શરૂઆત પણ એ સાથે જ થઈ, જેમાં પછી ફ્લોપીના સ્થાને સીડી આવી અને પછી એ પણ ભુલાઈ ગઈ!

આપણા ઘરમાં અને ઓફિસમાં લોકલ એરિયા નેટવર્ક (એલએએન) દ્વારા કમ્પ્યૂટર એક-મેક સાથે જોડાય છે તેમાં ‘ઇથરનેટ’ તરીકે ઓળખાતા નેટવર્કિંગ સ્ટાન્ડર્ડનો ઉપયોગ થાય છે. બધાં કમ્પ્યૂટર્સ અને અન્ય સાધનોમાં આ માટે એક સરખી જોગવાઈઓ રહે એ માટે આજના દિવસે ડિજિટલ, ઇન્ટેલ અને ઝેરોક્સ કંપનીએ સાથે મળીને ઇથરનેટ સ્પેસિફિકેશન્સના પહેલા વર્ઝનની ઘોષણા કરી.
