ગૂગલે હમણાં પ્લેસ્ટોરમાંથી નવ એપ્સ દૂર કરીને તેના ડેવલપર્સ પર પ્લેસ્ટોરમાં એપ અપલોડ કરવા પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ્સ વિવિધ પ્રકારની સર્વિસ આપવાના નામે લોકોના ફેસબુકનાં યૂઝરનેમ-પાસવર્ડ ચોરતી હતી. ફોટો એડિટિંગ કે ફોટો પર આકર્ષક ફ્રેમ ઉમેરવી, વિવિધ પ્રકારની એકસરસાઇઝ અને ટ્રેનિંગ આપવી, હોરોસ્કોપની સર્વિસ આપવી કે એન્ડ્રોઇડમાંથી વણજોઇતી ફાઇલ્સ દૂર કરી આપવાનો દાવો કરતી આ બધી એપ એકસરખી રીતે કામ કરતી હતી.
આવી એપ્સમાં કહેવામાં આવતું હતું કે જો યૂઝર્સ તેમના ફેસબુક એકાઉન્ટથી લોગઇન થશે તો તેમને એપ્સમાં જોવા મળતી જાહેરાતોથી છૂટકારો મળશે, પરંતુ ફેસબુકથી લોગઇન થવાની લિંક ક્લિક કરતાં જોવા મળતા ‘ફેસબુકના લોગઇન ફોર્મ’માં વિગતો આપતાં, તે આ એપના ડેવલપર્સને પણ મળી જતા હતા. સામાન્ય રીતે યોગ્ય રીતે ડેવલપ થયેલી એપમાં ફેસબુક, ગૂગલ કે ટ્વીટર વગેરેના યૂઝરનેમ-પાસવર્ડથી લોગઇન થવાની સગવડ હોય તો તેમાં એપના ડેવલપર યૂઝરના જે તે કંપનીના યૂઝરનેમ-પાસવર્ડ જાણી શકતા નથી.
આથી જ અજાણી અને અવિશ્વનીય એપ્સમાં તમારા ફેસબુક કે ગૂગલ એકાઉન્ટથી લોગઇન થશો નહીં.
