છેલ્લાં થોડાં વર્ષોથી ફોલ્ડેડ સ્માર્ટફોન ગાજે છે. અલબત્ત જેટલા ગાજી રહ્યા છે એટલા વરસી રહ્યા નથી. સેમસંગ, એલજી, માઇક્રોસોફ્ટ વગેરે કંપની સાદા કાગળની જેમ ગડી વાળીને ખિસ્સામાં મૂકી શકાય એવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લાવી રહી છે એવા સમાચાર ઘણા સમયથી ગાજતા હતા. છેવટે આ કંપનીઓએ આવા સ્માર્ટફોન રજૂ પણ કર્યા પરંતુ હજી તે જોઇએ તેટલા પ્રમાણમાં વેચાઇ રહ્યા નથી – ઊંચી કિંમત પણ એક કારણ ખરું!

આવા સ્માર્ટફોન વિશે આપણા મનમાં પહેલી જિજ્ઞાસા એ જાગે કે તેના કાચના સ્ક્રીનની ગડી કેવી રીતે વાળી શકાય. હકીકત એ છે કે શરૂઆતના ફોલ્ડેબલ સ્માર્ટફોનના સ્ક્રીન કાચના નહીં પરંતુ પ્લાસ્ટિકના હતા, અલબત્ત સારી જાતના પ્લાસ્ટિકના.
સેમસંગે રજૂ કરેલો ગેલેક્સી ઝેડ ફ્લિપ ફોન પહેલો એવો ફોલ્ડેડ ફોન છે જેમાં કાચના સ્ક્રીનનો ઉપયોગ થયો છે. સાદા સ્માર્ટફોનના મજબૂત કાચના સ્ક્રીન માટે કોર્નિંગ કંપની જાણીતી છે, જે ‘ગોરિલા’ બ્રાન્ડનેમથી સ્માર્ટફોનના ડિસ્પ્લે બનાવે છે. અલબત્ત સેમસંગના ફોલ્ડેબલ ફોનમાં કોર્નિંગ ડિસ્પ્લેનો ઉપયોગ થયો નથી.
બીજી એક થોડી ચોંકાવનારી વાત. ફોલ્ડેબલ સ્માર્ટફોનમાંનો ડિસ્પ્લે ખરેખર ફોલ્ડ થતો નથી, એ માત્ર વચ્ચેથી વળે છે. એટલે કે કાગળની ગડી વાળતાં જે ધારદાર ક્રીઝ સર્જાઈ શકે એવું ફોલ્ડેબલ ફોનના કાચના ડિસ્પ્લેમાં થતું નથી. તેમાં વચ્ચેથી કાચ માત્ર વળે છે, ચપોચપ બંધ બેસતો નથી. કાચની બિલકુલ ગડી વાળી શકાતી ન હોવાથી પહેલાં પ્લાસ્ટિકના સ્ક્રીનથી કામ ચલાવવામાં આવ્યું અને પછી ચપોચપ ગડીને બદલે ફક્ત વળે અને વાળ્યા પછી એકબીજાથી દૂર રહે એવી રીતે ફોલ્ડ કરી શકાય તેવા કાચના સ્ક્રીનથી કામ ચલાવવામાં આવ્યું.
બીજી તરફ માઇક્રોસોફ્ટ જેવી કંપનીએ સરફેસ ડ્યુઓ નામે બે ડિસ્પ્લે સ્ક્રીન ધરાવતા સ્માર્ટફોનની નવી કેટેગરી ઊભી કરવાની કોશિશ કરી ત્યારે તેણે સ્ક્રીનને ફોલ્ડ કરવાને બદલે લેપટોપની જેમ બે પાર્ટ વચ્ચે મિજાગરાં હોય એવી ડિઝાઇન અપનાવવાનું પસંદ કર્યું.

પહેલા પ્રકારના ફોલ્ડેબલ સ્ક્રીન ધરાવતા સ્માર્ટફોનમાં ફોનના બંને ભાગ ખોલવામાં આવે ત્યારે આખા એક સ્ક્રીનનો અનુભવ મળે છે, જ્યારે બે ભાગ અને વચ્ચે હિન્જીસવાળા ફોનમાં આવો લાભ દેખીતી રીતે મળતો નથી (કેટલાંક મોડેલમાં આ બંને ભાગ અલગ કરીને તેનો અલગ ઉપયોગ પણ થઈ શકે છે). એકને બદલે બમણા કે બે સ્ક્રીન ધરાવતા આવા ફોનમાં મલ્ટિટાસ્કિંગ સહેલું બને છે, એક તરફ એક એપ ઓપન કરી, તેના આધારે બીજા ભાગમાં બીજી એપ ઓપન કરીને કામ કરવું સહેલું પડે. માઇક્રોસોફ્ટના ડ્યુઓ જેવા ફોન કે ટેબલેટ પુસ્તકની જેમ રીડિંગનો આનંદ આપી શકે છે. વચ્ચે હિન્જીસ વગરના ફોલ્ડેબલ ફોનમાં વીડિયો કે મૂવી જોવાનું વધુ મજેદાર બને છે.
ફરી ફોલ્ડેબલ ગ્લાસની વાત તરફ વળીએ તો એ નોંધવા જેવું છે કે ફોલ્ડેબલ ગ્લાસ કોઈ નવી વાત નથી. કોર્નિંગ કંપની લગભગ પચાસેક વર્ષથી સહેલાઇથી વાળી શકાય તેવા કાચ પર કામ કરી રહી છે.
આ કંપનીએ ફાઇબર ઓપ્ટિક કેબલ માટે ફ્લેક્સિબલ ગ્લાસ ફાઇબર બનાવ્યા છે, જેને ૯૦ અંશના ખૂણે વાળ્યા પછી પણ તે સારી રીતે કામ આપી શકે છે. પ્લાસ્ટિકના સ્ક્રીનની સરખામણીમાં કાચના સ્ક્રીનના દેખીતા ફાયદા છે. પરંતુ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં કાચને સંપૂર્ણપણે ફોલ્ડ કરી શકાય છતાં તે તૂટે નહીં કે તેના પર કાયમી ક્રીઝ પડી ન જાય એવો કાચ સર્જવો અત્યારે સૌથી મોટી ચેલેન્જ છે.
હવે આવે છે ત્રણ સ્ક્રીનવાળા ફોન!
પુસ્તકની જેમ ખોલી શકાય અને બાજુ બાજુના બે સ્ક્રીન પર એક સાથે કામ કરી શકાય તેવા ફોલ્ડેબલ સ્માર્ટફોન ધીમી પણ આગળ વધી રહ્યા છે, ત્યારે તમને જાણીને કદાચ નવાઈ લાગશે ફોલ્ડેબલ ફોનમાં હજી એક ત્રીજો સ્ક્રીન પણ ઉમેરાશે! આમ તો આવા ત્રણ સ્ક્રીનવાળા ફોન એક કન્સેપ્ટ તરીકે લાંબા સમયથી ચર્ચામાં છે. ફોલ્ડેબલ ફોનની કેટેગરીમાં આગળ રહેલી સેમસંગ કંપની ત્રણ સ્ક્રીનવાળા ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે. હમણાં કંપનીએ આ માટે પેટન્ટ ફાઇલ કરી હોવાના સમાચાર છે.
કંપનીના હાલના બે સ્ક્રીનવાળા ફોલ્ડેબલ ફોન ‘ઝેડ ફોલ્ડ’ અને ‘ઝેડ ફ્લિક’ નામે વેચાઈ રહ્યા છે. ત્રણ સ્ક્રીનવાળા ફોન વાસ્તવમાં ‘ઝેડ’ જેવો આકાર ધરાવતા હશે અને ત્રણેય સ્ક્રીન ખોલીને બિલકુલ ફ્લેટ, મોટો સપાટ સ્ક્રીન મેળવી શકાશે. સેમસંગ ઉપરાંત માઇક્રોસોફ્ટ અને વનપ્લસ કંપની પણ આ જ પ્રકારના ટ્રાઇલ-ફોલ્ડ ફોન પર કામ કરી રહી છે. અલબત્ત આવા ફોન ક્યારે વાસ્તવિકતા બનશે અને ખરેખર ક્યારે માર્કેટમાં આવશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી.

