કોઈનો જીવ સ્માર્ટવોચને કારણે બચી શકે, એમ કોઈ કહે તો તમે માનો? એવું હકીકતમાં બન્યું છે!
ડૂબતા યુવાનને સ્માર્ટવોચનું તરણું મળ્યું
બન્યું એવું કે યુકેના અંતરિયાળ વિસ્તારમાં સાયકલિંગ કરી રહેલા એક સાયકલિસ્ટે સાયકલ પર જ એક નદી ઓળંગવાની કોશિશ કરી. એ જરા વધુ પડતો સાહસિક હશે, કેમ કે નદીમાં પૂર હતું, ધસમસતો પ્રવાહ હતો છતાં એણે એવી હિંમત કરી. પછી થવાનું હતું તે થયું. સાયકલ સાથે એ નદીના પ્રવાહમાં તણાયો.
જોકે એ સાહસિક હોવાની સાથે નસીબનો બળિયો પણ હતો. નદીના પ્રવાહમાં તણાતાં તણાતાં નસીબજોગે, કાંઠા પરથી નદીમાં ઝળૂંબી રહેલી એક ઝાડની ડાળી તેના હાથમાં આવી. ડૂબતો માણસ તરણું ઝાલે એમ તેણે ડાળી પકડી તો લીધી, પણ એના સહારે તે કાંઠા સુધી પહોંચે તેમ નહોતો.
તેના ખિસ્સામાં સ્માર્ટફોન હતો, પણ બે હાથે પકડેલી ડાળી છોડીને મદદ માટે કોઈને કોલ કરવા માટે, ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢવાનું જોખમ લેવાય તેમ નહોતું.
એ સાયકલિસ્ટ નસીબનો ખરેખર બળિયો હશે કે આવી સ્થિતિમાં પણ તે મગજ શાંત રાખી શક્યો. એણે પોતાના કાંડા પરની એપલ સ્માર્ટવોચથી બ્રિટનના રેસ્ક્યૂ નંબર પર કોલ જોડ્યો. રેસ્ક્યૂ ટીમે તરત તેનો કોલ રીસિવ કર્યો, પેલા યુવાને પોતાની સ્થિતિ કહી બતાવી. બંને હાથે મજબૂત રીતે ડાળી પકડી રાખીને એ યુવાને રેસ્ક્યૂ ટીમ સાથે વાત કરી. રેસ્ક્યૂ ટીમે તેના ફોનના આધારે તેનું લોકેશન જાણ્યું અને તરત મદદ પહોંચાડીને તેનો જીવ બચાવી લીધો!
અમુક સ્માર્ટવોચમાં ‘એલટીઇ’ કોલિંગની સગવડ હોય છે, જેને કારણે સ્માર્ટવોચ ફોન સાથે કનેક્ટેડ ન હોય તો પણ, ડાઇરેક્ટ સ્માર્ટવોચમાંથી કોલ કરી શકાય છે.
અપહરણમાંથી છૂટકારો થયો
અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં એક મહિલાનો પણ સ્માર્ટવોચથી જીવ બચ્યો. એ મહિલાનું કોઈ અજાણ્યા હુમલાખોરે અપહરણ કર્યું, પણ મહિલાએ સમયસૂચકતા વાપરીને પોતાની સ્માર્ટવોચમાંના ઇમર્જન્સી બટનથી પોતાની દીકરીને એલર્ટ મોકલી આપ્યો. દીકરીએ એ એલર્ટ પોલીસને પહોંચાડ્યો. પોલીસે સ્માર્ટવોચની મદદથી પેલી મહિલાનું એક્ઝેક્ટ લોકેશન ટ્રેક કર્યું અને તેને છોડાવી લીધી!
એપલ વોચ પરનું સાઇડ બટન જરા લાંબો સમય પ્રેસ કરી રાખવાથી ઇમરજન્સી એસઓએસ એક્ટિવેટ થાય છે અને થોડા જ સમયમાં ઇમરજન્સી નંબર્સને એલર્ટ પહોંચી જાય છે!
ભારતમાં પણ…
ભારતમાં, એન્ડ્રોઇડમાં પણ આ રીતે ઇમર્જન્સીમાં મદદ મેળવવાની સગવડ છે. આપણા ફોનનું પાવર બટન ઝડપથી ત્રણ વાર પ્રેસ કરતાં, ૧૧૨ નંબરના ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર પર કોલ પહોંચે છે. આ સર્વિસમાં સ્વયંસેવક તરીકે જોડાનારા અને આપણી નજીકમાં હોય તેવા લોકોને પણ જાણ થાય છે કે આપણને મદદની જરૂર છે!

