ભારતમાં પણ હવે ડ્રોનથી ડિલિવરીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે.
ગયા મહિને આ દિશામાં એક નક્કર પગલું પણ ભરવામાં આવ્યું. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૨૦ સંસ્થાઓને ડ્રોનના ‘બિયોન્ડ વિઝ્યુઅલ લાઇન ઓફ સાઇટ’ એટલે કે દેખીતી નજરથી આગળ જઈ શકે એવા પ્રાયોગિક ઉડ્ડયનો માટે મંજૂરી આપી છે.
આ મંજૂરી એક વર્ષ માટે આપવામાં આવી છે.
સરકારને આશા છે કે આ પ્રયોગોને કારણે ડ્રોનથી ચીજવસ્તુઓની ડિલિવરી કરવા જેવા ભવિષ્યના ઉપયોગો માટે એક માળખું તૈયાર થશે.
સામાન્ય રીતે ડ્રોનના ‘વિઝ્યુઅલ લાઇન સાઇટ’ ઉડાન માટે મંજૂરી અપાય છે. આ પ્રકારના ઓપરેશનમાં ડ્રોન ઓપરેટર ડ્રોન સતત તેની નજરમાં રહે એ જ રીતે ઉડાડી શકે છે. ‘બિયોન્ડ વિઝ્યુઅલ લાઇન ઓફ સાઇટ’ પ્રકારના ઓપરેશનમાં, ડ્રોનનું રિમોટલી સંચાલન કરી શકાય છે અને તેને નજરથી દૂર પણ મોકલી શકાય છે.

