
ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં વિવિધ ફાઇલ્સનો ભરાવો થતો જાય તેમ તેમ ફોન ધીમો થતો જાય. બિનજરૂરી એપ્સ, ફોટોઝ, મ્યુઝિક વગેરેની ફાઇલ્સ નિયમિત દૂર કરવાથી ચોક્કસ ફાયદો થશે.
- એ ઉપરાંત, ફોનમાં આપણે જે કોઈ એપ્સનો ઉપયોગ કરીએ એ બધી એપ પોતપોતાની રીતે ફોનમાં અમુક બાબતોનો ભરાવો કરે છે (ટેકનિકલ ભાષામાં તેને ‘કેશ ડેટા’ કહે છે). એપ કેશ ક્લીનર કે ક્લિન માસ્ટર જેવી ફ્રી એપ્સની મદદથી ફોનની સાફસૂફી થઈ શકે, પણ આ એપ્સ પોતાની સાથે બીજી ઘણી બિનજરૂરી ભારણ લાવતી હોય છે.
- તેના બદલે, તમે જ ફોનના સેટિંગ્સમાં, ‘સ્ટોરેજ’માં જાઓ અને ત્યાં તમારા ફોનની ઇન્ટરનલ સ્ટોરેજ તપાસો. તેમાં જ્યાં ભારણ વધુ દેખાય તેને ક્લિક કરી, બિનજરૂરી ચીજવસ્તુ દૂર કરો. જેમ કે પિક્ચર્સ, વીડિયોમાં વધુ જગ્યા રોકાતી જોવા મળે તો તેના પર ક્લિક કરતાં, ફોટો ગેલેરી એપ ખૂલશે અને તેમાંથી બિનજરૂરી ઇમેજ-વીડિયો દૂર કરી શકાય.
- અહીં જ ‘કેશ્ડ ડેટા’ની વિગતો જોવા મળશે. તેને પણ ડિલીટ કરી શકાય. એ ઉપરાંત ‘મિસ્સલેનિયસ’ શીર્ષક નીચે, ઘણી એપ કે સર્વિસમાં જમા થયેલો ડેટા જોવા મળશે. આ બધામાં જે કંઈ બિનજરૂરી લાગે તેને સાફ કરી નાખો!
- આ સિવાય, આ કામમાં ગૂગલની ‘ફાઇલ્સ’ નામની એપ બહુ ઉપયોગી થશે.
