(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નવો સમય, નવાં વિસ્મય, નવી કારકિર્દીની તકો!

ગેમ્સ, મૂવીઝ, એડવર્ટાઇઝિંગ... આ બધામાં જે વાસ્તવમાં શક્ય જ નથી, એ દર્શાવવાનો ટ્રેન્ડ જબરજસ્ત લોકપ્રિય થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ તમારા માટે નવી કારકિર્દીની અનેક તક આપે છે.
Weapon designed by: Aakash Nanavaty https://avnahmedabad.artstation.com/

ગયા મહિને પ્રચંડ વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું હતું એ યાદ કરીને કલ્પના કરો કે તમે કોઈ ટીવી ચેનલનું આ વાવાઝોડા વિશેનું લાઇવ બ્રોડકાસ્ટિંગ જોઈ રહ્યા છો. એ ચેનલે વાવાઝોડાના એપીસેન્ટર જેવા દીવ-ઉનામાં પોતાનો કામચલાઉ સ્ટુડિયો ઊભો કર્યો છે.

લાઇવ બ્રોડકાસ્ટિંગ સાથે, એન્કર આપણને તીવ્ર ઝડપે ફૂંકાતા પવનથી થયેલી તારાજીનાં દૃશ્યો બતાવી રહ્યા છે. ત્યાં સ્ટુડિયોની બહાર એક તોતિંગ વૃક્ષ તૂટી પડે છે અને તેની ડાળીઓ સ્ટુડિયોની બારી તોડીને અંદર ઘૂસી આવે છે. એન્કર હેબતાઇને એક તરફ ખસે છે ત્યાં સ્ટુડિયોની બીજી તરફની આખી દીવાલ જ ધસી પડે છે. સ્ટુડિયોનું ઉપરનું છાપરું હવામાં ફંગોળાઈ જાય છે… આપણો સ્ક્રીન બ્લેકઆઉટ થઈ જાય છે…

આપણે ટીવી ચેનલના સ્ટાફનું શું થયું હશે એની ચિંતામાં ગરકાવ થઈએ ત્યાં ફરી સ્ક્રીન પર એ જ સ્ટુડિયોનાં દૃશ્યો દેખાય છે. ક્યાંય કોઈ નુક્સાનનાં ચિહ્નો નથી. એન્કર હસતા મોંએ કહે છે, ‘‘વાવાઝોડામાં કેવી સ્થિતિ થઈ શકે છે એ દર્શાવવાનો અમારો આ પ્રયાસ હતો… અમારા સ્ટુડિયો અને બ્રોડકાસ્ટિંગમા અમે હવે ‘ઇમર્સિવ મિક્સ્ડ રિયાલિટી ટેકનોલોજી’નો ઉપયોગ કરી રહ્યા છીએ…’’

આપણી ટીવી ચેનલ્સ વિવિધ સમયે ગ્રાફિક્સની મદદથી વાસ્તવિકતાનો ચિતાર આપવાનો યથાશક્તિ પ્રયાસ કરે છે, પણ દુનિયામાં બીજે બધે ‘મિક્સ્ડ રિયાલિટી’ની મદદથી બ્રોડકાસ્ટિંગનો ચિતાર જ બદલાઈ રહ્યો છે.

મજા એ છે કે આ માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તે દુનિયાભરના ગેમિંગ રસિયાઓ માટે બિલકુલ અજાણી નથી!

ભારત સહિત એશિયાને ઘેલું લગાડનાર ‘પબ્જી’ કે યુરોપ-અમેરિકામાં તેનાથી પણ વધુ લોકપ્રિય ‘ફોર્ટનાઇટ’ જેવી ગેમ્સ જે ટેક્નોલોજીની મદદથી ડેવલપ થઈ છે એ જ હવે ટીવી બ્રોડકાસ્ટિંગ, એનિમેટેડ મૂવીઝ, આર્કિટેક્ટચર વગેરે અનેક સેક્ટરમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સની આપણી કલ્પના ધરમૂળથી બદલી રહી છે.

ગેમિંગથી ફુંકાયેલો આ પવન હવે વિવિધ ક્ષેત્રોમાં રીતસર વાવાઝોડું બની રહ્યો છે – તમને આઇટીની સાથોસાથ ક્રિએટિવિટીમાં રસ હોય તો આ ફીલ્ડમાં તમારે માટે અનેક તકો પડેલી છે!

આગળ શું જાણશો?
  • ટીવી બ્રોડકાસ્ટિંગમાં મિક્સ્ડ રિયાલિટી
  • ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો જબરજસ્ત ગ્રોથ
  • મૂવી ઇન્ડસ્ટ્રી પર વીએફએક્સનું આક્રમણ
  • આ કરિયર ફીલ્ડને ચોક્કસ શું નામ આપી શકાય?
  • આ ફીલ્ડની શરૂઆત વિશે થોડી વાત
  • આ ફીલ્ડમાં કેવી તકો છે?
  • કોના માટે તક છે?
  • કેવી રીતે શરૂઆત કરી શકાય?
  • ફોકસ જરૂરી છે…

પહેલાં આ ક્રિએટિવ ફીલ્ડની શક્યતાઓ તપાસીએ

અમેરિકન ‘ધ વેધર ચેનલ’એ પબ્જી ગેમ જેના પર સર્જાઈ તે ‘અનરિયલ એન્જિન’ અને મિક્સ્ડ રિયાલિટી ટેક્નોલોજીનો જબરજસ્ત ઉપયોગ શરૂ કર્યો છે.

આ ચેનલ, આ ટેક્નોલોજીની મદદથી, ટોર્નેડો, બરફનાં તોફાન, હરીકેન, દાવાનળ વગેરે કઈ રીતે સર્જાય છે અને કઈ રીતે તારાજી વરસાવે છે એનાં, રૂવાડાં ઊભાં કરી દે એવા વાસ્તવિક-આભાસી મીડિયા ક્રિએટ કરે છે.

મૂળ લેખની શરૂઆતમાં દીવ-ઉનાના સ્ટુડિયોનું જે વર્ણન છે, તે વાસ્તવમાં આ ચેનલને આભારી છે! આ ચેનલે ૨૦૧૮માં તેના સ્ટુડિયો પર ટોર્નેડો ત્રાટક્યો હોય એ રીતે ટોર્નેડો અને તેની વિનાશકતાને સમજાવતો સેગમેન્ટ તૈયાર કર્યો ત્યારથી ટીવી બ્રોડકાસ્ટિંગમાં મિક્સ્ડ રિયાલિટીએ તહેલકો મચાવ્યો છે.

આ ફીલ્ડમાં આગળ વધ્યા પછી, બ્રોડકાસ્ટિંગ સેક્ટરમાં પણ જોબની સારી તકો છે.

જુઓ આ વીડિયો

ગેમિંગ ઇન્ડસ્ટ્રી મૂવીઝ કરતાં પણ આગળ વધી રહી છે

કોરોનાના કારણે આખું વિશ્વ થંભ્યું પણ ગેમિંગ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત વેગ મળ્યો છે. ગયા વર્ષે એન્ટરટેઇન્મેન્ટ સેક્ટરમાં આવકની દૃષ્ટિએ ગેમિંગ ઇન્ડસ્ટ્રી મૂવીઝ અને સ્પોર્ટ્સ બંનેની આવકના સરવાળા કરતાં પણ આગળ નીકળી ગઈ છે.

એક અંદાજ પ્રમાણે આવતાં પાંચ વર્ષમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રી ૩૦૦ અબજ ડોલરની ઇન્ડસ્ટ્રી બને તેવી શક્યતા છે. સરખામણી માટે જાણી લો કે હોલીવૂડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ૨૦૧૮માં ૬૦ અબજ ડોલરનો બિઝનેસ કર્યો હતો.

કમ્પ્યૂટર અને સ્માર્ટફોનના વધતા પ્રોસેસિંગ પાવર તથા ઇન્ટરનેટની વધતી પહોંચને કારણે ગેમિંગ ઇન્ડસ્ટ્રી જબરજસ્ત ફૂલીફાલી રહી છે. બીજી તરફ, ગમે ત્યાંથી, ગમે ત્યારે કામ કરતી શકવાની સગવડને કારણે આ ફીલ્ડમાં ટીમવર્ક પણ સહેલું બની રહ્યું છે. ઇસ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સની એક બિલકુલ આગવી દુનિયા પણ વિકસી રહી છે.

ગેમિંગ હવે ચોક્કસપણે એક સિરિયસ બિઝનેસ છે!

મૂવીઝમાં કલ્પના અને વાસ્તવિકતાની જોરદાર ભેળસેળ થવા લાગી છે

મૂવીઝ અને કમ્પ્યૂટર જનરેટેડ ઇમેજરી (સીજીઆઇ)નો નાતો બહુ જૂનો છે, પરંતુ ઇન્ટરનેટ આધારિત ગેમિંગ ઇન્ડસ્ટ્રી જબરજસ્ત વિક્સ્યા પછી તેનાં ટૂલ્સ મૂવી મેકિંગમાં પણ ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યાં છે.

‘હેરી પોટર’, ‘એવેન્જર્સ’, ‘સ્પાઇડરમેન’, ‘લાઇફ ઓફ પાઈ’ કે પછી આપણી ‘બાહુબલી’ જેવી મૂવીઝમાં વાસ્તવિકતા અને કલ્પનાની જબરજસ્ત ભેળસેળ શક્ય બનવા લાગી છે. કોરોનાના વૈશ્ર્વિક પ્રસાર પછી સામાન્ય દિવસોની જેમ ફિલ્મ શૂટિંગ મુશ્કેલ બન્યું છે તેમ તેમ મૂવી મેકિંગમાં ટેકનોલોજીનો ઉપયોગ હજી વધે તેવી શક્યતા છે.

ભારતમાં ટીવીમાં બાળકો માટેની એનિમેશન સિરિયલ્સનું મોટું માર્કેટ છે અને ટીવી એડવર્ટાઇઝિંગમાં પણ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો જબરો ઉપયોગ થવા લાગ્યો છે.

મોટા સ્ટુડિયોમાં પ્રોજેક્ટની નાનામાં નાની જરૂરિયાતો માટે સ્પેસિફિક માસ્ટરી ધરાવતા આર્ટિસ્ટ્સની ડિમાન્ડ વધી રહી છે.

રસ પડ્યો? આ ફીલ્ડમાં આગળ વધવા વિશે જાણીએ!

આનો જવાબ મુશ્કેલ છે! પહેલાંના જમાનામાં ડોક્ટર, એન્જિનીયર કે એકાઉન્ટન્ટ જેવાં બહુ સ્પષ્ટ ફીલ્ડ હતાં, હવેના સમયમાં એવી નવી નવી કારકિર્દીઓ વિકસી રહી છે, જેની ફક્ત દસ વર્ષ પહેલાં પણ કોઈએ કલ્પના કરી ન હોય!
આ ફીલ્ડ એ જ પ્રકારનું છે. એમાંય, આમાં તો ખરેખર વાસ્તવિકતા અને કલ્પનાની ભેળસેળની જ વાત છે – આભાસી વિશ્વ જ ઊભું કરવાની વાત છે!

એટલે વિદ્યાર્થી તરીકે તમને આ ફીલ્ડમાં રસ હોય તો પેરેન્ટ્સને આ ફીલ્ડની સમજ આપવાના સમયથી જ તમારી મુશ્કેલીની શરૂઆત થશે! એ લોકો, પોતાના અનુભવના આધારે તમને કોઈ માર્ગદર્શન આપી નહીં શકે – તમારે પોતે જ પોતાનો રસ્તો તૈયાર કરવાનો રહેશે.

જેમ કમ્પ્યૂટર સાયન્સ કે કમ્પ્યૂટર એન્જિનીયરિંગ અત્યંત વિશાળ વિષય છે, તેની અંદર પાછા અનેક ફાંટા છે તેમ ઓગમેન્ટેડ, વર્ચ્યુઅલ, મિક્સ્ડ કે એક્સટેન્ડેડ રિયાલિટીનું સેક્ટર પણ અત્યંત વિશાળ છે. તેની અંદર જુદા જુદા અનેક ફાંટા છે.

આ ફીલ્ડમાં મિક્સ્ડ રિયાલિટી, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (વીએફએક્સ), ઇસ્પોર્ટ્સ વગેરે મુખ્ય ફાંટા છે. તેની અંદર પાછા કન્ટેન્ટ આઇડિએશન, ઇલસ્ટ્રેશન ક્રિએશન, વિઝ્યુઅલાઇઝેશન, ટુડી ઇલસ્ટ્રેશન, ૩ડી મોડલિંગ, એનિમેશન, ઇફેક્ટ્સ, એન્વાયર્નમેન્ટ ક્રિએશન, કોડિંગ-પ્રોગ્રામિંગ વગેરે પેટા ફાંટા છે.

અવાસ્તવિકતાનું સર્જન!

આપણે સરળતા ખાતર આ લેખમાં ‘મિક્સ્ડ રિયાલિટી’ શબ્દ પ્રયોગ કરીશું.

હોલીવૂડની મૂવીઝમાં હવે મોટા પાયે કમ્પ્યૂટર જનરેટેડ ઇમેજરી (સીજીઆઇ)નો ઉપયોગ થાય છે એ આપણે જાણીએ છીએ.

૧૯૮૬માં ‘ફ્લાઇટ ઓફ ધ નેવિગેટર’ મૂવી સાથે આ ટ્રેન્ડ શરૂ થયો. એ પછી ૧૯૯૩માં ‘જુરાસિક પાર્ક’ સાથે સીજીઆઇનો જાણે એક નવો યુગ આરંભાયો. મૂવીઝ કે અન્ય પ્રોડક્શનમાં વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ માટે અનેક પ્રકારનાં સોફ્ટવેર, ટેકનિક્સ અને રેન્ડરિંગ એન્જિન્સનો ઉપયોગ થાય છે. મૂવીઝમાં અત્યાર સુધી સામાન્ય રીતે, પહેલાં વાસ્તવિક શૂટિંગ થાય અને પછી તેના ફૂટેજમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને કમ્પ્યૂટર જનરેટેડ ઇમેજરી ઉમેરવામાં આવતાં હતાં.

પરંતુ ગેમિંગ ટેક્નોલોજીના આગમન સાથે આ એપ્રોચમાં બદલાવ આવ્યો છે. હવે ડિરેક્ટરની કલ્પના મુજબ પહેલાં વર્ચ્યુઅલ ઇફેક્ટ્સ તૈયાર કરી લેવામાં આવે છે અને પછી વાસ્તવિક શૂટિંગ સમયે ગેમિંગ એન્જિન્સમાં વાસ્તવિક અને વર્ચ્યુઅલ સીન્સની ભેળસેળ કરવામાં આવે છે.

અત્યારે ગેમિંગ, ઇ-સ્પોર્ટ્સ, મૂવી અને ટીવી, આર્કિટેક્ચર, એડવર્ટાઇઝિંગ, ઇવેન્ટ બ્રોડકાસ્ટિંગ, ટ્રેનિંગ, સિમ્યુલેશન વગેરે દરેક ફીલ્ડમાં મિક્સ્ડ રિયાલિટીનો ઉપયોગ જબરજસ્ત વધ્યો છે. એમાંય કોરોનાના પ્રસાર પછી ગ્લોબલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં જબરો ઉછાળો આવ્યો છે ત્યારે ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, મિક્સ્ડ રિયાલિટી વગેરે ક્ષેત્રોમાં ટેલેન્ટની જબરી માગ વધી રહી છે.

જુદા જુદા બિલ્ડર્સ તેમના નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટસનાં બ્રોશર્સમાં બિલ્ડિંગ અને તેમાંની એમેનિટિઝની આકર્ષક ૩ડી ઇમેજીસ કે વેબસાઇટ પર ૩ડી વિડિયો એનિમેશન બતાવે છે તે એક પ્રકારે વર્ચ્ચુઅલ રિયાલિટી છે. બિલ્ડિંગના હજી તો પાયા ખોદાઈ રહ્યા હોય ત્યારે કોઈ આર્ટિસ્ટ કે એનિમેટર, આર્કિટેક્ટના પ્લાનિંગના આધારે આખો પ્રોજેક્ટ પૂરો થઈને વેચાણ માટે રેડી હોય એ પ્રકારની ઇમેજ કે એનિમેશન તૈયાર કરી આપે છે!

પાછલા એક-બે દાયકાથી કમ્પ્યૂટર સાયન્સ અને કમ્પ્યૂટર એન્જિનીયરિંગ કે ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો રીતસર જુવાળ આવ્યો છે, પરિણામે આ ક્ષેત્રો બહુ સ્પર્ધાત્મક બની ગયાં છે. તેમાં સારા ટેલેન્ટની ડિમાન્ડ બહુ છે તો સામે આ ક્ષેત્રો પસંદ કરી, તેનો અભ્યાસ કરીને તેમાં ઝંપલાવવા માટે તૈયાર વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ બહુ મોટું છે.

પરંતુ આ બહોળી અને વિરાટ ઇન્ડસ્ટ્રીમાં આપણે કાળજીપૂર્વક ચોક્કસ ફીલ્ડ પર ફોકસ કરીએ તો પ્રમાણમાં ઓછી સ્પર્ધાનો સામનો કરવો પડે છે અને સારી કારકિર્દીની તક રહે છે.

અત્યારે સાયબર સિક્યુરિટી અને મિક્સ્ડ રિયાલિટી આ પ્રકારનાં ફીલ્ડ છે. તેમાં તકો અત્યંત વ્યાપક છે, વિવિધ ઇન્ડસ્ટ્રીમાં તેની જરૂરિયાત સતત વધી રહી છે અને સામે ટેલેન્ટનો સપ્લાય પ્રમાણમાં ઓછો છે.

ભારતમાં હવે ઘણી કોલેજ-યુનિવર્સિટી એનિમેશન, વિઝ્યુઅલ ગ્રાફિક્સ, મલ્ટીમીડિયા, ગેમિંગ, મિક્સ્ડ રિયાલિટી પર ફોકસ્ડ ડિગ્રી કોર્સિસ ઓફર કરવા લાગી છે.

આ વર્ષની શરૂઆતમાં જ એવા સમાચાર આવ્યા છે કે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવવા માટે, ભારત સરકારની ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી આઇઆઇટી મુંબઈમાં ગેમિંગ, વીએફએક્સ, એનિમેશન અને અન્ય સંબંધિત ફીલ્ડના સ્પેશિયલાઇઝ્ડ કોર્સ શરૂ કરશે.

મિક્સ્ડ રિયાલિટીનું ફીલ્ડ હાઇલી ટેકનિકલ હોવા છતાં, તેમાં વિવિધ ફાંટા હોવાને કારણે જુદા જુદા પ્રકારની આવડત કે ઇચ્છા ધરાવતી વ્યક્તિ માટે કંઈ ને કંઈ તક રહેલી છે.

તમે કમ્પ્યૂટર સાયન્સ કે એન્જિનીયરિંગની ડિગ્રી મેળવ્યા પછી, સ્પેશિયલાઇઝેશન તરીકે આ ફીલ્ડમાં ઊંડા ઊતરો તો ચોક્કસ તમારે માટે એડવાન્ટેજ રહેશે, તમારે માટે આગળ વધવું સહેલું બનશે, પણ આ ફીલ્ડરમાં ઘણાં પાસાં એવાં છે, જેમાં ડિગ્રી અનિવાર્ય નથી.

જેમ કે તમારામાં સારી ડિઝાઇન સ્કિલ્સ હોય કે સારી કલ્પનાશક્તિ હોય તો તમે ગ્રાફિક્સ કે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સંબંધિત વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ શીખીને આ ફીલ્ડમાં તમારી જગ્યા બનાવી શકો છો.

આગળ કહ્યું તેમ, મિક્સ્ડ રિયાલિટીનું ફીલ્ડ આખરે કમ્પ્યૂટર આધારિત હોવાથી કમ્પ્યૂટર સાયન્સ કે એન્જિનીયરિંગ કે પ્રોગ્રામિંગની ડિગ્રી તમારે માટે એક મજબૂત આધાર તૈયાર કરી શકશે.

એ પછી તમે સ્પેશિયલાઇઝેશન તરીકે આ ફીલ્ડના કોઈ એક ચોક્કસ પાસા પર ફોકસ કરી શકો. ઘણી કંપની એન્ટ્રી લેવલ જોબ માટે પણ આવી ડિગ્રીનો આગ્રહ રાખે છે, કેમ કે આવી ડિગ્રી આ ફીલ્ડનું સારું એવું બેકગ્રાઉન્ડ તૈયાર કરી આપતી હોય છે.

આ ફીલ્ડમાં મેથેમેટિક્સ અને ફિઝિક્સ બંનેના કન્સેપ્ટ્સની ઊંડી સમજ હોવી જરૂરી છે. આ ફીલ્ડમાં આગળ વધવા માટે તમને કોડિંગનું પાયાનું નોલેજ હોય તો સારું રહેશે. તમે કોડિંગની હજી શરૂઆત કરી રહ્યા હો તો C#, C++, Java વગેરે જેવી લેંગ્વેજ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં મદદરૂપ થશે. તમે ગેમ ડેવલપમેન્ટને સંબંધિત કોઈ કોર્સ કર્યો હશે તો એ પણ બહુ મદદરૂપ થશે.
આમ છતાં, કમ્પ્યૂટરના ડિગ્રી કોર્સમાં એડમિશન ન મળે તો અન્ય કોઈ ડિગ્રીના અભ્યાસ પછી કે તેની સાથોસાથ પણ મિક્સ્ડ રિયાલિટીમાં કરિયરના ફોકસ સાથે આગળ વધી શકાય છે.

ત્યાં સુધી કે તમે કોમર્સમાં બી.કોમ.ના અભ્યાસ પછી કે તેની સાથોસાથ ખાનગી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ગેમ ડેવલપમેન્ટ કે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કે વર્ચ્યુઅલ રિયાલિટી સંબંધિત કોઈ કોર્સ કરી શકો છો. આવા કોર્સમાં તમને ટુડી ગ્રાફિક્સ અને થ્રીડી ડિઝાઇનિંગ સોફ્ટવેરમાં ડિઝાઇન અને ડેવલપમેન્ટનો પરિચય મળશે. આ ફીલ્ડમાં ક્રિએટિવિટી અને સાયન્સનો સંગમ છે એટલે ડિગ્રી વિના, ક્રિએટિવિટીથી પણ તમે આગળ વધી શકો છો.

દરેક ફીલ્ડની જેમ આ મિક્સ્ડ રિયાલિટી કે ક્રિએટિવ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ફીલ્ડમાં પણ ફોકસ બહુ જરૂરી છે.

તમારે પહેલેથી નક્કી કરી લેવું પડશે કે તમે કઈ દિશામાં આગળ વધવા માગો છો? હાર્ડવેરમાં રસ છે કે સોફ્ટવેરમાં? ટુડી ગ્રાફિક ડિઝાઇનર બનવું છે કે ૩ડી એનિમેટર? વીએફએક્સમાં રસ છે કે એનિમેશનમાં?

શરૂઆતમાં, તમારે આ બધું જ શીખીને તે દરેકને સંબંધિત સોફટવેરનો પરિચય કેળવવાનો થશે, પણ પછી તમને શેમાં વધુ રસ છે, કઈ બાબતમાં વધુ ફાવટ છે એ સમજીને તેના પર ફોકસ કરવું જોઈશે.

આ ફીલ્ડમાં કોની કેવી ભૂમિકા હોય છે, કેવા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, વગેરે વિશે જાણો આ લેખમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!