વોટ્સએપમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ સુવિધા આખરે હવે હાથવેંતમાં છે. અત્યાર સુધી આપણે વોટ્સએપનો ઉપયોગ ફક્ત એક સ્માર્ટફોનમાં કરી શકતા હતા, બહુ બહુ તો સ્માર્ટફોનથી પીસી/લેપટોપના બ્રાઉઝરમાં કે વિન્ડોઝ એપ તરીકે વોટ્સએપનું વેબ વર્ઝન ક્રિએટ કરી શકાય. પરંતુ જીમેઇલ, ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ વગેરેની જેમ ગમે તે ડિવાઇસમાં વોટ્સએપના આપણા એકાઉન્ટથી લોગઇન થઈને વોટ્સએપનો ઉપયોગ કરી શકાતો નથી.

હવે આ સ્થિતિ બદલાશે. આપણે એક સાથે ચાર ડિવાઇસમાં વોટ્સએપના એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકીશું. આપણા જે સ્માર્ટફોનમાં વોટ્સએપનું મૂળ એકાઉન્ટ હોય એ ફોનની બેટરી તદ્દન ખાલી થઈ ગઈ હોય તો પણ બીજા ડિવાઇસમાં વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખી શકાશે!
તમારા વ્યક્તિગત ઉપયોગમાં ખાસ કોઈ ફેર પડશે નહીં, પણ બિઝનેસ માટેનું પ્રમોશન અને કમ્યુનિકેશન વોટ્સએપ દ્વારા કરતા હો, તો હવે ફક્ત એક વ્યક્તિ પર બધો મદાર રાખવાની જરૂર નહીં પડે. અલગ અલગ વ્યક્તિ, એક જ વોટ્સએપ એકાઉન્ટને અલગ અલગ જગ્યા કે સાધન પરથી ઓપરેટ કરી શકશે.
હાલમાં વોટ્સએપમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ માત્ર એન્ડ્રોઇડ અને આઇઓએસના બીટા યૂઝર્સ માટે એક્ટિવ થયો છે, પણ ટૂંક સમયમાં સૌને તેનો લાભ મળશે.
તમે વોટ્સએપનો ઉપયોગ માત્ર મિત્રો-સ્વજનોના સંપર્ક માટે કરતા હશો તો તમને આ નવી સુવિધાથી કોઈ ફેર પડશે નહીં.
બદલાતા સમય સાથે, વોટ્સએપનો ઉપયોગ બદલાઈ રહ્યો છે. તેની નવી માલિક કંપની ફેસબુક પોતે પણ વોટ્સએપનો બિઝનેસ માટે ઉપયોગ વધે એવું ઇચ્છે છે. પરંતુ તેનું અગાઉનું ફોર્મેટ આમાં અવરોધ બને છે.
વોટ્સઅપ વર્ષોથી આપણા રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલી એપ છે. શરૂઆતમાં (અને હજી પણ ઘણા લોકો માટે) વોટ્સએપનો ઉપયોગ અંગત સ્વજનો અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા પૂરતો સીમિત હતો. આથી આપણા ફક્ત એક સ્માર્ટફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકાય તો એટલું પણ પૂરતું હતું. પછી સમય સાથે વોટ્સએપનો ઉપયોગ વિસ્તરતો ગયો. લોકો પોતાના બિઝનેસના પ્રમોશન માટે તથા ક્લાયન્ટસ સાથે ફાઇલ્સની ફટાફટ આપલે કરવા માટે પણ વોટ્સએપનો ઉપયોગ કરવા લાગ્યા. વોટ્સએપે પણ તેની અલગ બિઝનેસ એપ આપી. ફેસબુક કંપનીએ વોટ્સએપ એપ ખરીદી લીધા પછી વોટ્સએપમાં એવાં ફીચર્સ પણ ઉમેરાયાં જેને કારણે વોટ્સએપનો અંગત ઉપરાંત બિઝનેસ માટેનો ઉપયોગ પણ વધ્યો.

આ બદલાયેલી સ્થિતિમાં વોટ્સએપનો ઉપયોગ ફક્ત એક સ્માર્ટફોનમાં થઈ શકે એ ઘણા લોકો માટે નડતરરૂપ બનવા લાગ્યું. જેમ કે કોરોનાને કારણે દરેક બિઝનેસમાં વર્ક -ફ્રોમ-હોમ ફરજિયાત બન્યું ત્યારે ટીમના બધા સભ્યો પાસે ઓફિસ વર્ક માટે જરૂરી એપ્સ ધરાવતા પીસી/લેપટોપ કે સ્માર્ટફોન હોય તો તેઓ ગમે ત્યાંથી ઓફિસનું કામ કરી શકતા હતા. ટીમના લોકો પોતાની ફાઇલ્સ ક્લાઉડમાં સેવ કરીને કે પછી ક્લાઉડમાં જ, ગૂગલ ડ્રાઇવ કે માઇક્રોસોફ્ટ ૩૬૫ના પ્રોગ્રામ્સમાં એકમેકના સાથમાં કામ કરી શકતા હતા. પરંતુ વોટ્સએપનો ઉપયોગ બિઝનેસ માટે થતો હોય તો તેનો ઉપયોગ ફક્ત એ એક જ વ્યક્તિ કરી શકતી હતી જેના સ્માર્ટફોનમાં જે તે ફોન નંબર સાથે વોટ્સએપ એકાઉન્ટ હોય. એમાં ટીમવર્ક પોસિબલ નહોતું.
વોટ્સએપની માલિક કંપની ફેસબુક ઇચ્છે છે કે વોટ્સએપનો બિઝનેસ પ્રમોશન કે કમ્યુનિકેશન માટે ઉપયોગ વધે.
કારણ એ હતું કે વોટ્સએપ અન્ય પ્રકારની સર્વિસ કરતાં જુદી રીતે તૈયાર થયેલી સર્વિસ છે. તમે જાણો છો તેમ વોટ્સએપમાં યૂઝરનેમ- પાસવર્ડ નથી, માત્ર આપણો એક મોબાઇલ નંબર એ જ આપણું એકાઉન્ટ છે. ઉપરાંત વોટ્સએપમાં આપણો કોઈ ડેટા વોટ્સએપ કંપનીના સર્વરમાં સ્ટોર થતો નથી. કોઈ વ્યક્તિ આપણને મેસેજ મોકલે ત્યારે તે વોટ્સએપના સર્વરમાંથી આપણા સ્માર્ટફોનમાં આવે અને એક વાર સ્માર્ટફોનમાં ડાઉનલોડ થઈ જાય તે પછી વોટ્સએપના સર્વરમાં કશું રહે નહીં. આપણા વોટ્સએપના ડેટાનો બેકઅપ પણ આપણા સ્માર્ટફોનમાં લોકલ લેવલે જ લેવાય (ઇચ્છીએ તો ગૂગલ ડ્રાઇવમાં તેનો બેકઅપ રાખી શકીએ ખરા). વોટ્સએપમાં બધો ડેટા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે એટલે કે સામસામા બે છેડા પરની વ્યક્તિ સિવાય, વચ્ચેની કોઈ વ્યક્તિ ડેટા જોઈ શકતી નથી (ડ્રાઇવમાંના બેકઅપને આવી સિક્યોરિટી નથી).
આ બધા કારણે, વોટ્સએપનો એકથી વધુ ડિવાઇસમાં ઉપયોગ શક્ય નહોતો. આપણે પીસીમાં વોટ્સએપનો ઉપયોગ કરવો હોય તો એ માટે સ્માર્ટફોનથી વેબ વર્ઝન કનેક્ટ કરવું પડે. વેબવર્ઝનમાં માત્ર સ્માર્ટફોનમાંના ડેટાનું મિરર વર્ઝન જોઈ શકાય. આ જ કારણે, વોટ્સએપના ડેટાની સિક્યોરિટીને કોઈ અસર પહોંચાડ્યા વિના, માત્ર બે ડિવાઇસમાં તેનો ઉપયોગ થઈ શકતો હતો.
વોટ્સએપની હરીફ જેવી ટેલિગ્રામનો એકથી વધુ ડિવાઇસમાં ઉપયોગ થઈ શકે છે. તેમાં ફક્ત મૂળ ફોન પર ઓટીપી મેળવીને, બીજા ડિવાઇસ જેમ કે લેપટોપ કે પીસી પર સહેલાઈથી ટેલિગ્રામનો ઉપયોગ થઈ શકે. વોટ્સએપમાં તમે મૂળ ફોનને બીજા પીસી/લેપટોપ સાથે કનેક્ટ કરો તો ફોન જૂનો હોય, સ્ટોરેજ ભરાયેલ હોય, નેટ કનેક્શન નબળું હોય… તો પીસી પર વોટ્સએપ ધરાર કનેક્ટ થાય નહીં!
હવે એવું નહીં રહે. એકથી વધુ ડિવાઇસમાં વોટ્સએપનો ઉપયોગ કરવાની પદ્ધતિ હાલના જેવી જ રહે છે. પહેલાંની જેમ, આપણે જે નવા ડિવાઇસમાં વોટ્સએપનો ઉપયોગ કરવો હોય તેમાં જોવા મળતા ક્યૂઆર કોડને પોતાના સ્માર્ટફોનથી સ્કેન કરવાનો રહેશે. એ સમયે હાલની જેમ, આપણે પોતાની ફિંગરપ્રિન્ટથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવાનું રહેશે (જેથી બીજી કોઈ વ્યક્તિ તેના ડિવાઇસમાં, આપણી જાણ વિના આપણું વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરી ન શકે).

ફેર એટલો પડશે કે અત્યારે ફોન અને બીજું ડિવાઇસ જેમ કે લેપટોપ સતત પાસે હોવા અને કનેક્ટેડ રહેવા જરૂરી છે, તેમજ ફોનમાં ઇન્ટરનેટ કનેકશન કે ફોન ઓન હોવો જરૂરી છે એવી શરત લાગુ નહીં રહે. મૂળ ફોનથી બીજા ડિવાઇસમાં વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ થઈ જાય એ પછી મૂળ ફોનની કોઈ જરૂર રહેશે નહીં. બીજા ડિવાઇસમાં વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે દરેક વખતે આપણે મૂળ ફોનથી કનેકશન પણ કરવું નહીં પડે. દરેક ડિવાઇસમાં આપણે જોઈ શકીશું કે આપણે અન્ય ક્યા ક્યા ડિવાઇસને વોટ્સએપ એકાઉન્ટ સાથે લિંક કર્યા છે અને તેનો છેલ્લે ક્યારે ઉપયોગ થયો હતો. જરૂર પડે તો આપણે એક ડિવાઇસમાંથી અન્ય ડિવાઇસમાંથી લોગઆઉટ પણ થઈ શકીશું.
નવી સ્થિતિમાં આપણા મૂળ ફોન ઉપરાંત અન્ય ડિવાઇસમાં આપણો વોટ્સએપ ડેટા સિન્ક્ડ થશે. એટલે કે આપણા બધા મેસેજિસ, કોન્ટેક્ટ્સ, ફાઇલ્સ, ડોક્યુમેન્ટસ વગેરે બીજા ડિવાઇસમાં પણ સ્ટોર થશે અને બધું આપસમાં સિન્ક્ડ રહેશે.
મજાની વાત એ છે કે મેસેજની હિસ્ટ્રી પણ બધા ડિવાઇસમાં એકસરખી રીતે જળવાશે. આપણે એક ડિવાઇસમાં કોઈ મેસેજને સ્ટાર કરીશું તો બીજા ડિવાઇસમાં પણ એ સ્ટાર્ડ મેસેજ તરીકે જોઈ શકાશે.
અલબત્ત, એ ધ્યાને રાખવા જેવું છે કે હાલના વોટ્સએપનાં બધાં જ ફીચર્સનો હાલના તબક્કે મલ્ટિ-ડિવાઇસમાં લાભ મળી શકશે નહીં. જેમ કે લાઇવ લોકેશન, ચેટ પિન કરવી, ગ્રૂપ ઇન્વાઇટ્સ સેટ કરવા વગેરેનો તરત બધા ડિવાઇસ પર સપોર્ટ મળશે નહીં, પણ વાતની શરૂઆત થઈ ગઈ છે, બધાં ફીચર્સ પણ સિન્ક થતાં વાર નહીં લાગે!
વોટ્સએપનું હાલનું સ્વરૂપ જાળવી રાખીને તેનો એકથી વધુ ડિવાઇસનો ઉપયોગ શક્ય બનાવવો એ એક રીતે એન્જિનીયરિંગ ચેલેન્જ હતી (ફેસબુક-વોટ્સએપના એન્જિનીયર્સ માટે, ટેલિગ્રામે એવું કરી બતાવ્યંુ છે!). અત્યાર સુધી વોટ્સએપના કેન્દ્રમાં સ્માર્ટફોન હતો. હવે તેને હાંસિયામાં ધકેલવાની વાત હતી. આગળની વાત થોડી ટેકનિકલ છે પરંતુ આઇટી જેમના અભ્યાસનો વિષય છે એમને તેમાં રસ પડશે!

વોટ્સએપમાં આપણા મેસેજ ખાનગી રહી શકે છે તેના મૂળમાં એન્ક્રિપ્શન માટેની પબ્લિક અને પ્રાઇવેટ કીની આપલે છે. વોટ્સએપની આ ટેક્નોલોજી સિગ્નલ એપની ટેક્નોનોલોજી પર આધારિત છે. પરંતુ, સિગ્નલ કંપનીએ તેનો કોડ ઓપન સોર્સ કર્યો છે, કોઈ પણ તેની ખરાઈ કરી શકે છે, જ્યારે વોટ્સએપે તેનો કોડ ખાનગી રાખ્યો છે, એટલે આપણે માનવાનું રહે કે વોટ્સએપ કહે છે તેમ મેસેજ ખાનગી રહેતા હશે!
વોટ્સએપમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ મળવાનું શરૂ થયું તે પહેલાં એવી સ્થિતિ હતી કે વોટ્સએપ પર દરેક યૂઝરની ઓળખ માત્ર એક સિંગલ આઇડેન્ટિટી કીથી થતી હતી. એ યૂઝર તરફથી જે મેસેજ મોકલવામાં આવે તેને માટેની એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન કી આ સિંગલ આઇડેન્ટિટી કી સાથે જ જોડાયેલી રહેતી હતી.
તમે આ જ હેતુઓ માટે વોટ્સએપનો વધુ ઉપયોગ કરતા હો, તો હવે તેમાં ટીમવર્ક સંભવ થશે અને કામ ઘણું સહેલું બનશે.
હવે નવી સ્થિતિમાં વોટ્સએપના એક એકાઉન્ટનો જે અન્ય ડિવાઇસ પર ઉપયોગ કરવામાં આવશે તે દરેકની આગવી આઇડેન્ટિટી કી જનરેટ થશે અને તે આપણા મૂળ વોટ્સએપ એકાઉન્ટ સાથે કનેક્ટ કરવામાં આવશે. હવે આપણે જે ડિવાઇસ પરથી મેસેજ મોકલીએ એ ડિવાઇસની આઇડેન્ટિટિ કી અને એન્ક્રિપ્શન કીનો ઉપયોગ કરીને મેસેજને સિક્યોર કરવામાં આવશે. આ કારણે વોટ્સએપનો આપણો ડેટા હવે એકથી વધુ ડિવાઇસમાં સ્ટોર થશે, છતાં સિક્યોર રહેશે. બદઇરાદો ધરાવતી કોઈ વ્યક્તિ અન્ય યૂઝરના વોટ્સએપ એકાઉન્ટને પોતાના ડિવાઇસમાં મૂળ યૂઝરની મંજૂરી વિના એક્ટિવેટ ન કરી શકે એવી પણ કાળજી રાખવામાં આવી છે. જુદા જુદા ડિવાઇસમાં આપણે પોતાના વોટ્સએપ એકાઉન્ટનું વારંવાર વેરિફિકેશન ન કરવું પડે એ માટે ‘ઓટોમેટિક ડિવાઇસ વેરિફિકેશન’ તરીકે ઓળખાતી ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવશે.
