પરિવહનના અન્ય ઉપાયોની સરખામણીમાં જળપરિવહનના ઘણા ફાયદા છે, હવે તેમાં પણ સ્માર્ટ ટેક્નોલોજી વિકસી રહી છે.
ભારતમાં અત્યારે પરિવહન માટે જળમાર્ગોને વિકસાવવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના ઘોઘા અને ખંભાતના અખાતના સામા છેડે દહેજ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થઈ છે અને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી સરદાર સરોવર બંધ સુધીની સીપ્લેન સર્વિસ પણ લોન્ચ થઈ છે. અલબત્ત આ બંને સર્વિસ હજી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. એ દરમિયાન દુનિયા જળ પરિવહનની દૃષ્ટિએ કઈ દિશામાં આગળ વધી રહી છે એ જાણવા જેવું છે.
એક તરફ દુનિયાની મોટી ટેક અને ઓટો કંપનીઝ સેલ્ફ ડ્રાઇવિંગ કાર વિકસાવવાની હરીફાઈમાં લાગી છે ત્યારે નોર્વેમાં સેલ્ફ ડ્રાઇવિંગ ફેરી (બોટ) વિકસાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંશોધકોએ એક ઇલેક્ટ્રિક, સેલ્ફ ડ્રાઇવિંગ ‘સ્માર્ટફેરી’ વિકસાવી છે. તેના પર વર્ષ ૨૦૧૮માં કામ શરૂ થયું અને હવે તેને યોગ્ય બિઝનેસનું સ્વરૂપ આપવા માટે ‘ઝીબઝ’ નામે એક કંપનીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ સ્માર્ટફેરી ઘણે અંશે સેલ્ફ ડ્રાઇવિંગ કાર જેવી છે. તે ઇલેક્ટ્રિક પાવરથી સંચાલિત રહેશે. એક રીતે તે લિફ્ટ જેવું કામ આપશે. કાંઠે ઊભેલા પેસેન્જર્સ ડોક પરનાં બટન દબાવીને ફેરીનાં ડોર ઓપન કરી શકશે. ફેરીમાં કુલ ૧૨ પેસેન્જર સમાઈ શકશે અને પછી આ ૧૨ પેસેન્જર સિવાયની બીજી કોઈ વ્યક્તિ વિના, ફેરી એક કાંઠેથી બીજા કાંઠે સરી જશે.
સંશોધકોના જણાવ્યા અનુસાર ફેરી સંપૂર્ણપણે ઓટોનોમસ રહેશે અને તેમાંના કેમેરા તથા સેન્સર્સને કારણે તે આજુબાજુ સરકતી અન્ય બોટ્સ કે કાંઠા સાથેની ટક્કર ટાળી શકશે. આ ફેરી આવતા વર્ષ સુધીમાં નોર્વેના એક શહેર ટ્રોન્ડહેમમાં લોન્ચ કરવામાં આવશે. શરૂઆતમાં આ ફેરી શહેર અને તેના પોર્ટને જોડતી કેનાલમાં ચલાવવામાં આવશે. સામાન્ય રીતે લોકોએ આ અંતર ચાલીને કાપવું પડે છે, પરંતુ સ્માર્ટફેરીને કારણે તેઓ પંદર મિનિટની આ મુસાફરી એક મિનિટમાં કાપી શકશે. ફેરી જ્યારે ડોક પર હશે ત્યારે વાયરલેસથી ચાર્જ થઈ શકશે.
જો આ પ્રયોગ સફળ થાય તો અન્ય દેશોમાં પણ સ્માર્ટફેરી સર્વિસ શરૂ થવા લાગે તો નવાઈ નહીં!
સ્માર્ટફેરીની આંતરિક-બાહ્ય રચના
(૧) સ્માર્ટફેરીની છત પર એક ટોપ યુનિટ છે, જેમાં કેમેરા, લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ (આસપાસની બાબતોના અંતરનો ક્યાસ કાઢવાની વ્યવસ્થા), નેવિગેશન સિસ્ટમ, ફાઇવજી એન્ટેના અને રડાર સામેલ છે
(૨) સ્માર્ટફેરીનાં બંને પડખાંઓમાં પણ કેમેરા, લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ તથા રડાર છે
(૩) સ્માર્ટફેરીને પાણીમાં ગતિશીલ કરવા માટેનાં થ્રસ્ટર્સ
(૪) સ્માર્ટફેરીના બંને પડખે વાયરલેસ ચાર્જિંગ માટેની વ્યવસ્થા છે
(૫) સ્માર્ટફેરીની અંદર નીચે, વિવિધ સેન્સર અને યુનિટ્સ તરફથી મળતા ડેટાના પ્રોસેસિંગ માટે કમ્પ્યૂટર તથા બેટરી છે


