જો તમારા ફોનમાં અપૂરતી સ્ટોરેજની સમસ્યા નડતી હોય તો તમારે વારંવાર ફોનમાં જમા થયેલ ફોટો અને વીડિયો ડિલીટ કરવાની મથામણ કરવી પડતી હશે. આમ તો ફોનમાં બિનજરૂરી રીતે જગ્યા રોકતી બાબતોની સાફસફાઈ કરવાના ઘણા બધા રસ્તા છે. પરંતુ કેટલાક રસ્તા ખરેખર સ્માર્ટ છે.
એન્ડ્રોઇડના ૭.૧ વર્ઝનથી એન્ડ્રોઇડમાં સ્ટોરેજ માટે સ્માર્ટ મેનેજરની વ્યવસ્થા મળી છે. આમ તો એ ગૂગલ ફોટોઝ સર્વિસ સાથેની ગોઠવણ છે જેનો લાભ લઇને તમે તમારા સ્માર્ટફોનમાં જગ્યા રોકતા અને ગૂગલ ફોટોઝમાં બેકઅપ લેવાઈ ગયો હોય એવા ફોટો અને વીડિયોને અમુક નિશ્ચિત દિવસ પછી આપોઆપ ડિલીટ કરી શકો છો.
ગૂગલ ફોટોઝમાં આવી વ્યવસ્થા છે જ પરંતુ તેનો લાભ લેવા માટે આપણે થોડે થોડે વખતે ફોટોઝ એપના સેટિંગ્સમાં જઇને બેકઅપ થઈ ગયેલા ફોટોઝને ફોનમાંથી દૂર કરવા પડે છે. આ કામ આપોઆપ થાય એ માટે…
ફોનના સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘મેનેજ સ્ટોરેજ’ સર્ચ કરો અને તેમાં ‘યૂઝ સ્ટોરેજ મેનેજર’ ઓન કરી દો. અહીં તમે નક્કી કરી શકશો કે તમારા ૩૦ દિવસ જૂના, ૬૦ દિવસ જૂના કે ૯૦ દિવસ જૂના ફોટોગ્રાફ આપોઆપ ડિલીટ થાય. આ સેટિંગનો લાભ લેવાથી તમારા ફોનમાં આપોઆપ જગ્યા થતી રહેશે. પણ યાદ રહે, ભેગા કામના ફોટો પણ ડિલીટ થઈ શકે છે!
