(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સોશિયલ મીડિયા પર લગામ

નવાં, આકરાં નિયત્રણો સાથે ભારતમાં સરકાર અનવે ટેક કંપનીઓ વચ્ચે દાવપેચનો દોર શરૂ થાય તેવી શક્યતા છે.

અત્યાર સુધી તો આપણે એવું જ અનુભવ્યું છે કે સોશિયલ મીડિયા આપણને પોતાના સાણસામાં લે છે, હવે શક્યતા એવી જાગી છે કે એ પોતે સકંજામાં આવશે! ભારતમાં, ખરેખર તો આખી દુનિયામાં, ઇન્ટરનેટ પર ક્યાંય કોઈ પ્રકારનાં દેખીતાં નિયંત્રણો નહોતાં – અમેરિકા અને યુરોપમાં પણ નહીં. ખાસ કરીને સોશિયલ મીડિયામાં યૂઝરની પ્રાઇવસી વિશે લાંબા સમયથી હોબાળા થતા આવ્યા છે, પણ મૂળ કન્ટેન્ટ કેવું હોવું જોઈએ અને કેવું નહીં, એ વિશે ભાગ્યે જ ચર્ચા થઈ છે.

પરિણામે સોશિયલ મીડિયા, ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ્સ અને અન્ય કન્ટેન્ટ આપતી સાઇટ્સ લગભઘ બેરોકટોક કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ મૂકી શકતી હતી. ચીનમાં આકરા અંકુશો છે, પણ ત્યાં તો કન્ટેન્ટમાં શું છે એ તપાસવાની લપમાં પડ્યા વિના, આખેઆખી સર્વિસ પર જ પ્રતિબંધ મૂકી દેવાય છે! થોડા સમય પહેલાં, પાકિસ્તાને સોશિયલ મીડિયા પર અંકુશો મૂકવાની કોશિશ કરી હતી ખરી.

હવે ભારતે પહેલી વાર સોશિયલ મીડિયા, ઓટીટી અને ડિજિટલ ન્યૂઝ સાઇટ્સ આ ત્રણેય પર નિયંત્રણો મૂકવાની પહેલ કરી છે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીએ આ માટેની નવી ગાઇડલાઇન્સ રજૂ કરી છે. એ માટે ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી રૂલ્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આ ફેરફારો ‘ગાઇડલાઇન્સ ફોર ઇન્ટરમીડિયરી એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ’ તરીકે ઓળખાય છે. બે-ત્રણ મહિના પછી આ ગાઇડલાઇન્સ પૂરેપૂરી લાગુ થશે. એ પહેલાં, તેને અદાલતમાં પડકારવામાં આવે એવી પણ પૂરી શક્યતા છે કેમ કે આ નવી ગાઇડલાઇન્સનું પાલન વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ માટે લગભગ અશક્ય છે!

સરકારની આ નવી ગાઇડલાઇન્સ ઉપરાંત ગયા મહિને સોશિયલ મીડિયાને સંબંધિત અન્ય એક નોંધપાત્ર પહેલ પણ કરવામાં આવી છે. આપણે આ બધા મુદ્દા સાદા શબ્દોમાં સમજીએ અને એની આપણા પર શી અસર થશે એ પણ જાણીએ.

સોશિયલ માડિયા પરનાં નિયંત્રણો

સોશિયલ મીડિયા સાઇટ્સ પરનાં નિયંત્રણોમાં આપણી દૃષ્ટિએ એક મહત્ત્વનો મુદ્દો એ છે કે હવે સોશિયલ મીડિયા પર કોઈ પણ વાંધાજનક મેસેજ કે પોસ્ટ મુકાય અને તેના વિશે કોઈના પણ તરફથી ફરિયાદ થાય તો જે તે સોશિયલ મીડિયા સાઇટે તે પોસ્ટ સૌથી પહેલાં કોણે મૂકી તે જણાવવું પડશે અને તેને દૂર કરવી પડશે.

અત્યાર સુધી ઇન્ફર્મેશન ટેકનોલોજી કાયદામાં એવી છટકબારી હતી કે આ સાઇટ્સ ‘‘પોતે માત્ર એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને કોઈ પણ કન્ટેન્ટ જે તે યૂઝર્સ મૂકે છે’’ એવું કહીને હાથ ખંખેરી શકતી હતી. હવે વાંધાજનક કન્ટેન્ટ માટે જે તે યૂઝર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંને જવાબદાર બનશે.

સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ‘ઇન્ટરમીડિયરી’ (મધ્યસ્થી) તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત નિશ્ચિત મર્યાદાથી વધુ સંખ્યામાં યૂઝર્સ અને પ્રભાવ ધરાવતી સોશિયલ સાઇટ્સને ‘સિગ્નિફિક્ન્ટ ઇન્ટરમીડિયરી’ તરીકે ઓળખવામાં આવશે અને તેને માટે હજી વધુ કડક નિયંત્રણો લાગુ થશે.

નવી માર્ગદર્શિકા અનુસાર એવી ૧૦ કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેને સંબંધિત કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોસ્ટ કરી શકશે નહીં. આ કેટગરીઓમાં મુખ્યત્વે ભારતની એકતા, સંરક્ષણ, સલામતી, સાર્વભૌમત્વ કે અન્ય દેશો સાથેના સંબંધોને અસર કરે તેવું કન્ટેન્ટ પ્રતિબંધિત રહેશે. એ ઉપરાંત જાહેર શાંતિ અને વ્યવસ્થા ડહોળે તેવું પણ કોઈ પણ કન્ટેન્ટ પણ મૂકી શકાશે નહીં. બદનક્ષીભર્યું, વિવિધ પ્રકારે અશ્લીલ, હેરાનગતિરૂપ, વંશીય કે જાતીય રીતે વાંધાજનક, મની લોન્ડરિંગ કે જુગારને પ્રોત્સાહક કન્ટેન્ટ પણ વાંધાજનક ગણાશે. બીજા શબ્દોમાં ભારતના વર્તમાન કાયદાઓની વિરુદ્ધ જતું કોઈ પણ કન્ટેન્ટ સોશિયલ મીડિયા સાઇટ્સ પર મૂકી શકાશે નહીં.

સોશિયલ સાઇટની જવાબદારી અને આવું કન્ટેન્ટ મૂકનારની સ્પષ્ટ ઓળખ – એ બે મોટા ફેરફાર છે.


નિયંત્રણોનો અમલ કેવી રીતે થશે
  • શક્ય એટલી તટસ્થતા જાળવવા અને ઇન્ટરનેટ કંપનીઝને પૂરતું ફ્રીડમ આપવા નવાં નિયંત્રણોના અમલ માટે ત્રણ સ્તરની વ્યવસ્થા રહેશે.
  • પહેલું સ્તર સેલ્ફ રેગ્યુલેશનનું છે – સોશિયલ મીડિયા સાઇટ કોઈ કન્ટેન્ટટ વિશે ફરિયાદ પછી પોતે, પોતાની રીતે યોગ્ય પગલાં લઈ શકશે અને ઓટીટી પ્લેટફોર્મ પોતે જ કન્ટેન્ટ કઈ ઉંમરની વ્યક્તિ માટે યોગ્ય છે તે નક્કી કરી શકશે.
  • આ સર્વિસીઝે કોઈ પણ કન્ટેન્ટ સામેની ફરિયાદના નિવારણ માટે એક વ્યવસ્થા ઊભી કરવી પડશે.
  • સાઇટે ફરિયાદ નોંધાયાના ૧૫ દિવસમાં પોતે શું પગલાં લીધાં એ જણાવવાનું રહેશે (સાઇટે દર મહિને કેટલી ફરિયાદ થઈ, કેટલા પગલાં લેવાયાં એના સરકારને રિપોર્ટ આપવા પડશે).
  • આ સમયમાં કોઈ પગલાં ન લેવાય તો બીજા સ્તરે સેલ્ફ રેગ્યુલેટરી બોડી ચિત્રમાં આવશે. તેમાં સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના નિવૃત્ત જજ રહશે.
  • સાઇટ આ બોડીને ગાંઠે નહીં તો ત્રીજા સ્તરે સરકાર અથવા કોર્ટ વાંધાજનક કન્ટેન્ટને હટાવવા જે તે સાઇટ્સને આદેશ આપી શકશે. એ પછી સાઇટે નિશ્ચિત કલાકોમાં એ કન્ટેન્ટ દૂર કરવું પડશે. એમ નહીં થતાં, જે તે સાઇટના અધિકારીઓને જેલ સહિતની સજા થઈ શકે છે.
  • અત્યાર સુધી, આવી સાઇટ પર ફરિયાદ કે પોસ્ટને વાંધાજનક તરીકે રિપોર્ટ કરવાની વ્યવસ્થા તો હતી, પણ તેનું સંચાલન વિદેશમાંથી થતું હતું. હવે જે તે સાઇટે ભારતમાં રહેતા રહેતા હોય તેવા અધિકારીઓની ખાસ નિમણૂક કરવી પડશે.
  • સોશિયલ મીડિયા સાઇટ અને ઓટીટી સામે આપણને કોઈ ફરિયાદ હોય તો તે માટે અેક સ્વતંત્ર પોર્ટલ પણ ઊભું કરવામાં આવશે, જેમાં ફરિયાદ નિવારણ ઉપર મુજબ જ થશે.
ઓટીટી પ્લેટફોમ્ર્સ પરનાં નિયંત્રણો

અત્યાર સુધી ભારતમાં ફિલ્મ્સ માટે સેન્સર બોર્ડની વ્યવસ્થા છે. પરંતુ ઇન્ટરનેટ મારફત મૂવીઝ કે સ્પેશિયલ વેબસીરિઝ રજૂ કરતાં ઓટીટી પ્લેટફોર્મ પર આવાં કોઈ નિયંત્રણો નહોતાં. તેના પરિણામે અને વધુ ને વધુ યૂઝર્સ મેળવવાની હોડમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર અશ્લીલતા અને અપશબ્દોનું પ્રમાણ સામાજિક દૃષ્ટિએ ચિંતાજનક હદે વધવા લાગ્યું હતું. મોટી મુશ્કેલી એ હતી કે હાથમાં મોબાઇલ ધરાવતું કોઈ પણ બાળક પણ આ સાઇટ્સ પર પહોંચી શકતું હતું. હવે નવાં નિયંત્રણો અનુસાર ઓટીટી પરના કન્ટેન્ટને ઉંમર મુજબની પાંચ કેટેગરીમાં વહેંચવું પડશે.

આ કામ જે તે કન્ટેન્ટ આપનાર પ્લેટફોર્મ કરશે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે જે કન્ટેન્ટ અમુક નિશ્ચિત કેટેગરીમાં હોય તેને માટે પેરેન્ટલ લોકની વ્યવસ્થા કરવી પડશે અને યૂઝરની ઉંમરનું વેરિફિકેશન થાય તેવી વિશ્વસનીય વ્યવસ્થા પણ ઊભી કરવી પડશે.

આપણને કોઈ કન્ટેન્ટ સામે વાંધો હોય તો સોશિયલ મીડિયાની જેમ આપણે જે તે પ્લેટફોર્મ પર અને ગ્રીવન્સીઝ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકીશું. મોટા ભાગે પ્લેટફોર્મ્સ પર પેરેન્ટલ લોક જેવું હોય છે, પણ સ્પષ્ટ જવાબદારી નહોતી.

ડિજિટલ ન્યૂઝ સાઇટ્સ પરનાં નિયંત્રણો

ભારતમાં કાર્યરત અખબારોને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા તથા અને ટીવી ન્યૂઝ ચેનલ્સને કેબલ નેટવર્ક એક્ટ લાગુ પડે છે. પરંતુ ઇન્ટરનેટ પરની ન્યૂઝ સાઇટ્સ પર કોઈ પણ નિયંત્રણ નથી. આ ભેદભાવ દૂર કરીને હવે ડિજિટલ ન્યૂઝ ચેનલ્સને પણ નિયમો લાગુ થશે, જેની શરૂઆત ગયા વર્ષથી થઈ ગઈ હતી.

આવી સાઇટ્સે ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીને, જે તે સાઇટ ક્યાંથી અને કેવી રીતે ન્યૂઝ પબ્લિશ કરે છે, કેવા પ્રકારનું કન્ટેન્ટ રીલિઝ કરે છે તથા કેટલા સબસ્ક્રાઇબર્સ ધરાવે છે તે જણાવવું પડશે. હાલમાં આવી સાઇટ્સ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી નથી.

ભારતમાં મીડિયા સ્વતંત્ર છે, તેના પર સરકારનો કોઈ સીધો અંકુશ હોતો નથી, છતાં તેણે પણ અમુક નિશ્ચિત આચારસંહિતાઓનું પાલન કરવું પડે છે. ડિજિટલ ન્યૂઝ સાઇટ્સને આવા કોઈ અવરોધ નડતા નહોતા. હવે આ સ્થિતિ પણ બદલાશે.

આ સર્વિસ માટે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ

અત્યાર સુધી સોશિયલ મીડિયા સાઇટ્સ પરના ‘વાંધાજનક’ કન્ટેન્ટ વિશે સરકાર દ્વારા જે તે સર્વિસને જાણ કરવામાં આવતી ત્યારે અમુક કિસ્સામાં સર્વિસ તેના પર પગલાં લેતી તો કોઈ કિસ્સામાં ધરાર જવાબ ન આપતી. આમાં અમુક રાજકીય પક્ષોની તરફેણ થતી હોવાના અને ક્યારેય તેની વિરુદ્ધના આક્ષેપો પણ થતા.

હવે એવી સ્થિતિ સર્જાશે કે સોશિયલ મીડિયા સર્વિસ તેની જવાબદારીમાંથી છટકી શકશે નહીં – ચીનમાં આવી ઘણી સર્વિસનો પગપેસારો જ નથી, ત્યારે ભારત જેવા સોશિયલ મીડિયાના અત્યંત મહત્ત્વના માર્કેટમાં ટકી રહેવા આવી સર્વિસે સરકારી અંકુશો નાછૂટકે સ્વીકારવા પડશે.

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સગવડ ન આપતી સર્વિસને ખાસ વાંધો નથી, જેમ કે ફેસબુક, ટ્વીટર, યુટ્યૂબ અને અન્ય ઓટીટી સ્ટ્રીમિંગ સર્વિસ – ખરી મુશ્કેલી વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલને થવાની છે, ખાસ કરીને સિગ્નલને.

આ ત્રણેય સર્વિસે અત્યાર સુધી ગાજવીજ કરી છે કે તેના યૂઝરનું કન્ટેન્ટ સંપૂર્ણ ખાનગી રહી શકે છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને કારણે બે છેડા સિવાય, વચ્ચે કોઈ પણ આ મેસેજ વાંચી શકતું નથી.

સરકારની નવી ગાઇડલાઇન્સનું પાલન સિગ્નલ, વોટ્સએપ અને ટેલિગ્રામ મેસેજિંગ એપ માટે લગભગ અશક્ય છે. આ એપ્સ કેવું વલણ લે છે તે જોવું રસપ્રદ રહેશે.

હવે સરકારના આદેશ અનુસાર, કોઈ વાંધાજનક મેસેજ માટે ‘પહેલી વાર એ કોણે વહેતો કર્યો?’ એ  સવાલનો જવાબ આપવો ફરજિયાત બનશે!

આ ત્રણેય સર્વિસ પાસે મેસેજ ક્યારે, ક્યાંથી વહેતો થયો ને ક્યાં ક્યાં પહોંચ્યો એનો મેટાડેટા હોય છે, પણ મેસેજ વાંચ્યા વિના, એ કોણે પહેલી વાર મૂક્યો એ કેમ કહેવું? સિગ્નલ માટે વધુ મુશ્કેલી એ છે કે તેમાં તો આપણા મોબાઇલ નંબર સિવાય કોઈ જ માહિતી લેવામાં આવતી નથી! એ સરકારને શું જવાબ આપશે?

આ સર્વિસીઝ વાંધાજનક મેસેજ પહેલી વાર રમતો કરનાર યૂઝરની ઓળખ આપી શકે, તો એનો અર્થ એ થયો કે દાવા ભલે ગમે તે હોય, એમની સર્વિસ એન્ક્રિપ્ટેડ નથી! હવે શું થશે એ જોવું રસપ્રદ રહેશે!

ઇન્ફ્લુઅન્સર્સ પણ આંટામાં આવશે

ભારતમાં અત્યારે સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ તથા ડિજિટલ ન્યૂઝ સાઇટ્સ પર સરકારનાં નિયંત્રણોની ચર્ચા ચાલી છે, તેની સાથોસાથ અન્ય એક નિયંત્રણની વાત કરવા જેવી છે, જે સરકારી નથી.

‘એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ નામની એક સ્વાયત સંસ્થા ભારતમાં રજૂ થતી પ્રિન્ટ, ટીવી કે અન્ય પ્રકારની જાહેરાતોનું નિયમન કરે છે. આપણને કોઈ જાહેરાત સામે વાંધો હોય તો આ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી શકીએ છીએ.

ફોલોઅર્સ ધરાવતા લોકો પોતાની પોસ્ટ, મેસેજ કે વીડિયોમાં રૂપિયા લઈને પેઈડ પ્રમોશન કરી આપતા હોય છે. આવા લોકો ‘ઇન્ફ્લુઅન્સર્સ’ તરીકે ઓળખાય છે. તકલીફ એ હોય છે કે આવા ઇન્ફ્લુઅન્સર્સની સામાન્ય પોસ્ટ અને રૂપિયા લઈને કરવામાં આવતા પેઇડ પ્રમોશનને સહેલાઈથી અલગ તારવી શકાતું નથી અને લોકો ગેરમાર્ગે દોરાય છે. હવે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલે આવા ઇન્ફ્લુઅન્સર્સે પેઈડ પ્રમોશન માટે સ્પષ્ટપણે જણાવવું પડે કે તે પોસ્ટ માટે રૂપિયામાં લેવામાં આવ્યા છે એવી ગાઇડલાઇન્સ રજૂ કરી છે.

આ મુદ્દા પર હજી ચર્ચા ચાલી રહી છે અને તે આ મહિને જ, ૧૫મી એપ્રિલ, ૨૦૨૧થી લાગુ થાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!