આગળ શું વાંચશો?
- ઇન્સ્ટાગ્રામનો હવે પીસી પર ઉપયોગ સહેલો બન્યો
- ગ્રૂપ કોલિંગમાં જોડાવું સહેલું બન્યું
- માઇક્રોસોફ્ટે ચીનમાંથી પોતાની લિંક્ડઇનની સર્વિસ સમેટી લીધી
લાંબો સમય રાહ જોવડાવ્યા પછી આખરે ઇન્સ્ટાગ્રામે જાહેર કર્યું છે કે તે તેના ડેસ્કટોપ વર્ઝનમાં પણ ઇમેજ અને વીડિયો પોસ્ટ કરવાની સગવડ આપશે. અત્યાર સુધી આ સગવડ માત્ર સ્માર્ટફોનમાંની એપમાં ઉપલબ્ધ હતી. દેખીતું છે કે ઇન્સ્ટાગ્રામમાં ફક્ત શોખથી એક્ટિવ રહેતા યૂઝર્સ માટે આ સગવડથી ખાસ કોઈ ફેર પડવાનો નથી. ઇન્સ્ટાગ્રામ સર્વિસ જ એ પ્રકારની છે કે તેમાં મન થાય ત્યારે ફટાફટ ઇમેજ કે વીડિયો લઇને અન્યો સાથે શેર કરવામાં આવે. આ કામ સ્માર્ટફોનની મદદથી જ સૌથી સારી રીતે થઈ શકે!

પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ડિજિટલ માર્કેટિંગના હેતુથી એક્ટિવ લોકો માટે આ સગવડ ઘણી કામની સાબિત થશે. ડેસ્કટોપમાંના ખાસ પ્રોગ્રામમાં ડિઝાઇન થયેલી ઇમેજ કોઈક રીતે સ્માર્ટફોનમાં પહોંચાડીને પછી ત્યાંથી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાની ઝંઝટ હવે રહેશે નહીં. અલબત્ત હાલમાં આ રીતે માત્ર ફોટોઝ અને એક મિનિટથી ઓછી લંબાઈના વીડિયો ડેસ્કટોપ પરથી અપલોડ કરી શકાશે. સ્ટોરીઝ કે રીલ્સ હજી ડેસ્કટોપ પરથી અપલોડ કરી શકાશે નહીં. પાછલા કેટલાક મહિનાઓથી ઇન્સ્ટાગ્રામના અમુક યૂઝર્સને આ સગવડ મળી ગઈ હતી પરંતુ તમામ યૂઝર્સ માટે આ ફીચર હવે રોલઆઉટ થઈ રહ્યું છે.
અલબત્ત આ ફીચર મળ્યા પહેલાં પણ એક ખાસ રીતે ડેસ્કટોપ પરથી ઇન્સ્ટાગ્રામમાં ઇમેજીસ અપલોડ કરી શકાય છે. એ માટે ડેસ્કટોપમાં ઇન્સ્ટાગ્રામ.કોમ વેબસાઇટ પર પહોંચ્યા પછી અમુક ખાસ રીતે તેનો મોબાઇલ વ્યૂ એક્ટિવેટ કરવામાં આવે તો મોબાઇલ પર મળતાં ફંકશન્સ ડેસ્કટોપ પર મળી જાય છે. હવે આવા શોર્ટકટને બદલે ઇન્સ્ટાગ્રામ પોતે ઓફિશિયલી આ સગવડ આપશે.
ઇન્સ્ટાગ્રામમાં લાંબા સમયથી તેના ડેસ્કટોપ વર્ઝનને વધુ ફીચર રીચ બનાવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે તેના ડેસ્કટોપ વર્ઝનમાં લાઇવ સ્ટ્રીમ્સ જોવાની સગવડ ઉમેરાઈ હતી અને સ્ટોરી જોવાનો અનુભવ પણ સુધારવામાં આવ્યો છે.

વોટ્સએપમાં હવે ગ્રૂપ કોલ્સમાં જોડાવું વધુ સહેલું બન્યું છે. અત્યાર સુધી, કોઈ વ્યક્તિ તેમના પર આવેલો કોલની રિંગનો જવાબ આપવાનું ચૂકી જાય તો તે ગ્રૂપ કોલમાં સહેલાઈથી જોડાઈ શકતા નહોતા. હવે અન્ય લોકોનું ગ્રૂપ કોલિંગ ચાલુ હોય ત્યારે, પછીથી પણ તેમાં જોડાઈ શકશે. એ જ રીતે, કોલ ચાલુ હોય ત્યારે વચ્ચે તેમાંથી નીકળી શકાશે તેમ જ ફરી જોડાઈ પણ શકાશે. વોટ્સએપ ગ્રૂપ કોલ્સને ગ્રૂપ ચેટ્સ સાથે ઇન્ટીગ્રેટ કર્યા હોવાથી આ કામ હવે સહેલાઈથી થશે. આ ફીચર ઝડપથી રોલઆઉટ થઈ રહ્યું છે.
ચીનમાં, જગત આખાના ઇન્ટરનેટને સમાંતર એક નવું ઇન્ટરનેટ આકાર લઈ રહ્યું હોય એવી સ્થિતિ છે. પશ્ર્ચિમી દેશોની મોટા ભાગની પોપ્યુલર ઇન્ટરનેટ સર્વિસને ચીનમાં એન્ટ્રી નથી અને અહીં એ દરેક માટે ચીને પોતાના આગવા વિકલ્પો વિકસાવ્યા છે. હવે માઇક્રોસોફ્ટ કંપની પણ ચીનમાંથી તેના સોશિયલ નેટવર્ક લિંક્ડઇનની કામગીરી સમેટી રહી છે.
માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર, ચીન સરકારના નિયમોનું પાલન દિવસે દિવસે વધુ ને વધુ મુશ્કેલ બનતું હોવાથી તેણે આ નિર્ણય કર્યો છે.
