પાછલા વર્ષમાં કોરોનાને કારણે આખી દુનિયા કામકાજ અને શિક્ષણ બંને માટે મોટા પાયે ઇન્ટરનેટ તરફ વળી, તેનો સાયબર ક્રિમિનલ્સ પૂરો લાભ ઉઠાવી રહ્યા છે.
એક જાણીતી ઇન્ટરનેટ સિક્યોરિટી ફર્મે કરેલા અભ્યાસ અનુસાર પાછલા વર્ષે જુલાઈથી ડિસેમ્બરના છ મહિના દરમિયાન બનાવટી વેબસાઇટથી લોકોને નિશાન બનાવવાની પ્રવૃત્તિમાં ૬૦ ટકા જેટલા ઉછાળો આવ્યો છે.
સાયબર ક્રિમિનલ જાણીતી વીડિયો કોન્ફરન્સિંગ એપ તથા લોકપ્રિય ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ્સની બેઠી કોપી જેવી વેબસાઈટ બનાવે છે અને લોકોને તેના પર ખેંચી લાવતા ઇ-મેઇલ્સ મોકલે છે. આ પ્રવૃત્તિ માટે મોટા ભાગે ઝૂમ, મૂડલ અને ગૂગલ મીટ જેવી સર્વિસની કોપી કરવામાં આવી રહી છે. તમે આ સર્વિસિસનો ઉપયોગ કરતા હો તો માત્ર જાણીતી વ્યક્તિ તરફથી આવતી લિંક પર ક્લિક કરીને આવી મીટિંગમાં જોવાની સાવધાની રાખવા જેવી છે.

