વોટ્સએપમાંના આપણા ડેટાનો દરરોજ ઓટોમેટિક બેકઅપ લેવાતો હોય છે અને એ ડેટા પણ આપણા સ્માર્ટફોનમાં જ સેવ થતો હોય છે.
એ ઉપરાંત આપણે ઇચ્છીએ તો પોતાના ગૂગલ ડ્રાઇવ એકાઉન્ટમાં વોટ્સએપનો નિયમિત રીતે બેકઅપ લઈ શકીએ છીએ. જ્યારે ફોન બદલવાનો થાય અને નવા ફોનમાં જૂના નંબર સાથે વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવું હોય ત્યારે જૂનો ફોન બંધ કરતા પહેલાં તેમાંના વોટ્સએપ ડેટાનો મેન્યુઅલી ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લઈ લેવામાં આવે તો નવા ફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરી તેને એક્ટિવેટ કરતી વખતે સહેલાઈથી ગૂગલ ડ્રાઇવમાંના બેકઅપને સહેલાઈથી રીસ્ટોર કરી શકાય છે.
આ સુવિધા બહુ કામની છે પરંતુ જ્યારે વોટ્સએપના ડેટાનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લેવામાં આવે ત્યારે તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેતો નથી. હવે સમાચાર આવ્યા છે કે વોટ્સએપની એન્ડ્રોઇડ એપમાં આપણા ડેટાને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે ક્લાઉડમાં સેવ કરી શકાશે. જોકે જો આપણે પોતાનો વોટ્સએપનો પાસકોડ ભૂલી જઇએ તો પછી આ ડેટાને કોઈ રીતે રીસ્ટોર કરી શકાશે નહીં.
