સિગ્નલ વોટ્સએપનો મજબૂત વિકલ્પ બની શકે છે, ત્યારે જ્યારે સૌ તેના પર જ એક્ટિવ થાય
સિગ્નલ સારું, પણ નેટવર્ક નબળું
અત્યારે વોટ્સએપ પર પ્રાઇવસીની ચિંતાઓને કારણે લોકો મોટા પ્રમાણમાં ‘સિગ્નલ’ એપ તરફ વળી રહ્યા છે. જાણીતા ટેકનોક્રેટ એલન મસ્કે પણ તેની હિમાયત કરી છે. વોટ્સએપ પરના ઘણા પારિવારિક ગ્રૂપ્સ સાગમટે સિગ્નલ ઇન્સ્ટોલ કરીને તેના તરફ વળવા લાગ્યા છે…
પણ, અહીં થોડી મુશ્કેલી છે. પ્રાઇવસીની બાબતે સિગ્નલ ચોક્કસપણે વોટ્સએપ કરતાં વધુ સારી એપ છે પરંતુ વોટ્સએપ આપણા જીવનમાં એટલી ગાઢ રીતે વણાઈ ગઈ છે કે તેનો ઉપયોગ સદંતર બંધ કરીને સિગ્નલ તરફ વળવું મોટા ભાગના લોકો માટે મુશ્કેલ છે.
સ્કૂલના ઓનલાઇન ક્લાસની લિન્ક વોટ્સએપ પર આવે છે, ઘણા ખરા ક્લાયન્ટ તેમનું કામકાજ આપણી સાથે વોટ્સએપથી પતાવે છે, દૂધવાળાથી માંડીને શાકભાજી કે ટિફિન સર્વિસ આપતા લોકો વોટ્સએપ પર આપણો સંપર્ક કરે છે. આ તમામ લોકો, ફરી વાંચો – આ તમામ લોકો વોટ્સએપ છોડીને સિગ્નલ પર વળે નહીં ત્યાં સુધી કદાચ એવું બને કે આપણું ફેમિલી ગ્રૂપ સિગ્નલ પર એક્ટિવ થઈ જાય તો પણ આપણે વોટ્સએપનો ઉપયોગ બંધ ન કરી શકીએ.
એવું થાય તો ફેમિલી ગ્રૂપને સિગ્નલ પર વાળવાનો કોઈ દેખીતો ફાયદો રહેતો નથી! તેમ છતાં સિગ્નલ વિશે થોડું વધુ જાણી લઇએ.
સિગ્નલ મેસેજિંગ એપ તરીકે શરૂ થઈ એ પહેલાં સિગ્નલ ફાઉન્ડેશન નામે વિવિધ ટેકનોલોજી ડેવલપ કરવામાં આવતી હતી. આ એક ‘નોટ ફોર પ્રોફિટ’ કંપની છે. એટલે કે તેને પોતાના યૂઝરના ડેટામાંથી કમાણી કરવી નથી, તે માત્ર દાન પર ચાલતી સંસ્થા છે. સિગ્નલ ફાઉન્ડેશનની સ્થાપનામાં વોટ્સએપના સ્થાપકે પોતાની મોટી ભૂમિકા છે. વોટ્સએપ ફેસબુકને વેચ્યા પછી, યૂઝરની પ્રાઇવસી મુદ્દે મતભેદ થતાં તેમણે ફેસબુક છોડી છે.
‘સાયબરસફર’માં અગાઉ આપણે યૂઝર્સના રાઇટ્સ વિશે અભિયાન ચલાવતાં મેરેડિથ વ્હાઇટટેકરની વાત કરી ચૂક્યા છીએ, એ પણ સિગ્નલમાં મોખરાની ભૂમિકા ભજવે છે. સિગ્નલ ઓપન સોર્સ હોવાથી તે પ્રાઇવસી વિશેના જે દાવાઓ કરે તેનો વાસ્તવમાં અમલ થાય છે કે નહીં તે કોઈ પણ નિષ્ણાત કે અન્ય સંસ્થા ગમે ત્યારે તપાસી શકે છે.
સિગ્નલમાં આપણે જોડાઇએ ત્યારે આપણો મોબાઇલ નંબર તથા અન્ય કોન્ટેક્ટ્સની વિગતો તેને આપવી પડે છે. એ સિવાય લગભગ કોઈ પ્રકારનો ડેટા સિગ્નલ એપ એકઠો કરતી નથી. તે સિવાય સિગ્નલ પર આપણી પ્રાઇવસી જાળવવાનાં સંખ્યાબંધ ફીચર્સ છે.
સિગ્નલ ઓપન સોર્સ હોવાથી તે પ્રાઇવસી વિશેના જે દાવાઓ કરે તેનો વાસ્તવમાં અમલ થાય છે કે નહીં તે કોઈ પણ નિષ્ણાત કે અન્ય સંસ્થા ગમે ત્યારે તપાસી શકે છે.
અલબત્ત સિગ્નલ એપ દાન પર ચાલતી સંસ્થા ચલાવે છે આથી તેમાં યૂઝર્સને આકર્ષે તેવા ફીચર્સનું પ્રમાણ ઓછું છે. વોટ્સએપ સાથે સીધી સરખામણી કરીએ તો અન્ય યૂઝર સાથે લોકેશન શેર કરવું, માત્ર એડમિન જેમાં પોસ્ટ મૂકી શકે તેવાં ગ્રૂપ્સ ચલાવવાં, બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી એક સાથે અનેક લોકોને મેસેજ મોકલવા, પેમેન્ટ કરવું વગેરે ‘સગવડો’ સિગ્નલમાં નથી. સિગ્નલની બિઝનેસ એપ્સ ન હોવાથી એ બાબતે તે વોટ્સએપની બરાબરી કરી શકે તેમ નથી.
ટૂંકમાં સિગ્નલ એક કામ બહુ સારી રીતે કરે છે – આપણી પ્રાઇવસી જાળવીને મેસેજની આપલે કરવી. એ સિવાય કેટલાંક ફીચર્સ તેમાં નહીં મળે. બસ, આપણા કોન્ટેક્ટ્સનું મોટું નેટવર્ક તેના પર સક્રિય થવું જોઈએ! અને હા, વોટ્સએપ સિગ્નલે જ વિક્સાવેલી એન્ક્રિપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
ટેલિગ્રામમાં વધુ પડતી પ્રાઇવસી
આ એપ પ્રાઇવસી અને સિક્યોરિટીની બાબતે વધુ પડતી જડબેસલાક છે. તે વિવિધ દેશોની સરકારોને પણ એપમાં ઘૂસવા દેતી નથી. પરિણામે સરકારો સાથે તેને અવારનવાર ઘર્ષણ થાય છે. ટેલિગ્રામની તકલીફ એ છે કે જેટલી પ્રાઇવેટ છે એટલી જ અમુક રીતે ઓપન પણ છે. તેમાં લોકો ગ્રૂપ બનાવીને એક જ ગ્રૂપમાં બે લાખ સુધી લોકોને ઉમેરી શકે છે અને બ્રોડકાસ્ટ ચેનલમાં તો અનલિમિટેડ મેમ્બર્સ થઈ શકે છે. ટેલિગ્રામની ચેનલ કે ગ્રૂપમાં એકબીજાના ફોન નંબર પણ જાણતા ન હોય એવા લોકો ઉમેરાઈ શકે છે.
ટેલિગ્રામ પર લોકો ગૂમનામ રહી શકે છે. તેની પ્રાઇવેટ ચેનલ સર્ચ કરી શકાતી નથી ને તેમાં માત્ર એડમિનના ઇન્વિટેશનથી પ્રવેશ મળે છે. મોકલેલા મેસેજ નિશ્ચિત સમય પછી આપોઆપ ડીલિટ થાય એવી સગવડ છે. આ બધાને કારણે ટેલિગ્રામનો વિવિધ ત્રાસવાદી જૂથો ઉપયોગ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. ટેલિગ્રામ પર વિવિધ પ્રકારનું પાઇરેટેડ કન્ટેન્ટ બહુ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેને તપાસસંસ્થાઓ નાથી શકતી નથી.
જૂના છતાં નવા એસએમએસ
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ આખરે ઇન્ટરનેટ આધારિત છે એટલે તેમાં આપણું વિવિધ રીતે ટ્રેકિંગ થઈ શકે છે. આથી આપણને પ્રાઇવસી અને સિક્યોરિટીની ચિંતા રહે છે.
આવી બહુ ચિંતા રહેતી હોય તો આવી એપ્સનો ઉપયોગ કરવાને બદલે જૂની ને જાણીતી, સીધી સાદી એસએમએસ સર્વિસનો લાભ લઈ શકાય.
દેખીતું છે કે આપણે તો એને ભૂલીને ઘણા આગળ વધી ગયા છીએ. કારણ એ જ કે વોટ્સએપમાં જે મળે છે એ ખરેખર કામની સગવડો એસએમએસમાં મળતી નથી. આના ઉપાય તરીકે એસએમએસમાં હવે ‘રીચ કમ્યુનિકેશન સર્વિસ’ આવી ગઈ છે.
અલબત્ત, તેમાં હજી જડબેસલાક એન્ક્રિપ્શન નથી અને તેમાં પણ, સંકળાયેલી વિવિધ સર્વિસ આપણું જુદી જુદી રીતે ટ્રેકિંગ કરે એવી સંભાવના તો રહે જ છે!

