વર્ષો સુધી ઇન્ટરનેટ પર કન્ટેન્ટ ક્રિએશનમાં અનોખું યોગદાન આપ્યા પછી આખરે સિક્યોરિટીના મામલે ફ્લેશની હાર થઈ.
છેલ્લા થોડા સમયથી તમે તમારા પીસી કે લેપટોપમાં ફ્લેશ પ્લેયર અનઇન્સ્ટોલ કરવા સંબંધિત મેસેજ જોતા હશો. ફ્લેશ વિશે તમે થોડું ઘણું જાણતા હશો તો આ સૂચનાને અનુસરીને તમે ‘અનઇન્સ્ટોલ’ બટન પર ક્લિક કરી દીધું હશે અથવા પછી આ મેસેજ શાને લગતો છે તે વિશે હજુ ગડમથલ અનુભવતા હશો.
ઇન્ટરનેટ સાથે તમારો જૂનો એટલે કે લગભગ ૨૫ વર્ષ જૂનો પરિચય હશે તો તમને ફ્લેશનો પૂરેપૂરો પરિચય હશે. ૧૯૯૫ના અરસામાં જેની શરૂઆત થઈ એ ફ્લેશનો ઇન્ટરનેટને લોકપ્રિય બનાવવામાં જબરજસ્ત ફાળો છે.
તમને ખાસ્સી જૂની વેબસાઇટ યાદ હોય તો એ જમાનામાં વેબડિઝાઇન્સ ખરેખર જૂની પુરાણી લાગતી હતી. ફ્લેશને કારણે ઇન્ટરનેટ રોમાંચક બન્યું.
મૂળભૂત રીતે ફ્લેશ એક મલ્ટિમીડિયા સોફ્ટવેર પ્લેટફોર્મ છે જેની મદદથી એનિમેશન, વેબ અને ડેસ્કટોપ એપ્લિકેશન, મોબાઇલ એપ, મોબાઇલ ગેમ વગેરેનું નવી, અનોખી રીતે સર્જન કરી શકાતું હતું.
લોકપ્રિયતાની ટોચે પહોંચ્યા પછી ફ્લેશમાં સિક્યોરિટી સંબંધિત પ્રશ્નો શરૂ થયા અને છેવટે તેની ઊણપ પૂરી કરી શકે તેવી નવી ટેકનોલોજીઓ વિકસતાં ફ્લેશ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું.
તમે ફ્લેશ અનઇન્સ્ટોલ કરવા સંબંધિત જે મેસેજ જોયો હશે તે આ જ કારણે છે.
ફ્લેશનાં મૂળભૂત બે પાસાં હતાં :
ફ્લેશનું એક હતું વિવિધ પ્રકારનું કન્ટેન્ટ ક્રિએશન. એક આખી પેઢી પોતાના પીસીમાં ફ્લેશ ગેમ્સ રમીને મોટી થઈ છે. પૂરેપૂરી ફ્લેશ આધારિત વેબસાઇટ બનાવનારા લોકોનું પ્રમાણ પણ ઘણું મોટું હતું. ઓડિયો અને વીડિયો પ્લે કરવા માટે પણ ફ્લેશનો ઉપયોગ થતો હતો.
ફ્લેશનું બીજું પાસું હતું બ્રાઉઝર્સ માટેનું ફ્લેશ પ્લેયર પ્લગઇન. ફ્લેશ સોફ્ટવેરની મદદથી જે કોઈ અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યું હોય તે જુદાં જુદાં કોઈ પણ બ્રાઉઝરમાં સહેલાઇથી જોઈ શકાય એ માટે ફ્લેશ પ્લેયર પ્લગઇનનો ઉપયોગ થતો હતો.
ફ્લેશનું આ બીજું પાસું સમય જતાં જોખમી બન્યું.
ટેકનિકલી જોઈએ તો ફ્લેશ ટેક્નોલોજી મરી પરવારી નથી. એડોબ કંપનીએ તેનો ઉપયોગ ચાલુ રાખ્યો છે. પરંતુ યૂઝર તરીકે આપણે ફ્લેશ સાથેનો સંબંધ પૂરો થયો.
ફ્લેશનો જન્મ ૧૯૯૩માં થયો. એ સમયે માઇક્રોસોફ્ટ અને ડિઝની ઓનલાઇન જેવી કંપની વેબ બ્રાઉઝરમાં એનિમેટેડ કન્ટેન્ટ બતાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી. ૧૯૯૬થી મેક્રોમીડિયા કંપનીએ તેને હસ્તગત કરી. ફ્લેશમાં વેકટર આધારિત ગ્રાફિકનો ઉપયોગ થતો હતો એટલે તેનાથી બનતા એનિમેશનની ફાઇલ સાઇઝ બહુ ઓછી રહી શકતી હતી.
ડાયલઅપ ઇન્ટરનેટના એ જમાનામાં ડાઉનલોડ સ્પીડ બહુ ઓછી હોવાથી એનિમેટેડ કન્ટેટન્ટ માટે ફ્લેશ ટેકનોલોજી વરદાન બની. વર્ષ ૨૦૦૫માં એડોબ કંપનીએ મેક્રોમીડિયા કંપની ખરીદી લીધી અને એ રીતે ફ્લેશ ટેકનોલોજી એડોબનો હિસ્સો બની.
કાર્ટૂન્સ, ગેમ્સ, વેબસાઇટ્સ, વગેરેના સર્જનમાં એડોબ ફ્લેશનો ઉપયોગ અત્યંત લોકપ્રિય બન્યો. ફ્લેશને કારણે, ફ્લેશ પ્લેયર પ્લગઇન હોય તેવા કોઈ પણ બ્રાઉઝરમાં વીડિયોનું સ્ટ્રીમિંગ પણ બહુ સરળ બન્યું.
જોકે સમયની સાથે વેબ ટેકનોલોજીનાં સ્ટાન્ડર્ડ બદલાવા લાગ્યાં. ફ્લેશની જબરજસ્ત લોકપ્રિયતાને કારણે તે હેકર્સનું નિશાન બનવા લાગ્યું. ધીમે ધીમે ફ્લેશનો ઉપયોગ જોખમી ગણાવા લાગ્યો.
ફ્લેશના અંતનો આરંભ
૨૦૦૭માં એપલે ફ્લેશના મૃત્યુઘંટનું વધુ એક કારણ આપ્યું. એ વર્ષે એપલે આઇફોન લોન્ચ કર્યો અને ત્યારે કંપનીએ ઐતિહાસિક નિર્ણય લઈને આઇફોનમાં ફ્લેશને સપોર્ટ ન કરવાનું નક્કી કર્યું. એ સમયે હજી ફ્લેશની લોકપ્રિયતા ટોચ પર હતી છતાં એપલે નક્કી કર્યું કે હવે ફ્લેશ વિના પણ કામ ચલાવી શકાય છે.
એ સમયથી ફ્લેશનાં વળતાં પાણી શરૂ થયાં. વર્ષ ૨૦૧૨ સુધીમાં સૌને સ્પષ્ટ થઈ ગયું કે ફ્લેશનો ઉપયોગ કરવામાં જોખમ છે અને સામે એચટીએમએલ-ફાઇવ જેવા મજબૂત વિકલ્પો છે.
છેવટે ગૂગલે પણ લાંબો સમય ફ્લેશને સપોર્ટ કર્યા પછી તેને સપોર્ટ કરવાનું બંધ કર્યું. આ બધાને કારણે આપણે ફ્લેશમાં બનેલી વેબસાઇટ જોવી હોય કે ફ્લેશમાં બનેલી કોઈ ગેમ રમવી હોય તો બ્રાઉઝરમાં પહેલાં ફ્લેશ પ્લેયર રન કરવાની સ્પષ્ટ મંજૂરી આપવી પડે એવું બન્યું.
ધીમે ધીમે માત્ર ફ્લેશમાં બનેલી વેબસાઇટને સ્થાને નવી ટેકનોલોજીથી બનેલી વેબસાઇટ આવવા લાગી. વર્ષો સુધી લોકપ્રિય રહેલી સંખ્યાબંધ ગેમ સાઇટ પણ ફ્લેશને કારણે લગભગ બંધ થવા આવી. હવે એડોબ કંપનીએ ફ્લેશ પર આગળ કામ કરવાનું સદંતર બંધ કર્યું છે અને એટલે જ તેણે આપણને ફ્લેશ પ્લેયર અનઇન્સ્ટોલ કરવાની સૂચના આપી છે. આ સૂચનાને અનુસરીને ફ્લેશ પ્લેયર અનઇન્સ્ટોલ કરવામાં સાર છે કારણ કે આપણા બ્રાઉઝર કે પીસી/લેપટોપમાં તે હશે તો તેના રસ્તેથી હેકરને આપણે આમંત્રણ આપીએ એવું બની શકે છે.
ટેકનિકલી જોઇએ તો ફ્લેશ ટેકનોલોજી મરી પરવારી નથી. એડોબ કંપનીએ આ ટેકનોલોજીને એડોબ એનિમેટનો એક ભાગ બનાવી દીધો છે, પરંતુ યૂઝર તરીકે આપણો ફ્લેશ સાથેેનો સંબંધ પૂરો થયો છે.

