ભારતના નાણામંત્રીએ હમણાં ભારતની બધી બેન્ક્સને પોતાના કસ્ટમર્સને માત્ર રૂપે કાર્ડસ જારી કરવા જણાવ્યું. તેમણે કહ્યું હતું કે ભારતનું રૂપે કાર્ડ વિશ્વસ્તરે ફેલાઈ રહ્યું છે ત્યારે ભારતીય ગ્રાહકોને ભારતમાંની બેન્ક્સ દ્વારા અન્ય કોઈ કાર્ડ આપવાનું કોઈ કારણ નથી. હજી હમણાં જ, ગયા મહિને ભૂતાનમાં પણ રૂપે કાર્ડના ઉપયોગનો બીજો તબક્કો લોન્ચ થયો છે.
એ સંદર્ભમાં, જો તમારા ખિસ્સામાં કે પર્સમાં પણ રૂપે કાર્ડ આવી ગયું હોય અને વિસા, માસ્ટર કે રૂપે કાર્ડ એક્ઝેક્ટલી શું છે એ જાણવું હોય તો આગળ વાંચો!
હજી થોડાં વર્ષ પહેલાં સુધી ભારતમાં સમગ્ર ડેબિટ/ક્રેડિટ કાર્ડના તંત્ર પર બે વિદેશી કાર્ડ નેટવર્ક કંપનીઓનું રાજ હતું – વિસા કે માસ્ટર કાર્ડ. આપણી બેન્ક ગમે તે હોય, આપણને બેન્ક તરફથી જે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ મળે તે આ વિસા કે માસ્ટરકાર્ડ જેવા વિદેશી કાર્ડ નેટવર્કનો જ એક ભાગ હોય. આ બે સિવાય ડિસ્કવર, ડાઇનર્સ ક્લબ કે અમેરિકન એક્સ્પ્રેસ જેવાં અન્ય વિદેશી કાર્ડ નેટવર્ક પણ ભારતમાં પ્રચલિત છે. તેના ડેટાનું પ્રોસેસિંગ વિદેશનાં કમ્પ્યુટર સર્વર્સમાં થાય અને આપણી બેન્કોએ આ વિદેશી કાર્ડ નેટવર્ક કંપનીઓને ઊંચા ચાર્જ પણ ચૂકવવા પડે છે.
૨૦૧૨માં, ભારત સરકારે વિદેશી કાર્ડ કંપનીઓની આ મોનોપોલી (કે મુખ્ય બે કંપની હોવાથી ડ્યુઓપોલી!) તોડવા માટે, ભારતનું પોતાનું કાર્ડ નેટવર્ક વિક્સાવ્યું, નામ આપ્યું રૂપે – રૂપિયા અને પેમેન્ટનું મિશ્રણ! ચીન, જાપાન અને યુરોપના દેશો પણ આવું પોતાનું આગવું કાર્ડ નેટવર્ક ધરાવે છે. હવે ભારતની તમામ જાહેર ખાનગી અને સહકારી ક્ષેત્રની બેન્ક રૂપે ડેબિટ કાર્ડ ઇસ્યુ કરે છે, જે મોટા ભાગનાં એટીએમ તથા પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) પર સ્વીકાર્ય છે. તેમાં બધું જ પ્રોસેસિંગ ભારતમાં જ થતું હોવાથી ટ્રાન્ઝેક્શન કોસ્ટ અને બેન્કના ચાર્જ ઓછા રહે છે.
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવતા બિલકુલ સાદા બચત ખાતા સાથે પણ આ રૂપે કાર્ડ આપવામાં આવે છે. હજી હમણાં સુધી સહકારી બેન્ક કે નાની બેન્ક્સ, જેમને વિસા કે માસ્ટર કાર્ડના નેટવર્કનો ખર્ચ ન પોસાય એ જ ખાતાધારકોને રૂપે કાર્ડ આપે એવી એક છાપ હતી, જે હવે ઘણી બદલાઈ ગઈ છે.
નોટબંધી બાદ સરકારે રૂપે કાર્ડને સતત પ્રોત્સાહન આપ્યું છે. ચાહો તો તમે પણ તમારી જાહેર કે ખાનગી બેન્ક પાસેથી રૂપે કાર્ડ મેળવી શકો છો.
‘મેઇડ ઇન ઇન્ડિયા‘ કાર્ડ નેટવર્કની વિશેષતાઓ
|
