યુટ્યૂબના વીડિયોની સંખ્યા લાખો કરોડોમાં પહોંચી છે એ કારણે તેના પર કોઈ ચોક્કસ વીડિયો શોધવો બહુ મુશ્કેલ છે. નિશ્ચિત લક્ષ્ય વિના યુટ્યૂબમાં ખાબકીએ તો આપણે ન જોવા હોય તેવા વીડિયો પણ જોવામાં કલાકો વિતાવી શકીએ છીએ.
પરંતુ અમુક ચોક્કસ વિષય ધ્યાનમાં રાખીને યુટ્યૂબ પર સર્ચ કરવું થોડું મુશ્કેલ હોય છે.
યુટ્યૂબની સર્ચ સુવિધા આમ તો ઘણી સ્માર્ટ છે તે આપણી હિસ્ટ્રી અને બીજા ઘણા પાસા ધ્યાનમાં રાખીને આપણે કોઈ સર્ચ કરીએ ત્યારે તેના રીઝલ્ટ બતાવે છે. આપણી સર્ચને વધુ ધારદાર બનાવવી હોય તો તમે કી-વર્ડ સર્ચ કરો તેની પહેલાં ‘‘allintitle:’’ લખો.
આ રીતે જે વીડિયોના ટાઇટલનો આપણે લખેલા શબ્દો આવતા હશે એજ વીડિયો આપણને બતાવવામાં આવશે.
એ જ રીતે ગૂગલ સર્ચનો બીજો એક નિયમ પણ યુટ્યૂબમાં કામે લગાડી શકીએ છીએ. જેમ કે સર્ચ એન્જિનમાં Jaguar speed -car લખીએ તો જગુઆર કાર નહીં, પણ જગુઆર પ્લેનની ઝડપ જાણવા મળે. એ જ વાત યુટ્યૂબમાં પણ કામે લગાડી શકાય. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે લખેલા કોઈ સર્ચના શબ્દના એકથી વધુ અર્થ થતા હોય ત્યારે યુટ્યૂબના પરિણામમાં ખાસ્સી ભેળસેળ જોવા મળે છે. આવી સ્થિતિમાં આપણે જે અર્થનાં પરિણામ ન જોઇતાં હોય તેની આગળ માઇનસ લગાડીને એ શબ્દ ઉમેરવાથી સર્ચ વધુ સચોટ બનશે.

