(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માર્ચ મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!
માર્ચ 1, 2008, નેટસ્કેપ બંધ થયું

ક્રોમ, ફાયરફોક્સ, સફારી કે એજ જેવા આજના પોપ્યુસર બ્રાઉઝર્સનો ઉપયોગ કરતી જનરેશને કદાચ નેટસ્કેપ વેબ બ્રાઉઝરનું નામ પણ સાંભળ્યું નહીં હોય, પરંતુ ૧૯૯૦ના દાયકામાં નેટસ્કેપ એવું પહેલું કમર્શિયલ વેબબ્રાઉઝર હતું જેણે ઇન્ટરનેટને લોકપ્રિય બનાવવામાં મોટો ફાળો આપ્યો. પછી માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝમાં ફ્રી ઇન્ટરનેટ એક્સપ્લોરર આપતાં નેટસ્કેપનાં વળતાં પાણી થયાં. આજે સતત વધુ ને વધુ પોપ્યુલર થઈ રહેલ મોઝિલા ફાયર ફોક્સનો કોડ નેટસ્કેપ પર જ આધારિત છે!

માર્ચ 4, 1977 પહેલું સુપર કમ્પ્યૂટર

અમેરિકામાં પહેલા ક્રે-૧ સુપર કમ્પ્યૂટરનો ઉપયોગ શરૂ થયો. ૧૯ મિલિયન ડોલરની કિંમતના આ સુપર કમ્પ્યૂટરનો અત્યાધુનિક વેપન્સ સિસ્ટમ ડિઝાઇન તૈયાર કરવા માટે ઉપયોગ થવાનો હતો. સાત ફૂટ ઊંચા, નવ ફૂટનો વ્યાસ ધરાવતા નળાકાર ટાવર જેવા આ કમ્પ્યૂટરનું વજન ૫.૫ ટન હતું. આ મશીન એટલી ગરમી પેદા કરતું હતું કે તેની અંદર જ  રેફ્રિજરેશન સિસ્ટમ મૂકવી પડી હતી.

માર્ચ 9, 199 ‘‘ઇન્ટરનેટની મેં શોધ કરી’’

આજના દિવસે અમેરિકાના એ સમયના વાઇસ પ્રેસિડેન્ટ અલ ગોરેએ સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘‘યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસની મારી સર્વિસ દરમિયાન મેં ઇન્ટરનેટના સર્જનની પહેલ કરી હતી.’’ તેમનું આ સ્ટેટમેન્ટ પછી તો ખાસ્સું વગોવાયું અને ઘણા લોકોએ અલ ગોરેને નામે આ નિવેદન ચઢાવી દીધું અને કહ્યું કે તેમણે ‘‘ઇન્ટરનેટની મેં શોધ કરી હતી’’ એવી બડાઈ હાંકી હતી!

માર્ચ 10, 1876 ટેલિફોન પર પહેલી વાતચીત

એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે આજના દિવસે, બીજા રૂમમાં રહેલા તેમના આસિસ્ટન્ટ વોટસન સાથે પોતાના સાધનથી વાત કરી, જે ઇતિહાસમાં પહેલા ફોન કોલ તરીકે નોંધાઈ. ગ્રેહામ બેલે કહ્યું હતું, ‘‘મિસ્ટર વોટ્સન અહીં આવો, મને તમારી જરૂર છે.’’

માર્ચ 12, 1989 વર્લ્ડ વાઇડ વેબ માટે પહેલો પ્રસ્તાવ

વર્લ્ડ વાઇડ વેબના જનક ટીમ બર્ન્સ લીએ આજના દિવસે પહેલી વાર ઇન્ટરનેટ પર માહિતીને એકબીજા સાથે જોડીને શેર કરવા માટે એક નવો રસ્તો વિકસાવવા વિશેનો પ્રસ્તાવ ‘યુરોપિયન ઓર્નેગાઇઝેશન ફોર ન્યૂક્લીયર રિસર્ચ’ નામની સંસ્થાને આપ્યો, જેને આપણે આજે ‘વર્લ્ડ વાઇડ વેબ’ તરીકે ઓળખીએ છીએ.  એ પહેલા પ્રસ્તાવમાં આવી વ્યવસ્થાની વિગતો ધૂંધળી હતી. નવેમ્બર ૧૨, ૧૯૯૦ના તેમણે વધુ સ્પષ્ટતાઓ સાથે નવો પ્રસ્તાવ રજૂ કર્યો, જે આખરે વર્લ્ડ વાઇડ વેબના સર્જન તરફ દોરી ગયો.

માર્ચ 12, 1986 માઇક્રસોફ્ટ પબ્લિક કંપની બની

માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના થયાના ૧૦ વર્ષ પછી માઇક્રોસોફ્ટ કોર્પોરેશને શેર દીઠ ૨૧ ડોલરના ભાવે શેરબજારમાં પ્રવેશ કર્યો. પહેલા દિવસે તેનો ભાવ શેર દીઠ ૩૫.૫૦ ડોલરના ભાવે પહોંચ્યો હતો. કંંપનીના શેરના ભાવ સતત વધતાં સેલેરીના ભાગરૂપે કંપનીના શેર મેળવનારા અનેક કર્મચારીઓ લાખોપતિ અને અબજોપતિ બન્યા!

માર્ચ 15, 1985 પહેલું ઇન્ટરનેટ ડોમેઇન રજિસ્ટર થયું

અમેરિકાના મેસેચ્યુસેટ્સની સિમ્બોલિક્સ નામની એક કમ્પ્યૂટર કંપનીએ symbolics.com ઇન્ટરનેટ ડોમેઇન નોંધાવ્યું જે, વિશ્વનું સૌથી પહેલું ઇન્ટરનેટ ડોમેઇન ગણાયું. આ ડોમેઇન અત્યારે કાર્યરત છે પણ તેના પર ઓનલાઇન મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું છે.

માર્ચ 17, 1988 ટેક કંપની વચ્ચે કાનૂની યુદ્ધ

આજના દિવસે એપલ કંપનીએ માઇક્રોસોફ્ટ કોર્પોરેશન સામે તેની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એપલના કોપીરાઇટ્સનો ભંગ કરતી હોવાના દાવા સાથે કાનૂની જંગની શરૂઆત કરી હતી. આ કેસ એપલ કંપની ૧૯૯૫માં હારી ગઈ, પરંતુ મોટી મોટી ટેક કંપનીઓ વચ્ચે એકબીજા સામે ટેકનોલોજીની ચોરીના આરોપ અને કાનૂની જંગનો સિલસિલો હજી પણ ચાલુ જ છે.

માર્ચ 19, 1986 મહત્ત્વના ડોમેઇન ઓનલાઇન થયા

આજના દિવસે ibm.com અને sun.com ડોમેઇન ઓનલાઇન લાઇવ થયાં. આ બંને ડોમેઇન વિશ્વના ૧૧મા અને ૧૨મા ક્રમનાં સૌથી જૂનાં ડોમેઇન ગણાય છે. વિશ્વમાં કમ્પ્યૂટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે આ બંને કંપનીનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે.

માર્ચ 20, 2005 યાહૂએ ફ્લિકર સર્વિસ ખરીદી

આજે આપણા જેવા સરેરાશ યૂઝર્સ પોતાના ફોટોગ્રાફ્સ ઓનલાઇન સાચવવા માટે ગૂગલની ફોટોઝ સર્વિસનો વધુ ઉપયોગ કરે છે, પરંતુ એક સમયે પ્રોફેશનલ્સની પહેલી પસંદગી ‘ફ્લિકર’ નામની સર્વિસ હતી. ફ્લિકરની શરૂઆત ૨૦૦૪માં થઈ હતી અને તેના પર ઇમેજ અને વીડિયો અપલોડ કરી શકાતા હતા. આજના દિવસે યાહૂ કંપનીએ આ સર્વિસ ખરીદી લીધી હતી. અત્યાર સુધીના સમયગાળામાં ફ્લિકરની માલિકી વારંવાર બદલાઈ છે અને નવા સમયમાં આ મજાની સર્વિસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.


માર્ચ 24, 2001 મેક ઓએસનું પહેલું પબ્લિક વર્ઝન

આજના દિવસે એપલની ઓપરેટિંગ સિસ્ટમનું પહેલું પબ્લિક વર્ઝન, મેક ઓએસ એક્સ ૧૦.૦ લોન્ચ થયું હતું. એપલે તેની ઓએસને શરૂઆતમાં ચિત્તા, જગુઆર, લેપર્ડ, લાયન વગેરે પ્રાણીઓનાં નામ આપ્યાં અને પછી કેલિફોર્નિયાનાં વિવિધ સ્થળોનું નામ આપવાનું શરૂ કર્યું. આંતરિક રીતે, એપલની ટીમ દરેક વર્ઝનને જુદા જુદા વાઇનનું કોડ-નેમ આપતી હતી! ૨૦૧૫થી, કોડનેમ તરીકે, અસલી સફરજનના જુદા જુદા પ્રકારનો ઉપયોગ થાય છે!

માર્ચ 25, 1996 પહેલી મૂવી ડીવીડી પર

ઝંઝાવાતી વંટોળને જીવંત બનાવતી મૂવી ‘ટવીસ્ટર’ યાદ છે? આજના દિવસે એ મૂવી, ડીવીડી પર રજૂ થયેલી પહેલી ફીચર ફિલ્મ બની હતી!

માર્ચ 26, 1999 મેલિસા વાઇરસનો તરખાટ

વાસ્તવિક દુનિયામાં જેમ કોરોનાએ તરખાટ મચાવ્યો છે એમ બે દાયકા પહેલાં, ઈ-મેઇલ્સમાં ‘મેલિસા’ નામના વાઇરસે તરખાટ મચાવ્યો હતો. આ વાઇરસ પોતે કશું નુક્સાન નહોતો કરતો, માત્ર બનાવટી ઈ-મેઇલ્સનો મારો ચલાવતો હતો! લોન્ચ થયાના ત્રણ જ દિવસમાં તેણે દુનિયાનાં અઢી લાખ જેટલાં કમ્પ્યૂટર્સમાં ઘૂસીને અનેક ઈ-મેઇલ સર્વર્સ ઠપ કરી દીધાં હતાં.

માર્ચ 27, 1976 કમ્પ્યૂટર કન્વેન્શનનો પ્રારંભ

ન્યૂ મેક્સિકો શહેરમાં યોજાયેલા પહેલા ‘એન્યુઅલ વર્લ્ડ એલ્ટેર કમ્પ્યૂટર કન્વેન્શન’માં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા માત્ર ૨૦ વર્ષના એક છોકરડાએ આજના દિવસે, કન્વેશનનો પ્રારંભ કરતું ભાષણ આપ્યું. છોકરો હતો બિલ ગેટ્સ, જેણે પોતાના મિત્ર પોલ એલનના સાથમાં, અલ્ટેર કમ્પ્યૂટર સાથે વેચાતી ‘બેઝિક’ લેંગ્વેજ ડેવલપ કરી હતી!

માર્ચ 30, 1951 યુનિવેકની શરૂઆત

આજના દિવસે વિશ્વનું પહેલું કમર્શિયલ કમ્પ્યૂટર – યુનિવેક – યુએસની વસતી ગણતરી સંસ્થાને મળ્યું, જેણે આજના કમ્પ્યૂટર્સ માટે મજબૂત પાયો તૈયાર કરી આપ્યો.

માર્ચ 5, 1995 યાહૂની સત્તાવાર શરૂઆત

આજે ઇન્ટરનેટ પર ગૂગલ અને ફેસબુકનો પોતપોતાની રીતે દબદબો છે, પણ એમની પહેલાં ઇન્ટરનેટ પર યાહૂનું રાજ હતું. આજના દિવસે યાહૂ સર્ચ એન્જિનની સત્તાવાર શરૂઆત થઈ હતી. યાહૂનું નામ શરૂઆતમાં ‘‘જેરી એન્ડ ડેવિડ્સ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ’’ હતું. યાહૂની પ્રગતિ અને પતન બંને બહુ નવાઈજનક રહ્યાં.

માર્ચ 16, 1995 ‘વિકિ’યુગની શરૂઆત

આજે આપણે દુનિયાના સૌથી વિશાળ અને સૌથી વધુ ઝડપથી અપડેટ થતા જ્ઞાનસ્રોત તરીકે વિકિપીડિયાને ઓળખીએ છીએ, પરંતુ તેની શરૂઆતના છ વર્ષ પહેલાં વિકિનો જન્મ થઈ ગયો હતો!

આજના દિવસે વોર્ડ કનિંગહામ નામની એક વ્યક્તિએ ઇન્ટરનેટ પર એક એવી વ્યવસ્થા વિકસાવી કે લોકો તેમાં પોતાની રીતે કન્ટેન્ટ ઉમેરી શકે અને એડિટ પણ કરી શકે. આ સાઇટ શરૂ કરનાર વોર્ડ કનિંગહામે કહ્યા મુજબ તેમણે હવાઈ ટાપુની મુલાકાત વખતે ‘વિકિ વિકિ’ નામની એક શટલ બસ સર્વિસ જોઈ ત્યારથી તેમને વિકિ શબ્દ ગમી ગયો હતો. વિકિ શબ્દનો અર્થ થાય છે – ફટાફટ!

આજે વિકિપીડિયા ઉપરાંત બીજી અનેક જગ્યાએ યૂઝર પોતે કન્ટેન્ટ ઉમેરી અને એડિટ કરી શકે તેવી વિકિ વ્યવસ્થાનો ઉપયોગ થાય છે.

માર્ચ 21, 2006 ટવીટરનો કલબલાટ શરૂ

આજે જે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટવીટર પર ટવીટ્સનો કલબલાટ આખી દુનિયામાં કોલાહલનું સ્વરૂપ પકડી ચૂક્યો છે. એ ટવીટરના સહસ્થાપક જેક ડોર્સીએ આજના દિવસે વિશ્વની પહેલી ટવીટ કરી હતી.

ટ્વીટરની શરૂઆત ખરેખર કઈ રીતે થઈ એ વિશે વાદવિવાદ છે અને અમુકના મતે, ટ્વીટરના સર્જનમાં જેનો સિંહફાળો હતો એ લોકોને ક્યારેય પૂરતી ક્રેડિટ મળી નથી.

ટ્વીટરની સરખામણી ફેસબુક સાથે કરવામાં આવે છે, પણ ટ્વીટરે તદ્દન ટૂંકા મેસેજનો અભિગમ પકડી રાખીને  સોશિયલ મીડિયામાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. ઘણી વાર ન્યૂઝ સૌથી પહેલાં ટ્વીટર પર બ્રેક થાય છે.

અલબત્ત, ટ્વીટર પર સક્રિય લોકોમાં ૭૦ ટકા પુરુષો અને માત્ર ૩૦ ટકા સ્ત્રીઓ છે. જાણીને નવાઈ લાગશે કે જાપાનમાં ટ્વીટર પહેલા ક્રમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!