ગયા વર્ષે, સપ્ટેમ્બર ૨૦૨૦ અંકમાં આપણે વાત કરી હતી કે ગૂગલ કંપની આપણા એન્ડ્રોઇડ સ્માર્ટફોનની મદદથી, ભૂકંપની આગોતરી ચેતવણી આપી શકે એવી એક વિશ્વવ્યાપી સિસ્ટમ ડેવલપ કરી રહી છે.
આ સિસ્ટમ આપણા સ્માર્ટફોનમાંના એક્સેલરોમીટર સેન્સરની મદદથી, ભૂકંપ સમયે જમીનમાં અનુભવાતાં ખાસ પ્રકારનાં કંપનો પારખી લે છે. આ માહિતી ગૂગલના અર્થક્વેક ડીટેક્શન સર્વરમાં પહોંચે છે. એક સાથે, એક જ વિસ્તારમાંથી સંખ્યાબંધ ફોનમાંથી આવા સંકેત મળે, તો પહેલાં એ વિસ્તારમાં ખરેખર ભૂકંપ આવ્યો હોવાની ખાતરી કરવામાં આવે છે અને પછી, ભૂકંપની અસર જ્યાં પહોંચી શકે તેવા વિસ્તારોમાં લોકોને તેમના ફોન પર, ભૂકંપ આવી રહ્યો હોવાનો એલર્ટ મોકલવામાં આવે છે! પરિણામે લોકોને થોડી સેકન્ડ પહેલાં સાવચેત થવાની તક મળે છે.
હમણાં ફિલિપાઇન્સના લોકોને આ સિસ્ટમ કેવી છે તેનો જાતઅનુભવ થયો! જૂન મહિનામાં, ગૂગલે વધુ કેટલાક દેશોમાં આ સિસ્ટમ લાઇવ કરી અને તેમાં એક દેશ ફિલિપાઇન્સ પણ છે. એ પછી ૨૪ જુલાઈએ, ફિલિપાઇન્સના એક વિસ્તારમાં ૬.૭ મેગ્નિટ્યૂડનો ભૂકંપ અનુભવાયો એ વિસ્તારમાં એકાદ મિનિટ સુધી ધરતી ધ્રૂજી. તેની ગણતરીની પળોમાં, ત્યાંથી દૂરના વિસ્તારોના લોકોના ફોન પર એલર્ટ આવવા શરૂ થઈ ગયા! પછી તો ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર અનુભવ શેર કર્યા અને લખ્યું કે તેમણે ફોન પર એલર્ટ વાંચ્યો તેની દસેક સેકન્ડ પછી ભૂકંપ અનુભવ્યો! ભારતમાં આ સિસ્ટમ ક્યારે લાઇવ થશે એની કોઈ સ્પષ્ટતા નથી, પણ આવતા વર્ષ સુધીમાં સમગ્ર વિશ્વમાં તે લાઇવ થાય તેવી શક્યતા છે. આપણે ઇચ્છીએ તો આવો એલર્ટ ન મળે એવું સેટિંગ કરી શકીશું.
