
ફેસબુક એક કંપની તરીકે પોતાનું નામ બદલવા માગે છે એવા અહેવાલો તમે વાંચ્યા હશે. આમ થશે તો એ ગૂગલ જેવું થશે – ગૂગલ કંપની પહેલેથી હતી, તેમાંથી આલ્ફાબેટ કંપની સર્જાઈ, જે ગૂગલની મૂળ કંપની બની. એમ આપણે જેને જાણીએ છીએ તે ફેસબુક એક સર્વિસ તરીકે ચાલુ જ રહેશે, ફક્ત તેની માલિક કંપની તરીકે કોઈ નવું નામ આવશે.
આવું કરવાનું કોઈ કારણ? એક કારણ આપવામાં આવે છે કે ફેસબુક ઇન્ટરનેટના નવા અવતાર સમાન ‘મેટાવર્સ’ પર એકદમ ફોકસ્ડ રહીને કામ કરવા માગે છે એટલે એક નવી કંપની રચનામાં આવશે. બીજું કારણ એવું આપવામાં આવે છે કે લાંબા સમયથી – અને હાલમાં નવેસરથી – ફેસબુકને સંબંધિત વિવાદો થયા છે, ફેસબુક સામે જે વિવિધ તપાસો ચાલી રહી છે તેમાંથી કંઈક રસ્તો કાઢવા માટે કંપનીનું નામ બદલવામાં આવશે.
સાચું કારણ આપણે ક્યારેય જાણી શકીશું નહીં, પણ હાલમાં ફેસબુક સંબંધિત નવા વિવાદ શા છે તે જાણવા જેવું છે.
બન્યું એવુ ંકે ફેસબુકમાં બે વર્ષ સુધી પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરીને મે, ૨૦૨૧માં કંપની છોડી દેનારી ફ્રાન્સીસ હોગન નામની એક કર્મચારીએ, ફેસબુક વિશેની ઘણી આંતરિક વાતો અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ને પહોંચાડી. ૩૭ વર્ષની ટા એન્જિનીયર ફેસબુક પહેલાં ગૂગલ, પિન્ટરેસ્ટ અને યેલ્પ જેવી કંપનીઓમાં કામ કરી ચૂકી છે.
ફેસબુકનાં અમુક ડોક્યુમેન્ટ્સ એવું દર્શાવે છે કે ફેસબુકની માલિકીની ઇન્સ્ટાગ્રામ એપની ટીનેજર્સ ખાસ કરીને કિશોરીઓ ઉપર અત્યંત હાનિકારક અસર થઈ રહી છે.
પરંતુ ફેસબુકમાં જે ચાલી રહ્યું હતું એ જોઈને ફ્રાન્સીસનો જીવ ઉકળી ઉઠ્યો. તેણે ફેસબુક કંપનીએ તેની વિવિધ સર્વિસ વિશે કરાવેલા વિવિધ રિસર્ચના રિપોર્ટ્સ, કંપનીના એમ્પ્લોઇઝની ઓનલાઇન ચર્ચાઓ, સિનિયર મેનેજમેન્ટ માટે તૈયાર થયેલાં પ્રેઝન્ટેશન્સના ડ્રાફ્ટ વગેરે બધું આ અખબારને પહોંચાડ્યું. તેના આધારે, અખબારે ‘ધ ફેસબુક ફાઇલ્સ’ નામે શ્રેણીબદ્ધ લેખો પ્રકાશિત કર્યા, જેણે ફેસબુકની ‘પ્રતિષ્ઠા’ વધુ ખરડાઈ.
અખબાર કહે છે કે ‘‘ફેસબુક કંપની જાણે છે, બહુ વિગતવાર રીતે જાણે છે કે તેનાં પ્લેટફોર્મ્સમાં કેટલી બધી ખામીઓ છે જે દુનિયાને નુક્સાન પહોંચાડી રહી છે, કેવા પ્રકારનું નુક્સાન થઈ રહ્યું છે એ પણ આ કંપની જ પૂરેપૂરું જાણે છે…’’
આ શ્રેણીબદ્ધ રિપોર્ટ્સને પગલે પહેલાં અમેરિકામાં અને પછી દુનિયાભરમાં હોબાળો મચ્યો.
જેમ કે, ફેસબુક કહે છે કે તેના નિયમો બધા માટે સરખા છે, પણ તેનાં ડોક્યુમેન્ટ્સ કહે છે કે વાત કંઈક જુદી છે. કંપનીએ એક ખાનગી સિસ્ટમ વિક્સાવી છે જેમાં હાઇ-પ્રોફાઇલ યૂઝર્સને, સામાન્ય યૂઝર્સને લાગુ પડતા નિયમોથી બાકાત રાખવામાં આવે છે.
બીજો એક લેખ એવો છે કે કે ફેસબુકનાં અમુક ડોક્યુમેન્ટ્સ એવું દર્શાવે છે કે ફેસબુકની માલિકીની ઇન્સ્ટાગ્રામ એપની ટીનેજર્સ ખાસ કરીને કિશોરીઓ ઉપર અત્યંત હાનિકારક અસર થઈ રહી છે, ઇન્સ્ટાગ્રામથી થતા આ નુકસાન વિશે ફેસબુકને જાણ હોવા છતાં કંપનીએ તેના વિશે લગભગ કોઈ પગલાં લીધાં નથી.
આ લેખની એટલી ગંભીર અસર થઈ કે અમેરિકન સેનેટમાં પણ એ મુદ્દો ઉછળ્યો અને ફેસબુકને સેનેટની એક સમિતિ સમક્ષ આ વિશે જવાબો આપવા પડ્યા.

અખબારના દાવા મુજબ ટીનેજર્સને ઇન્સ્ટાગ્રામની જબરી આદત લાગી જાય છે. દેખીતું છે કે ફેસબુકે આ દાવાઓને નકારી દીધા છે, પરંતુ ખાસ બાળકો માટે ઇન્સ્ટાગ્રામનું અલગ વર્ઝન તૈયાર કરવાના પોતાના પ્લાન પર હાલ પૂરતું ફેસબુકે રોક લગાવી દીધી છે.
વધુ એક લેખ કહે છે કે ફેસબુકનાં પ્લેટફોર્મ્સના ડ્રગ કાર્ટેલ્સ અને માનવતસ્કરી કરતા લોકો ઉપયોગ કરી રહ્યા હોવા વિશે, ફેસબુકના વિવિધ કર્મચારીઓએ સિનિયર મેનેજમેન્ટનું ધ્યાન દોર્યું હોવા છતાં, કંપનીએ એ વિશે ખાસ કોઈ પગલાં લીધાં નથી.
શરૂઆતમાં અખબારને ફેસબુકના ઇન્ટર્નલ ડોક્યુમેન્ટ્સ કેવી રીતે મળ્યા તે જાહેર નહોતું થયું, પછી એક ટીવી શોમાં પેલી ફ્રાન્સીસે હાજરી આપી અને પોતાની ઓળખ છતી કરી.
ટીવી શોમાં ફ્રાન્સીસે કહ્યું કે ‘‘લોકો માટે શું સારું છે અને ફેસબુક માટે શું સારું છે એ બાબતે ફેસબુકમાં વારંવાર ટકરાવ થતો હતો અને દરેક વખતે ફેસબુકે માત્ર વધુ કમાણી કઈ રીતે થઈ શકે એ મુદ્દા પર જ ધ્યાન આપ્યું.’’
એ પછી તો ફ્રાન્સીસે અમેરિકન સેનેટની એક સબકમિટી સમક્ષ જુબાની આપીને કહ્યું કે ફેસબુક બાળકોને હાનિ પહોંચાડી રહ્યું છે અને લોકશાહી નબળી પાડી રહ્યું છે.
જોકે ફ્રાન્સીસ કહે છે કે તેનો હેતુ લોકોને ફેસબુક માટે નફરત થાય એવો નથી, ‘‘હું પોતે ફેસબુકને ધિક્કારતી નથી. મને ફેસબુક ગમે છે. હું માત્ર તેને બચાવવા માગું છું.’’

