શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં તમે નિયમિત રીતે રોકાણ કરતા હો અને તમારા રોકાણમાં થતી ઊંચ-નીચ પર ચાંપતી નજર રાખતા હો તો તમે જાણતા જ હશો કે ઘણી બધી ફાયનાન્સિયલ કંપની, બેન્ક્સ તથા ડિમેટ સર્વિસ આપતી કંપની વગેરે આપણને એપ અને વેબસાઇટ પર પોર્ટફોલિયો બનાવવાની સગવડ આપતી હોય છે.
તેમાં આપણે એકાઉન્ટ ખોલાવીને પોતાના રોકાણ સંબંધિત તમામ માહિતી આંગળીના ટેરવે રાખી શકીએ છીએ તેમજ ઝડપથી લે-વેચ પણ કરી શકીએ છીએ. પરંતુ જો તમે નિયમિત રીતે આ બધી બાબતો પર નજર ન રાખતા હો અને તમારા એજન્ટની મદદ પર નિર્ભર રહેતા હો તો તમારે કામની એક વાત જાણવા જેવી છે.

ભારત સરકારના નાણા મંત્રાલય હેઠળ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) નામે એક કંપની કાર્યરત છે. જે આપણને શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંબંધિત કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ મોકલે છે. તેનો લાભ લેવા માટે, https://eservices.nsdl.com વેબસાઇટ પર જઇને આપણા ડિમેટ એકાઉન્ટનું આઇડી તથા ક્લાયન્ટ આઇડી આપીને, સલામતીની જરૂરી વિધિઓ કરીને એક વાર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે.
આ પછી આપણે જે કોઈ સ્ટોક તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તેની તમામ વિગતોનું સ્ટેટમેન્ટ નિયમિત રીતે ઇમેઇલ દ્વારા મળતું હોય છે. તમારા પાન નંબરના આધારે આ બધી વિગતો તમને મળી શકે છે. આવી સર્વિસ અન્ય સંખ્યાબંધ કંપની દ્વારા પણ મળે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં મુશ્કેલી એ હોય છે કે વિવિધ ફંડ હાઉસનું વારંવાર મર્જર થતું હોવાને કારણે મ્ચ્યુઅલ ફંડની સ્કીમ્સનાં નામ પણ વારંવાર બદલાતાં હોય છે. તમે વર્ષો પહેલાં કોઈ સ્કીમમાં રોકાણ કર્યું હોય અને હવે તેનું નામ બદલાઈ ગયું હોય તો આવા કોન્સોલિડેટેડ સ્ટેટમેન્ટને કારણે આપણા ફંડનાં હાલનાં નામ, એનએવી વગેરે બધી માહિતી સહેલાઈથી તપાસી શકાય છે!

