છેલ્લાં થોડા વર્ષોથી સ્માર્ટફોન અને ટેબલેટમાં જ ઇન્ટરનેટનો ઉપયોગ જબરજસ્ત વધ્યા પછી લેપટોપ અને ડેસ્કટોપના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ, ૨૦૨૦માં કોરોના વાયરસને પગલે વર્ક ફ્રોમ હોમ તથા ઓનલાઇન સ્કૂલિંગ શરૂ થયા પછી વળતો ટ્રેન્ડ શરૂ થયો છે.
અત્યારે એવી સ્થિતિ છે કે લેપટોપ અને ડેસ્કટોપ મેન્યુફેકચરર સપ્લાય કરી શકે તેના કરતા વધુ ઓર્ડર્સ આવી રહ્યા છે. વર્ષ ૨૦૦૭માં આઇફોન અને ત્યારપછી એન્ડ્રોઇડ ફોન આવ્યા પછી પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ રહી છે. ટેબલેટના વેચાણમાં પણ આવો જ ઉછાળો જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલી માગને પગલે સેકન્ડહેન્ડ પીસી કે લેપટોપની કિંમતો પણ વધી છે.
અત્યાર સુધી જેમને પોસાય તેમ હતું તેવાં ઘરોમાં પણ આખા પરિવાર વચ્ચે એક કમ્પ્યૂટરથી કામ ચાલી જતું હતું હવે સૌ કોઈ પોતપોતાની રીતે ઓનલાઇન વર્ક કરી રહ્યા હોવાથી અને સૌને મોટો સ્ક્રીન વધુ માફક આવતો હોવાથી, સ્માર્ટફોનની જેમ પરિવારના દરેક સભ્ય માટે અલગ લેપટોપ-પીસીની ડિમાન્ડ વધી છે.

