
આજના દિવસે પ્રિન્ટેડ સાહિત્યને ઇલેક્ટ્રોનિક રૂપે સાચવી લેવાનો ભગીરથ પ્રયાસ ‘પ્રોજેક્ટ ગુટેનબર્ગ’ નામે શરૂ થયો. માઇકલ હાર્ટ નામના એક અમેરિકન વિદ્યાર્થીને એક રિસર્ચ પર કામ કરતી વખતે વિચાર આવ્યો કે આવનારા સમયમાં દુનિયાના મોટા ભાગના લોકો કમ્પ્યૂટરનો સહેલાઈથી ઉપયોગ કરી શકશે, આથી દુનિયાના સાહિત્યને ઇલેક્ટ્રોનિક સ્વરૂપ આપવું જોઈએ. તેમનો આ પ્રોજેક્ટ દુનિયાની સૌથી જૂની, વિશાળ ડિજિટલ લાઇબ્રેરી બની ગયો છે. તેમાં કોપીરાઇટની મુદત પૂરી થઈ ગઈ હોય તેવાં ૬૦,૦૦૦થી વધુ પુસ્તકો પ્લેઇન ટેક્સ્ટ કે એચટીએમએલ, પીડીએફ કે ઇપબ સ્વરૂપે ઉપલબ્ધ છે.
આજે આપણને સૌને અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટાની કોઈ નવાઈ રહી નથી ત્યારે ઇન્ટરનેટ એક્સેસની આ કિંમત વાંચવા જેવી છે – અમેરિકાની એક જમાનાની આગળ પડતી ડાયલઅપ ઇન્ટરનેટ કંપની અમેરિકા ઓનલાઇન (એઓએલ) પાંચ કલાકના ઇન્ટરનેટ વપરાશ માટે ૯.૯૫ ડોલર (આજના દરે આશરે ૭૫૦ રૂપિયા)નો ચાર્જ લેતી હતી!

આજના દિવસે કંપનીએ આ ચાર્જ બમણો કર્યો અને પોતાના યૂઝર્સને ‘અનલિમિટેડ’ ડાયલઅપ ઇન્ટરનેટ એક્સેસ આપવાની ઓફર કરી. ઓફર રજૂ થયાનાં ગણતરીનાં અઠવાડિયાઓમાં કંપનીને દસ લાખથી વધુ નવા યૂઝર્સ મળ્યા અને લોકોનો ઇન્ટરનેટનો દૈનિક વપરાશ બમણો થઈ ગયો (વધીને કેટલો થયો? એક દિવસમાં પૂરો અડધો કલાક!). જોકે પરિણામ એ આવ્યું કે કંપનીનું ઇન્ફ્રાસ્ટ્રકચર આ ‘ભારે’ વપરાશનો ભાર ખમી ન શક્યું અને લોકો ઇન્ટરનેટ એક્સેસ કરી જ ન શકે એવું બનવા લાગ્યું તેથી કંપની સામે કેસ પણ થવા લાગ્યા!
તમે કોઈ નવી કંપની સ્થાપો તો તેની સફળતા સામે સૌથી મોટો પડકાર, કંપનીના નામની શોધ સાથે જ શરૂ થઈ જાય છે. આપણા બિઝનેસની કેટેગરીમાં એવું નામ મળવું જોઈએ કે બીજી કોઈ કંપનીએ રજિસ્ટર કરાવેલું ન હોય અને છતાં આપણા કસ્ટમર્સને સહેલાઇથી યાદ રહી જાય એવું પણ હોવું જોઈએ.

જો આ કામ તમે મહામહેનતે પાર પાડો તો પછી બીજો મોટો પડકાર સામે આવે – કંપનીની વેબસાઈટ માટે કંપનીના નામનું ડોમેઇન મળવું જઈએ. તમે આ પ્રક્રિયામાંથી પસાર થયા હશો તો તમારો અનુભવ હશે કે મોટા ભાગનાં જાણીતાં નામનું ડોમેઇન રજિસ્ટર્ડ થઈ ગયું હોવાથી આપણી કંપનીના નામ પાછળ ઓનલાઇન કે બિઝનેસ કે સર્વિસ જેવાં લટકણીયાં ઉમેરીને કે પછી ડોટ કોમને બદલે બીજા કોઈ પ્રકારનું ડોમેઇન નેમ મેળવીને સંતોષ લેવો પડે છે.
આ જ કારણે ઘણા લોકો જાણીતા થઈ શકે તેવા ડોમેઇન રજિસ્ટર્ડ કરી લેતા હોય છે અને પછી ગરજાઉ બિઝનેસ પાસેથી મોં માંગી કિંમત લેતા હોય છે.
આજના દિવસે આવું એક મહામૂલું ડોમેઇન વેચાયું, જેણે એ સમયની સૌથી મોટી કિંમત મેળવી. આ ડોમેઇન (business.com) ૭૫ લાખ ડોલર (રૂપિયાની ગણતરી તમે કરી લો!)માં વેચાયું હતું. અત્યાર સુધીનાં ટોપ ૧૦ સૌથી મોંઘાં ડોમેઇનમાં હજી પણ તેનું નામ છે! આગળ જતાં બિઝનેસ ડિરેક્ટરી જેવી આ સાઇટનો આખો બિઝનેસ વર્ષ ૨૦૦૭માં ૩૫ કરોડ ડોલરમાં વેચાયો!
આજે એપલ કંપનીએ પર્સનલ કમ્પ્યૂટરમાં કલર વીડિયો પ્લે કરવા માટે ‘ક્વિકટાઇમ’ નામના મલ્ટિમીડિયા એક્સટેન્શનનું પહેલું વર્ઝન લોન્ચ કર્યું. એ અગાઉ માત્ર ખાસ પ્રકારના કમ્પ્યૂટરમાં કલર વીડિયો પ્લે કરી શકાતા હતા.

એપલે ક્વિકટાઇમ માટે પણ પેટન્ટ ભંગ વિશેના કેસનો સામનો કરવો પડ્યો હતો. આગળ જતાં સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સે આ મુદ્દે સમાધાન કરી લીધું, તેના પરિણામે એપલ કંપની ટકી શકી અને વર્ષ ૨૦૦૦થી તેના નવા યુગની શરૂઆત થઈ શકી!
હવે તો અમદાવાદના રીવરફ્રન્ટ જેવાં ઘણાં જાહેર સ્થળોએ જે જોવા મળે છે તે, બે પૈડાં પર લોકોને આમતેમ હરવાફરવાની મજા આપતું ‘સેગવે’ નામનું સાધન આજે એક ટીવી શોમાં લોન્ચ થયું હતું.

‘સાયબરસફર’માં તેનો ઉલ્લેખ કરવાનું કારણ એ કે આ સાધનના બેઝમાં કમ્પ્યૂટર અને મોટરનો ઉપયોગ થાય છે, જેની મદદથી તે ટટ્ટાર રહી શકે છે!
આજના દિવસે એક સ્ક્રીનસેવરની આડમાં ‘ગોનર’ નામના એક કમ્પ્યૂટર વર્મે માઇક્રોસોફ્ટ આઉટલૂક ઇ-મેઇલ સોફ્ટવેરથી સંખ્યાબંધ કમ્પ્યૂટર્સમાં ઘૂસીને તરખાટ મચાવ્યો. આ વર્મને કારણે લોકોને અંદાજે ૮૦ મિલિયન ડોલરનું નુકસાન થયું.

આજનું ઇન્ટરનેટ જે પાયા પર ઊભું છે તે આર્પાનેટમાં અમેરિકાની ઉટાહ યુનિવર્સિટી ચોથા નોડ તરીકે જોડાઈ. આર્પાનેટમાં શરૂઆતમાં પ્રયોગના ધોરણે ફક્ત ચાર નોડ જોડવાનું આયોજન હતું, એ કામ પૂરું થતાં આર્પાનેટનો પ્રયોગ સફળતાપૂર્વક શરૂ થયો.
આજના દિવસે અમેરિકાના કેલિફોર્નિયામાં ‘બાઇટ શોપ’ નામની એક કમ્પ્યૂટર પાર્ટસની શોપ ખુલી. એ જમાનામાં પર્સનલ કમ્પ્યૂટર્સ માત્ર ટેકનોલોજીના ખણખોદિયા લોકો માટે હોબીનો વિષય હતો. આથી કમ્પ્યૂટર પાર્ટસની શોપ હોય એ જ નવી વાત હતી. પરંતુ આ શોપ એપલના પહેલા રીસેલર સ્ટોર તરીકે પણ ઐતિહાસિક બનવાની હતી.

સ્ટોર ઓપન થયાના બીજા વર્ષે એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકે આ શોપના માલિકનો સંપર્ક કરીને પોતાના ‘રેડી ટુ એસેમ્બલ’ એટલે કે ગ્રાહકે પાર્ટસ જોડીને બનાવવું પડે તેવાં કમ્પ્યૂટર વેચવા માટે સંપર્ક કર્યો. શોપના માલિકે ‘રેડી ટુ યૂઝ’ કમ્પ્યૂટર હોય તો પહેલે ધડાકે ૫૦ કમ્પ્યૂટર ખરીદવાની તૈયારી બતાવી. બંને મિત્રો તૈયાર થયા અને પછી તેમાંથી સર્જાઈ આજની દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન કંપની!

આજના દિવસે ડગલસ એન્જલબર્ટ નામના સંશોધક અને તેમની ટીમે કેટલીક નવી ટેકનોલોજીનો ડેમો રજૂ કર્યો. એ જમાનામાં તેમણે હાઇપર ટેકસ્ટ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી નવી શોધ રજૂ કરી હતી પણ તેમને જગવિખ્યાત બનાવ્યા અન્ય એક શોધે. આ શોધ હતી કમ્પ્યૂટરનું માઉસ!
માઇક્રોસોફ્ટ કંપનીએ આજના દિવસે તેની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝનું ૨.૦ વર્ઝન લોન્ચ કર્યું. આ વર્ઝનની ખાસિયત એ હતી કે તેની રજૂઆત સાથે આપણને સ્ક્રીન પર જુદી જુદી વિન્ડોઝ એકબીજા પર ઓવરલેપ થાય એ રીતે ઓપન કરવાની સગવડ મળી.

એ કારણે આ જ વર્ઝનથી વિન્ડોઝને મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ કરવાની સગવડ પણ મળી. જોકે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને ખરી લોકપ્રિયતા ૧૯૯૦ના દાયકામાં તેનું ત્રીજું વર્ઝન લોન્ચ થયા પછી મળી. મજાની વાત એ છે કે વિન્ડોઝ ૨.૦ વર્ઝન ખાસ સફળ થયું ન હોવાં છતાં કંપનીએ પછીનાં પૂરાં ૧૪ વર્ષ સુધી તેને સપોર્ટ આપવાનું ચાલું રાખ્યું.
આજે મોબાઇલના સ્ક્રીન પર જુદી જુદી ગેમ્સમાં દુશ્મનોને ધડાધડ શૂટ કરવાનું સૌ કોઈને ઘેલું લાગ્યું છે. આ પ્રકારની મારધાડવાળી ગેમ્સનો ટ્રેન્ડ આજના દિવસે લોન્ચ થયેલી ‘ડૂમ’ નામની વીડિયો ગેમ્સ સાથે શરૂ થયો એમ કહી શકાય.

આઇડી સોફ્ટવેર નામની વીડિયો ગેમ ડેવલપર કંપનીએ બનાવેલી આ ગેમમાં મલ્ટિપ્લેયર મોડ પણ હતો. આ ગેમમાં હિંસાનો ઓવરડોઝ હોવાનો એ સમયે વિવાદ થયો પણ એ જ કારણે ગેમ વધુ લોકપ્રિય થઈ!
આજે આપણે સૌ મોબાઇલ અને પીસી/લેપટોપમાં જે બ્રાઉઝરનો કદાચ સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ તે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનું પહેલું સ્ટેબલ વર્ઝન આજના દિવસે લોન્ચ થયું હતું. ક્રોમ બ્રાઉઝર શરૂઆતમાં માત્ર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ માટે લોન્ચ થયું હતું પછી લિન્ક્સ, મેકઓએસ, આઇઓએસ તથા એન્ડ્રોઇડ માટે પણ રજૂ થયું.

હાલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લગભગ ૬૫ ટકા લોકો ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોવાનું આંકડા કહે છે. મજાની વાત એ છે કે ગૂગલના એ સમયના સીઇઓ એરિક શ્મિડિટે ‘‘ગૂગલ હજી નાની કંપની છે અને તેણે બ્રાઉઝર વોરમાં પડવાની જરૂર નથી’’ એમ કહીને લગભગ ૬ વર્ષ સુધી ગૂગલનું બ્રાઉઝર ડેવલપ કરવાનો વિરોધ કર્યો હતો. ગૂગલ ક્રોમ બ્રાઉઝર અત્યારે ૪૭ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
આજના દિવસે એપલ કમ્પ્યૂટર કંપનીએ તેનો આઇપીઓ રજૂ કર્યો અને શેર દીઠ ૨૨ ડોલરની કિંમતે ૪૬ લાખ શેર વેચ્યા. એ સાથે કંપનીના ૪૦થી વધુ કર્મચારીઓ અને ઇન્વેસ્ટર્સ રાતોરાત અબજોપતિ બની ગયા.

એ સમયે સ્ટીવ જોબ્સ પાસે રહેલા શેરની કિંમત ૨૧૭ મિલિયન ડોલર, સ્ટીવ વોઝનિયાકના શેરની કિંમત ૧૧૬ મિલિયન ડોલર હતી. યાદ રહે કે ૧૯૫૬માં ફોર્ડ કંપનીના આઇપીઓ પછી, યુએસનો આ સૌથી મોટો આઇપીઓ હતો અને એપલ કંપનીએ શરૂઆત કર્યાને હજી માંડ પાંચ વર્ષ થયાં હતાં!
નાસાએ આજના દિવસે ‘રીલે-૧’ નામનો સેટેલાઇટ લોન્ચ કર્યો, જે પ્રારંભિક કમ્યુનિકેશન સેટેલાઇટ્સમાંનો એક હતો. તેનો હેતુ પ્રયોગાત્મક હતો, પણ તેના કારણે નવેમ્બર ૨૨, ૧૯૬૩માં યુએસથી જાપાનમાં ટીવી બ્રોડકાસ્ટિંગ શક્ય બન્યું. જોગાનુજોગ એ દિવસે પ્રસારિત થનારા પહેલા સમાચાર અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કેનેડીની હત્યાના હતા. પછીના વર્ષે જાપાનમાં યોજાયેલ સમર ઓલિમ્પિક્સનું આ જ સેટેલાઈટ અને બીજા એક સેટેલાઇટની મદદથી યુરોપ અને અમેરિકામાં પ્રસારણ શરૂ થયું. ત્યારે પહેલી વાર ટીવી પ્રસારણ માટે બે સેટેલાઇટનો ઉપયોગ થયો હતો.
એક સદી ને ૧૮ વર્ષ પહેલાં અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરથી ઉત્તર પ્રશાંત મહાસાગરની લગભગ મધ્યમાં રહેલા હવાઇ ટાપુ સુધી પહેલો ટેલિગ્રાફ કેબલ નખાયો. પછીના મહિનાથી બંને શહેર વચ્ચે ટેલિગ્રાફની આપલે થવા લાગી.
આજના દિવસે નેટસ્કેપ કમ્યુનિકેશન્સ કોર્પોરેશન કંપનીએ ‘નેટસ્કેપ નેવિગેટર ૧.૦’ નામનો સોફ્ટવેર લોન્ચ કર્યો જે વિશ્વનું પહેલું, કમર્શિયલ હેતુ માટે ડેવલપ થયેલું વેબ બ્રાઉઝર હતું. જોકે આ પહેલું વર્ઝન નોન-કમર્શિયલ યૂઝ માટે મફતમાં ઉપયોગ કરી શકાતું હતું.

આજના સમયમાં ગૂગલ સર્ચ એન્જિન આપણા જીવનમાં ગજબ વણાઈ ગયું છે એટલે ઘણા ખરા લોકોએ ‘અલ્ટાવિસ્ટા’ નામ પણ સાંભળ્યું નહીં હોય, પરંત એ ગૂગલ પહેલાંના યુગમાં લોકપ્રિય બની શકેલું પહેલું સર્ચ એન્જિન હતું. અલ્ટાવિસ્ટા આજના દિવસે લોન્ચ થયું હતું અને પછીના વર્ષે ગૂગલ સર્ચ એન્જિન લોન્ચ થયું, પરંતુ છેક ૨૦૦૧ સુધી અલ્ટાવિસ્ટા ગૂગલથી આગળ રહ્યું હતું. છેવટે ૨૦૦૩માં યાહૂએ અલ્ટાવિસ્ટા ખરીદી લીધું.

આજના દિવસે અમેરિકામાં વણનોતર્યા મોકલાતા ઈ-મેઇલ એટલે કે સ્પામ અથવા જંક ઈ-મેઇલ પર અંકુશ લાવવા માટે એક કાયદો બન્યો. આ કાયદાનો ખાસ કોઈ અર્થ નહોતો કેમ કે રાજકીય હેતુ માટેના ઈ-મેઇલ સ્પામને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા!

આજનો દિવસ ઇન્ટરનેટ નહીં પરંતુ ટેકનોલોજીની દૃષ્ટિએ બહુ મહત્ત્વનો સાબિત થયો. ઓરવિલ અને વિલ્બર રાઇટ નામના બે ભાઈઓએ આજના દિવસે પોતે બનાવેલા વિમાનમાં પહેલી સફળ ઊડાન ભરી. એ ઊડાન માત્ર ૧૨ સેકન્ડ ચાલી હતી. એ જ દિવસે તેમણે વધુ ૩ ઊડાન ભરી, જેમાંથી ચોથી ઊડાન ૫૯ સેકન્ડ સુધી ટકી શકી હતી!
તમને જાણીને નવાઈ લાગશે કે કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ લખવા માટે ૭૦૦થી વધુ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ કરી શકાય છે! આમાંથી આજના દિવસે રીલિઝ થયેલી ‘પર્લ’ નામની પ્રોગ્રામિંગ લેંગ્વેજ વર્લ્ડવાઇડ વેબના શરૂઆતના સમયમાં ખાસ્સી લોકપ્રિય બની. વેબ એપ્લિકેશન્સ માટે સીજીઆઇ સ્ક્રિપ્સ્ટના પ્રોગ્રામિંગ માટે વધુ વપરાતી પર્લ લેંગ્વેજ આજના સમયમાં પણ ખાસ્સી ઉપયોગમાં લેવાય છે.
આજે ‘યુ હેવ ગોટ મેઇલ’ નામની એક હોલીવૂડ ફિલ્મ રીલિઝ થઈ. ફિલ્મ તો એક રોમેન્ટિક કોમેડી હતી પરંતુ એ મૂવીથી, મૂવીઝમાં ઇન્ટરનેટ સંબંધિત ટેકનોલોજીનો ઉપયોગ દર્શાવવાનો ટ્રેન્ડ શરૂ થયો. મૂવી અને ઇન્ટરનેટનો સંબંધ આ ફિલ્મના ટાઇટલમાં જ વ્યક્ત થઈ જતો હતો!
એપલના પહેલવહેલા કમ્પ્યૂટર રેડી-ટુ-યૂઝ પીસી તરીકે વેચાવાની શરૂઆત થઈ એ પહેલાં લોકોએ પોતે એસેમ્બલ કરવાં પડે એવી કિટ તરીકે કમ્પ્યૂટર વેચાતાં હતાં. આજના દિવસે એમઆઇટીએસ નામની એક કંપનીએ ‘અલ્ટેર ૮૮૦૦’ નામની માઇક્રોપ્રોસેસર કિટનું વેચાણ શરૂ કર્યું અને તેને પગલે આજે આપણે જેને પર્સનલ કમ્પ્યૂટર કહીએ છીએ એ પ્રકારના પીસીનો યુગ શરૂ થયો.
આજના આઇફોન, આઇપેડ વગેરે સાધનો જે ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે તે આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમનો પાયો એપલની મેક ઓએસએક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલો છે.

સ્ટીવ જોબ્સે એપલ કંપની સ્થાપ્યા પછી થોડા સમય માટે એપલમાંથી વિદાય લેવી પડી હતી. તેણે એપલથી અલગ થઈને ‘નેક્સ્ટ’ નામની કંપની સ્થાપી હતી. આજના દિવસે એપલે આ નેક્સ્ટ કંપની ખરીદી અને સ્ટીવને પણ ફરી એપલમાં સ્થાન મળ્યું. આ નેક્સ્ટ કંપનીએ જે ટેકનોલોજી વિકસાવી તેના જ આધારે એપલે પોતાની મેક ઓએસ ડેવલપ કરી અને આગળ જતાં સ્ટીવ જોબ્સની આગેવાનીમાં એપલે ટેકનોલોજી જગત સર કર્યું.
આજના દિવસે દુનિયાની પહેલી પૂરી લંબાઈની, એનિમેટેડ ફીચર ફિલ્મ રીલિઝ થઈ. નામ હતું ‘સ્નો વ્હાઇટ એન્ડ ધ સેવન ડ્વાર્ફ્સ’. ફિલ્મના સર્જક? વોલ્ટ ડિઝની! ફિલ્મ બનાવતાં ત્રણેક વર્ષ લાગ્યાં. ખર્ચ થયો ૧૫ લાખ ડોલર. હવે ફિલ્મ રીલિઝ થયાનું વર્ષ ફરી વાંચો – ૧૯૩૭! એ સમયે ૧૫ લાખ ડોલરનું બજેટ એટલું તોતિંગ હતું કે ડિઝનીએ નાણાંની જોગવાઇ કરવા ઘર ગીરવે મૂકવું પડ્યું હતું. તેના પરિવારે એવું ન કરવા ઘણું સમજાવી જોયો પણ ડિઝનીના મન પર ધૂન સવાર હતી. એ પહેલાં, ડિઝનીએ મીકી માઉસ જેવી શોર્ટ મૂવીઝ બનાવી હતી, ફૂલ લેંગ્થ એનિમેટેડ મૂવી બિલકુલ અલગ વાત હતી.

યાદ રહે, એ જમાનામાં એનિમેશન માટે કમ્પ્યૂટર્સ હાથવગાં નહોતાં. મૂવીની દરેક ફ્રેમ આર્ટિસ્ટ હાથે દોરી-પેઇન્ટ કરીને તૈયાર કરતા હતા. આ ફિલ્મ માટે વોલ્ટ ડિઝનીને ઓનરરી ઓસ્કર મળ્યો. એવોર્ડ પણ અનોખો હતો – એક સામાન્ય કદના ઓસ્કર સ્ટેચ્યૂ ઉપરાંત, સાત મિનિએચર સ્ટેચ્યૂ પણ તેમાં સામેલ હતાં!
છેલ્લા ઘણા સમયથી, ખાસ્સી ફુરસદ મેળવી શકતા લોકો કમ્પ્યૂટર કે મોબાઇલમાં ફક્ત સિમ્બોલમાંથી અવનવાં ચિત્રો સર્જીને સૌ સાથે શેર કરતા રહે છે, આવાં ચિત્રોને ‘ટેક્સ્ટ ગ્રાફિક’ કહે છે.

આજના દિવસે, આવી ક્રિએટિવિટીનો કોઈ ભેજાબાજે ભળતો જ ઉપયોગ કર્યો. તેણે ક્રિસમસ ટ્રીનું ટેક્સ્ટ ગ્રાફિક તૈયાર કર્યું, જે વાસ્તવમાં એક કમ્પ્યૂટર વર્મ હતું. આ વર્મે દુનિયાભરનાં આઇબીએમ મેઇનફ્રેમ કમ્પ્યૂટર્સને નિશાન બનાવ્યાં. વ્યાપક રીતે ફેલાયેલ આ પહેલું નુક્સાનકારક કમ્પ્યૂટર વર્મ ગણાયું.
ટાઇમ મેગેઝિન વર્ષોથી દર વર્ષે ‘મેન ઓફ ધ યર’ જાહેર કરીને, જે તે વર્ષની સૌથી વિખ્યાત વ્યક્તિને આ ખિતાબ આપે છે, પણ આજના દિવસે, ૧૯૮૨ માટેનો આ ખિતાબ મેગેઝિને કોઈ વ્યક્તિ નહીં પણ મશીન – કમ્પ્યૂટરને આપ્યો!
સાથે મેગેઝિને કહ્યું તે ૧૯૨૭થી જુદી જુદી વ્યક્તિને આ ખિતાબ આપે છે, પણ આ વર્ષે પહેલી વાર કોઈ ‘નોન-હ્યુમન’ને તે મળે છે. ટાઇમ મેગેઝિને પર્સનલ કમ્પ્યૂટરની ‘સારી કે નરસી રીતે સૌથી નોંધપાત્ર અસર’ માટે તેને ‘મશીન ઓફ ધ યર’ ગણાવ્યું હતું.

જોકે ત્યારથી ટાઇમ મેગેઝિન તેના આ એવોર્ડમાં જુદા જુદા અખતરા કરવાનું શરૂ કર્યું. ભેગાભેગું જાણી લો કે ટાઇમે આ પછી ૧૯૮૮માં, બીજી વાર કોઈ વ્યક્તિને બદલે ‘પ્લેનેટ ઓફ ધ યર’ તરીકે, જોખમમાં મૂકાયેલી પૃથ્વીને આ એવોર્ડ આપ્યો હતો. અને હા, જાણીને ખુશી થશે કે આ એવોર્ડ તમને પણ મળી ચૂક્યો છે! ટાઇમ મેગેઝિને વર્ષ ૨૦૦૬માં મેન ઓફ ધ યર તરીકે ‘યુ’ (મારી-તમારી, આપણા સૌની) પસંદગી કરી હતી, ઇન્ટરનેટની મદદથી, ઇન્ફર્મેશન યુગને આગળ વધારવા માટે!
કોરોના પહેલાંથી વિશ્વભરના મૂવી રસિયાઓ ધીમે ધીમે મોબાઇલના નાના સ્ક્રીન પર ઓટીટી પર મૂવી જોવા તરફ વળવા લાગ્યા હતા. કોરોના પ્રસારને પગલે થિયેટરો બંધ પડતાં અને ચાલુ થયા પછી પણ બંધ જેવી હાલત રહેતાં બિગ સ્ક્રીનની મજા બિલકુલ ખોરવાઈ ગઈ છે.

આવા સમયમાં એ ખાસ યાદ કરવા જેવું છે કે મોટા પડદા પર મૂવીની મજા પૂરાં ૧૨૬ વર્ષ પહેલાં મળવાની શરૂ થઈ હતી. આજના દિવસે ફ્રાંસના પેરિસ શહેરમાં એક કામચલાઉ થિયેટર જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને તેમાં વિશ્વમાં પહેલી વાર પ્રોજેક્ટેડ મૂવી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. લ્યૂમિનેર બ્રધર્સ તરીકે જાણીતા સંશોધકોએ વિકસાવેલ સિનેમેટોગ્રાફનો આ માટે ઉપયોગ થયો હતો. પહેલા સ્ક્રીનિંગમાં એક સાથે દસ ફિલ્મ બતાવવામાં આવી અને દરેકની લંબાઈ આશરે ૫૦ સેકન્ડની હતી! આ શો માટે ૩૩ લોકોએ એક ફ્રાન્કની ટિકિટ (આજની કિંમતે લગભગ ૮૦ રૂપિયા) ખરીદી હતી.
૨૦મી સદી પૂરી થવા આવી હતી ત્યારે આવી રહેલી ૨૧મી સદીએ માત્ર ટેકનોલોજીની દૃષ્ટિએ નહીં પરંતુ બીજી ઘણી રીતે લોકોમાં ખાસ્સી ઉત્સુકતા અને આશાઓ જગાવી હતી. જોકે આશાઓની સાથે આશંકા પણ હતી.

ખાસ કરીને ‘વાયટુકે (યર ટુ થાઉઝન્ડ)’ બાબતે લોકોમાં ખાસ ચિંતા હતી. એ સમયે લોકોને ખાસ એ ચિંતા હતી કે દુનિયાભરનાં કમ્પ્યૂટર વર્ષ ૨૦૦૦ને ઓળખી જ શકશે નહીં. કારણ એ હતું કે ઘણા કમ્પ્યૂટર પ્રોગ્રામમાં વર્ષને ચાર અંકને બદલે માત્ર છેલ્લા બે અંકથી દર્શાવવામાં આવ્યું હતું. આ કારણે કમ્પ્યૂટરને વર્ષ ૧૯૦૦ અને વર્ષ ૨૦૦૦ વચ્ચેના તફાવતની ખબર ન પડે એવી શક્યતા હતી.
વર્ષ ૨૦૦૦ના આગમન સુધીમાં કમ્પ્યૂટર આપણા જીવન પર ઠીક ઠીક હાવી થઈ ગયાં હતાં એટલે કમ્પ્યૂટર પ્રોગ્રામ વર્ષ ૨૦૦૦ના આંકને ઓળખી ન શકે તો આખી દુનિયામાં ખાસ્સી અંધાધૂંધી વ્યાપે તેવી શક્યતા હતી. જોકે વેલકમ ૨૦૦૦ કહેવાની ઘડી આવી પહોંચી ત્યાં સુધીમાં લગભગ આખી દુનિયાએ આ તકલીફનું સમાધાન શોધી લીધું હતું અને દુનિયાની સાથોસાથ કમ્પ્યૂટર પણ સહેલાઇથી ૨૧મી સદીમાં પ્રવેશ કરી ગયાં.
દુનિયાભરનાં કમ્પ્યૂટર્સને તો વાયટુકે બગથી લગભગ કોઈ પરેશાની થઈ નહીં પરંતુ માઇક્રોસોફ્ટને આ બગ નડી ગયો અને એ પણ છેક ૨૦૦૮માં! માઇક્રોસોફ્ટ કંપનીએ એપલના આજના આઇપોડ જેવું ‘ઝૂન’ નામનું એક ટચૂકડું મીડિયા પ્લેયર ડિવાઇસ બનાવ્યું હતું.

આ ડિવાઇસ જેમની પાસે હતું એ લોકોએ નોંધ્યું કે આજના દિવસથી તેમના ડિવાઇસની કામગીરીમાં ખોટકો સર્જાયો અને ડિવાઇસ બૂટ અપ થતું નહોતું. જે લોકોએ બીજા દિવસે એટલે જાન્યુઆરી ૧, ૨૦૦૯ના દિવસે પોતાના ડિવાઇસની બેટરી તદ્દન ખાલી થવા દીધી અને પછી તેને ચાર્જ કરીને ચાલુ કરવાનો પ્રયાસ કર્યો તો બધું ઠીક ઠાક થઈ ગયું હતું. કારણ એ હતું કે વાયટુકેની જેમ ઝૂન ડિવાઇસમાંની ઇન્ટર્નલ ક્લોક લીપ વર્ષની ગણતરી કરવામાં થાપ ખાઈ ગઈ હતી અને તેને પરિણામે આવો ખોટકો સર્જાતો હતો. માઇક્રોસોફ્ટે જાહેર કર્યું કે તે આ ખામી ઝડપથી સુધારી લેશે જેથી વર્ષ ૨૦૧૨ના લીપ વર્ષે ફરી આવો ખોટકો સર્જાય નહીં. ત્યાં સુધીમાં એપલના આઇપોડ ડિવાઇસની ધાક બજારમાં ગુંજવા લાગી હતી. છેવટે ૨૦૧૨ના વર્ષમાં જ માઇક્રોસોફ્ટે આ ડિવાઇસ બજારમાંથી પાછું ખેંંચી લીધું!
