હેકર – આ શબ્દ સાંભળતાં આપણા મનમાં ટેકનોલોજીના કોઈ જબરજસ્ત જાણકારનું ચિત્ર ઊભું થાય, જે પોતાના લેપટોપ પર ધડાધડ આંગળી ઠપકારીને મોટી મોટી કંપની, બેન્ક કે સરકારનાં નેટવર્કમાં ઘૂસી જાય અને પછી પોતાનું ધાર્યું કરાવે… પરંતુ હેકર પણ આખરે તો માણસ છે! જેમ આપણા જેવા સરેરાશ યૂઝર હેકરની ચાલબાજીમાં ફસાઈ જઈએ એમ ક્યારેક હેકર પોતે પણ સાબુ – સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનું ભૂલી શકે છે. વાંચો આ બે ઉદાહરણ…
નોકરી મેળવવા માટે હેકિંગ
વાત દસેક વર્ષ પહેલાંની છે. એક જુવાનિયો હેકિંગમાં પાવરધો બન્યો હતો, પણ માત્ર હેકિંગથી ઘર ન પણ ચાલે. તેણે કોઈ સારી કંપનીમાં નોકરી મેળવવા માટે પોતાની હેકિંગ સ્કિલ્સ અજમાવવાની કોશિશ કરી. લોચો એ વાતનો થયો કે તેણે નોકરી મેળવવા માટે એક સિક્યુરિટી ફર્મને જ નિશાન બનાવી.
આપણા આ હેકરભાઈએ પેલી સિક્યુરિટી કંપનીના નેટવર્કમાં એક માલિશિયસ કોડ ઘૂસાડ્યો અને તેના દ્વારા કંપનીને ધમકી આપી કે એ કંપની તેને નોકરી નહીં આપે તો પોતે કંપનીને પાર વગરનું નુકસાન કરશે.
નિશાન બની રહેલી કંપની આખરે તો સિક્યુરિટી કંપની હતી. આપણો હેકર શેર બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો તો કંપની સવાશેર સાબિત થઈ. કંપનીએ હેકરને જવાબ મોકલ્યો અને કહ્યું કે એ તેને ચોક્કસ નોકરી આપશે, બસ એ તેનો બાયોડેટા, પાસપોર્ટ તથા ઓળખ-સરનામાના બધા પુરાવા મોકલી આપે. પોતાની તરકીબ સફળ થતી જોઇને પેલા હેકરે બધી વિગતો મોકલી આપી. કહેવાની જરૂર ખરી કે આ વિગતો કંપનીએ પોલીસને મોકલી આપી?!
પાણી પુરવઠાની સિસ્ટમનું હેકિંગ
આ વાત હજી હમણાંની જ છે અને જરા વધુ ગંભીર છે. અમેરિકા-યુરોપ જેવા વિકસિત દેશોમાં બધું કમ્પ્યૂટર આધારિત થઈ ગયું છે ત્યારથી લોકોને એવી ભીતિ રહે છે કે જીવનજરૂરી, બહુ મહત્ત્વની સેવાઓનું હેકિંગ થાય તો?
આ આશંકા અમેરિકામાં હમણાં સાચી ઠરી. અમેરિકામાં લગભગ તમામ નાનાં મોટાં શહેરોમાં વોટર સપ્લાય અને અન્ય પબ્લિક સર્વિસિસ ઇન્ટરનેટ આધારિત છે અને તેનું સંચાલન કમ્પ્યૂટરાઇઝ્ડ છે. હમણાં ફ્લોરિડાના એક નાના શહેરના શેરિફે એક જાહેર પત્રકાર પરિષદમાં જણાવ્યું કે શહેરના વોટર સપ્લાયમાં સોડિયમ હાઇડ્રોકસાઇડનું પ્રમાણ તેના સામાન્ય સ્તર કરતા ૧૦૦ ગણું વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો! જો આ પ્રયાસ સફળ થયો હોત તો શહેરનો પાણી પુરવઠો ઝેરી બની ગયો હોત.
થયું એવું કે વોટર સપ્લાયનું સુપરવિઝન કરનાર એક અધિકારીએ પોતાના કમ્પ્યૂટર સ્ક્રીન પર રસાયણનું પ્રમાણ બદલવામાં આવી રહ્યું હોવાનું જોયું અને તેને તરત અટકાવવાનાં પગલાં લીધાં. અહીં પણ હેકર, હેકિંગમાં પાવરધો, પણ સામાન્ય બુદ્ધિમાં ઠોઠ સાબિત થયો. વાસ્તવમાં પબ્લિક યુટિલિટીની ડિઝાઇન જ એ પ્રકારની હોય છે કે તેમાં જોખમી રસાયણોનું પ્રમાણ અમુક હદથી વધારી શકાય જ નહીં! પેલા અધિકારીનું ધ્યાન ન ગયું હોત તો પણ જોખમ નહોતું.
