વોટ્સએપમાં નવી ટર્મ્સના વિવાદને પગલે ટેલિગ્રામને મોટી સંખ્યામાં નવા યૂઝર્સ મળ્યા છે. દરમિયાન, ટેલિગ્રામ હવે કમાણીના નવા રસ્તાઓ શોધી રહી છે.
લાંબા સમયથી ફેસબુક વોટ્સએપમાંથી કમાણી કરવા માટે તેમાં જાહેરાતો બતાવવાનું શરૂ કરે તેવી આશંકા છે, આ દરમિયાન વોટ્સએપની હરીફ જેવી ટેલિગ્રામ એપમાં આવતા વર્ષે કદાચ એવું થઈ જશે.
ટેલિગ્રામના સ્થાપક પેવલ ડ્યુરોવે હમણાં ટેલિગ્રામમાં એક મેસેજ મૂકીને સૌને જાણ કરી છે કે ટેલિગ્રામનો ‘હેવી’ ઉપયોગ કરતા તથા મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા યૂઝર્સ પાસેથી ચાર્જ લેવાનું શરૂ કરશે. આવા યૂઝર્સ કયા માપદંડથી નક્કી કરાશે તે વિશે હજી સ્પષ્ટતા નથી. એક શક્યતા મુજબ, બહુ હેવી ફાઇલ્સનું મોટા પ્રમાણમાં શેરિંગ કરતા યૂઝર્સને આ વાત લાગુ પડશે.
પેવલ ડ્યુરોવે લખ્યું છે કે ટેલિગ્રામના યૂઝર્સની સંખ્યા અબજોમાં પહોંચી રહી છે, અત્યાર સુધી તેમણે પોતાની અંગત બચતમાંથી કંપની ચલાવી છે, પણ આ તબક્કે પહોંચ્યા પછી કંપની પાસે બે જ વિકલ્પ હોય છે – યૂઝર પાસેથી કમાણી કરવી અથવા કંપની વેચી નાખવી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ટેલિગ્રામ વેચવાનો કોઈ સવાલ જ નથી. ટેલિગ્રામ યૂઝર્સને પેઇડ એડ્સ બતાવવા માટે પોતાનું એડ પ્લેટફોર્મ વિક્સાવે તેવી પણ શક્યતા છે.

