હમણાં આપણે ગૂગલની ફોટોઝ સર્વિસની વિગતવાર વાત કરી ત્યારે તેની એક ખૂબી તરફ તમારું ખાસ ધ્યાન ખેંચાયું હશે.
આ સર્વિસમાં ફોટોઝ અપલોડ કર્યા પછી આપણે કશું જ કરવાનું હોતું નથી છતાં ફોટોઝ સર્વિસ તારીખ-મહિના અને વર્ષ અનુસાર ફોટોગ્રાફ આપોઆપ સોર્ટ કરે છે. એ ઉપરાંત ફોટોગ્રાફમાંની વ્યક્તિ, વિવિધ બાબતો તથા લોકેશન અનુસાર પણ ફોટોગ્રાફ્સનાં આપોઆપ આલબમ તૈયાર થાય છે અને એ જ રીતે આપણે સર્ચ પણ કરી શકીએ છીએ.

આ બધું આપોઆપ કરવામાં એપની સિસ્ટમ જુદા જુદા પ્રકારની ટેકનોલોજી કામે લગાડે છે. એક કમ્પ્યૂટર વિઝનની ટેકનોલોજી છે, જેને કારણે તે ફોટોગ્રાફમાં શું છે તે ‘જોઇ-સમજી’ શકે છે અને બીજો મુદ્દો ડિજિટલ ફોટોગ્રાફમાં સામેલ ‘મેટાડેટા’નો છે.
આપણે ડિજિટલ કેમેરાથી કે સ્માર્ટફોનથી ફોટોગ્રાફ કે વીડિયો લઇએ ત્યારે તેની ડિજિટલ ફાઇલમાં કેટલીક ઝીણવટભરી માહિતી આપોઆપ ઉમેરાતી હોય છે, તેને ‘મેટાડેટા’ કહે છે (આપણે ઇચ્છીએ તો આવો મેટાડેટા ન ઉમેરાય એવું સેટિંગ કરી શકીએ છીએ).
આ મેટાડેટામાં કેમેરાની વિગતો ફોટોગ્રાફ/વીડિયો લીધાની તારીખ, ફોટોગ્રાફ કે વીડિયો જે સ્થળેથી લીધો હોય તેના અક્ષાંશ-રેખાંશ વગેરે વિગતો સામેલ હોય છે. એપની સિસ્ટમ આ બધો મેટાડેટા વાંચીને તેની મદદથી ફોટોગ્રાફ કે વીડિયોનું આપોઆપ સોર્ટિંગ કરે છે.
દરેક ફોટોગ્રાફ ઉપરાંત, જુદી જુદી ઘણી બાબતોને સંબંધિત મેટાડેટામાં તેના લોકેશનની માહિતી ઉમેરાતી હોય છે. આવા જિઓ ટેગિંગના અનેક ઉપયોગ છે.
આમાંથી અક્ષાંશ-રેખાંશ સંબંધિત જે બાબત છે તેને ‘જિઓ ટેગિંગ’ કહે છે. મોટા ભાગના સ્માર્ટફોનમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ની સુવિધા હોય છે એથી જે તે ક્ષણે એ ફોન પૃથ્વીના નકશા પર ક્યા સ્થળે છે તે ખાસ્સી ચોકસાઈથી નક્કી થઈ શકે છે. આથી સ્માર્ટફોન કે ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફ લેવામાં આવે ત્યારે કેમેરા ક્યા સ્થળે હતો તેની વિગતો ફોટોગ્રાફમાં ઉમેરાય છે.
જો આપણે ગાંધીનગરના અક્ષરધામ મંદિર કે આગ્રાના તાજમહેલનો ફોટોગ્રાફ લીધો હોય તો ગૂગલ ફોટોઝ એપની સિસ્ટમ બે રીતે જાણી શકે છે કે આ ફોટો ગાંધીનગરનો કે આગ્રાનો છે – એક તો કમ્પ્યૂટર વિઝનને કારણે ફોટોગ્રાફમાંના અક્ષરધામ કે તાજમહેલને સિસ્ટમ ઓળખી શકે છે અને બીજું ફોટોગ્રાફ્સની ફાઇલમાં સામેલ મેટાડેટામાંના અક્ષાંશ-રેખાંશને કારણે તેને એ ફોટો ક્યા લોકેશનનો છે તે સિસ્ટમને ખબર પડે છે.
આ પ્રકારના જિઓ ટેગિંગને કારણે વિવિધ ડિજિટલ મેપ એપ્સ પર જુદાં જુદાં સ્થળોએ લોકોએ લીધેલા (અને સૌથી જોઈ શકે તે રીતે અપલોડ કરેલા) ફોટોગ્રાફ કે અન્ય મીડિયા આપણે જોઇ શકીએ છીએ.
ફેસબુકમાં લોકો ફોટોગ્રાફને જિઓ ટેગ કરી શકે છે જેને કારણે એ લોકેશનના પેજ પર એ ફોટા ઉમેરાઈ શકે છે. જિઓ ટેગિંગને કારણે જ લોકો લોકેશન મુજબ, તેમની નજીકના ફેસબુક ફ્રેન્ડઝ શોધી શકે છે. ઇન્સ્ટાગ્રામમાં મેપ ફીચર છે જેને કારણે દુનિયાના નકશા પર વિવિધ સ્થળોએ યૂઝર્સે લીધેલા ફોટોગ્રાફ્સ જોઇ શકાય છે. ગૂગલ ફોટોઝ સર્વિસમાં પણ જિઓ ટેગિંગને કારણે જ આપણે નકશા પર વિવિધ લોકેશન અનુસાર આપણા ફોટોગ્રાફ કે વીડિયો જોઈ શકીએ છીએ.

વાસ્તવમાં ફોટોગ્રાફ કે વીડિયો ઉપરાંત ઓડિયો ફાઇલ, વેબસાઇટ, એસએમએસ મેસેજ, ક્યૂઆર કોડ વગેરેનું પણ જિઓ ટેગિંગ શક્ય છે. માર્કેટિંગમાં પણ જિઓ ટેગિંગ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
જિઓ ટેગિંગનો એક અન્ય રસપ્રદ ઉપયોગ પણ છે. હમણાં એપલ કંપનીએ ટચૂકડાં બટન જેવા ‘એરટેગ’ લોન્ચ કર્યા છે. આ બટનને આપણા પર્સ કે સૂટકેસ કે મહત્ત્વની ફાઇલ સાથે એટેચ કરી દઇએ તે પછી એ એરટેગ અને તેની સાથેની મહત્ત્વની વસ્તુ ક્યાં છે એ આપણે પોતાના આઇફોન પર મેપ્સમાં જોઇ શકીએ છીએ!
એપલ ઉપરાંત સેમસંગ અને અન્ય કંપનીઓ પણ આ પ્રકારના ટેગ્સ બનાવી રહી છે.
આમ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને તેને કારણે જે તે વસ્તુનું એક્ઝેટ લોકેશન બતાવી આપતી જિઓ ટેગિંગ ટેકનોલોજીના ઘણા બધા ઉપયોગ છે.
જિઓ ફેન્સિંગ એ જિઓ ટેગિંગને જ સંબંધિત અન્ય પ્રકારની ઉપયોગી ટેક્નોલોજી છે, એની આપણે ફરી કોઈ વાર વાત કરીશું.


