(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ખાતામાંથી રૂપિયા ચોરાયા, તો બેન્ક જ જવાબદાર બને?

હમણાં આવેલો એક ચુદાકો મહત્ત્વપૂર્ણ અને બેન્ક ગ્રાહકોને મોટી રાહત આપે તેવો છે, પણ સાવ બેફિકર બનવા જેવું નથી.

હેકર આપણા બેન્ક ખાતામાંથી રૂપિયા ગાયબ કરે તો એ માટે બેન્ક જવાબદાર રહેશે, ગ્રાહક નહીં – હમણાં વોટ્સએપ પર ફરતો આ મેસેજ તમે પણ જોયો હશે. વિવિધ અખબારમાં પ્રકાશિત આ સમાચારની ઇમેજ વોટ્સએપ પર ફરી રહી છે, એટલે વોટ્સએપની બાબતે પહેલાં જેની શંકા જાય એવા આ ફેક ન્યૂઝ નથી (જોકે ઇમેજ હોય એટલે ફેક ન હોય એવું પણ નથી!) આજના સમયમાં સૌ કોઈને પોતાની સાથે બેન્ક ફ્રોડ થવાનો ડર રહે છે એટલે આ ખરેખર રાહતના સમાચાર છે (એટલે જ વધુ પ્રમાણમાં ફોરવર્ડ થયેલ છે!).

આ સમાચાર ખરેખર વિવિધ અખબારોમાં છપાયેલા છે એટલે ખોટા નથી, ફક્ત વોટ્સએપ પર ફરતી મોટા ભાગની બાબતોમાં બને છે તેમ આ બાબતમાં પણ આપણે મુખ્ય હેડિંગ પર નજર નાખી ખુશ થઈ જઈએ છીએ, અંદર શું લખ્યું છે, તેનો પૂરો અર્થ શો છે એની વિગતોમાં આપણે ઊંડા ઊતરતા નથી!

આ સમાચાર મુજબ આપણે માની લઈએ કે ‘હવે બેન્કમાં આપણી સાથે કોઈ ફ્રોડ થાય તો ચિંતાની કોઈ જરૂર નથી, બધી જવાબદારી બેન્કની છે’ તો એ કદાચ થોડું ઉતાવળિયું અર્થઘટન થઈ જશે. બેન્ક જવાબદાર હોવી જ જોઈએ, પણ એનો અર્થ એ નથી કે આપણે બેદરકાર રહેવું!

આ સમાચાર આપણા માટે મહત્ત્વના હોવાથી, આપણે આખી વાતમાં થોડા ઊંડા ઊતરીએ.

મૂળ સમાચાર શા છે?

સમાચાર હમણાં નેશનલ કન્યૂઝમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશને આપેલા એક ચુકાદાને લગતા છે. આ કમિશન ભારતમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ૧૯૮૬ હેઠળ રચાયેલો એક ‘ક્વાસી-જ્યૂડિસિયલ’ આયોગ છે એટલે કે તેને ન્યાયતંત્ર જેવી સત્તાઓ છે. એ જ કારણે તેનો હાલનો ચુકાદો મહત્ત્વનો છે અને સૌને રાહત દેનારો લાગે છે. કેસ ૧૨ વર્ષ જૂનો છે. આ કમિશન સમક્ષ, એક મહિલાએ નોંધાવેલી ફરિયાદનો કેસ આવ્યો હતો. મહિલાના દાવા મુજબ, તેની બેન્કની ઇલેક્ટ્રોનિક સિસ્ટમની ખામીને કારણે તેના ક્રેડિટ કાર્ડની મદદથી હેકરે તેના ખાતામાંથી રૂપિયાની ઉચાપત કરી હતી. દેખીતું છે કે બેન્કે આ દાવાને નકાર્યો હતો.

છેવટે કમિશને ચુકાદો આપતાં કહ્યું છે કે જો હેકર્સ કોઈ વ્યક્તિના બેન્ક ખાતામાંથી ખોટી રીતે રકમ સેરવી લે તો એ માટે બેન્ક જવાબદાર છે, ગ્રાહક નથી. ચુકાદામાં કમિશને કહ્યું કે આ કેસમાં બેન્કની સિસ્ટમમાં ભૂલ જણાઈ છે. ફરિયાદીનું ક્રેડિટ કાર્ડ ચોરાયું હતું (અને પછી તેનો દુરુપયોગ થયો) એવો કોઈ પુરાવો બેન્ક આપી શકી નથી, આથી બેન્કે ફરિયાદીએ ગુમાવેલા રૂપિયા પરત આપવા તેવો ચુકાદો અપાયો.

આ સમાચાર વાંચી આપણે નિશ્ચિંત બની શકીએ?

ચુકાદામાં એ બાબતની સ્પષ્ટતા છે કે કોઈ વ્યક્તિ બેન્ક ખાતું ખોલાવીને તેમાં રૂપિયા મૂકે એટલે તેને સાચવવાની જવાબદારી બેન્કની છે. પરંતુ સમાચાર મુજબ, ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના ખાતામાંથી છેતરપિંડી કરીને રૂપિયા ઉપાડવામાં આવે અને તેમાં ગ્રાહકની લાપરવાહી ન હોય તો બેન્ક જવાબદાર છે – ગ્રાહકની લાપરવાહી ન હોય તો!

આ સમાચાર મુજબ આપણે માની લઈએ કે ‘હવે બેન્કમાં આપણી સાથે કોઈ ફ્રોડ થાય તો ચિંતાની કોઈ જરૂર નથી, બધી જવાબદારી બેન્કની છે’ તો એ કદાચ થોડું ઉતાવળિયું અર્થઘટન થઈ જશે. બેન્ક જવાબદાર હોવી જ જોઈએ, પણ એનો અર્થ એ નથી કે આપણે બેદરકાર રહેવું!

હેકિંગ અને છેતરપિંડી (જે ગ્રાહકની ‘લાપરવાહી, બેકાળજી, ગફલત, અજ્ઞાન’ વગેરેને કારણે થાય છે) બંને જુદી બાબત છે એ મુદ્દા પર ખાસ ધ્યાન આપવા જેવું છે. હેકિંગ એટલે એવી બાબત, જેમાં બેન્કનો ગ્રાહક આખી વાતમાં કોઈ રીતે સંકળાયેલ ન હોય અને છતાં તેના ખાતામાંથી રૂપિયા ઉપડી જાય. જ્યારે છેતરપિંડીમાં મોટા ભાગે ગ્રાહક – ભલે ભૂલથી – પોતાની વિગતો આપી બેસે અને પછી તેના ખાતામાંથી રકમ ઉપડી જાય. હમણાં વોટ્સએપ પર જે સમાચાર ફેલાઈ રહ્યા છે તે ઘણે અંશે હેકિંગને સંબંધિત છે, છેતરપિંડીને લગતા લાગતા નથી (આ કેસની બહુ સ્પષ્ટ વિગતો મળતી નથી). ગઠિયાઓ આપણને ભોળવીને રકમ સેરવે એવા ફ્રોડના કિસ્સામાં પણ બેન્ક તરફથી આપણને રકમ પરત મળી શકે છે, છતાં, ટૂંકી વાત એટલી કે ફક્ત આ સમાચારને આધારે આપણે નિશ્ચિંત બની શકીએ નહીં.

તો છેવટે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું?

સામાન્ય રીતે આપણી સાથે કોઈ બેન્ક ફ્રોડ થાય તો તેમાં ગ્રાહકના પક્ષે પણ કેટલીક બેકાળજી હોય છે. હેકર મોટા ભાગે બેન્કની સિસ્ટમમાં છીંડાં શોધીને કોઈ ને કોઈ ખાતામાંથી રકમની ઉચાપત કરે છે, જ્યારે વ્યક્તિગત રીતે આપણને બેન્કની બાબતે છેતરનારા લોકો ઠગ હોય છે, ટેક્નોલોજીની ઊંડી જાણકારી ધરાવતા હેકર નહીં.


આવા ઠગ મોટા ભાગે આપણને વાતમાં પરોવીને, ગેરમાર્ગે દોરીને આપણા કાર્ડ કે ઓટીપીની વિગતો મેળવે છે અને પછી આપણા ખાતામાંથી રકમ ઉપાડી લે છે. આપણને આ પ્રકારના ફ્રોડથી બચાવવા માટે બેેન્ક તરફથી ઘણા પ્રયાસો થાય છતાં, ચોરનારની ચાર આંખ હોય એ વાત ઘણી વાર સાચી પડેે છે. આવું આપણી સાથે થાય ત્યારે આપણી એક લાંબી પ્રક્રિયામાં ફસાઇએ છીએ, જેના અંતે ગુમાવેલા રૂપિયા મળે કે ન પણ મળે.

મુદ્દો અદાલતમાં પહોંચે તો પછી આખી વાતનું અર્થઘટન કઈ રીતે થાય છે તે મહત્ત્વનું બની જાય છે.

ક્રેડિટ કાર્ડના સંજોગમાં, મોટા ભાગે ખાતામાંથી જરા પણ શંકાસ્પદ રીતે રકમનો ઉપાડ થાય એટલે તરત બેન્ક તરફથી આપણને ફોન આવે છે અને પૂછવામાં આવે છે કે હમણાં તમે જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો છે?

બરાબર અહીંથી વાત અટપટી બનવા લાગે છે.  આપણે પોતે ઉપયોગ કર્યો હોય, આપણે હા કહીએ તો વાત પૂરી થઈ જાય. પણ, જો આપણે ભૂલથી કોઈને ઓટીપી આપી બેઠા હોઈએ, બેન્કને તરત કહીએ કે આવી ભૂલ થઈ છે, તો બેન્ક સામાન્ય રીતે એ ટ્રાન્ઝેક્શનને ‘ડિસ્પ્યુટેડ ટ્રાન્ઝેક્શન’ તરીકે નોંધી લે છે.

એ પછી આપણે તરત બીજાં પગલાં લેવાં પડે છે. આપણે બને એટલી વહેલી પોલીસ ફરિયાદ નોંધાવવી પડે છે (માત્ર ૧૦૦ નંબર પર કોલ કરીને કે https://cybercrime.gov.in/ પર જઈને ફરિયાદ નોંધાવી શકાય છે). આ પછી પોલીસ, આપણે આપેલી વિગતોના આધારે આપણા ક્રેડિટ કાર્ડનો કોણે ક્યાં ઉપયોગ કર્યો, એ રકમ કોઈ બેન્ક ખાતામાં ગઈ કે તેમાંથી કોઈ જગ્યાએ ખરીદી કરવામાં આવી, વસ્તુ ખરીદાઈ તો કયા સરનામે ડિલિવર કરવામાં આવી… વગેરે વિગતોના આધારે હેકર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આખી વાતમાં આપણે કેટલી ઝડપથી ફરિયાદ કરીએ છીએ એ બહુ મહત્ત્વનું પાસું પુરવાર થાય છે.

સામાન્ય રીતે ઓનલાઇન શોપિંગ કે મની ટ્રાન્સફરમાં ‘એસ્ક્રો એકાઉન્ટ’ તરીકે ઓળખાતી વ્યવસ્થાનો ઉપયોગ થતો હોય છે એટલે આપણે (કે આપણે નામે હેકર!) કોઈ શોપિંગ સાઇટ પર ઓનલાઇન પેમેન્ટ કરીએ ત્યારે તે રકમ સીધી શોપિંગ સાઇટના ખાતે જમા થતી નથી, પણ થોડો સમય એસ્ક્રો એકાઉન્ટમાં રહે છે. ખરીદનાર વ્યક્તિને તેણે ખરીદેલી વસ્તુ સંતોષજનક રીતે મળી જાય તે પછી રકમ એસ્ક્રો એકાઉન્ટમાંથી વેચનારના ખાતામાં જમા થાય છે.

આ વાત અહીં લખી એટલી સરળ નથી અને દરેક પ્રકારની લેવડદેવડમાં તેનો ઉપયોગ પણ થતો નથી. મૂળ મુદ્દો એટલો કે જો આપણે સમયસર પગલાં લઈએ તો પોલીસ માટે આપણી ગયેલી રકમનું પગેરું દબાવવું થોડું સહેલું બને છે અને અમુક કિસ્સામાં રકમ જ્યાં ગઈ હોય તે એકાઉન્ટ ફ્રીઝ કરવા સુધીનાં પગલાં લઈ શકાય છે.

એટલે જ ઘણા કિસ્સામાં, ફ્રોડ થયા પછી સમયસર બેન્કને જાણ કરી હોય અને પોલીસ ફરિયાદ કરી હોય, તો ફ્રોડ થયાના પાંચ-છ મહિના કે એથી પણ લાંબો સમય વીત્યા પછી પણ ગુમાવેલી રકમ પરત મળે એવું બને છે.

વાત આખરે કોની ભૂલ સાબિત થાય છે તેની છે

જ્યારે આખી અદાલત કે આયોગના આંગણે પહોંચેલા કેસનું સ્વરૂપ લે ત્યારે જે બન્યું તેનું અર્થઘટન સૌથી મહત્ત્વનું બને છે. સામાન્ય રીતે, બેન્કમાંથી ખોટી વ્યક્તિ રૂપિયા મેળવે ત્યારે કોની ભૂલથી એમ થયું એ નક્કી કરી, તેના આધારે ચુકાદો અાપવામાં આવે છે. બેન્ક અથવા ગ્રાહક બંનેમાંથી જેની ભૂલ સાબિત થાય તેના શિરે જવાબદારી આવે છે. તે ઉપરાંત, આરબીઆઇના નિયમ મુજબ, બંનેમાંથી કોઈની સ્પષ્ટ ભૂલ સાબિત ન થાય અને જો ગ્રાહકે ત્રણ દિવસની અંદર બેન્કને જાણ કરી હોય તો ગ્રાહકે રૂપિયા ગુમાવવા પડતા નથી.

આ આખી પ્રક્રિયા ઘણી લાંબી છે. જેની સાથે ફ્રોડ થયો હોય એ વ્યક્તિ રૂપિયા ગુમાવ્યા પછી ધીરજ પણ ગુમાવી દે એટલી લાંબી હોય છે. ઉપરાંત, ક્રેડિટ કાર્ડ સિવાયના કિસ્સામાં બેન્ક તરફથી ટ્રાન્ઝેક્શનની ખરાઈ કરતો કોઈ કોલ કરવામાં આવતો નથી (સિવાય કે તમે ભારતમાં હો અને વિદેશમાં કોઈ એટીએમમાંથી તમારા ખાતામાંથી રકમ ઉપડવા લાગે તો બેન્ક તરત તમારો સંપર્ક કરી હોય છે).

યુપીઆઇથી થતી લેવડદેવડમાં તો સીધી બે ખાતામાંથી રકમની આપ-લે થાય છે. આવા કિસ્સામાં હેકિંગ કરતાં છેતરપિંડી જવાબદાર હોય છે, જે ગ્રાહક તરીકે આપણી ‘લાપરવાહી’ કે ‘ભૂલ’ પણ સાબિત થઈ શકે છે!

મતલબ કે વોટ્સએપમાં આવેલા સમાચારને આધારે તદ્દન નચિંત ન બનશો – આરબીઆઇ કહેતા હૈ તેમ – જાનકાર બનો, સતર્ક રહો!.

બેન્ક ફ્રોડ જુદી જુદી ઘણી રીતે થઈ શકે છે. આપણે હેકર અથવા ચાલાક ઠગ – બંનેમાંથી કોઈનું પણ નિશાન બની શકીએ.

કોઈ હેકર નકલી સાઇટ્સ અને લિન્ક્સની જાળ રચી, આપણને તેમાં ફસાવીને, આપણી પાસેથી બેન્કની વિગતો ચોરી શકે છે.

તો કોઈ ગઠિયા માત્ર સાદા મેસેજ મોકલી, વાતોમાં ભોળવીને કે રિમોટ એક્સેસ એપ ઇન્સ્ટોલ કરાવીને છેરી શકે છે.

ટેક્નોલોજીની ઊંડી જાણકારી ધરાવતા હેકર્સ વ્યક્તિને બદલે બેન્કની સિસ્ટમમાં જ છીંડાં શોધીને તેમાં ઘૂસે છે અને પછી ખાતામાંથી રકમ સેરવે છે.

બેન્કનું પ્રોફેશનલ હેકિંગ અને ગ્રાહકની વ્યક્તિગત છેતરપિંડીમાં ફર્ક છે. બંનેમાં ગ્રાહક ન્યાય મળી શકે છે, પરંતુ લાંબી પ્રક્રિયામાં ફસાવા કરતાં સતર્ક રહેવું ચોક્કસ વધુ સારું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!