પીસી કે લેપટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા લોકો હંમેશા એક દ્વિધાનો સામનો કરતા હોય છે – ક્રોમનો ઉપયોગ ચાલુ રાખવો કે પછી બીજા કોઈ બ્રાઉઝર પર હાથ અજમાવી જોવો?
કારણ એ કે ક્રોમ બ્રાઉઝર ઘણી બધી રીતે સારું હોવાથી આપણને તેની આદત પડી જાય છે, પરંતુ બીજી બાજુ, જો ક્રોમમાં સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરવામાં આવે તો તે લેપટોપની ખાસ્સી રેમનો ઉપયોગ કરીને કમ્પ્યૂટર ધીમું પાડી દે છે. આમ ક્રોમ છોડી પણ શકાતું નથી અને કમ્પ્યૂટર ધીમું થતું હોવાથી બ્રાઉઝિંગ કંટાળાજનક પણ બને છે.
ક્રોમની આ ખામી હવે ગૂગલ ઉકેલે તેવી આશા જાગી છે. આ કારણે વિન્ડોઝ ૧૦, એન્ડ્રોઇડ, લિનક્સ અને અન્ય પ્લેટફોર્મ્સ પર પણ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ‘પાર્ટિશનએલોક-એવરીવ્હેર’ નામની એક નવી ટેકનોલોજીથી દરેક ટેબ ઓછી રેમનો ઉપયોગ કરશે. આપણે હવે સામાન્ય ઇન્ટરનેટ સર્ફિંગ ઉપરાંત, ઘણી બાબતો માટે બ્રાઉઝરનો ઉપયોગ કરવા લાગ્યા હોવાથી બ્રાઉઝર ઓછી રેમનો ઉપયોગ કરે તેવા ઉપાયો પણ અનિવાર્ય બન્યા છે.

