ગયા વર્ષે કોરાનો વિશ્વવ્યાપી પ્રસાર પછી આ વર્ષે તેની રસી તો આવી, છતાં, કોરોના કેસમાં હજી વધઘટ જોવા મળી રહી છે. તમે કોરોનાની ઝપટમાં આવ્યા હો કે ન આવ્યા હો, તમને કદાચ કોરોના કરતાં પણ વધુ ડર તેના ટેસ્ટનો લાગતો હશે!
કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવનારને અનુભવ હોય છે કે નાક ને ગળામાં ઊંડે સુધી સ્વેબ નાંખવાની પ્રક્રિયા ખરેખર તકલીફદાયી છે. હવે કોરોનાનો ટેસ્ટ કરવાની પ્રક્રિયા આપણા માટે થોડી હળવી બને એવા સમાચાર છે.
ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ એક કિટ વિકસાવી છે, જે દવાની દુકાનેથી ખરીદી શકાશે. આ કિટમાં સિંગલ યૂઝ સ્વેબ તથા અન્ય જરૂરી સાધનોની સાથોસાથ એક એનેલાઇઝર પણ હશે.
એ સાથે કંપનીએ ખાસ આ કિટ માટે એક એપ વિક્સાવી છે. એપમાં ટેસ્ટ કેવી રીતે કરવો તેનાં સ્ટેપ્સ જણાવવામાં આવશે. આપણે પોતે નાકમાં માત્ર થોડે સુધી સ્વેબ નાખીને સેમ્પલ મેળવી જરૂરી પ્રક્રિયા કરીશું તે પછી કિટનું એનેલાઇઝર બ્લૂટૂથની મદદથી કંપનીની આઇઓએસ અને એન્ડ્રોઇડ એપ સાથે કનેક્ટ થશે અને પંદર મિનિટમાં આપણે પોઝિટિવ છીએ કે નહીં તે પરિણામ એપમાં જોવા મળશે. આ કિટ આપણા સુધી પહોંચશે કે નહીં એ નક્કી નહીં!

