આપણા દેશમાં પણ આખરે લોકોને કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. આ વિરાટ કાર્યમાં ટેકનોલોજી મોટો ભાગ ભજવી રહી છે.
લાંબા સમયથી આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા છીએ એ કોવિડ વાયરસની રસી આખરે ભારતમાં પણ શરૂઆતમાં આરોગ્ય ક્ષેત્રના લોકોને મૂકાવાની શરૂ થઈ ગઈ છે. તેના પગલે ભારતમાં વધુ એક વિરાટ અભિયાનનો આરંભ થયો છે – આખા ભારતના તમામ લોકોને આ રસી મૂકવાનું અભિયાન.
આ અગાઉ આપણે પોલિયોની રસી કે આધાર કાર્ડ માટેના રજિસ્ટ્રેશન જેવા વિરાટ અભિયાનનો અનુભવ કરી ચૂક્યા છીએ પરંતુ તેમાં અત્યારે જોવા મળી રહ્યાં છે તેવા અજંપા અને અધિરાઈનો અભાવ હતો. જો કોવિડની રસી સફળ પૂરવાર થશે અને તે કોવિડનો સામનો કરવાનો રામબાણ ઇલાજ હોવાનું જણાશે તો આ રસી લેવા માટે લોકોનો ધસારો થવાનો એ નક્કી છે. અત્યારે જેમ કોવિડનો ટેસ્ટ કરવા માટે ઠેર ઠેર તંબુઓ નાખીને વ્યવસ્થા કરવી પડી છે કંઈક એ જ રીતે કોવિડની રસી આપવા માટે પણ સરકારે વ્યાપક વ્યવસ્થાઓ કરવી પડશે.
આ કામ કરવા માટે સરકારે ડિજિટલ ટેકનોલોજીની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. જેમ કોવિડનો ફેલાવો અટકાવવા અને આપણા સંપર્કમાં આવેલી વ્યક્તિ સંક્રમિત છે કે નહીં તે જાણવા માટે આરોગ્ય સેતુ જેવી એપ ડેવલપ કરવામાં આવી એજ રીતે હવે કોવિડની રસી અંધાધૂંધી વિના લોકો સુધી પહોંચાડવા માટે ‘કો-વિન’ (Co-WIN (Winning Over COVID-19) App) નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્લેટફોર્મના એક ભાગરૂપે એક મોબાઇલ એપ ડેવલપ કરવામાં આવી છે. પ્લે સ્ટોર પર એ ઉપલબ્ધ છે, પરંતુ જાહેર પ્રજા માટે હજી તે ઉપયોગી નથી. ભળતા નામની કોઈ એપ ડાઉનલોડ કરશો નહીં.
અત્યારે મળતી માહિતી મુજબ ભારત સરકારે શરૂઆતના તબક્કામાં આશરે ૩૦ કરોડ લોકોને અગ્રતાના ધોરણે કોવિડની રસી આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં અંદાજે એક કરોડ સરકારી અને ખાનગી ક્ષેત્રના સ્વાસ્થ્ય કર્મચારીઓ છે, બે કરોડ જેટલા પોલીસ અને સલામતી વ્યવસ્થા તથા અન્ય આવશ્યક સેવાઓના કર્મચારીઓ છે તથા બાકીના ૨૭ કરોડ લોકો ૫૦ વર્ષથી વધુ ઉંમરના અને અન્ય બિમારીઓ ધરાવતા લોકો છે. આ તમામ લોકોને એક વિશાળ ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એમને અગ્રતાના ધોરણે રસી મળી શકે એ માટે કો-વિન એપનો ઉપયોગ કરવામાં આવશે.
અત્યારની સ્થિતિ અનુસાર, પહેલાં આ એપનો સરકાર દ્વારા ફક્ત આંતરિક હેતુ માટે ઉપયોગ થી રહ્યો છે અને તેની મદદથી દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રસીના નામે છેતરાશો નહીં
|
રસી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થવા લાગશે તે પછી આ એપ સામાન્ય લોકો માટે પણ ઓપન કરવામાં આવશે. જો રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ જશે તો આ બધા તબક્કા પર એક સાથે કામ શરૂ થઈ જાય એવું પણ શક્ય છે.
આ એપ મુખ્યત્વે પાંચ મોડ્યૂલમાં વહેંચાયેલી છે. (૧) એડમિનિસ્ટ્રેટર મોડ્યૂલ, (૨) રજિસ્ટ્રેશન મોડ્યૂલ (૩) વેક્સિનેશન મોડ્યૂલ (૪) એક્નોલેજમેન્ટ મોડ્યૂલ અને (૫) રિપોર્ટ મોડ્યૂલ.
આમાંથી આપણા સૌ માટે રજિસ્ટ્રેશન મોડ્યૂલ સૌથી મહત્ત્વનું રહેશે. આપણે ફ્રન્ટલાઇન હેલ્થવર્કર્સ ન હોઇએ તો આપણે કો-વિન એપમાં રજિસ્ટ્રેશન મોડ્યૂલ મારફત આપણું રજિસ્ટ્રેશન કરી શકીશું. આપણે પોતાની વિગતો આપીશું ત્યારે બેનિફિશિયરી એકનોલોજમેન્ટ દ્વારા આપણા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક એસએમએસ આવશે અને રજિસ્ટ્રેશન પૂરું થયા પછી આપણી વિગતોના આધારે એડમિનિસ્ટ્રેટર મોડ્યૂલ એક્ટિવ થશે. આપણી અગ્રતા નક્કી કરીને ક્યારે અને કેવી રીતે રસી આપવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.
કો-વિન જેવા ટેક્નોલોજી પ્લેટફોર્મ વિના રસીકરણનું અભિયાન વ્યવસ્થિત રીતે પૂરું કરવું લગભગ અસંભવ છે.
સમગ્ર દેશના દરેક ક્ષેત્ર માટેના અધિકારીઓ રસીકરણના સેશન્સનું આયોજન કરશે અને તેને સંબંધિત તમામ રેકોર્ડ આ એપના એડમિનિસ્ટ્રેટર મોડ્યૂલમાં જળવાશે. તેની સાથોસાથ સ્થાનિક સ્તરે સર્વેક્ષણ દ્વારા અન્ય બિમારીઓ ધરાવતા લોકોની માહિતી એકઠી કરવામાં આવી રહી છે અને તેમનો ડેટા પણ આ એપમાં અપલોડ કરવામાં આવી રહ્યો છે. તેને આધારે સ્વાસ્થ્ય અધિકારીઓ અગ્રતા નક્કી કરી શકશે અને ફોલો-અપ કરી શકશે.
બેનિફિશિયરી એક્નોલેજમેન્ટ મોડ્યૂલ આપણા પહેલા રજિસ્ટ્રેશન સમયે ઉપયોગી છે એ રીતે રસીકરણના તબક્કે પણ ઉપયોગી થશે. આપણને રસી અપાઈ જાય તે પછી એક ક્યૂઆર કોડ આધારિત સર્ટિફિકેટ ઇસ્યૂ કરવામાં આવશે.
કોવિડ રસીનું જ્યાં સ્ટોરેજ થશે તે કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટિઝનું રીઅલ ટાઇમ ડેટા પણ કો-વિન એપમાં અપલોડ થશે. સરકારે થોડા સમય પહેલાં ઇલેકટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક (ઇવિન) લોન્ચ કર્યું છે. તેનો આ કામ માટે ઉપયોગ કરવામાં આવશે.
કો-વિન મોબાઇલ એપનાં મુખ્ય મોડ્યુલએડમિનિસ્ટ્રેટર મોડ્યુલ
રજિસ્ટ્રેશન મોડ્યુલ
એકનોલેજમેન્ટ મોડ્યુલ
વેક્સિનેશન મોડ્યુલ
રિપોર્ટ મોડ્યુલ મોડ્યુલ
|


એપના આ ભાગમાં, રસીકરણની વ્યવસ્થા સંભાળતા અધિકારીને એક્સેસ રહેશે. તેઓ રસીની ઉપલબ્ધતા, રજિસ્ટર્ડ લોકોનો ડેટા વગેરે માહિતીના આધારે વિસ્તાર અને લોકોની અગ્રતા નક્કી કરી રસીકરણનાં સેશન્સનું આયોજન કરશે. લોકોના પોતાના રજિસ્ટ્રેશન ઉપરાંત, વિવિધ સ્રોતમાંથી એકઠો કરાયેલો લોકોનો ડેટા સીધો જ આ મોડ્યુલમાં અપલોડ થશે.
સરકારે નક્કી કરેલી અગ્રતા મુજબના લોકોનો ડેટા સીધો જ એપમાં અપલોડ થશે અને ત્યાર પછી (અથવા રસીની ઉપલબ્ધિના આધારે સાથોસાથ) સામાન્ય લોકો માટે પણ એપમાં રજિસ્ટ્રેશન મોડ્યુઅલ ઓપન કરવામાં આવશે. રસી મેળવવા ઇચ્છતા લોકો આ મોડ્યુલ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકશે. ત્યારે એસએમએસ દ્વારા ઓટીપીથી, તેમના રજિસ્ટર્ડ નંબરની ખરાઈ કરવામાં આવશે.
રજિસ્ટ્રેશન સમયની ખરાઈ આ મોડ્યુલથી થશે. તે ઉપરાંત જેમ જેમ લોકોને રસી અપાતી જશે તેમ તેમ એ લોકોને આ મોડ્યુલર દ્વારા એક કયૂઆર કોડ આધારિત સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ક્યૂઆર કોડમાં જે તે વ્યક્તિની વિગતો અને તેમને ક્યાં, ક્યારે, કેટલા પ્રમાણમાં રસી આપવામાં આવી વગેરે વિગતો રહેવાની સંભાવના છે.
જેમ જેમ જુદા જુદા વિસ્તારોના ડેટાબેઝના આધારે લોકોને રસી અપાવા લાગશે તેમ તેમ તેને સંબંધિત માહિતી આ મોડ્યુલમાં અપલોડ થતી જશે. પરિણામે કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં રસીકરણ પહોંચ્યું તેની અધિકારીઓને સરળતાથી જાણ થશે.
આ મોડ્યુઅલ વેક્સિનેશન મોડ્યુઅલ સાથે કનેક્ટેડ રહેશે અને તેમાં જે તે વિસ્તાર તથા રાષ્ટ્રીય સ્તરે રસીકરણ સંબંધિત કામગીરીના રિપોર્ટ જનરેટ કરી શકાશે. આ મોડ્યુલની પણ સામાન્ય લોકોને એક્સેસ મળે તેવી શક્યતા ઓછી છે.