તમારા દીકરા કે દીકરીએ પોતાના કોઈ સ્કૂલ પ્રોજેક્ટ માટે રિસર્ચ કરવા લેપટોપમાં એક સાથે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી અને પછી ટ્યૂશન ક્લાસ માટે જવાનો સમય થઈ જતાં, તમને કહ્યું કે લેપટોપમાં આ બધી ટેબ્સ આમ જ ઓપન રાખજો, મારે કામ અધૂરું છે! એ સાથે તમે ફિક્સમાં આવી ગયા!
આવું ક્યારેક, તમારા પોતાના કામ માટે પણ થઈ શકે.

આવે સમયે, ઓપન કરેલી બધી ટેબ્સ બુકમાર્ક તરીકે સાચવી લેવાનું સહેલું છે. એ માટે આ પગલાં લો…
- ક્રોમ બ્રાઉઝરમાં જમણી તરફ આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.
- તેમાં બુકમાર્કસમાં જાઓ. તેમાં ‘બુકમાર્ક ઓપન પેજીસ’નો વિકલ્પ પસંદ કરો.
- તમારે વારંવાર, ઓપન કરેલાં બધાં વેબપેજીસ સાચવી લેવાનાં થતાં હોય તો Ctrl+Shift+Dનો શોર્ટકટ યાદ રાખી લો.
- હવે એક વિન્ડો ખૂલશે અને તેમાં તમે બુકમાર્ક્સનું નવું ફોલ્ડર બનાવી શકશો.
- આ ફોલ્ડરને જોઈતું નામ આપો અને નીચે આપેલા સેવ બટન પર ક્લિક કરી દો. તમે ઓપન કરેલી તમામ ટેબ્સ એ ફોલ્ડરમાં સચવાઈ જશે!
મોબાઇલમાં વિવિધ ટેબ્સને ગ્રૂપમાં સાચવવાની સગવડ છે, પણ એ બધીને એક સાથે બુકમાર્ક તરીકે સેવ કરી લેવાની સગવડ નથી.
