માની લો કે તમારી વ્હાલી દીકરીનો બર્થડે નજીકમાં છે. તમે એના માટે કોઈ સરસ ગિફ્ટ લેવાનું વિચારી રહ્યા છો. અથવા, ઘરમાં બીજો કોઈ સારો પ્રસંગ છે અને તમે સૌ સ્નેહી સંબંધીઓ માટે સારી, પણ બજેટમાં આવે એવી ગિફ્ટ લેવાનું વિચારી રહ્યા છો. આજકાલ નજીકના વાસ્તવિક સ્ટોર્સમાં જતાં તમે ખચકાઓ છો એટલે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ તરફ નજર દોડાવવાનું વિચાર્યું છે.

હવે તમારો અનુભવ હશે કે પ્લે સ્ટોર હોય કે પછી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી શોપિંગ સાઇટ, આ બધા પર ‘વિશલિસ્ટ’ની સગવડ હોય છે. પ્લે સ્ટોરમાં આપણને કોઈ એપ કે બુક કે મૂવી ગમી જાય, પણ તેને તરત ડાઉનલોડ ન કરવી હોય કે ખરીદવી ન હોય તો તેને તમારા પોતાના વિશલિસ્ટમાં ઉમેરી શકાય.
એ જ રીતે, શોપિંગ સાઇટ્સમાં પણ આપણે જુદા જુદા નામનાં વિશલિસ્ટ બનાવી શકીએ અને ગમી ગયેલી વસ્તુઓ તેમાં ઉમેરી શકીએ છીએ. પછી ફુરસદે, આ વિશલિસ્ટ તપાસીને જે યોગ્ય લાગે તેના ઓર્ડર આપી શકાય.
આ તો જે તે સાઇટ કે સર્વિસના પોતાના વિશલિસ્ટ ફીચરનો ઉપયોગ કરવાની વાત થઈ. મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે શું ખરીદવું છે એ બહુ નક્કી ન હોય ત્યારે આપણે જુદી જુદી સાઇટ્સ તપાસતા હોઇએ છીએ. વસ્તુ નક્કી હોય તો પણ જુદી જુદી સાઇટ્સ તપાસવી જરૂરી હોય છે. શોપિંગ સાઇટ્સમાં મોટા ભાગે એવું બનતું હોય છે કે એક જ વસ્તુના ભાવ સેલર પ્રમાણે બદલાતા હોય છે, તેમ જુદી જુદી સાઇટ્સ પર પણ તેના ભાવ જુદા જુદા હોય છે.
સાદા બુકમાર્કિંગની મદદથી, તમે જુદી જુદી સાઇટમાં ગમી ગયેલી ચીજવસ્તુઓનું એક લિસ્ટ તૈયાર કરી શકો છો. પછી ફુરસદે તપાસી ખરીદી માટે આગળ વધી શકાય.
પરિણામે અલગ અલગ શોપિંગ સાઇટ્સમાં, તેણે આપેલા ફીચરનો લાભ લઈને વિશલિસ્ટ બનાવીએ તો એ બધા પર એક સાથે નજર ફેરવી ન શકાય.
આથી જે તે શોપિંગ સાઇટના વિશલિસ્ટનો ઉપયોગ કરવાને બદલે બુકમાર્કિંગની સાદી સગવડનો લાભ લઈએ તો આપણું કામ વધુ સરળ બને. તમે મોબાઇલમાં બ્રાઉઝિંગ કરતા હો કે પીસી/લેપટોપમાં, બ્રાઉઝર તરીકે ક્રોમ, ફાયરફોક્સનો ઉપયોગ કરતા હો કે માઇક્રોસોફ્ટ એજનો, એ બધામાં બુકમાર્કિંગની સરળ સગવડ મળે છે (અલબત્ત, ગૂગલ હવે તેના બુકમાર્ક્સ રિટાયર કરી રહી છે).
ધ્યાન ફક્ત એ રાખવાનું કે મોબાઇલમાં આપણે જે તે શોપિંગ સાઇટની એપનો ઉપયોગ કરવાને બદલે બ્રાઉઝરમાં તેને સર્ફ કરવાની રહેશે કેમ કે બુકમાર્કિંગની સગવડ બ્રાઉઝર આપે છે, એપ નહીં.

આપણે કોઈ પણ શોપિંગ સાઇટમાં કોઈ પણ પ્રોડક્ટના પેજ પર હોઇએ ત્યારે મોબાઇલમાં બ્રાઉઝરની ત્રણ આડી લીટી પર ક્લિક કરી ‘સ્ટાર’ પર ક્લિક કરી દો. પીસી/લેપટોપમાં એડ્રેસ બારમાં સૌથી છેેડે સ્ટાર જોવા મળશે. હવે તમારે બુક માર્કની સગવડનાં ફીચર થોડાં તપાસવાં પડશે. મૂળ મુદ્દો એટલો કે તમે બુકમાર્ક મેનેજરમાં ઇચ્છો તે નામનું એક ફોલ્ડર બનાવી શકશો અને તેમાં વિવિધ શોપિંગ સાઇટ્સ પરથી વિવિધ પ્રોડક્ટનાં પેજીસને બુકમાર્ક કરી શકશો.

આ રીતે આપણે જે તે શોપિંગ સાઇટના અલગ અલગ વિશલિસ્ટને બદલે આપણું પોતાનું એક જ વિશલિસ્ટ બનાવી શકીએ અને તેમાં વિવિધ સાઇટ્સ પરથી જાતભાતની પ્રોડક્ટ્સ ઉમેરી શકીએ. આ પછી તમે વિવિધ સાઇટ પરની પ્રોડક્ટસ, તેનાં ફીચર, તેના ભાવ વગેરે સહેલાઇથી સરખાવી શકશો અને જેના પર પસંદગી ઢળે તે સાઈટની એપ કે વેબસાઇટમાં લોગ-ઇન થઈને ખરીદી કરવા માટે આગળ વધી શકશો.
ઇન્ટરનેટ પરની જુદી જુદી બાબતોને સાચવી લેવા માટે જુદા જુદા ઘણા રસ્તા અને એપ્સ હોય છે. પરંતુ સાવ સાદી રીતે આપણું કામ ચાલી જતું હોય તો મોટી કસરત શા માટે કરવી?


