રેડિયોશેક નામની કંપનીએ ટીઆરએસ-૮૦ નામનું એક પર્સનલ કમ્પ્યૂટર વિક્સાવ્યું. કંપનીને આ કમ્પ્યૂટરનાં પાંચેક હજાર યુનિટ વેચાવાની આશા હતી, પણ લોન્ચ થયાના દોઢ મહિનામાં જે તેનાં દસ હજારથી વધુ યુનિટ વેચાયાં અને વેચાણ કુલ આંકડો તો છેક બે લાખે પહોંચ્યો!
આજે એક સ્માર્ટફોનમાં જ જાતજાતની અનેક વસ્તુઓ સમાઈ ગઈ છે, પણ એવું નહોતું એ જમાનામાં, આજે એપલે ‘ન્યૂટન મેેસેજપેડ’ લોન્ચ કર્યું.

આ વિશ્વનું પહેલું પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ (પીડીએ) ગણાયું. એપલના ત્યારના સીઇઓ જોહ્ન સ્કલીએ ૧૯૯૨માં ‘પીડીએ’ શબ્દ આપ્યો હતો. આ ડિવાઇસ પોતે કમર્શિયલી નિષ્ફળ રહ્યું, છતાં એપલની આજની સફળતામાં તેનો સિંહફાળો ગણાય છે. આ ડિવાઇસ માટે એપલે ‘એઆરએમ પ્રોસેસર આર્કિટેક્ચર’ નામની ટેક્નોલોજી વિક્સાવી હતી, જેણે જગતનાં મોટા ભાગનાં મોબાઇલ ડિવાઇસનો પાયો તૈયાર કર્યો. આગળ જતાં, ૧૯૯૮માં એપલે આ ટેકનોલોજી ૮૦૦ મિલિયન ડોલરમાં વેચી નાખી અને એ રકમ કંપનીને કપરા દિવસોમાંથી બહાર આવવામાં મદદરૂપ બની!
આજના દિવસે સ્ટિવ જોબ્સે જાહેરાત કરી કે એપલ અને માઇક્રસોફ્ટે આવતાં પાંચ વર્ષ માટે હાથ મિલાવ્યા છે. આ ડીલના ભાગરૂપે માઇક્રોસોફ્ટે પાંચ વર્ષ સુધી એપલના મેક કમ્પ્યૂટર માટે માઇક્રોસોફ્ટ ઓફિસ ડેવલપ કરવાનું પ્રોમિસ આપ્યું અને બદલામાં એપલે મેકમાં ડિફોલ્ટ વેબ બ્રાઉઝર તરીકે ઇન્ટરનેટ એક્સપ્લોરર આપવાનું વચન આપ્યું.

એ સાથે એપલે માઇક્રોસોફ્ટ સામેના પેટન્ટને લગતા કેસ પડતા મૂક્યા અને માઇક્રોસોફ્ટે એપલને એક નિશ્ચિત રકમ ચૂકવી – આ રકમ કેટલી તે જગજાહેર ન થયું. એવું કહેવાય છે કે માઇક્રોસોફ્ટ તરફથી મળેલી રકમને કારણે એપલને મુશ્કેલીભર્યા દિવસોમાંથી બહાર આવવાની તક મળી અને પછી શું એ તો ચોક્કસ જગજાહેર છે!

આઇબીએમ કંપનીએ આજે હાર્વર્ડ યુનિવર્સિટીને ઓટોમેટિક સિકવન્સ કન્ટ્રોલ્ડ કેલ્ક્યુલેટર આપ્યું. નામ કેલ્ક્યુલેટર હતું, પણ એ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિકલ મિકેનિકલ કમ્પ્યૂટર હતું. એ ‘કેલ્ક્યુલેટર’ કેવડું મોટું હતું તે જાતે જ જોઈ લો!
૮મી ઓગસ્ટ ૧૯૪૨ના દિવસે મહાત્મા ગાંધીએ ‘કરેંગેં યા મરેંગેં’ના નારા સાથે ભારત છોડો આંદોલન શરૂ કર્યું હતું. તેના બરાબર આડત્રીસ વર્ષ પહેલાં, આજના દિવસે આઇબીએમ કંપનીમાં પણ ‘કરેંગેં યા મરેંગે’ જેવું કંઈક આંદોલન થયું, જેણે કમ્પ્યુટિંગ જગતમાં ક્રાંતિ લાવી દીધી. આજના દિવસે આઇબીએમની પ્રોજેક્ટ ચેસ નામની ટીમે ઝડપથી વિકસતા કમ્પ્યૂટર માર્કેટમાં ટકી રહેવા, એક નવા કમ્પ્યૂટરનો પ્રોટોટાઇપ રજૂ કર્યો. મેનેજમેન્ટે તેને વિકસાવવા માટે ટીમને ફક્ત એક વર્ષનો સમય આપ્યો. બરાબર એક વર્ષને ચાર દિવસ પછી આઇબીએમ પીસી લોન્ચ થયું, જેણે પર્સનલ કમ્પ્યુટિંગની દુનિયા બદલી નાખી!
‘‘હેલો અર્થ! ગ્રિટિંગ્સ ફ્રોમ ધી એસટીએસ-૪૩ ક્રૂ…! ’’ એટલાન્ટિસ નામના સ્પેસ શટલમાં પૃથ્વી ફરતે ભ્રમણ કરી રહેલા અવકાશયાત્રીઓએ તેમના એપલ મેક્ન્ટિોસ કમ્પ્યૂટરથી આ સંદેશો પૃથ્વી પર મોકલ્યો અને તે સ્પેસમાંથી મોકલાયેલો પહેલો ઇ-મેઇલ ગણાયો. આ કમ્યુનિકેશન માટે ‘એપલલિંક’ નામના એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ થયો જે એપલે સ્પેસમાંથી કમ્યુનિકેશન માટે ડેવલપ કર્યો હતો. એ સિવાય, સ્પેસમાં મેકિન્ટોસ પોર્ટેબલ કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે કમ્પ્યૂટરમાં ખાસ કોઈ ફેરફાર કરવાની જરૂર પડી નહોતી.
કમ્પ્યૂટરના ઇતિહાસમાં જુદા જુદા અનેક વાઇરસે પોતાની ધાક જમાવી છે અને લગભગ દરેક વખતે નિશાન પર રહી છે માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. આજના દિવસે ‘બ્લાસ્ટર વોર્મ’ નામના એક વાઇરસે વિન્ડોઝ એક્સપી અને વિન્ડોઝ ૨૦૦૦ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા કમ્પ્યૂટર્સને નિશાન બનાવીને આખી દુનિયામાં તરખાટ મચાવી દીધો. આ વાઇરસથી અસરગ્રસ્ત કમ્પ્યૂટર પોતાની મેળે જ શટડાઉન થઇને રીબૂટ થતાં હતાં. માઇક્રોસોફ્ટના અંદાજ મુજબ ૮ થી ૧૬ કરોડ જેટલાં કમ્પ્યૂટર્સને આ વાઇરસથી અસર થઈ અને દુનિયાને કુલ ૩૨ કરોડ યુએસ ડોલર જેટલું નુકસાન થયું.
પાછલા પેજ પર આપણે જાણ્યું હતું કે ઓગસ્ટ ૮, ૧૯૮૦ના રોજ આઇબીએમની એક ટીમને ફક્ત એક વર્ષમાં નવું કમ્પ્યૂટર ડેવલપ કરવાની ચેલેન્જ સોંપવામાં આવી હતી.
એક વર્ષને ચાર દિવસ પછી એટલે કે આજના દિવસે ટીમે એ ચેલેન્જ પાર કરી બતાવી. નિષ્ણાતો કહે છે કે એ સમયે કંપનીને ઝડપથી વિકસતા પર્સનલ કમ્પ્યૂટરના માર્કેટનો લાભ લેવાની ઉતાવળ હતી. પરિણામે પૂરતો સમય લઇ બધી રીતે યોગ્ય પીસી ડેવલપ કરવાને બદલે વહેલામાં વહેલી તકે બજારમાં મૂકી શકાય એવા પીસી પર ધ્યાન આપવામાં આવ્યું.
આ ઉતાવળનાં માઠાં પરિણામ આખી ઇન્ડસ્ટ્રી હજી ભોગવી રહી છે. વધુ પડતી ઉતાવળને કારણે કંપનીની ટીમે કંપનીની હંમેશની ડેવલપમેન્ટ પ્રોસેસ બાજુએ રાખીને જે મળે તે કોમ્પોનન્ટનો ઉપયોગ કરીને કમ્પ્યૂટર ડેવલપ કરવું પડ્યું. આ કારણે જે કમ્પ્યૂટર બન્યું તેમાં ઉપયોગમાં લઈ શકાય તેવા સોફ્ટવેર પણ ઉતાવળે તૈયાર થયા. કંપનીને તેની ઇચ્છા હતી તેવું આદર્શ પીસી બનાવવાની ક્યારેય તક મળી નહીં. જ્યારે આ પીસીમાં માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થયો હોવાથી એ ક્ષેત્રે માઇક્રોસોફ્ટે પોતાની ધાક જમાવી દીધી.

થોડા સમય પહેલા ભારતમાં લોન્ચ થયેલી ‘લાખ રૂપિયાની કાર’ ઘણી બધી રીતે પાવરફૂલ હોવા છતાં, ગરમીમાં તેમાં આગ ફાટી નીકળતી હોવાના કારણે અને બીજા અન્ય કારણોસર છેવટે નિષ્ફળ ગઈ. કંઈક આવું જ કમ્પ્યૂટરના ક્ષેત્રે પણ બન્યું હતું. આજના દિવસે ડેલ અને સોની કંપનીએ કબૂલ્યું કે ડેલના અમુક ચોક્કસ લેપટોપમાં બેટરી વધુ પડતી ગરમ થઈ જવાને કારણે લેપટોપ આગ પકડી લે તેવું બની શકતું હતું. આ કારણે કંપનીએ ૪૧ લાખ બેટરી બજારમાંથી પરત ખેંચી લીધી હતી, જે કમ્પ્યૂટરના ઇતિહાસમાં આ પ્રકારનું સૌથી મોટું પગલું ગણાય છે.
જેમ ભારતને આજની તારીખે આઝાદી મળી હતી તેમ ૧૯૯૮માં આજની તારીખે દુનિયાને ડબ્બા જેવા બોરિંગ કમ્પ્યૂટરમાંથી પણ મુક્તિ મળી. આજે એપલ કંપનીએ ‘આઈમેક જી૩’ નામનું કમ્પ્યૂટર લોન્ચ કર્યું જે આકર્ષક બ્લ્યૂ રંગના અર્ધપારદર્શક કેસને કારણે ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું. એપલે આ કમ્પ્યૂટરમાં કનેક્ટિવિટી માટેના એ સમય પ્રચલિત પોર્ટસ કે ફ્લોપી ડ્રાઇવનો ઉપયોગ કર્યો નહોતો પરંતુ માત્ર યુએસબી પોર્ટની સગવડ આપી હતી. એ સમયે એ પગલાંની ખાસ્સી ટીકા થઈ હતી. પરંતુ એને જ કારણે યુએસબીનો ઉપયોગ વધ્યો. સ્વાભાવિક રીતે આઇમેક જી૩ કમર્શિયલી ખાસ્સું સફળ કમ્પ્યૂટર ગણાયું.

માઇક્રોસોફ્ટે આજના દિવસે એક એવો પ્રોગ્રામ રજૂ કર્યો, જેને આપણે સૌ વર્ષો સુધી ‘ઇન્ટરનેટ’ જ ગણતા રહ્યા! એ પ્રોગ્રામ વાસ્તવમાં ઇન્ટરનેટ સર્ફ કરવા માટેનું એક બ્રાઉઝર હતું અને નામ હતું ‘ઇન્ટરનેટ એક્સપ્લોરર’! એ સમયે માઇક્રોસોફ્ટે ‘સ્પાયગ્લાસ મોઝેક’ નામના એક પ્રોગ્રામમાં ફેરફાર કરીને ઇન્ટરનેટ એક્સપ્લોરર રજૂ કર્યું હતું. માઇક્રોસોફ્ટે એ માટે સ્પાયગ્લાસ કંપની પાસેથી લાઇસન્સ ખરીદ્યું હતું.
સમય વીતતાં માઇક્રોસોફ્ટે ઇન્ટરનેટ એક્સપ્લોરર વિન્ડોઝ સાથે મફત આપવાનું શરૂ કર્યું. સ્પાયગ્લાસ કંપનીને લાગ્યું કે આ કારણે તેને મળવી જોઇતી રોયલ્ટી મળતી નથી. આથી તેણે માઇક્રોસોફ્ટ સામે કેસ માંડ્યો. માઇક્રોસોફ્ટે ફક્ત ૮૦ લાખ યુએસ ડોલરમાં આ કેસની માંડવાળ કરી!

આજના દિવસે બે ક્ષેત્રે નવા યુગનાં મંડાણ થયાં. ફિલિપ્સ અને સોની કંપનીએ સાથે મળીને વિશ્વની પહેલી કમર્શિયલ મ્યુઝિક કોમ્પેક્ટ ડિસ્ક લોન્ચ કરી. આ સીડી જર્મનીમાં બની હતી. સોની અને ફિલિપ્સ કંપનીએ ૭૦ના દાયકાથી ડિજિટલ ઓડિયો ડિસ્ક ડિઝાઈન કરવાનું કામ શરૂ કરી દીધું હતું. એ સમયે કોમ્પેક્ટ સીડીનો વિચાર મ્યુઝિક પ્લે કરવા માટે વપરાતી વિનાઇલ રેકોર્ડના વિકલ્પ તરીકે જ કરવામાં આવ્યો હતો. ત્યારે ડેટા સ્ટોરેજ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે એવા વિચારને વેગ મળ્યો નહોતો.
છેક ૧૯૮૮થી સીડીનો ઉપયોગ ડેટા સ્ટોરેજ માટે પણ શરૂ થયો. મ્યુઝિક અને ડેટા સ્ટોરેજ બંને માટે અસાધારણ લોકપ્રિયતા મળતાં દુનિયાભરમાં સીડીનું વેચાણ અબજોની સંખ્યાએ પહોંચ્યું. પરંતુ પછી મ્યુઝિક અને ડેટા માટે ક્લાઉડ સ્ટોરેજ તથા અન્ય વિકલ્પો ઉપલબ્ધ થતાં ધીમે ધીમે સીડી લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે.

વિલિયમ હેવ્લેટ અને ડેવિડ પેકાર્ડ નામના બે મિત્રોએ તેમના ગરાજમાં વિકસાવેલી પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યું તેનાં નવ વર્ષ પછી આજના દિવસે બંનેએ એક કંપની સ્થાપી અને નામ આપ્યું હેવ્લેટ-પેકાર્ડ. આ કંપની આગળ જતાં વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓમાં સ્થાન પામી.

એક નાનો વિચાર ધીમે ધીમે બિઝનેસનું સ્વરૂપ ધારણ કરે અને પછી એ બિઝનેસ શેરબજાર સુધી પહોંચે એવું દરેક વિચારનું નસીબ હોતું નથી, પરંતુ દુનિયા આખીની માહિતીને સુવ્યવસ્થિત રીતે ગોઠવીને સૌને માટે સરળતાથી ઉપલબ્ધ કરવાનો વિચાર દુનિયાના સૌથી વિશાળ બિઝનેસ બનવાના ભાગ્ય સાથે જ સર્જાયો હતો. આજના દિવસે ગૂગલે ૨.૨ કરોડ શેરના વેચાણ સાથે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) લોન્ચ કર્યું. ગૂગલના શેરની પ્રારંભિક કિંમત ૮૫ ડોલર હતી અને પહેલા દિવસના અંત સુધીમાં તેની કિમત ૧૦૦.૩૪ ડોલરે પહોંચી. એ એક જ દિવસે ગૂગલને કારણે અનેક લોકો કરોડપતિ અને કેટલાક લોકો અબજોપતિ બની ગયા. ગૂગલમાંથી સર્જાયેલી આલ્ફાબેટ કંપનીના શેરનો ભાવ ૧૫૦૦ ડોલર જેટલી વિક્રમી ઊંંચાઈએ પણ પહોંચ્યો છે.

ટેકનોલોજી જગતમાં માઇક્રોસોફ્ટ જેટલી ઝડપી અને વ્યાપક સફળતા બહુ ઓછી પ્રોડક્ટને મળી છે. લાંબી ઉત્સુકતા જગાવ્યા પછી આજના દિવસે માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ-૯૫ નામે ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી. રજૂઆતના પહેલા ચાર જ દિવસમાં તેની દસ લાખથી વધુ કોપી વેચાઈ. આજે દુનિયાભરના અબજો કમ્પ્યૂટર માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ પર જ ચાલે છે.
‘‘મેં હંમેશા કહ્યું છે કે જો એવો દિવસ આવશે કે હું એપલના સીઇઓ તરીકે મારી જવાબદારીઓ અને અપેક્ષાઓ પૂરી કરી શકું તેવી સ્થિતિમાં નહીં રહું તો હું જ સામે ચાલીને તમને જણાવીશ. કમનસીબે એ દિવસ આવી ગયો છે.’’ આ શબ્દો સાથે આજના દિવસે, સ્ટીવ જોબ્સે એપલના સીઇઓ તરીકેની તેમની જબરજસ્ત સફળ સેકન્ડ ઇનિંગનું સમાપન કર્યું. એમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હોવાની અફવાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. રાજીનામું આપ્યાના દોઢેક મહિના પછી, ઓક્ટોબર ૫, ૨૦૧૧ના રોજ સ્ટીવનું અવસાન થયું.
માઇક્રોસોફ્ટ અને એપલ કંપની તેમના સમગ્ર ઇતિહાસ દરમિયાન, સતત એકમેક સામે બાખડતી રહી છે અને કેટલીક વાર બંનેએ હાથ મિલાવીને એકબીજાના પાયા મજબૂત કરવામાં પણ સાથ આપ્યો છે. છેક શરૂઆતમાં એપલ કંપનીએ માઇક્રોસોફ્ટની વિન્ડોઝ એપલના ‘વિઝ્યુઅલ ડિસ્પ્લે’ના કોપીરાઇટનો ભંગ કરતી હોવાના દાવા સાથે માઇક્રોસોફ્ટ સામે કેસ માંડ્યો હતો.

ટેકનોલોજી જગતના સૌથી પ્રખ્યાત કાનૂની દાવપેચોમાં આ કેસનું સ્થાન અવ્વલ ગણાય છે. આજના દિવસે અદાલતે આ કેસમાં માઇક્રોસોફ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો. આ જીતના પગલે માઇક્રોસોફ્ટે વિન્ડોઝનું ૯૫ વર્ઝન તૈયાર કર્યું જે મેક્ન્ટિોશની ભારોભાર કોપી હોવાનું કહેવાય છે. એટલું નક્કી છે કે આ એ પછી માઇક્રોસોફ્ટે ઓપરેટિંગ સિસ્ટમના ક્ષેત્રે વિન્ડોઝ સાથે આખા જગત પર પોતાનો સિક્કો જમાવી દીધો.
આજના દિવસે લિનસ ટોર્વાલ્ડ્સ નામના એક યુવાને comp.ox.minix નામના એક ઇન્ટનેટ ન્યૂઝગ્રૂપમાં એક મેસેજ વહેતો મૂક્યો, જેનું શીર્ષક હતું ‘‘વોટ વૂડ યુ લાઇક ટુ સી મોર ઇન મિનિક્સ?’’ ટેક્નોલોજી જેમના અભ્યાસનો વિષય ન હોય એવા લોકો માટે આ આખું વાક્ય માથાની ઉપર જાય તેવું છે, પણ આ વાક્યમાંથી છેવટે જેનો જન્મ થયો તે નામ આપણા સૌને માટે ઘણે અંશે જાણીતું છે – લિનક્સ. ન્યૂઝગ્રૂપના નામમાંથી આપણને કંઇક હિંટ મળે છે કે આ વાત કમ્પ્યૂટરની ઓપરેટિંગ સિસ્ટમને લગતી હોવી જોઈએ.

મિનિક્સ પોતે એક ઓપન સોર્સ સોફ્ટવેર છે, તેના આધારે લિનસ ટોર્વાલ્ડ્સે એવી ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી જેણે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમને પણ હંફાવી. તેનું પહેલું વર્ઝન સપ્ટેમ્બર ૧૯૯૧માં લીલિઝ થયું. લિનક્સ એક ઓપન સોર્સ સિસ્ટમ છે (જેને જુદા જુદા લોકો વધુ વિક્સાવી શકે છે) અને મફત છે તેથી વિવિધ દેશોની સરકારો પોતાની ઓફિસો તથા શાળાઓમાં કમ્પ્યૂટર્સમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. લિનક્સની શરૂઆત પર્સનલ કમ્પ્યૂટર્સ માટે થઈ, પણ પછી તેનો ઉપયોગ એન્ડ્રોઇડ સુધી પણ વિસ્તર્યો છે.
અમેરિકાના અલાસ્કા સ્ટેટના એક શહેરમાં દર બે ત્રણ વર્ષે પાવર ફેલ્યોરને કારણે આખા શહેરમાં અંધારપટ છવાતો હતો. તેનો સામનો કરવા માટે શહેરમાં આજના દિવસે એક બેટરી બેકઅપ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી, જે એ સમયની આ પ્રકારની વિશ્વની સૌથી વિશાળ સિસ્ટમ હતી. અત્યારે આપણે પોતાના પર્સનલ કમ્પ્યૂટરમાં અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય (યુપીએસ)નો લાભ લઈ શકીએ છીએ. અચાનક વીજળી ડૂલ ગાયબ થાય તો પણ આપણા કમ્પ્યૂટરને (યુપીએસની ક્ષમતા મુજબ) કેટલાક સમય સુધી પાવર સપ્લાય મળતો રહે છે અને આપણે જેના પર કામ કરી રહ્યા હોઇએ તે ફાઇલ્સને સેવ કરીને સલામત રીતે બંધ કરવાનો તથા આખા કમ્પ્યૂટરને શટડાઉન કરવા માટે પૂરતો સમય મળી રહે છે. ઓફિસમાં લેપટોપ પર કામ કરતા લોકોએ લેપટોપને પાવર પ્લગ્ડ કર્યું હોય તો પણ વીજળી જવાની સ્થિતિમાં તેમને ધરપત હોય છે કારણ કે લેપટોપની બેટરીમાંથી પાવર સપ્લાય મળતો રહે છે. અલાસ્કાના શહેરે આખા શહેર માટે દસ હજાર ચોરસફૂટથી વધુ જગ્યા રોકતી કંઈક આવી જ બેટરી બેકઅપ વ્યવસ્થા ગોઠવી હતી!
આપણે જાણીએ છીએ કે આપણે અત્યારે જેને ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ તેની શરૂઆત ‘આર્પાનેટ’ તરીકે થઈ હતી અને ત્યારે માત્ર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં કમ્પ્યૂટર એકમેક સાથે કનેક્ટ થયાં હતાં. આજના દિવસે આવા એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પહેલું ઇન્ટરનેટ મેસેજ પ્રોસેસર (આઇએમપી) નામનું સાધન આપવામાં આવ્યું જેને કારણે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કમ્પ્યૂટર નેટવર્ક એકમેક સાથે કનેક્ટ થઈ શક્યા. આ જ સાધન આગળ જતાં નેટવર્ક રાઉટર તરીકે વિકસ્યાં, જેનો હવે ઘર ઘરમાં ઉપયોગ થવા લાગ્યો છે!
ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે કે કમ્પ્યૂટરની મદદથી પુસ્તક, અખબાર કે અન્ય કોઈ પણ પ્રકારનું સાહિત્ય તૈયાર કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આજે પણ પેજમેકર પ્રોગ્રામને બહુ પ્રેમપૂર્વક યાદ કરે છે (ઘણા લોકો હજી આજે પણ તેનો ઉપયોગ કરતા હશે!) આ પ્રોગ્રામ તૈયાર કરનારી આલ્ડસ નામની કંપની આજના દિવસે એડોબ (કે અડોબી) નામની બીજી કંપનીમાં ભળી ગઈ. એડોબ કંપનીને આપણે ફોટોશોપ કે પીડીએફ રીડર જેવા પ્રોગ્રામને કારણે વધુ ઓળખીએ છીએ. પરંતુ આ કંપનીના ઇલેસ્ટ્રેટર, ઇનડિઝાઇન તથા આફટર ઇફેક્ટ જેવા સોફ્ટવેર પ્રિન્ટ, ડિજિટલ પબ્લિશિંગ તથા વીડિયો ક્રિએશનના ક્ષેત્રે આખી દુનિયા પર રાજ કરી રહ્યા છે.


