આગળ શું વાંચશો?
- હવે આવે છે રોલ કરી શકાય તેવા સ્ક્રીનવાળો ફોન
- ટેક્નોલોજીના વધુ પડતા ઉપયોગ વિશે એપલના સીઇઓ શું માને છે?
- ગૂગલ ડ્રાઇવમાં કામની ફાઇલ્સ શોધવાનું વધુ સહેલું બનશે
- એમેઝોન ભારતીય વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર સાયન્સ ભણાવશે
લાંબા સમયથી ગાજી રહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન ધીમે ધીમે મેઇન સ્ટ્રીમમાં આવી રહ્યા છે. આવા સ્માર્ટફોન આપણા પોતાના કે આપણા પરિચિતોના હાથમાં પણ દેખાવા લાગ્યા છે. દરમિયાન હજી વધુ એક પ્રકારનો ફોલ્ડેબલ ફોન મળવાની શક્યતા જાગી છે. આ ફોન હાલના વચ્ચેથી ગડી વાળી શકાય તેવા ફોનને બદલે વીંટો વાળી શકાય તેવા હશે! એપલ કંપનીએ ‘રોલેબલ સ્ક્રીન’ એટલે કે ગોળ વીંટો કરી શકાય તેવા સ્ક્રીન માટે પેટન્ટ ફાઇલ કરી છે. આ પેટન્ટને ‘‘ઇલેકટ્રોનિક ડિવાઇસીસ હેવિંગ સ્લાઇડિંગ એક્સપાન્ડેબલ ડિસ્પ્લે’’ એવું નામ અપાયું છે.
આ પહેલાં સેમસંગ કંપનીએ વર્ષ ૨૦૧૯માં રોલિંગ મિકેનિઝમ ધરાવતી ડિઝાઇન માટે પેટન્ટ મેળવી છે. આવી ડિઝાઇનને કારણે સ્ક્રીનને જ્યારે અનફોલ્ડ કરવામાં આવે ત્યારે સ્ક્રીનની સાઇઝ ફોલ્ડેબલ હોય તેના કરતાં અડધો અડધ વધારી શકાય છે. શાયોમી કંપનીએ પણ આવી પેટન્ટ મેળવી છે અને ઓપો કંપનીના ઓપો-એક્સ ૨૦૨૧ ફોનમાં મોટરાઇઝ્ડ મિકેનિઝમથી સ્ક્રીન એક્સપાન્ડ કરવાની સુવિધા ઓલરેડી આવી ગઈ છે! એલજી કંપની પણ આવો ફોન લાવી રહી છે. આ બધી ડિઝાઇન એપલની ડિઝાઇન કરતાં થોડી અલગ છે.
હાલના ગડી વાળી શકાય તેવા ફોલ્ડેબલ ફોનમાં બે ભાગ વચ્ચે હિંજિસ એટલે કે મિજાગરાં રાખવા પડે છે અને તે ફૂલ સ્ક્રીન વ્યૂઇંગમાં અવરોધ ઊભો કરે છે. લાંબા ગાળે તેમાં ઘસારા કે નુકસાનની શક્યતા પણ રહે છે. રોલ કરી શકાય તેવા સ્ક્રીનમાં આ બધી તકલીફો રહેતી નથી. જોકે એપલનો આવો રોલ કરી શકાય તેવો આઇફોન ૨૦૨૪ પહેલાં માર્કેટમાં આવે તેવી શક્યતા નથી.
એપલ કંપનીના સીઇઓ ટીમ કૂકે હમણાં એક ઇન્ટરવ્યૂમાં કેટલીક નોંધપાત્ર વાતો કહી. એમની આ વાતો એપલ કેવી ટેક્નોલોજી વિક્સાવી રહી છે તેના પર ફોકસ્ડ નહોતી. તેને બદલે, તેમણે ટેક્નોલોજીના ‘વધુ પડતા ઉપયોગ’થી બચવા વિશે વધુ વાતો કરી. એમની આ વાત આપણા રોજબરોજના સ્માર્ટફોનના ઉપયોગને પણ લાગુ પડે છે.
ટીમ કૂકે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે એપલના આઇફોન કે આઇપેડનો લોકો ક્રિએટિવિટી માટે ઉપયોગ કરે તેવું તેઓ ઇચ્છે છે, ‘માઇન્ડલેસ, એન્ડલેસ સ્ક્રોલિંગ’ માટે નહીં.

વિવિધ સોશિયલ સાઇટ્સ પર, આપણે પેજને ગમે તેટલું સ્ક્રોલ કરીએ તોય તેમાં નવું કન્ટેન્ટ ઉમેરાતું જ જાય એવું જોવા મળે છે. એ જ રીતે વિવિધ ન્યૂઝ સાઇટ્સ પર પણ હવે કોઈ પણ પેજ પર, મૂળ સમાચારનો ભાગ પૂરો થાય એ પછી વિવિધ કામની, નકામી કે તદ્દન અર્થહીન જાહેરાતો દેખાવાનું શરૂ થાય છે અને એ પણ એન્ડલેસ સ્ક્રોલિંગ હોય છે, તેનો અંત આવે જ નહીં! આ ‘ઇન્ફાઇનાઇટ સ્ક્રોલિંગ’ની ટેક્નોલોજી વિક્સાવનારા અઝા રસ્કીન નામના ડેવલપરે પોતે કહ્યું છે કે તેમને કામ કર્યાનો હવે બહુ અફસોસ છે.
ટીમ કૂકે કહ્યંુ કે ‘‘હું હંમેશા માનતો રહ્યો છું કે ટેક્નોલોજી માણસની સેવા માટે છે, તેનાથી ઊંધું થવું ન જોઈએ. લોકો ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે અને મને આ વાતની કાયમ ચિંતા રહી છે. એટલે જ અમે સ્ક્રીન ટાઇમનો આઇડિયા વિક્સાવ્યો, જેથી લોકો જાણી શકે કે તેઓ પોતાના ડિવાઇસમાં ખરેખર કેટલો સમય વીતાવી રહ્યા છે.’’
ટીમ કૂકે કહ્યું કે તેઓ રોજબરોજની તાણથી બચવા મેડિટેશન કરે છે અને શક્ય એટલો વધુ સમય બહાર ખુલ્લા વાતાવરણમાં વીતાવે છે!
જો તમે તમારા સ્માર્ટફોન કે પીસી/લેપટોપમાં ગૂગલ ડ્રાઇવનો ખાસ્સો ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે તેમાં આપણે કામની ફાઇલ્સ સહેલાઈથી મળી જતી હોય છે. સ્માર્ટફોનમાં ગૂગલ ડ્રાઇવ એપમાં નીચેની તરફ જોવા મળતા મેનૂ બારમાં, સૌથી પહેલા ‘હોમ’ ટેબમાં આપણને જે ફાઇલ પર કામ કરવામાં વધુ રસ હોઈ શકે એ ફાઇલ્સ બતાવવામાં આવે છે.
આપણે પોતે જે ફાઇલ વારંવાર ઓપન કરતા હોઇએ કે આપણે જેને તાજેતરમાં એડિટ કરી હોય કે પછી આપણે કોઈ ફાઇલ અન્ય સાથે શેર કરી હોય અને તેમણે એ ફાઇલમાં ફેરફાર કર્યા હોય એવી બધી ફાઇલ્સ આ હોમ ટેબમાં જોવા મળે છે. એ જ રીતે પીસી કે લેપટોપમાં ગૂગલ ડ્રાઇવના વેબ વર્ઝનમાં સૌથી ઉપરની બાજુએ ‘સજેસ્ટેડ’ ટાઇટલ સાથે આ ફાઇલ્સ બતાવવામાં આવે છે.

સ્માર્ટફોનના હોમ ટેબ અને વેબ વર્ઝનની ઉપલી પહેલી રોમાં કઈ ફાઇલ્સ બતાવવી તે આ સર્વિસના અલ્ગોરિધમ પોતાની રીતે નક્કી કરે છે, પરંતુ તમારો પણ અનુભવ હશે કે આ કામ ખાસ્સી ચોકસાઈથી થાય છે અને આપણે જોઇતી ફાઇલ્સ સુધી આપણે ઘણી સહેલાઈ અને ઝડપથી પહોંચી શકીએ છીએ.
હવે ગૂગલ કંપની આ કામ હજી વધુ સહેલું બનાવી રહી છે. આ સગવડ ક્રોમ ડેસ્કટોપ બ્રાઉઝરમાં મળશે. એ ફીચર મળ્યા પછી આપણે ક્રોમ બ્રાઉઝરમાં નવી ટેબ ઓપન કરીશું ત્યારે ગૂગલ ડ્રાઇવમાંની હાલમાં આપણને વધુ ઉપયોગી હોય તેવી ફાઇલ્સ જોવા મળશે (લોગ-ઇન હોઈશું ત્યારે). વર્ષ ૨૦૧૯થી ક્રોમ બ્રાઉઝરના યુઆરએલ બારમાં જ ગૂગલ ડ્રાઇવમાંની ફાઇલ્સ સર્ચ કરીને ઓપન કરવાની સગવડ મળી ગઈ છે એ કદાચ તમે જાણતા હશો.
ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની અન્ય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સાથમાં અવારનવાર વિશ્વભરના સ્ટુડન્ટ્સ માટે ઉપયોગી ઓનલાઇન કોર્સિસ તદ્દન ફ્રી અથવા ખાસ્સા સબસિડાઇઝ્ડ ચાર્જ પર ઓફર કરતી હોય છે. હવે એમેઝોન કંપની પણ તેમાં જોડાઈ છે. હાલમાં ભારતમાં એમેઝોન કંપનીને ‘નવા સમયની ઇસ્ટ ઇન્ડિયા કંપની’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે. કંપની કદાચ આ છાપ ભૂંસવાનો પ્રયાસ કરી રહી હોય તો નવાઈ નહીં, પણ આપણો તેમાં ફાયદો છે. કંપનીએ ગયા અઠવાડિયે એમેઝોન ફ્યુચર એન્જિનીયર (એએફઈ) નામનો તેનો ગ્લોબલ કમ્પ્યૂટર સાયન્સ એજ્યુકેશન પ્રોગ્રામ ભારતમાં લોન્ચ કર્યો.
લોન્ચિંગના પહેલા વર્ષમાં આ પ્રોગ્રામ હેઠળ ભારતનાં સાત રાજ્યોમાંની ૯૦૦ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલ્સના એક લાખથી વધુ વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર સાયન્સના ફ્રી કોર્સમાં જોડાવાની તક મળશે. હાલમાં આ પ્રોગ્રામમાં કર્ણાટક, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓરિસ્સા અને તેલંગણા રાજ્યોની સ્કૂલ્સના વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. એટલે કે હાલમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ કોર્સમાં જોડાવાની તક નથી. એમેઝોન કંપનીએ તેના આ પ્રોગ્રામ હેઠળ યુએસએ, યુકે, કેનેડા અને ફ્રાન્સના ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર સાયન્સનો પ્રારંભિક પરિચય મેળવવામાં મદદ કરી છે. ભારતમાં આ પ્રોગ્રામમાં ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પર ફોકસ કરવામાં આવશે. આ પ્રોગ્રામ હેઠળ કોડિંગની પાયાની જાણકારી ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (વોઇસ ટેકનોલોજી) વિશે ભારતીય ભાષાઓમાં શીખવવામાં આવશે. આવનારાં વર્ષોમાં આ કોર્સ ભારતનાં અન્ય રાજ્યોમાં પણ વિસ્તારવામાં આવે તેવી શક્યતા છે.

