કોરોના લોકડાઉન પછી લોકોની કથળેલી આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે અનેક મોબાઇલ લોન એપ્સ ફૂટી નીકળી છે એ વિશે ‘સાયબરસફર’માં વિગતવાર વાત કરી ગયા છીએ. આમાંથી સંખ્યાબંધ એપ્સનાં મૂળ ચીનમાં હોવાની પણ નિષ્ણાતોએ વારંવાર આશંકા વ્યક્ત કરી છે.
ફટાફટ, અપૂરતા દસ્તાવેજોને આધારે લોકોને નાની રકમની લોન આપ્યા પછી તેની વસૂલી માટે બધા પ્રકારની રીતરસમોનો ઉપયોગ થવા લાગ્યો છે. છેવટે ગૂગલે આવી એપ્સને તેના પ્લે સ્ટોરમાંથી દૂર કરવાનું શરૂ કર્યું છે.
ગયા અઠવાડિયે ગૂગલે આવી સંખ્યાબંધ એપ દૂર કરી છે અને તેની સાથોસાથ અન્ય એપ્સને નિયમોના સખ્તાઈથી પાલન વિશે ચેતવણી આપી છે. અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં ગૂગલ પરથી આવી સાડા ચારસોથી વધુ એપ્સને દૂર કરવામાં આવી છે.

