તમે ‘સાયબરસફર’નો આ અંક હાથમાં લીધો (અથવા વેબસાઇટમાં અંક ઓપન કર્યો!) અને જુદા જુદા લેખો વાંચતાં વાંચતાં આ લેખ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં હિમાલયમાં કેટલો વધુ બરફ જમા થયો હશે? અથવા ગંગા નદીની કેટલું પાણી સમુદ્રમાં સમાઈ ગયંુ હશે? અથવા પૃથ્વી પરનાં કેટલાં વૃક્ષો કપાઈ ગયાં હશે?
આ બધી કુદરતી બાબતો છે. નિષ્ણાતો જુદી જુદી ત્રિરાશી માંડીને તેના અંદાજ કાઢી શકે, પણ એકદમ સચોટ આંક કહેવા મુશ્કેલ છે.
બીજી તરફ, તમે આ લખાણ આટલે સુધી વાંચ્યું એટલી વારમાં જગતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા કેટલી વધી? વેબસાઇટ્સની સંખ્યા કેટલી વધી? કેટલા ઈ-મેઇલ્સની આપલે થઈ? ગૂગલ પર કેટલી સર્ચ થઈ? કેટલી નવી બ્લોગ પોસ્ટ લખાઈ? કેટલી નવી ટ્વીટ્સ થઈ? ઇન્સ્ટાગ્રામ પર કેટલા ફોટો અપલોડ થયા? કેટલા વીડિયો જોવાયા? …આ યાદી હજી ઘણી લંબાઈ શકે તેમ છે.
આ બધા આંકડાનો દેખીતો કોઈ અર્થ નથી, પણ તેનાથી ઓનલાઇન ડેટા કેટલી ઝડપે વધી રહ્યો છે તેનો અંદાજ જરૂર મળે છે. વિશ્વના કેટલાક ડેવલપર્સ, રિસર્ચર્સ અને એનાલિસ્ટ્સે ભેગા વળીને www.internetlivestats.com/ નામે એક વેબસાઇટ વિક્સાવી છે. આ વેબસાઇટ પર તેઓ ઇન્ટરનેટ પર દર સેકન્ડે ઉમેરાતા જતા જુદા જુદા પ્રકારના ડેટાને લાઇવ અને વિઝ્યુઅલ ફોર્મમાં રજૂ કરે છે. ‘લાઇવ અને વિઝ્યુઅલ’ એટલે શું એ તમે સાઇટ પર જઈને જોશો તો બરાબર સમજાશે!
અલબત્ત, શરૂઆતમાં જેમ કુદરતી બાબતો લખી, એ જ રીતે આ માનવસર્જિત બાબતોમાં આંકડા વધુ ચોક્સાઈપૂર્વક ઉપલબ્ધ હોવા છતાં આખરે ત્રિરાશીથી અંદાજ જ બાંધવાનો થાય છે. આ સાઇટ નિયમિત રીતે, ૨૫૦થી વધુ સત્તાવાર સ્રોતમાંથી વિવિધ પ્રકારનો ડેટા એકઠો કરે છે, તેને પ્રોસેસ કરે છે અને પછી જે તે ક્ષણ વિશે શક્ય એટલો સચોટ અંદાજ બાંધીને તે આપણને દર્શાવે છે. સાઇટ પર ‘આજે’ (આપણા કમ્પ્યુટરની ઘડિયાળ મુજબ) અને ‘આ વર્ષમાં’ એટલે કે જે તે વર્ષના પહેલા દિવસથી જે તે ક્ષણ સુધીનો ડેટા પણ જોઈ શકાય છે.
આટલો બધો ડેટા એકઠો થાય એટલે દેખીતું છે કે તેને વિવિધ રીતે જોઈ શકાય. સાઇટ પર દેશ મુજબ ઇન્ટરનેટનો ઉપયોગ, ગૂગલ સર્ચ, ટ્વીટ્સ ટ્રેન્ડ્સ વગેરે આંકડાકીય માહિતી પણ જોઈ શકાય છે. થોડી ફુરસદ હોય ત્યારે ઇન્ટરનેટનો વ્યાપ સમજવા આ સાઇટ તપાસવા જેવી છે!

