આપણે દિવસ-રાત સતત જેને હાથમાં લઈને ફરીએ છીએ એ આપણો વ્હાલો સ્માર્ટફોન આપણો સૌથી મોટો જાસૂસ છે એ તો હવે આપણે સૌ જાણીએ છીએ. ‘વોટ્સએપમાં હવે જરાય પ્રાઇવસી રહી નથી’ કે ‘ફેસબુક આપણો બધો ડેટા ચોરી જાય છે’ એ પણ આપણે જાણીએ છીએ – પણ આ પ્રાઇવસીનો ભંગ એટલે એક્ઝેક્ટલી શું? આપણો ડેટા એટલે ચોક્કસપણે કયો ડેટા?
આ બાબતે આપણામાંથી ઘણા ખરા લોકોને ગૂૂંચવણ હોય છે!
આ વિષયના સંદર્ભમાં, પ્રાઇવસીના ભંગનો સાદો અર્થ એટલો કે સ્માર્ટફોન કે ઇન્ટરનેટ પર જુદી જુદી એપ્સ અને વેબસાઇટ્સ પર આપણે જે કંઈ કરીએ, જોઈએ, વાંચીએ, સાંભળીએ, એ બીજું કોઈ પણ જાણે, આપણી મરજી વિના જાણે અને પછી એ માહિતી બીજાને પણ વહેંચે કે વેચે (બંનેમાં ફેર છે!) તો એ આપણી પ્રાઇવસીનો ભંગ થયો કહેવાય. એક ડગલું આગળ વધીને, આપણી પ્રવૃત્તિ વિશેની આ બધી માહિતી, આપણી ઓળખ છતી થાય એ રીતે એકઠી કરવામાં આવે તો એ આપણી પ્રાઇવસીનો સદંતર ભંગ થયો કહેવાય.
સ્માર્ટફોન કે પીસીમાં બ્રાઉઝરમાં આપણે કોઈ પણ વેબસાઇટ ખોલીએ ત્યારે તેના એડ્રેસ પહેલાંની તાળાની નિશાની પર ક્યારેક ક્લિક કરજો. એ વેબપેજ પરથી કેટલી કૂકીઝ આપણા બ્રાઉઝરમાં ઘૂસી એ જોવા મળશે. એ વેબપેજ પર જાહેરાતોની ભરમાર હશે તો કૂકીઝની સંખ્યા સહેજે ૧૦૦ની ઉપર જશે. આમાંના ઘણા ખરા (બધા નહીં) આપણા પર નજર રાખતા જાસૂસ છે! વેબસાઇટની જેમ દરેક સ્માર્ટફોનમાંની એપમાં આપણો અનેક જાતનો ડેટા મેળવતા ટ્રેકર સામેલ હોય છે.
થેંક્સ ટુ એપલ, હવે આપણે જાણી શકીએ છીએ કે કઈ એપ, આપણો કયો કયો ડેટા, કયા હેતુ માટે મેળવે છે!
વોટ્સએપની નવી શરતોના વિવાદ પછી, પ્રાઇવસી હોટ ટોપિક બની છે ત્યારે આ સાથેની ઇમેજમાં સિગ્નલ, આઇમેસેજ, વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર એપ્સ આપણો કયો ડેટા, કયા હેતુ માટે મેળવે છે તેની પર એક નજર ફેરવી જુઓ.
વિવિધ એપ્સ આપણો ડેટા એકઠો કરે છે, પણ ચોક્કસપણે કયો ડેટા એ વિશે તમને ગૂંચવણ હોય, તો આ ઇમેજ ઘણી ગૂંચ દૂર કરશે. છેલ્લા ઘણા સમયથી યૂઝરની પ્રાઇવસી પર વધુ ભાર મૂકી રહેલી એપલ કંપનીએ આપણે માટે આ બાબતો વધુ સ્પષ્ટ કરવાની શરૂઆત કરી છે.
‘સાયબરસફર’માં અગાઉ આપણે વાત કરી ગયા છીએ કે એપલે તેના એપ સ્ટોરમાં મુકાતી દરેક એપ માટે એ એપ યૂઝરનો ક્યો ક્યો ડેટા મેળવે છે ને તેનો કેવા હેતુ માટે ઉપયોગ કરે છે એ બતાવવું એપના ડેવલપર માટે ફરજિયાત બનાવ્યું છે. આ બાબતે ફેસબુકને એટલું લાગી આવ્યું કે તેણે અમેરિકાનાં અખબારોમાં એપલના આ કદમ સામે, આખેઆખાં પાનાં ભરીને ‘આનાથી નાના બિઝનેસીઝને મોટું નુક્સાન થશે’ એવી કાગારોળ મચાવી.
હકીકત એ છે કે અત્યાર સુધી વેબસાઇટ્સ, એપ્સ, સોશિયલ મીડિયા કંપનીઓ, ડેટા બ્રોકર્સ, એડવર્ટાઇઝિંગ નેટવર્કસ વગેરે સૌનું બનેલું અત્યંત કોમ્પ્લેક્સ જાળું ઇન્ટરનેટ પર આપણે જે કંઈ કરીએ તેનું પગેરું દબાવીને વિરાટ પ્રમાણમાં આપણો પર્સનલ ડેટા એકઠું કરતું રહ્યું છે. આ તમામ ડેટાને એકમેક સાથે સાંકળીને, એકબીજા સાથે શેર કરીને તેમાંથી નાણાં ઊભાં કરવામાં આવે છે. આ ઉદ્યોગ વર્ષે ૨૨૭ અબજ ડોલરનો તોતિંગ બિઝનેસ બની ગયો છે.
આખા દિવસ અને રાત દરમિયાન આપણી વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયાની સતત ભેળસેળ થતી રહે છે કારણ કે આપણે જ્યાં જઇએ ત્યાં આપણો સ્માર્ટફોન આપણી ભેગો ને ભેગો હોય છે. પરિણામે આપણી જાણ સાથે અને ઘણી વાર આપણી જાણ વિના, આપણી સતત જાસૂસી ચાલુ રહે છે. હવે એપલે ડેવલપર્સ માટે ટ્રેકિંગની વિગતો આપવાનું ફરજિયાત બનાવ્યું, તેને કારણે કમ સે કમ આપણે જાણી શકીશું કે આપણું કઈ રીતે ટ્રેકિંગ થાય છે. તે ઉપરાંત એપ દ્વારા આપણું ટ્રેકિંગ થવા દેવું કે નહીં તે પણ આપણે નક્કી કરી શકીશું. આનો ફાયદો એ થયો છે કે હવે ઓનલાઇન પ્રાઇવસી શું છે અને આપણી પ્રાઇવસીનો કેવી રીતે ભંગ થાય છે એ આપણે વધુ સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ.
આ બધું આઇઓએસ એપ્સને સંબંધિત છે, એન્ડ્રોઇડ એપ્સની સ્થિતિ તો હજી વધુ ખરાબ છે!

