(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડિજિટલ ઇન્ડિયાઃ આપણા હેલ્થ રિપોર્ટ્સ, હવે ડિજિટલ!

સરકારે તો પહેલ કરી, આપણે કેટલો ભરોસો મૂકીશું? પોતાના રોગ ને સારવારની વિગતો ડિજિટલી સાચવતાં લોકો શરૂઆતમાં ખચકાશે, પણ લાંબા ગાળે તેનાથી દેશની આરોગ્ય સેવાની તબિયત સુધરશે.

સસલાના આગલા બે પગ જેટલું જોર લગાવી કૂદી શકે, એટલું જોર તેના પાછલા પગ લગાવી શકતા નથી. અત્યારે ભારતમાં કંઈક આવું ચાલી રહ્યું છે! હજી હમણાં સુધી આપણને ફરિયાદ હતી કે સરકાર કંઈ કરતી નથી, અને હવે, ખાસ કરીને ટેક્નોલોજીના ઉપયોગ બાબતે સરકાર હરણફાળ ભરવા લાગી છે, તો આપણે પ્રજા તરીકે તેના ઉપયોગ બાબતે ઉદાસીન રહીએ છીએ!

આંગળીના ઇશારે, ચોવીસે કલાક, આપણા બેન્ક ખાતામાંથી સીધા બીજા કોઈના ખાતામાં રકમ મોકલવવાની યુપીઆઇ વ્યવસ્થા વિશ્વ માટે નવી હતી, પણ એના ઉપયોગનો શરૂઆતમાં આપણને ઉત્સાહ નહોતો. કોરોના આવ્યો ને ધરાર કોન્ટેક્ટલેસ પેમેન્ટ અપનાવવું પડ્યું ત્યારે આપણને થયું કે આ રીત પણ ખોટી નથી! હવે યુપીઆઇ વ્યવસ્થા વિશ્વના અન્ય દેશો વખાણી રહ્યા છે.

નવા પાસપોર્ટ માટે અરજી કરીએ ત્યારે સત્તર જાતનાં કાગળિયાંની નકલો કરાવવાની જફા આપણને મંજૂર છે પણ એ બધાં ડોક્યુમેન્ટ્સ ડિજિલોકરમાં સાચવી ત્યાંથી એક-બે ક્લિકથી શેર કરવાની રીત અપનાવતાં આપણે ખચકાઈએ છીએ (ડિજિલોકર ફ્ક્ત પાસપોર્ટ માટે નહીં, બીજી કેટલીય બાબતો માટે આપણાં ડોક્યુમેન્ટ્સ સાચવવાની અને અધિકૃત રીતે શેર કરવાની સગવડ આપે છે).

એટલે, હમણાં ‘આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન’ હેઠળ સમગ્ર દેશની હેલ્થકેર સિસ્ટમને ડિજિટલી એકમેક સાથે કનેક્ટ કરી, આપણા હેલ્થ રેકોર્ડ્સને ડિજિટલ સ્વરૂપે સાચવવાની અને એ જ સ્વરૂપે શેર કરવાની જે પહેલ થઈ છે, તેને આપણે સૌ કેટલી ઝડપથી અપનાવીએ છીએ એ એક મોટો સવાલ છે. તેની શરૂઆત ૨૦૨૦માં થઈ હતી અને છ કેન્દ્રશાસિત પ્રદેશમાં પાઇલોટ ટેસ્ટિંગ પછી તેને  દેશભરમાં લાગુ કરવામાં આવી છે.

આ વ્યવસ્થાને આધાર કાર્ડ જેટલી વ્યાપક અને ક્રાંતિકારી માનવામાં આવે છે, પરંતુ વાત સ્વાસ્થ્યની, બીમારીને સંબંધિત હોવાથી, તેમાં પ્રાઇવસીના મુદ્દે આધાર કરતાં પણ વધુ મોટા વિવાદો થવાની પૂરી સંભાવના છે.

અત્યારે સમગ્ર દેશની આરોગ્ય સેવાઓ લગભગ કોઈ રીતે કનેક્ટેડ નથી. આ વ્યવસ્થામાં બધું જ એકમેક સાથે સંકળાશે. સરકાર પોતે આપણા હેલ્થ રેકોર્ડ્સ એકઠા કરીને સાચવશે નહીં. એ અત્યારે જ્યાં રહે છે ત્યાં, વત્તા આપણા ડિવાઇસમાં સચવાશે.

ઉપરાંત, આ આખી  વ્યવસ્થા લોકો માટે સ્વૈચ્છિક હોવાથી લોકો કેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ કરશે એ બહુ મોટો પ્રશ્ન છે. સરકાર તેને આગળ ધપાવવા, આરોગ્ય સંબંધિત વિવિધ સરકારી લાભને આ વ્યવસ્થા સાથે સાંકળશે એ પણ નક્કી છે.

આ વ્યવસ્થાના મૂળમાં ફક્ત સામાન્ય નાગરિકને તેના હેલ્થ રેકોર્ડ્સને ડિજિટલ સ્વરૂપે સાચવવાની સગવડ આપવાની વાત નથી. તેનો મુખ્ય હેતુ સમગ્ર દેશની આરોગ્ય સેવાઓને એકમેક સાથે સાંકળી, નવી ટેક્નોલોજીની મદદથી આરોગ્ય સેવાઓને સુધારવાનો છે. અત્યારે આપણે, એક યૂઝરના દૃષ્ટિકોણથી આ આખી વાત શી છે એ સમજી લઈએ. હેલ્થની જેમ ઈ-કોમર્સમાં પણ આવી રીતે, બધું જ એકમેક સાથે સાંકળતી વ્યવસ્થા આવી રહી છે!

ડિજિટલ હેલ્થ રોકોર્ડ્સની વ્યવસ્થા કેવી રીતે કામ કરશે?

આ આખી વ્યવસ્થાના મુખ્ય ચાર હિસ્સા છે, આપણે દરેકનો પરિચય મેળવીએ ને પછી ‘આદર્શ સ્થિતિ’નું ઉદાહરણ પણ જાણીએ. આ ઉદાહરણ બતાવે છે કે આ આખી વ્યવસ્થા ઊભી કરવા પાછળ લાંબા ગાળાનો ઉદ્દેશ શો છે.

સમગ્ર વ્યવસ્થાના કેન્દ્રમાં ભારતના દરેક નાગરિક માટેનું આધાર કાર્ડ જેવું હેલ્થ આઇડી છે. આપણે એક નિશ્ચિત એપ અથવા સાઇટ પર જઇને પોતાનું હેલ્થ આઇડી જનરેટ કરી શકીશું. એટલું યાદ રાખવા જેવું છે કે આ કામ સ્વૈચ્છિક છે. આપણે ઇચ્છીએ તો આ વ્યવસ્થામાં જોડાઈ શકીએ છીએ અને તેનો લાભ લઈ શકીએ છીએ, પરંતુ તે ફરજિયાત નથી. ઉપરાંત જ્યારે ઇચ્છીએ ત્યારે આપણું હેલ્થ આઇડી ડીલિટ કરી શકીએ છીએ તેમજ તેમાં સ્ટોર થયેલો તમામ ડેટા પણ ડીલિટ કરી શકીએ છીએ.

હેલ્થ આઇડી જનરેટ કરવાના બે રસ્તા છે. આપણે મોબાઇલમાં હેલ્થ રેકોર્ડ્સ (NDHM Health Records, National Health Authority, Medical) એપ ઇન્સ્ટોલ કરીને તેમાં અથવા https://healthid.ndhm.gov.in સાઇટ પર જઇને પોતાનો મોબાઇલ નંબર અથવા આધાર નંબર આપીને હેલ્થ આઇડી જનરેટ કરી શકીશું. આ આઇડી ૧૪ ડિજિટનો રહેશે. તે દરેક વ્યક્તિ માટે યુનિક હશે. અલબત્ત એક વ્યક્તિ ઇચ્છે તો એકથી વધુ હેલ્થ આઇડી પણ જનરેટ કરી શકશે. એવું લાગે છે કે સ્વાસ્થ્ય એ અંગત અને સંવેદનશીલ મુદ્દો હોવાથી સરકાર આ બાબતે કોઈ નિયંત્રણો લાદવા માગતી નથી.

આપણે હોસ્પિટલ, લેબ, ડોક્ટર વગેરે સર્ચ કરી તેની સેવા મેળવી શકીશું. આ પ્લેટફોર્મ માત્ર બધા વચ્ચે કનેક્ટિવિટી આપશે.

લોકો જુદા જુદા રોગની હિસ્ટ્રી સાચવવા માટે અલગ અલગ આઇડી જનરેટ કરી શકે છે. જોકે એક વ્યક્તિ એક જ આઇડી જનરેટ કરે અને તેમાં પોતાનો તમામ હેલ્થ રેકોર્ડ સાચવે તે વધુ હિતાવહ છે. આપણે પર્સનલ હેલ્થ રેકોર્ડ (પીએચઆર) એડ્રેસ પણ પસંદ કરી શકીશું. યુપીઆઇની જેમ, આ આઇડી name@ndhm જેવું બનશે. આ એડ્રેસ આપણા હેલ્થ આઇડી એકાઉન્ટ માટેનું યૂઝરનેમ બનશે. હેલ્થ આઇડી જનરેટ કરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન છે. તેમાં કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર નથી.

 બાળકનો જન્મ થાય ત્યારથી તેનો હેલ્થ ડેટા  ડિજિટલ સ્વરૂપે સાચવવા માટે બાળકનું હેલ્થ આઇડી ક્રિએટ કરવાની સગવડ આપવા પર અત્યારે કામ ચાલી રહ્યું છે. એ જ રીતે બેંક ખાતાની જેમ હેલ્થ આઇડી માટે આપણે નોમિની ઉમેરી શકીએ તેવી સગવડ આપવા પર પણ કામ ચાલી રહ્યું છે.

સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય સેવાને સંબંધિત જેટલી અલગ અલગ વ્યવસ્થા છે એ બધીની આ વ્યવસ્થા હેઠળ એક સેન્ટ્રલ રજિસ્ટ્રી તૈયાર થઈ રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ, દવાખાનાં, ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ, ઇમેજિંગ સેન્ટર્સ, ફાર્મસી વગેરે તમામ રજિસ્ટ્રીમાં જોડાઈ રહ્યાં છે. આ રીતે આખા દેશની એક ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ તૈયાર થશે.

સમગ્ર દેશમાં આધુનિક કે પરંપરાગત સારવાર પદ્ધતિ મુજબ આરોગ્ય સેવા પૂરી પાડતા પ્રોફેશનલ્સની પણ એક રજિસ્ટ્રી તૈયાર થશે. આ રીતે એલોપથી ડોક્ટર્સ, આયુર્વેદિક વૈદાચાર્યો, હોમિયોપથિક કન્સલ્ટ્સ વગેરે સૌ પણ દેશની ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમમાં જોડાશે.

આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સાથે જોડાયેલ હોય એવી કોઈ પણ હેલ્થકેર ફેસિલિટી એટલે કે હોસ્પિટલ, ક્લિનિક કે લેબોરેટરી તથા આ વ્યવસ્થામાં રજિસ્ટ્રેશન કરનાર કોઈ પણ ડોક્ટર, વૈદ્ય વગેરેની આપણે સેવા લઇશું ત્યારે તેમના તરફથી આપણો જે હેલ્થ રેકોર્ડ તૈયાર થશે તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આપણા હેલ્થ આઇડી એકાઉન્ટમાં સાચવી શકાશે.

આ માટે એક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં હેલ્થ રેકોર્ડ તૈયાર કરાશે.  આ એક ભગીરથ કામ હશે કેમ કે દરેક ડોક્ટર, સંસ્થાએ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ અપનાવવું પડશે.

આ વ્યવસ્થા ઇન્ટરઓપરેબલ રહેશે એટલે કે એક હોસ્પિટલ તરફથી તૈયાર થયેલો આપણો હેલ્થ રેકોર્ડ ડેટા બીજી હોસ્પિટલને માત્ર એક બે ક્લિકથી શેર કરી શકાશે.

એ ખાસ યાદ રાખવા જેવું છે કે આ બધું જ સ્વૈચ્છિક છે. આપણે પોતે ઇચ્છીએ તો પોતાનો હેલ્થ રેકોર્ડ ડિજિટલ ફોર્મેટમાં સાચવી શકીશું અને આપણે પોતે જેને મંજૂરી આપીએ તે જ આપણો ડિજિટલ હેલ્થ રેકોર્ડ જોઈ શકશે.

માની લો કે કોઈ અંતરિયાળ ગામડામાં કોઈ વ્યક્તિ બીમાર પડી. એ પહેલાં સ્થાનિક ડોક્ટરની સલાહ લેશે. એ તેને શહેરનો ડોક્ટરને બતાવવાનું કહેશે. રોગી ભલે ગામડામાં હોય, તેની પાસે સ્માર્ટફોન તો છે. એ નવા પ્લેટફોર્મ પર શહેરના ડોક્ટર શોધી તેમનું ટેલિકન્સલ્ટેશન મેળવશે, તેમને યુપીઆઇથી પેમેન્ટ કરશે. એ ડોક્ટર જે ટેસ્ટ કરાવવાનું કહેશે તેને માટે આ પ્લેટફોર્મ પરથી લેબોરેટરી શોધી, ત્યાંના રિપોર્ટ મેળવશે. એ રિપોર્ટ્સ શહેરના પેલા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે ડિજિટલી શેર કરશે. ડોક્ટર જે દવા કહેશે, એ પ્લેટફોર્મ પર જ સર્ચ કરી, જેનરિક સ્ટોરમાંથી ઘેરબેઠાં મંગાવશે. તેનો રોગ સમયસર કાબુમાં આવશે ને આ બધો રેકોર્ડ તેના એકાઉન્ટમાં જળવાઈ રહેશે, જેથી ભવિષ્યમાં ફરી તકલીફ થાય, નવા કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવવાનું થાય તો એ બહુ ઝડપથી બધો ઇિતહાસ જાણી શકે. ઇમર્જન્સી સમયે પણ આ રેકોર્ડ જીવન બચાવી શકે.

આવું આદર્શ રીતે શક્ય બનશે, વાસ્તવિક રીતે કેટલું થશે એ સમય કહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!