કોરોનાની બીજી લહેર સાવ ઓસરી ગઈ છે અને ત્રીજી લહેર સદભાગ્યે આ લખાય છે ત્યારે તો આવી નથી! પરિણામે બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ્સ તથા કોલેજ ફરી ખૂલી ગયાં છે. જેમ ઓફિસમાં હવે હાઇબ્રિડ કલ્ચર ઘૂસી ગયું છે એમ સ્કૂલ્સમાં પણ હજી ઓનલાઇન અને ઓફલાઇનની ભેળસેળ ચાલી રહી છે. બધું સાવ નોર્મલ થશે કે નહીં એ જ સ્પષ્ટ નથી ત્યારે ક્યારે થશે એની તો વાત જ શી કરવી?
શિક્ષણ ખરેખર ચિંતાજનક હદે ખોરવાઈ ગયું છે ત્યારે એક સારી વાત એ છે કે હવેાના સમયમાં શિક્ષણની રીત જ બદલાઈ રહી છે. અત્યારે સ્કૂલિંંગ ઓનલાઇન થઈ ગયું છે, એટલા પૂરતી આ વાત નથી.
અત્યાર સુધી આપણે સૌ ક્લાસરૂમમાં ટીચર બોલે અને આપણે સાંભળીએ (અથવા એવો ડોળ કરીએ!) એ રીતે ભણ્યા છીએ. થોડાં વર્ષોથી એમાં થોડું પરિવર્તન આવ્યું અને એક્ટિવિટી તથા પ્રોજેક્ટ્સ બેઝ્ડ લર્નિંગ પર ભાર મૂકાવા લાગ્યો. છતાં શિક્ષણનું મૂળ માળખું બદલાયું નથી. વર્ષોથી આ માળખું એવું જડબેસલાક ગોઠવાયું છે કે વિદ્યાર્થી, શિક્ષક અને મા-બાપ,, આપણે સૌ એજ્યુકેશન પર નહીં, પણ માર્ક્સ પર ફોકસ્ડ રહીએ છીએ.
પરિણામે શિક્ષણ પરીક્ષાકેન્દ્રિત બની જાય છે. આ તકલીફ આપણી આખી શિક્ષણ વ્યવસ્થાની છે. લોકશાહી માટે ચૂંટણી સૌથી સારી વ્યવસ્થા નથી, પણ એથી વધુ સારી વ્યવસ્થા મળતી નથી. એ જ રીતે, વિદ્યાર્થીનું ભણતર માપવા માટે ત્રણ કલાકની પરીક્ષા સૌથી સચોટ વ્યવસ્થા નથી, પણ શિક્ષણશાસ્ત્રીઓને એથી વધુ સારી રીત મળતી નથી!
સદનસીબે, આ વર્ષોજૂના ગઢના કાંગરા હવે ખરવા લાગ્યા છે. જગવિખ્યાત યુનિવર્સિટીઝ પોતાના કોર્સીઝ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરવા લાગી છે. સંખ્યાબંધ ઓનલાઇન એકેડમી એવી ખૂલી છે, જેમાં જોડાઈને આપણે દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટના કોર્સનો લાભ લઈ શકીએ છીએ.
આ કોર્સ તૈયાર કરવામાં એવી કંપનીઓ પણ જોડાઈ છે, જે પોતાની જરૂરિયાત અનુસારના એમ્પ્લોઇને પોતે જ એજ્યુકેટ કરવા માગે છે. એમાંના ઘણા કોર્સ તો બિલકુલ ફ્રી હોય છે. કોર્સ પાસ કર્યાનું સર્ટિફિકેટ જોઈતું હોય, એના આધારે નોકરી મેળવવી હોય કે બદલવી હોય તો રૂપિયા ચૂકવો, બાકી સર્ટિફિકેટ વિના નોલેજ ફ્રી છે!
આવા કોર્સમાં જોડાયા પછી, આપણે આપણી ગતિએ, આપણી અનુકૂળતાએ કોર્સમાં આગળ વધી શકીએ. એમાં ટીચર કહે એટલે નહીં, પણ આપણે શીખવું હોય એટલે શીખવાનું!
આવા કોર્સ હાલની સ્કૂલ-કોલેજનું સ્થાન લઈ લે એ દિવસો હજી દૂર છે, પણ દુનિયા ધીમી છતાં મક્કમ ગતિએ એ જ તરફ આગળ વધી રહી છે.
‘સાયબરસફર’માં આપણે આ પરિવર્તનની અવારનવાર વાત કરી છે. એ જ દિશામાં આગળ વધતાં, અહીં ત્રણ પ્રકારની અને ત્રણ સ્તરની સાઇટ્સ કે સર્વિસની વાત કરી છે. પહેલા સ્તરે, નાનાં બાળકો માટે બિલકુલ ઇન્ફોર્મલ કે સ્કૂલ મુજબના એજ્યુકેશનની વાત છે. બીજા સ્તરે, ખાસ કરીને ટેક્નોલોજીના ફીલ્ડમાં, કોડિંગ અને પ્રોગ્રામિંગ શીખવતી સાઇટ્સની વાત છે અને ત્રીજા સ્તરે કોલેજમાં પહોંચેલા કે નોકરીમાં ગોઠવાઇ ગયેલા લોકો માટે પોતાના સમયે પોતાનું જ્ઞાન વિસ્તારવાની તકોની વાત છે.
હવે સ્કૂલ્સમાં રાબેતા મુજબ શિક્ષણ શરૂ થાય તો પણ, ખરેખર ભાર વિના ભણતર મેળવવામાં મદદરૂપ થતી આ સાઇટ્સ વિશે જાણવા જેવું છે અને તેમાં ઊંડા ઊતરવા જેવું છે – સૌએ!
વાતની શરૂઆત પાયાથી કરીએ. તમારું બાળક સ્કૂલના પાંજરે પૂરાય એ પહેલાં એને ખરેખર રમતાં રમતાં શીખવાનો નાદ લગાવવો હોય તો આ સાઇટ તપાસો.

નાની-નાની હલકીફુલકી ગેમ્સથી અહીં ભૂલકાં ગણિત અને ખાસ તો રીયલ લાઇફમાં એનો ઉપયોગ સમજવા લાગે છે. સાઇટ પર પ્રીસ્કૂલથી માંડીને આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને, આડકતરી ને મજાની રીતે અભ્યાસમાં ઉપયોગી થાય એવી પાર વગરની ગેમ્સ, વીડિયો, બુક્સ, કોમિક્સ વગેરેનો ખજાનો છે.
બધું છે ઇંગ્લિશમાં, પણ ગેમ્સ રમવાની વાત હોય તો ભાષા અંતરાય બનતી નથી, ઉલટાની એ જ નવી ભાષા શીખવા-સમજવાનું માધ્યમ બની શકે છે. તમે પોતે યંગ પેરેન્ટ હો તો વોટ્સએપ કે ઇન્સ્ટામાંથી થોડો સમય ચોરી, ફનબ્રેઇન કે તેના જેવી બીજી સાઇટ્સ તપાસી જુઓ. પછી ટાબરિયાં સાથે તમે પોતે ગેમ્સ રમશો તો તમારું બોન્ડિંગ વધશે અને બાળકની યોગ્ય કેળવણી શરૂ થઈ જશે!

તમે પોતે વિદ્યાર્થી તરીકે કે સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા માટે સ્કૂલ અને ટેક્સ્ટબુક્સ ઉપરાંતના એજ્યુકેશન સોર્સીઝ શોધ્યા હશે તો ‘ખાન એકેડમી’નું નામ અચૂક સાંભળ્યું હશે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક ગ્રેજ્યુએટે પોતાના ભત્રીજાને મેથ શીખવવા માટે નાના વીડિયો બનાવ્યા, એ નાનું પગલું આજે વિરાટ ઓનલાઇન સ્કૂલ બની ગયું છે. સ્કૂલ એટલા માટે કહેવું પડે કે તેમાં સ્કૂલ્સને મદદરૂપ થતા, સ્કૂલના અભ્યાસક્રમને અનુરૂપ વિવિધ કોર્સનું સ્ટ્રક્ચર ગોઠવવામાં આવ્યું છે. આ સાઇટનું કન્ટેન્ટ હવે હિન્દી તો ઠીક, ગુજરાતીમાં પણ ઉપલબ્ધ થઈ ગયું છે. મોટા ભાગનું કન્ટેન્ટ વીડિયો સ્વરૂપે છે. વિદ્યાર્થીઓ ઉપરાંત, ટીચર્સ અને પેરેન્ટને પણ ઉપયોગી થાય એવું ઘણું બધું અહીં છે.
સાઇટનું ફોકસ પહેલાં વિદ્યાર્થીની સમજમાં જે ઉણપ રહી ગઈ હોય તે પૂરવાનું અને પછી જોશભેર આગળ વધવાનું છે. સાઇટ પર એકથી ૧૨ ધોરણના ગણિત, વિજ્ઞાન તથા અન્ય વિષયોના વીડિયો કોર્સ મળશે.
તમે ‘ટેડ ટોક’ વિશે સાંભળ્યું હશે (ભારતમાં તેનો ટીવી પરનો શો શાહરૂખે હોસ્ટ કર્યો હતો). ટેડ સંસ્થા વિવિધ વિષયોના એક્સપર્ટ્સનાં ટૂંકાં પણ પ્રેરણાદાયી લેક્ચર્સ યોજે છે. એ જ સંસ્થાએ ‘ટેડ-એડ’ નામે, ફ્રી એજ્યુકેશનલ કન્ટેન્ટ (મુખ્યત્વે એનિમેશન) તૈયાર કરવાનું શરૂ કર્યું છે (ખાન એકેડેમીના સ્થાપક ટેડ-એડના પણ સલાહકાર છે).

‘શહેરનાં બધાં વૃક્ષો કાપી નાખવામાં આવે તો શું થાય?’ કે ‘ગૂગલ તમારી યાદશક્તિ મારી રહ્યું છે?’ જેવા વિષયો પરનું એનિમેટેડ કન્ટેન્ટ ચોક્કસ જિજ્ઞાસાને પવન આપે એવું છે. કોરોનાના પાપે વિદ્યાર્થીઓ માટે સ્કૂલે જવું મુશ્કેલ બન્યું છે, એમાં એ કુદરતથી તો સાવ દૂર થઈ જાય એ સ્વાભાવિક છે. આથી નેશનલ જ્યોગ્રાફિક, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, બીબીસી વગેરેએ સાથે મળી, ‘ટેડ-એડ’ના નેજા હેઠળ ‘અર્થ સ્કૂલ’ શરૂ કરી છે, જેમાં કુદરતનાં વિવિધ પાસાં ઘેરબેઠાં સમજવાની તક મળે છે. ટેડ-એડની આ સિવાય પણ બીજી ઘણી પ્રવૃત્તિ છે.
નિષ્ણાતો કહે છે કે આજનો વિદ્યાર્થી આવતી કાલે ડોક્ટર કે વકીલ બનવા માગતો હોય, તો પણ તેણે કમ્પ્યૂટર કોડિંગ પર હાથ અજમાવવો જોઈએ. કોડિંગ મૂળ તો, વિવિધ બાબતો વિશે પગલાં લેવા માટે કમ્પ્યૂટરને સમજાય એ રીતે સૂચનાઓ આપવાની વાત છે, પણ એ માટે દરેક બાબતનું જબરજસ્ત વિશ્લેષણ કરવાની અને એક જ બાબત પર અનેક બાજુએથી વિચાર કરવાની ક્ષમતા જોઈએ.

બાળકોમાં નાની ઉંમરથી આવી ક્ષમતા કેળવવા માટે કોડ.ઓર્ગ નામની એક નોન-પ્રોફિટ સંસ્થા પ્રયત્નશીલ છે. તે ઇન્ફોસિસ ફાઉન્ડેશન, માઇક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક, એમેઝોન વગેરે સંખ્યાબંધ કંપનીઓના સહયોગથી ચાલે છે.
આપણે એક-એક કલાકના કોર્સમાં જોડાઈ કમ્પ્યૂટર સાયન્સની પાયાની બાબતો જાણી શકીએ છીએ. અહીં બ્લોક્સ ગોઠવીને કોડિંગ શીખવતી અનેક એક્ટિવિટી પણ છે. દુનિયાભરના ટીચર આ સાઇટ પર પોતાની રીતે કમ્પ્યૂટર સાયન્સ શીખવતા કોર્સ રજૂ કરી શકે છે.
બાળકો અથવા તો કોડિંગ શીખવાની બાબતે બાળક કહી શકાય એવી કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટેની વધુ એક સર્વિસ.
‘ગ્રાસહોપર’ એ ગૂગલના કોડર્સે તૈયાર કરેલી એક ફ્રી સર્વિસ છે અને ‘કોડ વિથ ગૂગલ’ પ્રોગ્રામનો એક ભાગ છે. આ સર્વિસ વેબ વર્ઝન તથા એન્ડ્રોઇડ અને આઈઓએસ એપ સ્વરૂપે ઉપલબ્ધ છે.

આ સર્વિસમાં કોડની મદદથી એનિમેશન કેવી રીતે તૈયાર કરાય, એચટીએમએલ તથા સીએસએસની મદદથી વેબસાઈટ કેવી રીતે બનાવી શકાય વગેરે બાબતો રમત-રમતમાં શીખી શકાય છે. તેમાં ફોકસ સીધું જ એક્શન પર છે, કરતા જાઓ અને શીખતા જાઓ!
અત્યારે આ એપમાં સૌથી વધુ લોકપ્રિય પ્રોગ્રામિંગ લેંગ્વેજ જાવાસ્ક્રીપ્ટ શીખી શકાય છે (મોટા ભાગના પ્રોફેશનલ ડેવલપર્સ આ લેંગ્વેજનો ઉપયોગ કરે છે), પણ અંતે આ કન્સેપ્ટ્સ બધી લેંગ્લેજમાં કામ લાગી શકે છે. હાલમાં આ સર્વિસ માત્ર ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે.

ઇન્ફર્મેશન ટેકનોલોજી ફીલ્ડની મુશ્કેલી એ છે કે તેમાં શીખવા જેવી અનેક બાબતો છે. આ સાઇટ આઇટી ફીલ્ડમાં થોડા ઘણા આગળ વધી ગયેલા લોકો માટે છે, તેમ છતાં, તમે આઇટીમાં ઝંપલાવવાનું વિચારતા હો અને ક્યાંથી શરૂઆત કરવી એ મૂંઝવણ હોય તો આ સાઇટ પર એક નાની ક્વિઝનો લાભ લઈ શકો છો. પ્રામાણિક જવાબો આપશો તો તમારી પર્સનાલિટી મુજબ, આઇટીમાં કઈ દિશામાં જવું જોઈએ એ સાઇટ તમને સૂચવશે. એ સિવાય સાઇટ પર પોતાની રીતે પણ કમ્પ્યૂટર લેંગ્વેજ અને વિવિધ સબ્જેક્ટ અનુસાર ઉપલબ્ધ કોર્સિસ તપાસી શકીએ છીએ.
અહીં ફ્રી અને પેઇડ બંને પ્રકારના એકાઉન્ટ છે, તમે આઇટી કરિયર માટે બહુ સીરિયસ ન હો તો ફ્રી એકાઉન્ટમાં પણ ઘણું બધું જાણી શકો છો. તમે આઇટીમાં જ કરિયર વિશે સીરિયસ હો, પણ બજેટ ટાઇટ હોય તો પણ, અહીં મફતમાં ઘણું બધું શીખી શકાશે.
શિક્ષણની દુનિયામાં ‘માસિવ ઓપન ઓનલાઇન કોર્સ’ (એમઓઓસી)થી જ જબરું પરિવર્તન આવી રહ્યું છે. એમઓસીસી મૂવમેન્ટ શરૂ કરવાનું શ્રેય આ સાઇટને આપી શકાય.
મેસેચ્યુસેટ્સ્ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)ના એક ભારતીય પ્રોફેસરે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનું શિક્ષણ સૌ સુધી પહોંચાડવાનું બીડું ઉપાડ્યું, તેમાંથી ઓનલાઇન કોર્સિસનો ટ્રેન્ડ શરૂ થયો.

આ સાઇટ પર ટેક્નોલોજી ઉપરાંત અનેક વિષય પરના ઓનલાઇન કોર્સ ઉપલબ્ધ છે અને તેમાં સ્પષ્ટપણે જણાવેલું હોય છે કે જે તે કોર્સ ફ્રી છે, સર્ટિફિકેટ જોઈતું હોય તો પેઇડ છે અથવા પહેલેથી નિશ્ચિત ફી ચૂકવવી પડશે. અમુક અઠવાડિયાંના ફ્રી કોર્સથી માંડીને એક-દોઢ વર્ષના અને એક-દોઢ લાખ રૂપિયની ફીવાળા કોર્સ પણ અહીં મળશે. ટૂંકમાંથી વિવિધ વિષયમાં પાયાથી શરૂ કરી, તમારું નોલેજ ખાસ્સું વિસ્તારવા માટે ઉપયોગી ઘણા કોર્સ અહીં મળશે.
અહીં આપણે નાનાં બાળકોની બિલકુલ અનૌપચારિક કેળવણીથી શરૂઆત કરી અને આવતા દાયકાની ટેક્નોલોજિસમાં એક્સપર્ટ બનાવી શકે એવા, છતાં ઘેરબેઠાં અને લગભગ મફતમાં ભણી શકાય એવા કોર્સની વાત કરી.
તમે તમારી રીતે આવી બીજી ઘણી સાઇટ્સ શોધી શકશો. ‘સાયબરસફર’માં અગાઉ પણ આપણે આવી સાઇટ્સ અને તેના કોર્સિસની વાત કરી છે.

મહત્ત્વનો મુદ્દો એ છે કે આ બધું હાલના શિક્ષણને બાજુએ મૂકવા માટે નથી. સ્કૂલમાં કે કોલેજમાં જે ભણી રહ્યા હોઈએ તે વિશે વધુ જાણવું હોય કે નોકરીએ ચઢી ગયા પછી પણ આપણું નોલેજ વિસ્તારવું હોય તો આ બધું જબરું ઉપયોગી થાય તેમ છે.
પરંતુ આ બધું એ જ લોકોને ઉપયોગી થશે જે પોતાની રીતે, શિસ્તબદ્ધ રીતે આવી સાઇટના કન્ટેન્ટ કે નિશ્ચિત કોર્સમાં આગળ વધી શકે છે. સ્કૂલ-કોલેજ કરતાં શિક્ષણની આ રીત બિલકુલ જુદી છે. તેમાં ટાઇમ-ટેબલ પણ આપણે પોતે જ સેટ કરવાનું હોય છે. હોમવર્ક હશે, પણ કરવું કે ન કરવું એ આપણી મરજીની વાત હશે. તેમાંય, કોર્સની ફી ચૂકવી ન હોય ત્યારે કોર્સમાંથી અધવચ્ચે ‘રસ ઊડી જાય’ એવું પણ બની શકે છે! એટલે તમારું લક્ષ્ય માત્ર માર્ક્સ નહીં, ખરેખરું એજ્યુકેશન, નોલેજ હોય તો જ આવી સાઇટ્સમાં આગળ વધજો!

