(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આખરે શું છે આ ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇન?

ફરી એક વાર બિટકોઇનની ગાજવીજ શરૂ થઈ છે. બિટકોઇનના પ્રતાપે એલન મસ્ક રાતોરાત ૧૫ અબજ ડોલર ગુમાવી બેઠા, તો બીજી તરફ ભારતમાં તેના પર પ્રતિબંધની વાતો ચાલી રહી છે. આપણે બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભ સાથે, ક્રિપ્ટોકરન્સી શું છે એ સમજીએ.

છેલ્લા થોડા સમયથી દુનિયા આખીમાં બિટકોઇન બહુ ગાજે છે અને હમણાં હમણાં તો તેમાં હજી વધુ ઊંચનીચ જોવા મળી. એક તરફ અમેરિકાની ટેસ્લા અને સ્પેસએક્સ જેવી ટેકકંપનીઝના સર્વેસર્વા એલન મસ્કે ક્રિપ્ટોકરન્સીમાં જંગી રોકાણ કર્યું છે અને કાર માટે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાનો નિર્ણય લીધા પછી બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીના ભાવમાં વધુ એક વખત ઉછાળો આવ્યો છે.

જોકે ક્રિપ્ટોકરન્સી માટે વધુ પડતો ઉત્સાહ બતાવવાનું ખુદ એલન મસ્કને બહુ મોંઘું પડ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ટેસ્લા કંપનીએકે બિટકોઇનમાં ૧.૫ અબજ ડોલરનું રોકાણ કર્યું એ સાથે બિટકોઇનના ભાવ ઊંચકાવા લાગ્યા. એ પછી ફેબ્રુઆરીની  વીસમી તારીખે એલન મસ્કે એક ટ્વીટ કરી જે તેમને માટે બહુ વસમી નીવડી. તેમણે હળવા અંદાજમાં ટ્વીટર કરી કે બિટકોઇન અને તેના હરીફ જેવી ઇથર નામની ક્રિપ્ટોકરન્સીના ભાવ ‘ઊંચા તો લાગે છે’. બસ, આટલી વાતમાં બિટકોઇન અને ટેસ્લા કંપની બંનેના ભાવ ગગડ્યા. ટેસ્લા કંપનીના શેર તો એવા ગગડ્યા કે જોતજોતામાં એલન મસ્કની અંગત મૂડીમાં ૧૫ અબજ ડોલરનું ધોવાણ થઈ ગયું અને તેઓ વિશ્વના સૌથી શ્રીમંતોની યાદીમાં ટોચ પરથી બીજા ક્રમે ધકેલાઈ ગયા!

બીજી તરફ ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સીની બાબતે ઊંચનીચ ચાલી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વર્ષ ૨૦૧૮માં ભારતમાં બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીઝની લેવડદેવડ પર પ્રતિબંધ લાદ્યો હતો, તેને થોડા સમય પહેલાં સર્વોચ્ચ અદાલતે રદ કરી દીધો. એ જ સમયગાળામાં, રિઝર્વે બેન્કે યસ બેન્કમાંથી રૂપિયા પચાસ હજારથી વધુ રોકડના ઉપાડ પર રોક લગાવી દીધી હતી.

આમ તો આ બંને ઘટનાને એકબીજા સાથે કોઈ સીધો સંબંધ નથી અને છતાં છે.

યસ બેન્ક અને તેના જેવી બીજી ઘણી બેન્ક ‘અચાનક’ ભીંસમાં આવી જાય છે ત્યારે સરેરાશ ખાતેદારોના રૂપિયા બેન્કમાં સલવાઈ જતા હોય છે.

આપણી હાલની બેન્કિંગ વ્યવસ્થામાં નાણાં આપણી પોતાની મહેનતનાં હોવા છતાં તેના પર આપણો સંપૂર્ણ અંકુશ નથી. આપણે જે બેન્ક પર વિશ્વાસ મૂકીને તેમાં પોતાનાં નાણાં મૂક્યા હોય એ જો આંખો મીંચીને અસલામત રીતે લોન આપ્યા કરે તો યસ બેન્કના કિસ્સામાં બન્યું તેમ, નાણાં આપણાં હોવા છતાં આપણે ઇચ્છીએ ત્યારે તે પરત મેળવી ન શકીએ તેવું બની શકે છે.

વર્તમાન બેન્કિંગ વ્યવસ્થાની આ નબળાઈ સામેની બગાવત તરીકે જ ક્રિપ્ટોકરન્સીનો જન્મ થયો તેમ કહી શકાય. ક્રિપ્ટોકરન્સીમાં હાલની બેન્ક વ્યવસ્થા જેવા કોઈ એક કેન્દ્રીય તંત્રનો કોઈ અંકુશ નથી. તેમાં જડબેસલાક સલામતી સાથે લેવડદેવડને અનેક લોકોની સામુહિક સ્વીકૃતિ મળે તો જ લેવડદેવડ શક્ય બને છે. આમ છતાં આ આખી વ્યવસ્થા ટેકનોલોજીની મદદથી થતી હોવાથી ખાસ્સી ઝડપી થાય છે.

દરમિયાન, હવે ભારતમાં ફરી ગમે ત્યારે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે. રાકેશ ઝુનઝુનવાલા જેવા અબજપતિ અને શેરબજારના ટોચના રોકાણકારે પણ એવો અભિપ્રાય આપ્યો છે કે ભારત સરકારે બિટકોઇ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

બિટકોઇન વિશેની આ બધી આગ અને ધુમાડા વચ્ચે આપણા જેવા સરેરાશ લોકોને સવાલ એ થાય કે આ બિટકોઇન આખરે છે શું? ક્રિપ્ટોકરન્સી વિશેની આપણી ગૂંચવણો અહીં ઉકેલવાનો પ્રયાસ કરીએ.

ક્રિપ્ટોકરન્સી, બિટકોઇન, બ્લોકચેઈન વગેરેમાં ફેર શું છે?

ક્રિપ્ટોકરન્સી એ ડિજિટલ કરન્સી માટે વપરાતો શબ્દ છે. જુદા જુદા દેશની સરકારો પોતપોતાના અર્થતંત્ર માટે પોતાનું ચલણ વાપરે છે અને તે, તે દેશના નાગરિકોને નોટ અને સિક્કાના ભૌતિક સ્વરૂપે પણ ઉપલબ્ધ હોય છે. જ્યારે ક્રિપ્ટોકરન્સી સંપૂર્ણપણે ડિજિટલ છે. તેનું કોઈ ભૌતિક સ્વરૂપ છે જ નહીં. ઉપરાંત, કોઈ દેશની સરકારનો તેના પર અંકુશ નથી.


બિટકોઇન એ ડિજિટલ કરન્સીનો માત્ર એક પ્રકાર છે. બિટકોઇન જેવી બીજી અનેક ડિજિટલ કરન્સી હાલ ચલણમાં છે. જ્યારે બ્લોકચેઇન એ એક ખાસ પ્રકારની ટેકનોલોજી છે, જેમાં ક્રિપ્ટોકરન્સી અને તે ઉપરાંતની બીજી ઘણી બધી બાબતોની લેવડદેવડને સામૂહિક રીતે મંજૂર કરવાની અને સામૂહિક રીતે જ તેનો રેકોર્ડ જાળવવાની વ્યવસ્થા છે.

બિટકોઇન ખરેખર શું છે?

બિટકોઇન કે ક્રિપ્ટોકરન્સી રોકડ નાણાનું ઓનલાઇન  સ્વરૂપ ગણી શકાય. દરેક બિટકોઇન વાસ્તવમાં એક કમ્પ્યૂટર ફાઇલ છે, જેને સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાંની ડિજિટલ વોલેટ એપમાં સ્ટોર કરી શકાય છે. જેમ મોબાઇલ વોલેટથી આપણે બીજા લોકો સાથે આપણા વાસ્તવિક રૂપિયાની લેવડદેવડ કરી શકીએ છીએ એ જ રીતે બિટકોઇનની તેના ડિજિટલ વોલેટની મદદથી લેવડદેવડ થઈ શકે છે.

બિટકોઇન વિશે એલન મસ્કની ટવીટ્સથી બિટકોઇન અને મસ્કની કંપની ટેસ્લા બંનેના ભાવમાં જબરજસ્ત ઊંચનીચ જોવા મળી. મસ્ક તો શ્રીમંતોની યાદીમાં બીજા ક્રમે ધકેલાઈ ગયા.

મોબાઇલ વોલેટના કિસ્સામાં આપણાં બેન્ક ખાતામાં હોય એટલા જ રૂપિયા કે આપણે તે મોબાઇલ વોલેટમાં જમા કરાવ્યા હોય એટલા જ રૂપિયાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ક્રિપ્ટોકરન્સીમાં આવી બેન્ક વ્યવસ્થા નથી, આથી કોઈ વ્યક્તિ તેના ડિજિટલ વોલેટમાં ખરેખર હયાત હોય એટલા જ બિટકોઇનનો ઉપયોગ કરી શકે એ સુનિશ્ચિત કરવા માટે બ્લોકચેઈન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

બિટકોઇન મેળવી કેવી રીતે શકાય?

મુખ્ય ત્રણ રસ્તા છે :

  1. તમારા પોતાના રૂપિયા, ડોલર, પાઉન્ડ વગેરે ખર્ચીને બદલામાં બિટકોઇન એક્સચેન્જ પાસેથી બિટકોઇન મેળવી શકો.
  2. તમે જુદી જુદી સર્વિસ કે પ્રોડક્ટ કે સર્વિસનું ઓનલાઇન વેચાણ કરીને તેના બદલામાં વાસ્તવિક કરન્સીને બદલે બિટકોઇનમાં પેમેન્ટ મેળવી શકો છો.
  3. તમે તમારા પોતાના કમ્પ્યૂટરને ક્રિપ્ટોકરન્સી નેટવર્ક સાથે જોડીને બિટકોઇન ક્રિએટ કરી શકો છો. આ અત્યંત અટપટી પ્રક્રિયા છે. તેમાં આપણે કમ્પ્યૂટરમાં ક્રિપ્ટોકરન્સી સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી તેની મદદથી અન્ય લોકોની બિટકોઇનની લેવડદેવડને મંજૂરી આપતી વિરાટ પ્રક્રિયામાં જોડાઈ શકીએ છીએ. તેને માટે આપણું કમ્પ્યૂટર જબરું પાવરફૂલ હોવું જરૂરી છે.

નિષ્ણાતોના મતે હવે આ પ્રક્રિયા એટલી અટપટી બની છે કે આપણે તેમાં જોડાઈને સફળતાપૂર્વક બીજાની લેવડદેવડને મંજૂર કરીએ અને તેના ઇનામ સ્વરૂપે આપણને બિટકોઇન મળે તેવી સ્થિતિ આવતાં વર્ષો લાગી શકે છે.

બિટકોઇન મૂલ્યવાન કેમ ગણાય છે?

બિટકોઇનની આખી વ્યવસ્થામાં કોઈ દેશની સરકાર કે બેન્કિંગ તંત્રનો અંકુશ કે અવરોધ ન હોવાને કારણે ઘણા લોકો બિટકોઇન તરફ આકર્ષાય છે. ઉપરાંત હાલની વ્યવસ્થામાં કાળું અર્થતંત્ર બાદ કરીએ તો મુખ્ય બેન્કિંગ તંત્ર સાથે જોડાયેલી દરેક વ્યક્તિ પોતાની પાસે કેટલી આર્થિક સંપત્તિ છે તે હકીકત છૂપાવી શકતી નથી. જ્યારે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં દરેક લેવડદેવડની જડબેસલાક સલામતી સાથે નોંધ રહેતી હોવા છતાં વ્યક્તિઓ ઘણે અંશે એનોનિમસ એટલે ગૂમનામ રહીને લેવડદેવડ કરી શકે છે.

જોકે આ જ કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે પણ બિટકોઇન ફેવરિટ કરન્સી બની ગઈ છે. આતંકી જૂથોની લેવડદેવડ હવે બિટકોઇનમાં થવા લાગી છે. એ જ રીતે રેન્સમવેરથી આતંક ફેલાવતા હેકર્સ પણ બિટકોઇન સ્વરૂપે આપણી પાસેથી ખંડણી વસૂલ કરે છે.

બીજી તરફ કાયદેસર ઉપયોગ માટે પણ બિટકોઇને વધુ સ્વીકૃતિ મળી રહી છે. એલન મસ્કની કંપનીએ તેની ટેસ્લા કાર ખરીદવી હોય તો બિટકોઇનમાં રકમ ચૂકવી શકાશે એવી જાહેરાત કરી તેને કારણે જ બિટકોઇનના ભાવ વધ્યા હતા.

બિટકોઇન સલામત છે?

વાસ્તવિક નાણામાં અર્થતંત્રમાં નકલી ચલણ ફરતું થઈ જવાનું જોખમ છે, જ્યારે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં એવું જોખમ નથી કારણ કે તેનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી અને બીજું, તેમાં દરેક લેવડદેવડને અનેક કમ્પ્યૂટર્સના બનેલા નેટવર્કથી મંજૂરી મળે છે. જો તમે ડિજિટલ વોલેટની મદદથી બિટકોઇનમાં લેવડદેવડ કરતા હો અને કોઈ કારણોસર એ વોલેટની એક્સેસ ગુમાવી દો તો તમે તમારા બિટકોઇન ગુમાવી બેસો એવું બની શકે. થોડા સમય પહેલાં કેનેડાનો આવો એક કિસ્સો બહાર આવ્યો હતો. એક વ્યક્તિ બીજા અનેક લોકો વતી બિટકોઇનમાં લેવડદેવડ કરતી હતી અને તેની નોંધ તેણે લેપટોપમાં રાખી હતી. એ વ્યક્તિનું અચાનક મૃત્યુ થતાં તેના ને સાથોસાથ તેની સાથે સંકળાયેલા તમામ લોકોના બિટકોઇન હંમેશ માટે લેપટોપમાં દટાઈ ગયા!

ક્રિપ્ટોકરન્સીથી બેન્કિંગ વ્યવસ્થા પડી ભાંગશે?

માત્ર થિયરીની રીતે જોઈએ તો આવું ચોક્કસ શક્ય છે. ભારતની વાત કરીએ તો આપણે વારંવાર જોયું છે કે બેન્કોના નબળા સંચાલનને કારણે અનેક થાપણદારોની મહેનતની મૂડી તેમણે હંમેશ માટે ગુમાવવાનો વારો આવી શકે છે. અત્યારે લોકો પાસે પોતાની મૂડી સાચવવાનો બેન્કથી વધુ સારો વિકલ્પ નથી એટલે ન છૂટકે તેઓ બેન્કનો આશરો લે છે. જો તેનાથી વધુ સરળ, સસ્તો અને સલામત વિકલ્પ મળે તો લોકો ચોક્કસ તેના તરફ વળે. અલબત્ત ક્રિપ્ટોકરન્સીનું તંત્ર અત્યારે સરળ નથી. તેનો ઉપયોગ કરવા જેટલું ટેકનિકલ નોલેજ બહુ મર્યાદિત લોકો ધરાવે છે. એટલે નજીકના સમયમાં ક્રિપ્ટોકરન્સીને કારણે બેન્કિંગ વ્યવસ્થા પડી ભાંગે તેવી શક્યતા નથી.

ઉપરાંત હાલની નાણા વ્યવસ્થામાં વાસ્તવિક નાણાં કોઈને કોઈ મજબૂત આધાર પર ટકેલ હોય છે. જેમ કે રિઝર્વ બેન્ક બજારમાં ફરતા રૂપિયાની સાથે તેટલા જ પ્રમાણમાં સોનું જાળવીને સંતુલન રાખે છે. જ્યારે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી આવા કોઈ મજબૂત અને વાસ્તવિક આધાર પર ટકેલું ચલણ નથી. આથી તેમાં તેના ભાવમાં જબરજસ્ત અને ઘણે અંશે અવાસ્તવિક કહી શકાય તેવી ચઢઉતર જોવા મળે છે. એ કારણે ભવિષ્યમાં ક્રિપ્ટોકરન્સીનો પરપોટો ફૂટી જાય એવું પણ બની શકે.

ભારતમાં પ્રતિબંધ મૂકાશે તો શું થશે?

ભારતમાં ફરી એક વાર બિટકોઇન સહિત ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકાવાની શક્યતા વધી છે. એવી શક્યતા દેખાઈ રહી છે કે ભારતમાં ડોમેસ્ટિક અને ફોરેન એક્સચેન્જ દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

ક્રિપ્ટોકરન્સી વિશેના આ સૂચિત ખરડાની વિગત જાહેર કરવામાં આવી નથી.

ભારતમાં અત્યારે લગભગ એક કરોડ જેટલા રોકાણકારોએ રૂપિયા દસ હજાર કરોડ જેટલા મૂલ્યનું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોવાનો અંદાજ છે. જો ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં પ્રતિબંધ આવશે તો આ રોકાણકારોને જરૂરી પગલાં લેવા માટે ૩ થી ૬ મહિનાનો સમય મળે તેવી શક્યતા છે.

પ્રતિબંધની સ્થિતિમાં રોકાણકારો પોતાની આ ડિજિટલ મૂડીને સેલ્ફ  કસ્ટડી વોલેટમાં લઈ શકશે, વિદેશમાં રહેતા લોકોને ટ્રાન્સફર કરી શકશે અથવા પોતાની ક્રિપ્ટોકરન્સી વેચીને તેને પરત પરંપરાગત ચલણમાં ફેરવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!