ભારત સરકારે લાઇસન્સ વિના ‘પબ્લિક ડેટા ઓફિસ’ ખોલવાની છૂટ આપી છે. એ કારણે પીસીઓ બૂથની જેમ દુકાને-દુકાને ‘ડેટા મળશે’ એવાં પાટિયાં જોવા મળે તો નવાઈ નહીં!
ગયા મહિને, ભારત સરકારે ‘ડિજિટલ ઇન્ડિયા’નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વનું પગલું ભર્યું અને ભારતભરમાં પબ્લિક ડેટા ઓફિસ (પીડીઓ) ખોલવાની મંજૂરી આપી દીધી. સમગ્ર યોજના ‘પ્રાઇમ મિનિસ્ટર વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ (પીએમ-વાણી)’ તરીકે ઓળખાશે. આ કારણે હવે આપણા શહેર-ગામની ગલીએ ગલીએ ‘પીડીઓ’નાં બોર્ડ દેખાય તો નવાઈ નહીં.
આ ‘પીડીઓ’ શબ્દ વાંચીને કદાચ તમારા મનમાં એવો જ બીજો એક શબ્દ ઝબક્યો હશે – પીસીઓ! વધુ વિસ્તારીને કહી શકાય કે આઇએસડી-એસટીડી-પીસીઓ! અલબત્ત, આ શબ્દ તમને તો જ યાદ આવે, જો તમે આજની ‘સ્માર્ટફોન ઓન્લી’ જનરેશનના ન હો, એટલે કે તમારી ઉંમર ૩૦-૪૦ વર્ષથી વધુ હોય!
પીડીઓની વાત કરતાં પહેલાં, થોડી વાત પીસીઓ વિશે!
પીસીઓ ક્રાંતિ
ભારતમાં ૧૯૯૦ના દાયકામાં આ એસટીડી-પીસીઓથી ટેલિફોનિક ક્રાંતિ આવી હતી. એ પહેલાંના સમયમાં, કાળા ડબલાં જેવા ફોનના સમયમાં એક શહેરમાંથી બીજા શહેરમાં ફોનથી વાત કરવી હોય તો ટ્રંક કોલ બુક કરાવવો પડતો હતો. ટેલિફોન એક્સચેન્જ ‘જ્યારે લાઇન ફ્રી થાય ત્યારે’ ક્યારેક બે-અઢી કલાક સુધી રાહ જોવડાવીને કોલ જોડી આપતી અને લોકોએ ઘાંટા પાડીને ફોનમાં વાત કરવી પડે એવો એ જમાનો હતો.
ગુજરાતી પરિવારમાં જન્મેલા અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણેલા ટેલિકોમ એન્જિનીયર સામ (મૂળ નામ સત્યન) પિત્રોડા એ આ સ્થિતિ બદલી. ઉચ્ચ અભ્યાસ પછી સામ અમેરિકા ગયા અને ટેક્નોક્રેટ તરીકે જાણીતા થયા. સામ ૧૯૮૧માં ભારત આવ્યા હતા ત્યારે તેમને અમેરિકામાંના પોતાના પરિવાર સાથે ફોનથી વાત કરવામાં એટલી મુશ્કેલી પડી કે તેમને લાગ્યું કે આનો કંઈક ઉકેલ હોવો જોઈએ.
પીસીઓને કારણે ટેલિફોનિક ક્રાંતિ આવી હતી કારણ કે ત્યારે બીજો કોઈ વિકલ્પ નહોતો. વાઇ-ફાઇ ડેટાના વિકલ્પે મોબાઇલ ડેટા છે જ – તો પીડીઓ સફળ થશે?
દરમિયાન, ૧૯૮૪માં ત્યારનાં ભારતનાં વડા પ્રધાન ઇન્દિયરા ગાંધીએ તેમને ભારત પરત આવવાનું આમંત્રણ આપ્યું. સામે એ સ્વીકાર્યું અને તેમણે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (સી-ડોટ) નામે એક સ્વતંત્ર ટેલિકોમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા શરૂ કરી. ૧૯૮૭માં તેઓ રાજીવ ગાંધીના ટેકનોલોજી સલાહકાર તરીકે તેમણે ભારતમાં ખૂણે ખૂણે નાના વેપારીઓ ચલાવી શકે તેવી ‘પબ્લિક કોલ ઓફિસ (પીસીઓ)’ શરૂ કરાવી.
એ રીતસર ટેલિફોનિક ક્રાંતિ હતી. ભારતના દરેક શહેર અને ગામડે-ગામડે, ગલીએ ગલીએમાં કાળા અક્ષરે એસટીડી-પીસીઓ લખેલાં પીળાં બોર્ડ દેખાવા લાગ્યાં. રાતના સમયે કોલ દર સાવ ચોથા ભાગનો થાય એટલે લોકો ફોન કોલ કરવા રાતના નવ વાગવાની રાહ જોતા, પીસીઓ બહાર બાંકડે લાઇન લગાવતા! પીસીઓને કારણે અનેક નાના વેપારીઓને આવકનું નવું સાધન અને દિવ્યાંગોને રોજીનું સાધન મળ્યું હતું.
પછી ખાનગી ટેલિકોમ કંપનીઓ આવવા લાગી, પીસીઓ કરતાં પણ ઘરના ફોન અને પછી તો હાથમાંના સેલફોનમાં વધુ સસ્તા દરે વાતચીત શક્ય બની અને માંડ પંદરેક વર્ષમાં આઇએસડી-એસટીડી-પીસીઓનો યુગ આટોપાઈ ગયો!
પીડીઓનું આગમન
પીસીઓને અત્યાર યાદ કરવાનું ખાસ કારણ એ કે અત્યારે ભારતમાં કંઈક એ જ જૂના સમયનું પુનરાવર્તન થઈ રહ્યું છે. આજના સમય અનુસાર, ભારત સરકાર દરેક શહેરમાં, દરેક ગામડામાં પાન કે કરિયાણાની દુકાને પીડીઓ – પબ્લિક ડેટા ઓફિસ શરૂ કરવા ધારે છે. આવા પીડીઓમાં જઈને કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઇલ ફોનમાં વાઇ-ફાઇ ઇન્ટરનેટ ડેટા મેળવી શકશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે નાના-મોટા કોઈ પણ વેપારી-દુકાનદાર પોતાની દુકાનમાં પીડીઓ ખોલી શકશે. એ માટે તેમણે કોઈ લાઇસન્સ લેવાની જરૂર નથી. આ વ્યવસ્થાના મુખ્ય પાંચ આધાર છે (જુઓ નીચેનું બોક્સ).
પીડીઓ ક્રાંતિ આવશે ખરી?
ત્રીસ વર્ષ પહેલાંના પીસીઓ અને અત્યારના પીડીઓ વચ્ચે મોટો ફેર એ છે કે ત્રીસ વર્ષ પહેલાં પીસીઓ સિવાય લોકો પાસે કોઈ વિકલ્પ જ નહોતો. આજે ભારતની લગભગ તમામ વયસ્ક વ્યક્તિના હાથમાં મોબાઇલ ફોન છે. ભારતની કુલ વસતિ કરતાં મોબાઇલ ફોન નંબર્સની સંખ્યા આગળ નીકળી ગઈ છે! ભારતની ૧૩૦ કરોડની વસતિમાંથી હવે લગભગ ૭૦ કરોડ લોકો ઇન્ટરનેટ એક્સેસ ધરાવે છે અને તેમાંથી અડધોઅડધથી વધુ લોકો મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ભારતનો એક બહુમતી વર્ગ કમ્પ્યૂટર નહીં પણ મોબાઇલથી પહેલી વાર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયો છે અને માત્ર મોબાઇલ પર જ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ રહે છે.
સાદા ફોન આવતાં પીસીઓ ભૂલાઈ ગયા અને સ્માર્ટફોન આવતાં સાયબરકાફેનો બિઝનેસ આટોપાઇ ગયો. એમ હવે, લોકોના મોબાઇલમાં ઇન્ટરનેટ છે જ, છતાં, પીસીઓ કે સાયબરકાફે જેવા પીડીઓ ઉપયોગી થશે ખરા?
જવાબ કદાચ એ વાતમાં છે કે મોબાઇલ ડેટાની સરખામણીમાં વાઇ-ફાઇ નેટ કનેક્ટિવિટી ઘણી વધુ ઝડપી છે. હાલની સ્થિતિમાં મોબાઇલમાં ડેટા અત્યંત સસ્તો છે, પણ ઝડપની બાબતે મુશ્કેલીઓ છે. આપણે ત્યાં આવતા વર્ષ, ૨૦૨૧ સુધીમાં ફાઇવજી નેટવર્ક આવી જવાની વાતો થાય છે, પણ હજી ફોરજી નેટવર્કમાં પણ સારી સ્પીડનાં ફાફાં છે. મોબાઇલ યૂઝર્સની સંખ્યાની બાબતે આપણે દુનિયામાં બહુ આગળ છીએ, પણ ઝડપની વાત આવે ત્યારે બહુ પાછળ છીએ!
મોટા ભાગના વિકસિત દેશોમાં લોકો ઇન્ટરનેટનો જેટલો સમય ઉપયોગ કરે છે તેમાંથી ૫૦થી ૭૦ ટકા જેટલો સમય તેઓ વાઇ-ફાઇનો ઉપયોગ કરે છે. ભારતમાં આ પ્રમાણ માંડ ૧૦ ટકા જેટલું છે! મોટા ભાગના લોકો પોતાના મોબાઇલમાં, ડેટા પ્લાનની મદદથી જ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેેળવે છે.
કેટલાક આંકડા પર નજર નાખોઃ
આખી દુનિયાની છઠ્ઠા ભાગની વસતિ આપણા દેશમાં છે, પણ દુનિયામાં જેટલાં વાઇ-ફાઇ હોટસ્પોટ્સ છે તેમાં આપણું પ્રમાણે દર હજારે એક કરતાં પણ ઓછું છે.
આખી દુનિયામાં દરે ૧૫૦ વ્યક્તિએ એક વાઇ-ફાઇ હોટસ્પોટ છે, જ્યારે ભારતમાં દર ૧૫૦ વ્યક્તિએ એક વાઇ-ફાઇ હોટસ્પોટ જોઈતું હોય તો બીજાં આઠ લાખ હોટસ્પોટ ઊભી કરવાપડે તેમ છે! શહેરોને બાદ કરતાં ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં ફોરજી નેટવર્કની સ્થિતિ ખાસ્સી નબળી છે. બેંગવોર જેવા આઇટી હબમાં પણ દુકાને દુકાને ‘વાઇ-ફાઇ ડબ્બા’ નામે પીડીઓ જેવો, પણ પ્રાઇવેટ કંપનીનો પ્રોજેક્ટ શરૂ થયો છે.
ભારતમાં મોબાઇલ ડેટા સસ્તો છે, પણ સ્પીડના મુદ્દે મોટી સમસ્યા છે. ગામડાંઓમાં ફોરજી નેટવર્કની સ્થિતિ સારી નથી એ જોતાં ત્યાં ‘ડેટાની દુકાન’ વધુ સફળ થઈ શકે.
આ બધું જોતાં, ગામે ગામ, દુકાને દુકાને પીડીઓની મદદથી સસ્તી, છતાં સલામત અને ઝડપી વાઇ-ફાઇ કનેક્ટિવિટી દેશના ખૂણે ખૂણે પહોંચતી હોય તો ભારતમાં ઝટપી ઇન્ટરનેટની પહોંચ હજી ઘણી વધે એમાં બેમત નહીં.
‘વાણી’ પ્રોજેક્ટ કંઈક અંશે ઇન્ટરનેટ માટેની યુપીઆઇ વ્યવસ્થા જેવો ગણી શકાય.
આ વર્ષે, લોકડાઉનમાં હૈદ્રાબાદ અને બેંગલુરુ જેવાં શહેરોમાં વર્ક-ફ્રોમ-હોમને કારણે સેલ્યુલર નેટવર્ક ડેટાનો ઉપયોગ ૭૦ ટકા જેટલો વધ્યો હતો. આ ઉપયોગ આવનારા સમયમાં હજી વધવાનો છે, એટલે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવાના એકથી વધુ રસ્તા હશે તો જ ભારતમાં સ્માર્ટફોન ખરેખર સ્માર્ટ રહી શકશે અને આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો સમય આવવાની કંઈક આશા રાખી શકીશું!
વાઇ-ફાઇ પીડીઓ કેવી રીતે કામ કરશે?
પબ્લિક ડેટા ઓફિસ
પીસીઓમાં થતું હતું, તેમ કોઈ પણ દુકાનદાર પોતાની દુકાનમાં પીડીઓ ખોલી શકશે. તેમણે કોઈ લાઇસન્સ લેવાની જરૂર નથી. તેમને પીડીઓ એગ્રિગેટર તરફથી સસ્તા ભાવે ઇન્ટરનેટ નેટા અને જરૂરી સાધનો મળશે.
પીડીઓ એગ્રિગેટર તથા એપ પ્રોવાઇડર
પીડીઓને ઇન્ટરનેટ ડેટા પૂરો પાડશે. યૂઝરને તેના ઇ-કેવાયસી પછી, આ ડેટા પીડીઓમાંથી વાઇ-ફાઇ રૂપે મેળવવા એપ પૂરી પાડશે. આ કંપનીઓએ સરકારમાં રજિસ્ટ્રેશન કરવું પડશે – અલબત્ત, કોઈ ફી વિના.
યૂઝર
પીડીઓમાં જઈને રૂપિયા ચૂકવી પોતાના મોબાઇલમાંની એપથી, નિશ્ચિત પ્લાન મુજબ વાઇ-ફાઇ ડેટા મેળવશે. પ્લાનની કિંમત ૨ થી ૨૦ રૂપિયા હશે, ગમે ત્યારે ઉપયોગ કરાશે. એક પ્લાનથી જુદા જુદા પીડીઓના ઉપયોગ વિશે હજી સ્પષ્ટતા નથી.
સેન્ટ્રલ રજિસ્ટ્રી
સામ પિત્રોડાએ સ્થાપેલી અને હવે સરકાર હસ્તકની સંસ્થા સી-ડોટ આખી વ્યવસ્થાની સેન્ટ્રલ રજિસ્ટ્રી તરીકે કામ કરશે. તે તમામ પીડીઓ, પીડીઓ એગ્રિગેટર, એપ પ્રોવાઇડર્સની વિગતોની નોંધ રાખશે અને તેમનું નિયમન કરશે.

