(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપ્સ કેવા હેતુ માટે, કેવો ડેટા એકઠો કરે છે?

વોટ્સએપમાં પ્રાઇવસી જોખમાતી હોવાનો હોબાળો મચ્યો તે પછી ઇન્ટરનેટ પર અહીં ઉપર આપેલી ઇમેજે ખાસ્સી ચર્ચા જગાવી છે.

પહેલી નજરે જ સમજાય છે કે સિગ્નલ એપ આપણો કોઈ જ ડેટા મેળવતી નથી, જ્યારે ફેસબુકની મેસેન્જર એપ આપણે તપાસતાં થાકીએ એટલો ડેટા મેળવે છે!

એપલે દરેક એપના ડેવલપરને જણાવ્યું છે કે તેણે આ રીતે, એપ કયા હેતુ માટે અને કયા કયા પ્રકારનો ડેટા એકઠો કરે છે તે યૂઝરને સ્પષ્ટ રીતે જણાવવું. ઉપરની ઇમેજમાં, છેક મથાળે ડેટા કલેક્શનના હેતુ જણાવ્યા છે અને તેની નીચે,

એ હેતુ માટે મેળવવામાં આવતા ડેટાના પ્રકાર જણાવ્યા છે. આ એક ઇમેજની મદદથી ઇન્ટરનેટ પર આપણી પ્રાઇવસી પર કેટકેટલી રીતે તરાપ મારવામાં આવે છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આપણે આ ઇમેજનાં વિવિધ પાસાં સમજીએ.

સૌથી પહેલાં તો આ ‘ડેટા લિન્ક્ડ ટુ યુ’નો સ્પષ્ટ અર્થ શું છે એ સમજીએ.

કોઈ પણ એપ સ્માર્ટફોનમાંનો આપણો ડેટા કલેક્ટ કરે ત્યારે એ ડેટા બે રીતે સ્ટોર કરી શકે છે – એક આપણી ઓળખ ન થાય એ રીતે અને બીજી, આપણી ઓળખ થઈ શકે એ રીતે. ઉપરની ઇમેજ, દરેક એપ દ્વારા એવું ડેટા કલેક્શન બતાવે છે, જે ડેટાનો આપણા એકાઉન્ટ, આપણું ડિવાઇસ કે અન્ય રીતે આપણી ઓળખાણ સાથે મેળ બેસાડી શકાય છે.

આગળની ઇમેજ બતાવે છે તેમ સિગ્નલ એપ આપણી ઓળખ સાથે જોડી શકાય એવો કોઈ પણ ડેટા મેળવતી નથી. એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેમાં એકાઉન્ટ ક્રિએટ કરતી વખતે એ ફક્ત આપણો ફોન નંબર માગે છે અને નંબરને આધારે, એ કઈ વ્યક્તિનો નંબર છે તેની વિગતો મેળવતી નથી (સિવાય કે આપણે પોતે તેને આપણું નામ જણાવીએ).

આઇમેસેજ, વોટ્સએપ અને મેસેન્જર ક્યો ક્યો ડેટા કલેક્ટ કરે છે અને તેને આપણી ઓળખ સાથે જોડે છે તે સમજવા ડેટાના પ્રકાર પણ સમજવા જેવા છે. જોકે એથી પણ પહેલાં, ક્યા હેતુ માટે આપણો ડેટા એકઠો કરવામાં આવે છે તે સમજીએ.

કેવા હેતુ માટે ડેટા?

લાલો લાભ વિના લોટે નહીં, એમ કોઈ પણ એપ આપણો ડેટા મેળવે ત્યારે એની પાછળ એનો કોઈ ચોક્કસ ઇરાદો હોય, તો જ એ જ આપણો ડેટા મેળવીને તેને સાચવવાની મહેનત કરે! જોકે એ યાદ રાખવું જરૂરી છે કે ડેટા કલેક્શન પાછળ હંમેશા બદઇરાદો જ હોય એવું  નથી.

આ છે ડેટા કલેક્શનના મુખ્ય હેતુઓ…


થર્ડ પાર્ટી એડવર્ટાઇઝિંગઃ ડેટા મેળવવાનું મુખ્ય કારણ. આપણે જે એપનો ઉપયોગ કરી રહ્યા હોઈએ તે એપની અંદર કોઈ થર્ડ પાર્ટીની જાહેરાતો બતાવવા માટે અથવા તો આવી રીતે એપની અંદર જાહેરાતો બતાવતા નેટવર્ક સાથે શેર કરવાના હેતુથી આપણો ડેટા મેળવવામાં આવે છે. એપની પોતાની જાહેરાતો બતાવવા માટે તથા આપણને ડાયરેક્ટ માર્કેટિંગ કમ્યુનિકેશન મોકલવા માટે પણ આપણો ડેટા એકઠો કરવામાં આવે છે.

એનાલિટિક્સઃ એપના ઉપયોગ વખતે આપણે કઈ કઈ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ તેની વિગતો મેળવીને એપનાં વિવિધ ફીચર્સ કેટલાં અસરકારક છે, તેમાં કેવાં નવાં ફીચર્સ લાવી શકાય તથા એપનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને કેવા લોકો ઉપયોગ કરે છે તે જાણવા માટે આપણો ડેટા મેળવવામાં આવે છે.

પ્રોડક્ટ પર્સનલાઇઝેશનઃ એપના ઉપયોગ દરમિયાન, આપણને વધુ ઉપયોગી થાય તેવી પ્રોડક્ટ, પોસ્ટ કે અન્ય સામગ્રી બતાવવા માટે આપણો ડેટા મેળવવામાં આવે છે.

એપ ફંક્શનાલિટીઃ સામાન્ય રીતે આ બાબત આપણી સિક્યોરિટી સાથે સંકળાયેલી છે. એપના અધિકૃત યૂઝર તરીકે આપણી ઓળખ સાબિત કરવા, ફ્રોડ અટકાવવા તથા એપ ક્રેશ થવાનું પ્રમાણ ઘટાડવા માટે તથા જરૂર પડે આપણી વિગતોના આધારે વધુ સારો કસ્ટમર સપોર્ટ આપવાના હેતુથી આપણો ડેટા મેળવવામાં આવે છે.

અધર પર્પઝીસઃ આમાં ઉપર જણાવ્યા સિવાયના બીજા કોઈ પણ હેતુ માટે આપણો ડેટા એકઠો કરવામાં આવે છે.

કયા કયા પ્રકારનો ડેટા?

હવે આપણે આંખ ઝીણી કરવી પડે એવી વિગતો આવે છે. જે તે એપ આપણી કઈ વિગતો મેળવે છે? જાતે જ તપાસો!

કોન્ટેક્ટ ઇન્ફોઃ જો કોઈ એપ આપણી કોન્ટેક્ટ ઇન્ફો મેળવતી હોય તો આપણું નામ અને અટક, ઇમેઇલ એડ્રેસ, ફોન નંબર, ફિઝિકલ એડ્રેસ તથા અન્ય કોઈ પણ રીતે આપણો સંપર્ક કરી શકાય તેવી બધી ઇન્ફર્મેશન તેમાં સામેલ હોય છે.

હેલ્થ અને ફિટનેસઃ આપણે જેનો ઉપયોગ કરી રહ્યા હોઇએ તે એપ અન્ય કોઈ હેલ્થ, મેડિકલ કે ફિટનેસ એપ કે સર્વિસ સાથે કનેક્ટેડ હોય તો તેમાંનો આપણો બધો ડેટા આ એપ મેળવી શકે છે. એ રીતે ફિટનેસ અને એકસરસાઇઝ સંંબંધિત ડેટા પણ આ એપ મેળવી શકે છે.

ફાયનાન્સિયલ ઇન્ફોઃ એપ આ ડેટા મેળવે છે એનો અર્થ એ કે જો એપમાં પેમેન્ટ થઈ શકતું હોય તો એ એપ પેમેન્ટનો પ્રકાર, પેમેન્ટ માટે કાર્ડ નંબર કે બેન્ક એકાઉન્ટ નંબર જેવી વિગતો સ્ટોર કરી શકે છે.

જો એપ અન્ય કોઈ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરતી હોય તો આ બધી વિગતો ડાઇરેક્ટ એ સર્વિસમાં જતી હોય છે. આ એપ આપણી ક્રેડિટ સ્કોર જેવી વિગતો પણ મેળવી શકે છે.

ગૂગલ અને ફેસબુકની નેવું ટકાથી વધુ કમાણી જાહેરાતોમાંથી થાય છે. એપલ માટે જાહેરાતોમાંથી કમાણી, કંપનીની કુલ આવકનો બહુ નાનો હિસ્સો છે.

એ ઉપરાંત આપણો પગાર, આવક, સંપત્તિ, દેવું વગેરે અન્ય આર્થિક વિગતો પણ મેળવી શકે છે (જ્યારે એપનાં ફંક્શન્સ આ બાબતોને સંબંધિત હોય ત્યારે).

લોકેશનઃ એપ કાં તો અત્યંત ચોકસાઈ સાથે અથવા થોડી કાચી રીતે આપણું લોકેશન જાણી શકે છે. આપણને વિવિધ સાઇટ્સ, એપમાં બતાવવામાં આવતી જાહેરાતોમાં આ લોકેશન મોટો ભાગ ભજવે છે.

કોન્ટેક્ટસઃ આપણા ફોનમાંના તમામ કોન્ટેક્ટસ, એડ્રેસ બુક વગેરેમાંની વિગતો એપ મેળવી શકે છે.

યૂઝર કન્ટેન્ટઃ આપણને વધુ વાંધો હોઈ શકે એવો ડેટા. આમાં આપણા ઇમેઇલ અથવા ટેકસ્ટ મેસેજિસ (એસએમએસ)ની વિગતો, સબ્જેક્ટ લાઇન, મોકલનાર તથા મેળવનાર તથા ઇમેઇલ અને મેસેજમાંનું લખાણ વગેરે બધું જ એ એપ મેળવી શકે છે. યૂઝર કન્ટેન્ટમાં આપણા ફોટો અને વીડિયો, ઓડિયો ડેટા, ગેમ રમતી વખતે આપણે જનરેટ કરેલો ડેટા, કોઈ કસ્ટમર સપોર્ટ રિકવેસ્ટ દરમિયાન આપણે જનરેટ કરેલો ડેટા વગેરે બધું જ એ એપ જાણી શકે છે, સ્ટોર કરી શકે છે અને આપણી ઓળખ સાથે સાંકળી શકે છે (આ સમજી શકાય અને સ્વીકારી શકાય એવી બાબત છે).

બ્રાઉઝિંગ હિસ્ટ્રીઃ આપણે જે તે એપનો ઉપયોગ ન કરતા હોઇએ ત્યારે પણ, બ્રાઉઝરમાં જે કોઈ વેબસાઇટ જોઈ હોય અને એ વેબસાઇટ પર આપણે જે કંઈ જોયું હોય એ બધી બાબતોનો એ એપ રેકોર્ડ રાખી શકે છે!

સર્ચ હિસ્ટ્રીઃ એપના ઉપયોગ દરમિયાન એપમાં આપણે જે કંઈ સર્ચ કર્યું હોય તેની વિગતો એપ યાદ રાખે છે.

પરચેઝ હિસ્ટ્રીઃ આપણે જે કંઈ ખરીદી કરતા હોઇએ તેની વિગતોનો એ એપ રેકોર્ડ રાખે છે. અલબત્ત એ ધ્યાને રાખવા જેવું છે કે આ બાબત જે તે એપને સંબંધિત છે.

આઇડેન્ટિફાયર્સઃ આપણી ઓળખ થઈ શકે તેવું કોઈ પણ યૂઝર આઇડી જેમ કે આપણું સ્ક્રીનનેમ, હેન્ડલ, એકાઉન્ટ આઇડી, કસ્ટમર નંબર વગેરે વિગતો એપ યાદ રાખે છે. એ ઉપરાંત જે તે ડિવાઇસનું પોતાનું આઇડી પણ હોય છે, એ પણ એપ યાદ રાખે છે. આનો ઉપયોગ પણ આપણને જાહેરાતો બતાવવા થાય છે. ઇન્ટરનેટના તોતિંગ અર્થતંત્રમાં આ આઇડેન્ટિફાયર્સની જ મોટી ભૂમિકા છે.

સેન્સિટિવ ઇન્ફોઃ એપના યૂઝરની જાતિ કે વંશીય વિગતો, જાતીય પસંદગી, સગર્ભાવસ્થા કે બાળકના જન્મની વિગતો, દિવ્યાંગપણું, ધાર્મિક કે આધ્યાત્મિક માન્યતાઓ, ટ્રેડ યુનિયનમાં સભ્યપદ, રાજકીય વિચારસરણી વગેરે બાબતો એપ એકઠી કરે છે.

આ વિગતોનો ચૂંટણીના સમયમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એપ આપણી જિનેટિક ઇન્ફર્મેશન કે બાયોમેટ્રિક ડેટા (જો ઉપલબ્ધ હોય તો) એ પણ મેળવે છે.

ફરી ઉપલી ઇમેજ તપાસો

આટલી માહિતીના આધારે, ઉપરની ઇમેજ ફરી તપાસો અને નક્કી કરો કે વોટ્સએપ કે ફેસબુક મેસેન્જરને આપણે આ બધી વિગતો આપવાની જરૂર છે?

ઘણી એપના કિસ્સામાં એવું પણ નોંધાયું છે કે એ એપને આપણે આંગળી આપીએ તો એ તરત પોંચો પકડે છે – જેમ કે કોઈ એપને આપણા મીડિયા-ફોટો એક્સેસ કરવાની મંજૂરી આપીએ તો એ ગેેલેરીમાંના તમામ ફોટોની વિગતો મેળવે છે. ઘણી એપ એ રીતે ડિઝાઇન થયેલી હોય છે કે આપણને તેને ઇન્સ્ટોલ કરીએ એ પછી તે ફોનમાં બીજી કઈ કઈ એપ છે, તેમાં કેવો ડેટા છે એ બધું પણ ‘સૂંઘવાનું’ શરૂ કરી દે છે! ઉપરાંત, ઇન્ટરનેટ પરથી કમાણી કરનારા તમામનું જાળું એવું સજ્જડ છે કે એક સર્વિસ કે કંપનીમાંથી બીજામાં આપણો ડેટા જતાં વાર લાગતી નથી!

સ્માર્ટફોન જેટલો ઉપયોગી છે એટલો જ જોખમી પણ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!