‘‘આઇટીનું ક્ષેત્ર આટલું તેજીમાં ગણાય છે, તો મારા સંતાનને કોલેજમાં સારા પર્સન્ટેજ આવવા છતાં, સારી જોબ કેમ મળતી નથી?’’ ‘સાયબરસફર’ના લેખક-તંત્રી તરીકે આ પ્રશ્નનો મારે વારંવાર સામનો કરવાનો થાય છે.
જવાબ આપવો મુશ્કેલ હોય છે.
કારણ એ છે કે માતાપિતા કોલેજના પરિણામને સારી નોકરીનો આધાર માને છે, પણ નોકરી આપનાર ઇન્ડસ્ટ્રી એવું માનતી નથી – ઇન્ડસ્ટ્રી કોલેજના પરિણામ ઉપરાંત ઉમેદવારમાં ‘બીજું ઘણું’ શોધતી હોય છે, જે ન હોય તો પછી દેખીતું છે કે નોકરી મેળવવી મુશ્કેલ બને.
જગતની ટોચની કંપનીઓ આ જ કારણે હવે આ ‘બીજું ઘણું’ જાતે જ આજના સ્ટુડન્ટને આપી દેવાનો પ્રયાસ કરવા લાગી છે. હમણાં ગૂગલે આવો ધડાકો કરીને, પોતે ડેવલપ કરેલા માત્ર છ મહિનાના કોર્સના સર્ટિફિકેટને, ચાર વર્ષના કોલેજના અભ્યાસ પછી મળતી ડિગ્રી સમકક્ષ ગણવાની જાહેરાત કરી છે.
આપણા સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, કોલેજીસ વગેરે સૌએ ગૂગલ અને તેના જેવી બીજી કંપનીઓના આ વલણમાંથી પોતપોતાની રીતે બોધપાઠ લેવા પડશે. આજના અને આવતી કાલના સમયમાં માત્ર કોલેજની માર્કશીટના સહારે સારી કારકિર્દી ઘડી શકાશે નહીં. એ પણ ખાસ નોંધવા જેવું છે કે આ વાત માત્ર આઇટીના ક્ષેત્રને લાગુ પડતી નથી! આ વખતની કવરસ્ટોરી એ જ મુદ્દા પર કેન્દ્રિત છે.
– હિમાંશુ

